ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વણકહ્યા ઇતિહાસની ઝલક - ભાગ - 24

ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વણકહ્યા ઇતિહાસની ઝલક - ભાગ - 24

“બાળ ગંગાધર ટિળક નાનપણથી જ અત્યંત સ્વતંત્ર વિચારોના, લડાયક મિજાજના અને અન્યાય વિરુદ્ધ મક્કમપણે ઊભા રહેનારા હતા.

તેઓ 16 વર્ષના હતા ત્યારે તેમના પિતા ગંગાધર ટિળકનું ટૂંકી માંદગી બાદ 1872માં મૃત્યુ થયું. તે સમયે બાળ ગંગાધર ટિળક ફક્ત 16 વર્ષના હતા અને તેમના લગ્ન પણ થઈ ગયા હતા. તેમની પત્નીનું પિયરનું નામ ‌‘તાપીબાઈ‌’ હતું અને સાસરીયે તેમનું નામ ‌‘સત્યભામાબાઈ‌’ હતું.

લોકમાન્યના લગ્ન પછી માંડ છ મહિનાની અંદર ગંગાધરરાવ ટિળકનું મૃત્યુ થવાને કારણે તેમના કેટલાક સગા-સંબંધિઓ અને કેટલાક ગામવાસીઓ સત્યભામાબાઈને દોષ દેવા લાગ્યા. તેના અશુભ પગલાને લીધે જ તેના ઘરમાં આવ્યા પછી વર્ષની અંદર સસરાનું મૃત્યુ થયું. તે જમાનામાં આવી ખોટી માન્યતાઓ ભારતમાં બધે જ ફેલાયેલી હતી અને આવી ઘટનાઓમાં સંડોવાયેલી સ્ત્રીને ‌‘સફેદ પગની, અપશુકનિયાળ અને અશુભ પગલાવાળી‌’ કહીને ઉતારી પાડવામાં આવતી હતી.

લોકમાન્યને તેમના પિતાની તેરમાની વિધિ કરતી વખતે આ વાત ખાસ ધ્યાનમાં આવી, કારણકે તે દિવસે સત્યભામાબાઈ પીરસવા આવ્યા પછી કોઈપણ વ્યક્તિ કંઈપણ લેતી નહોતી અને તે જ વસ્તુ, તે જ પદાર્થ બીજી કોઈ સ્ત્રી પીરસવા આવતી તો લઈ લેતા હતા.

લોકમાન્ય પોતે પણ પંક્તિમાં જમવા બેઠા હતા કારણકે મૃત વ્યક્તિના નજીકના સંબંધી, ખાસ કરીને પરિવારના સભ્ય, તેરમાની પંક્તિમાં હોવા જરૂરી હતા. તે વ્યક્તિ પહેલો કોળિયો લે ત્યારપછી જ બીજા લોકોનું ભોજન શરૂ થતું. લોકમાન્યની ચતુર નજરે સત્યભામાબાઈની મૂંઝવણ જોઈ લીધી. પરંતુ એક તો તેમની પોતાની ઉંમર ખૂબ નાની હતી અને આવું માનનારા લોકોની સંખ્યા ખૂબ મોટી હતી. ટિળકે કોઈને પણ દુઃખ પહોંચાડ્યા વગર એનો રસ્તો કાઢી બતાવ્યો.

લોકમાન્યએ એક ખૂણામાં ઉદાસ થઈને ઊભેલા 14 વર્ષના સત્યભામાબાઈને નજરથી જ સમજાવ્યા અને વડા પીરસવા આવવા માટે ઈશારો કર્યો. તેઓ વડાની થાળી લઈને પીરસવા આવ્યા ત્યારે ટિળકે એકદમ શાંતિથી પોતાના પાન પર પાંચ-છ વડા પીરસી લીધા અને તે પણ સત્યભામાબાઈના હાથે જ.

પહેલા તો તેઓ ખૂબ જ ગભરાઈ ગયા અને તેમનો હાથ ધ્રૂજતો હતો. પરંતુ ટિળકે એકદમ કડક અવાજમાં આખી પંક્તિમાં સંભળાવ્યું કે, “હું નકામી ગેરસમજો અને અંધશ્રદ્ધાને કોડીની પણ કિંમત આપતો નથી. મારા પિતા આપણું લગ્ન નક્કી થવા પહેલાથી જ બીમાર હતા. તમારા ગૃહપ્રવેશને લીધે કંઈ પણ અશુભ થયું નથી.”

