ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઈતિહાસ, જે સામાન્ય રીતે જાણીતો છે, તે એક મહાન અને ગહન ગાથાનો માત્ર એક અંશ છે. પરિચિત નામો અને જાણીતા સીમાચિહ્નોથી પર એક વણકહી કથા છે, જે એવા સ્ત્રી-પુરુષો દ્વારા ઘડવામાં આવી છે જેમના બલિદાન ઓછા નહોતા, તેમ છતાં તેમની વાર્તાઓ ઈતિહાસનાં પુસ્તકો અને સ્મૃતિમાંથી ગેરહાજર રહી છે. 'દૈનિક પ્રત્યક્ષ'માં પ્રકાશિત તેમના આંતરદૃષ્ટિપૂર્ણ તંત્રીલેખોમાં, ડૉ. અનિરુદ્ધ ડી. જોશી આ વિસ્મરાયેલા ઈતિહાસને પ્રકાશમાં લાવે છે. તેઓ યોદ્ધાઓ, વિચારકો અને મૂક મશાલચીઓ જેવા અસાધારણ વ્યક્તિત્વોના જીવનને ઉજાગર કરે છે જેઓ તેમની માતૃભૂમિ પ્રત્યે અટલ પ્રતિબદ્ધતા, સાહસ અને ભક્તિ સાથે ઉભા રહ્યા હતા.
જેમ જેમ વૃત્તાંત આગળ વધે છે તેમ તેમ અસંખ્ય વણસાંભળ્યા નામો સામે આવે છે, એવી વ્યક્તિઓ કે જેમના જીવન વીરતા, બલિદાન અને સ્વતંત્રતા માટેના અતૂટ સંકલ્પ દ્વારા વ્યાખ્યાયિત હતા. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી પ્રતિષ્ઠિત હસ્તીઓની સાથે તેમના એટલા જ વીર સાથીદારો ઉભરી આવે છે, જેમની બહાદુરી તેમની સાથે મેળ ખાતી હતી પરંતુ ઈતિહાસ તેમના નામ સાચવવામાં નિષ્ફળ રહ્યો હતો. આ વૃત્તાંત પછી બાળ ગંગાધર ટિળકના યુગમાં પ્રવેશ કરે છે, જે તેમની જાણીતી જાહેર છબી કરતાં વધુ ઊંડા આયામને પ્રગટ કરે છે. આગળ વધતા, આ તંત્રીલેખો અસંખ્ય ઓછા જાણીતા ક્રાંતિકારીઓ, આયોજકો અને સમર્પિત કાર્યકરોને ઉજાગર કરશે જેઓ તેમની સાથે ઉભા રહ્યા હતા. તેમના મૂક બલિદાન, બૌદ્ધિક કઠોરતા અને નિર્ભય કાર્યોએ સ્વતંત્રતા ચળવળની કરોડરજ્જુ બનાવી હતી પરંતુ તે મોટાભાગે અલિખિત રહી હતી કારણ કે આ સાચા અનામી નાયકોને કહેવાતા ઈતિહાસકારો દ્વારા અવગણવામાં આવ્યા હતા.
આ માત્ર એક ઐતિહાસિક વૃત્તાંત નથી; તે ભારતની આઝાદીના અદ્રશ્ય પાયા માટે એક શ્રદ્ધાંજલિ છે. સાહસ, સમર્પણ અને નૈતિક શક્તિથી સમૃદ્ધ, આ કથાઓ આપણને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની સાચી ઊંડાઈને ફરીથી શોધવા અને જેમણે બધું જ આપ્યું પણ બદલામાં કંઈ માંગ્યું નથી તેમનું સન્માન કરવા આમંત્રણ આપે છે.
