અનુભૂતિ....- સવિતા શંડે, પ. બંગાળ

અનુભૂતિ....- સવિતા શંડે, પ. બંગાળ

હું લગ્ન પહેલાંની સવિતા માશાળકર. કર્જત પાસે નેરળમાં અમે રહેતા હતા. સ્મિતા દાતાર મારી સગી મોટી બહેન. ડૉ. શિરીષ દાતાર મારા બનેવી. ડૉ. અનિરુદ્ધ જોશી (પરમપૂજ્ય બાપુ) મારા બનેવીના પરમ મિત્ર હોવાથી 1984 માં જ પરમપૂજ્ય બાપુ સાથે અમારી ઓળખાણ થઈ ગઈ હતી. પરંતુ તે સમયે અમે તેમને માત્ર ડૉ. અનિરુદ્ધ જોશી તરીકે જ ઓળખતા હતા. મારી અક્કાને (સ્મિતાને) જીવલેણ બીમારીમાંથી સાજી કરનારા ડૉક્ટર, મુશ્કેલ સમયમાં તેની પડખે મોટા ભાઈના રૂપમાં અડીખમ ઊભા રહેનારા, આવા તેમના વિવિધ રૂપોનો અમે અનુભવ કરી રહ્યા હતા.

પછી 1988 માં મારા લગ્ન શ્રીકાંત શંડે સાથે થયા. મારા મિસ્ટર કોલકાતામાં સ્થાયી હોવાથી હું પણ કોલકાતાવાસી બની ગઈ. 

હવે મારા અને મારી દીકરી પર વીતેલા એક પ્રસંગ વિશે જણાવું છું. પ. બંગાળમાં રહેતા હોવાથી ઘણા બંગાળી કુટુંબો સાથે અમારો સારો પરિચય છે. આવા જ એક પરિચિત બંગાળી કુટુંબના દીકરાના લગ્ન નક્કી થયા. બંગાળી લોકોમાં લગ્ન મધ્યરાત્રિ પછી અથવા વહેલી સવારે થાય છે. આ લગ્ન પણ આવા જ 2-3 જુલાઈની મધ્યરાત્રિએ હતા. વર અને કન્યા મૂળ એક જ ગામના હતા. આ ગામ એટલે કે ચાઈપાટ નામનું એક નાનકડું ગામ. પ. બંગાળના મેદિનીપુર શહેરથી થોડા અંતરે આ ગામ આવેલું છે. લગ્ન આ ચાઈપાટમાં હતા.

અમે 2 જુલાઈના રોજ સાંજે ગામમાં પહોંચ્યા. અમારો મુકામ સ્વાભાવિક રીતે જ વરરાજાના ઘરે હતો. લગ્ન કન્યાના ઘરે થવાના હતા. ત્યાં મંડપ વગેરે બાંધવામાં આવ્યો હતો. બંને ઘરોની વચ્ચે 10-15 મિનિટનું અંતર હતું. સગાંવહાલાંઓની લાવ-લઈ કરવા માટે કેટલીક ગાડીઓ તૈયાર રાખવામાં આવી હતી. ગામમાં વીજળીની સગવડ નહોતી, તેથી બંને ઘરોની વચ્ચે જનરેટર દ્વારા લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગામમાં એ એક જ રસ્તો હતો. રસ્તાની બંને બાજુએ ઘરો અને ઘરની પાછળ તરત જ ખેતર, આવું એ ગામડું હતું.

રાત્રે કન્યાના ઘરે બધા માટે જમણવાર હતો. જમવાનું પતે ત્યાં સુધીમાં રાતના 11 વાગી ગયા હતા. હું, મારી દીકરી સંયુક્તા અને એક બહેનપણી એમ અમે ત્રણેય સાથે હતા. જમવાનું પત્યા પછી ત્રણેયે મળીને વરરાજાના ઘરે જવાનું નક્કી કર્યું. જમ્યા પછી હાથ ધોઈને ફરી મંડપમાં આવ્યા, તો પેલી બહેનપણી ક્યાંય દેખાઈ નહીં. થોડીવાર તેની રાહ જોઈને અમે બંને જ ત્યાંથી નીકળી પડ્યા. સંયુક્તાએ કહ્યું કે આપણે ચાલીને જઈએ, એટલે અમે ચાલીને જ નીકળી પડ્યા.

થોડું અંતર ચાલીને ગયા પછી સામેથી લગ્ન માટે વ્યવસ્થા કરવામાં આવેલી ગાડીઓમાંથી એક મારુતિ વાન આવી. તેમાં ફક્ત ડ્રાઈવર હતો. તમે ક્યાં જઈ રહ્યા છો, એવી તેણે પૂછપરછ કરી. 'વરરાજાના ઘર તરફ' એવું કહેવા પર તે બોલ્યો, "તમે ચાલીને કેમ જાવ છો? ગાડીમાં બેસી જાઓ. હું તમને ઘર પાસે ઉતારી દઈશ. અમને તમારી સેવા માટે જ રાખવામાં આવ્યા છે. પહેલા મંડપ તરફ જઈને હજુ કોઈ આવવાવાળા હશે તો તેમને પણ લઈને વરરાજાના ઘરે જઈશું."