ટિળકે આ શબ્દો સ્પષ્ટપણે કહ્યા પછી બીજા પણ કેટલાક સમાન વિચારધારાવાળા લોકોએ સત્યભામાબાઈ પાસેથી જાણી જોઈને વડા મંગાવીને લીધા. તેમના કડક અવાજ અને વિચારોની સ્પષ્ટતાની એવી અસર થઈ કે બીજા કોઈ વિરોધ કરી શક્યા નહીં.

તે રાત્રે પોતાના મિત્રો સાથે આ જ વિષય પર વાતો કરતા બેઠેલા ટિળકને, તેમના મિત્રોએ વાતો વાતોમાં ભાન કરાવ્યું - “બાળ! તારો મક્કમ ચહેરો, કડક અવાજ અને વિચારોની સ્પષ્ટતા આગળ એકદમ કટ્ટર વિરોધીઓ પણ ચૂપ થઈ ગયા. તું આગળ જઈને મોટો નેતા બની શકીશ.” ટિળક આ વાત પર ફક્ત હસ્યા અને બોલ્યા, “આટલી નાની વાત પર તમે મને સીધો ભારતનો નેતા બનાવી દીધો. હું તો આ ગામડાનો ફક્ત મેટ્રિક પાસ થયેલો છોકરો છું.”

એટલામાં ટિળકના ખભા પર હાથ મૂકીને, તેમને શાબાશી આપતા ટિળકની પાછળથી આવેલા તેમના શિક્ષક ચિંતામણી બર્વે આગળ આવીને બોલ્યા, “બાળ! તારા આ મિત્રોનું કહેવું એકદમ સાચું છે. આ પ્રસંગ બન્યો ત્યારે હું પણ ત્યાં જ હતો. હું છેલ્લા 25 વર્ષથી રત્નાગિરી જિલ્લાની મુખ્ય શાળામાં ભણાવતો આવ્યો છું અને છેલ્લા બે વર્ષથી આ ગામમાં પોતાની ઈચ્છાથી આવ્યો છું.

તારા જેવો ખુમારીવાળો સ્વભાવ અને સ્પષ્ટ વિચારો ધરાવતો એક પણ વિદ્યાર્થી કે શિક્ષક કે વડીલ નાગરિક મને મળ્યો નથી. લોકો ઘરગથ્થુ ઝઘડા તો બહુ કરે છે. પરંતુ એક વૈચારિક મુદ્દા પર મક્કમપણે વિચાર રજૂ કરીને બધાનો વિરોધ કરવાનું સાહસ કરનાર તારા સિવાય મને કોઈ મળ્યું નથી.

બાળ! તું ખરેખર ભારતનો ભાગ્યવિધાતા બની શકીશ. હું મનથી કહું છું કે તું રત્નાગિરી છોડીને પુણે અથવા મુંબઈ જઈને ઉચ્ચ શિક્ષણ મેળવ. આ બ્રિટિશ કોલેજોમાં ભણતી વખતે દુનિયાની ઘટનાઓની માહિતી મળવા લાગે છે અને તેનાથી આપણું અનુભવ વિશ્વ વિસ્તરે છે. સાથે જ આ ઈંગ્લિશ કોલેજોમાં મોટી મોટી લાયબ્રેરીઓ (Libraries) છે. તેમાં રહેલા પુસ્તકો આખી દુનિયાનું જ્ઞાન આપે છે એવું મેં સાંભળ્યું છે. તું આ ગ્રંથોનો અભ્યાસ કરીને તારી આ ખુમારીને વધુ પરિપક્વ બનાવી શકીશ. બ્રિટિશરોએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, રાવસાહેબ પેશવા અને તાત્યા ટોપેનું શું કર્યું? તને આ ઈતિહાસ ખબર જ છે. મેં જ તો તમને વિદ્યાર્થીઓને આ છેલ્લા બે વર્ષમાં ભણાવ્યું છે. બ્રિટિશરો ભારતને અક્ષરશઃ લૂંટી રહ્યા છે અને ભારતીય સંસ્કૃતિનો પણ નાશ કરી રહ્યા છે. તારા જેવા નેતાની ભારતીય જનતાને અત્યંત જરૂર છે. આપણા રાજા-મહારાજાઓ મર્યાદિત અધિકારોમાં ખુશ છે અને પોતાને બ્રિટિશ સમજવા લાગ્યા છે.