-------------------------------------------------------------------------------------
ભાગ - ૧
લેખક - ડૉ. અનિરુદ્ધ ધૈ. જોશી
તે સિવાય મલ્હારરાવની બાગાયતી જમીન પણ ખૂબ મોટી હતી. દોઢસો એકરની તો ફક્ત આંબાવાડી જ હતી. તે ઉપરાંત કેળાના બગીચા, દાડમના બગીચા, પપૈયાના બગીચા, જામફળના બગીચા મળીને લગભગ આઠસો એકર જમીન હતી. વધારાની પણ એવી જમીન હતી, જ્યાં ઘાસ ઉગાડવામાં આવતું અને તેના પૂળા બનાવીને ઢોર માટે વેચવામાં આવતા. સાત જંગલોની માલિકી પણ તેમની પાસે હતી. તે જંગલોમાંથી મોટા મોટા વૃક્ષો કાપીને, તેનાથી લાકડાના ઓંડકા અને ફળિયા બનાવવાની ફેક્ટરીઓ પણ મલ્હારરાવે તૈયાર કરી હતી. સરપણાના લાકડાનો (બાળવા માટેનું, રસોઈનું લાકડું) મલ્હારરાવનો વ્યવસાય પણ એકદમ જોરશોરથી ચાલી રહ્યો હતો.
તે ઉપરાંત બસો એકર જમીન પર ગાયો, ભેંસો, બકરીઓ પાળવામાં આવેલી હતી. દૂધનો વ્યવસાય પણ મજબૂત ફાયદાકારક હતો અને ગયા વર્ષથી રામચંદ્રએ, મલ્હારરાવના એકમાત્ર લાડકા દીકરાએ મરઘાપાલન (પોલ્ટ્રી ફાર્મ) કરવા માટે ખાસ જગ્યા લીધી હતી. ત્યાં તેવી તમામ વ્યવસ્થા પણ કરી હતી અને ગોવિંદદાજી નામના, આ ક્ષેત્રના એક વ્યવસાયીની નોકરીમાંથી અપમાનિત થઈને બહાર નીકળેલા અનુભવી કારીગરને તેમણે ત્યાંના કારભારી નિમ્યા હતા.
તે ક્રાંતિકારીઓનો જ જમાનો હતો અને કેટલાક મરાઠી ભાષી યુવાન ક્રાંતિકારીઓ તે ગામમાં આવતા-જતા હોવાની બાતમી કોઈક વિશ્વાસઘાતી (Traitor)એ બ્રિટિશ શાસકોને આપી હતી. ભગતસિંહને બે મહિના પહેલા જ બ્રિટિશ ગવર્નમેન્ટે ફાંસી પર લટકાવ્યા હતા અને ભારતના ખૂણે ખૂણાથી ગરમ લોહી ઉકળી ઉઠ્યું હતું.
મલ્હારરાવ પર તેથી આજે ખૂબ જ ભાર પડ્યો હતો. તેમને પોતે કામમાં ઊતરવું પડ્યું હતું. તેમનો પુત્ર રામચંદ્ર પહેલા મુંબઈમાં એક સૂતરની મિલમાં વરિષ્ઠ અધિકારી તરીકે નોકરી પર હતો. પરંતુ તેની હોશિયારી અને શિક્ષણ જોઈને બ્રિટિશ ગવર્નરે રામચંદ્રને ગવર્નમેન્ટ સર્વિસ માટે પસંદ કર્યો હતો. તે મોટો ગવર્નમેન્ટ ઓફિસર બની ગયો હતો. અધિકૃત રીતે તેની પાસે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશનો દક્ષિણ ભાગ અને કર્ણાટકનો ઉત્તર ભાગ એટલા પ્રદેશનું જંગલ ખાતું હતું. તે તે વિભાગનો ત્યાંનો સર્વેસર્વા હતો. તે ડાયરેક્ટ ગવર્નરને જ રિપોર્ટિંગ કરતો હતો. તેના અને ગવર્નરની વચ્ચે બીજો કોઈપણ બ્રિટિશ ઓફિસર નહોતો અને ભારતીય અધિકારી તો હોઈ જ નહોતો શકતો.