તેના પર વિશ્વાસ રાખીને હું અને સંયુક્તા કારમાં બેસી ગયા. તેણે કારના બધા દરવાજા બંધ કરી દીધા અને ગાડી ચાલુ કરીને પૂરપાટ ઝડપે હંકારી મૂકી. ગાડીની સગવડ મળી ગઈ એટલે અમને થોડું સારું લાગ્યું હતું, પણ એ તો માત્ર એક ક્ષણ પૂરતું જ! વરરાજાનું ઘર પસાર કરીને ગાડી ઝડપથી આગળ નીકળી ગઈ, તો પણ ડ્રાઈવર ઊભી રાખવાનું નામ નહોતો લેતો, આ જોઈને અમારા હોશ ઊડી ગયા. અમે જીવના જોખમે તેને ગાડી ઊભી રાખવા માટે કહ્યું. પણ તેણે તે તરફ ધ્યાન ન આપ્યું અને પેટ્રોલ ભરવાનું છે એવું બહાનું આગળ ધર્યું.

હવે તો અમે ખૂબ જ ગભરાઈ ગયા. આના લક્ષણ કંઈક ઠીક દેખાતા નથી, એ અમારા ધ્યાનમાં આવી ગયું. ત્યાં સુધીમાં ગાડી ગામની બહાર પણ નીકળી ગઈ. ઘોર અંધકાર, રસ્તાની બંને બાજુ ખેતરો હતા. ગાડીની હેડલાઈટના અજવાળામાં સામેનો રસ્તો દેખાઈ રહ્યો હતો. અમે બંનેએ બાપુના નામે પોકાર કર્યો. 'બાપુ બચાવ....બાપુ બચાવ....બાપુ....બાપુ' બસ આટલો જ આક્રોશ....

કારણ કે,

હિંસ્ર શ્વાપદાહૂની ઘોર જગતી।

રક્ષિણ્યા ભગિનીલા સદૈવ દક્ષ શ્રીપતિ॥

અમારો પોકાર ચાલુ જ હતો....

....અને અચાનક ગાડીથી થોડા અંતરે બાજુના ખેતરમાંથી બે વ્યક્તિઓ રસ્તા પર આવ્યા. ગાડીની લાઈટના અજવાળામાં તેઓ અમને દેખાઈ રહ્યા હતા. બંને વ્યક્તિઓએ સફેદ શર્ટ પહેર્યા હતા. બંનેએ રસ્તો રોકીને ગાડી ઊભી રખાવી. આટલી રાત્રે ક્યાં જઈ રહ્યા છો, એવું તેમણે ડ્રાઈવરને ધમકાવીને પૂછ્યું. અમે બંને કંઈ બોલવાની મનઃસ્થિતિમાં નહોતા જ. ડ્રાઈવરે બહાના બનાવવાના શરૂ કર્યા. કહેવા લાગ્યો 'યુ-ટર્ન માટે જગ્યા શોધી રહ્યો હતો.' અમારા ચહેરા, ડ્રાઈવરનો જવાબ અને ગામથી આટલી દૂર આવેલી ગાડી જોઈને તેઓ બધું સમજી ગયા. તે બંને જણા ગાડીમાં બેઠા. અમને હિંમત આપી. ડ્રાઈવરને ગાડી પાછી વાળવા મજબૂર કર્યો અને અમને વરરાજાના ઘરે છોડી દીધા. "તમે કોણ છો? ગામથી આટલી દૂર તમે રાત્રે શું કરી રહ્યા હતા?" એવો પ્રશ્ન તેમને પૂછવાનું ભાન પણ અમને રહ્યું નહીં. અમે હેમખેમ અમારા પોતાના લોકો વચ્ચે પહોંચી ગયા. તે બંને કોણ હતા એ અમને ખબર નથી, પરંતુ અમારા માટે તો તે બાપુ અને સુચિતદાદા જ હતા. 

આ અનુભવ પરથી મને ખાતરી થઈ ગઈ કે,

પ્રત્યક્ષ અનુભૂતિ હેચિ તુઝે વર્મ।

ન લાગે મધ્યસ્થ હાચિ તુઝા ધર્મ।

પછી બે દિવસ અમે એ ગામમાં રહ્યા. લગ્ન સમારંભ પૂરો થયા પછી આસનસોલ નામના ગામે અમારા ઘરે પાછા ફર્યા.


Comments

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