પરંતુ યાદ રાખજે કે તાત્યા ટોપેને કેવી રીતે ફાંસી આપવામાં આવી, મંગલ પાંડેની પણ એ જ હાલત થઈ અને વીરાંગના રાણી લક્ષ્મીબાઈ પણ કપટથી માર્યા ગયા અને ત્યારબાદ આવેલી બ્રિટિશ સરકારે વેરવૃત્તિથી ભારતના અલગ-અલગ જિલ્લાઓમાં અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓને ફાંસીએ ચડાવ્યા. તેથી તું તારો માર્ગ સાવચેત રહીને નક્કી કરજે કારણ કે બ્રિટિશરોની સત્તા ખૂબ જ પ્રબળ થઈ ગઈ છે.”

બર્વે માસ્તર અને બાળના મિત્રો ત્યાંથી ગયા પછી બાળ ગંગાધર ટિળક એકલા જ આંગણામાં વિચાર કરતા બેઠા. તેમને બર્વે માસ્તરની વાત પૂરેપૂરી ગળે ઉતરી હતી અને તેમના મનમાં પોતાના ભવિષ્ય વિશે અનેક વિચારો વ્યવસ્થિત રીતે આવવા લાગ્યા હતા કારણ કે ટિળકના પોતાના મનમાં પણ આવા વિચારો એક-બે વર્ષથી સતત આવતા હતા.

આખી રાત ટિળક જાગતા જ રહ્યા. તેમણે પુણે જવાનો નિર્ણય લીધો અને 1873માં તેઓ પુણેની ડેક્કન કોલેજના વિદ્યાર્થી બન્યા અને તે કોલેજમાંથી જ તેમણે ‌‘બી.એ. મેથેમેટિક્સ‌’ (ફર્સ્ટ ક્લાસ) ની ડિગ્રી મેળવી.

ટિળક પદવી માટે ગણિતનો અભ્યાસ જરૂર કરતા હતા; પરંતુ ડેક્કન કોલેજની સમૃદ્ધ લાયબ્રેરીમાં બેસીને પોલિટિક્સ, ફિલોસોફીના અભ્યાસની સાથે જ સંસ્કૃત ગ્રંથોનો પણ અભ્યાસ કરતા રહ્યા.

તેમણે 1877માં જ એમ.એ.માં એડમિશન લીધું અને અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસના અંતે તેમનો એક મત પાક્કો થયો હતો - ‌‘ધર્મ, અધ્યાત્મ અને વ્યવહારિક જીવન એ એકબીજાથી જરાપણ અલગ કરી શકાય નહીં. ફક્ત પોતાના વિશે વિચારીને પોતાના માટે જીવવાને બદલે પોતાના રાષ્ટ્રને જ પોતાનો પરિવાર માનવો જરૂરી છે અને અત્યારે તેની જ ખૂબ જરૂર છે. દેશસેવા પછીનું પગથિયું એટલે માનવતા, સેવા એટલે કે ગરીબ-દુખિયાઓની સેવા અને સર્વોચ્ચ પગથિયું એટલે વ્યક્તિગત જીવન, કૌટુંબિક જીવન, રાષ્ટ્રસેવા અને માનવસેવા આ બધા માર્ગો પર ચાલતા ચાલતા જ ઈશ્વર સાથે અનુસંધાન સાધવું.‌’

ટિળકે બ્રિટિશ પ્રોફેસરો અને બીજા બ્રિટિશ અધિકારીઓનું વર્તન જોઈને રાજકારણમાં ઉતરવાનો નિર્ણય પાક્કો કરી લીધો હતો અને તેથી જ તેમણે એમ.એ. નો અભ્યાસ અધવચ્ચે છોડીને મુંબઈની ‌‘ગવર્નમેન્ટ લો કોલેજ‌’માં એડમિશન લીધું.”

(કથા ચાલુ)

Comments