રામચંદ્ર હંમેશા પ્રવાસમાં રહેતો. મુંબઈના ‘કોટ’ (ફોર્ટ) પરિસરમાં તેને ગવર્નમેન્ટે આપેલો ભવ્ય, ખરેખર તો ખૂબ મોટો બંગલો હતો. ગવર્નરની ડાયરેક્ટ મુલાકાત લઈ શકનારા ફક્ત બે-ત્રણ જ પ્રાંતિક અધિકારીઓ હતા. તેમનામાં રામચંદ્રનું નામ સૌથી ઉપર હતું.
એટલું જ નહીં, પરંતુ છેલ્લા ચાર વર્ષમાં તેણે બતાવેલી કામગીરીને કારણે તેની ઇન્ડિયાના વાઇસરૉય સાથે (ભારતમાં બ્રિટિશરોનો સર્વોચ્ચ અધિકારી) ત્રણ વખત મુલાકાત થઈ હતી અને તે પણ બીજું કોઈ હાજર ન હોય ત્યારે, વાઇસરૉયના સ્પેશિયલ દાલનમાં, વાઇસરૉય, આ એરિયાનો ગવર્નર અને રામચંદ્ર. આનાથી રામચંદ્રનો સારો એવો દબદબો તેના ઇલાકામાં તો હતો જ, પરંતુ મોટા પ્રમાણમાં ભારતમાં અન્યત્ર પણ હતો.
ફક્ત મલ્હારરાવને જ ખબર હતી કે રામચંદ્ર પાસે ઉપરછલ્લી રીતે ફક્ત જંગલ અને ખેતી ખાતું હોય, તો પણ ખરું તો તેની પાસે તે ઇલાકામાં સ્વતંત્રતા ચળવળ નબળી પાડતા જવાનું કામ હતું.
જ્યારે આ કામગીરી રામચંદ્ર પર સોંપાઈ, રામચંદ્રએ પોતાના પિતાને તાત્કાલિક મુંબઈ બોલાવી લીધા હતા કારણ કે મલ્હારરાવ લોકમાન્ય ટિળકના પરમ ભક્ત હતા. સ્વતંત્રતા ચળવળમાં તેઓ આગળ નહોતા દેખાતા, તો પણ તે કાર્ય માટે પૈસા પૂરા પાડવા, ગુપ્ત પત્રિકાઓ પ્રિન્ટ કરાવી લેવી, સ્વાતંત્ર્યવીરોને ગુપ્ત રીતે રહેવા માટે જગ્યા ઉપલબ્ધ કરાવી આપવી, તેમના ખાવાપીવાની અને ગુપ્તતાની કાળજી લેવી અને મુખ્યત્વે લોકમાન્યના વૃત્તપત્રના અગ્રલેખ દરરોજ સાંજે ગામલોકોને વાંચી સંભળાવવા, એવા કામો ચાલુ જ હતા.
લોકમાન્ય 1920માં અનંતમાં વિલીન થયા પછી ન. ચિં. કેળકરે તેમના વૃત્તપત્રો ચાલુ રાખ્યા હતા. ગાંધીજીના અહિંસાવાદી વિચારોનો પ્રભાવ વધતો ચાલી રહ્યો હતો. 1928ના દાંડીયાત્રામાં એટલે કે મીઠાના સત્યાગ્રહની ચળવળમાં મલ્હારરાવે ભાગ પણ લીધો હતો. પરંતુ આ જુલમી વિદેશી સત્તા અહિંસાના માર્ગે સ્વતંત્રતા આપશે તેના પરનો મલ્હારરાવનો વિશ્વાસ 28માં જ ઊડી ગયો હતો કારણ કે તેમની આંખો સામે અનેક નિઃશસ્ત્ર, નિરપરાધ, નિર્દોષ મનુષ્યોની, એકદમ વૃદ્ધ અને સ્ત્રીઓને પણ માથા ફૂટતા તેમણે જોયા હતા અને યોદ્ધાઓની પરંપરાવાળા મલ્હારરાવને તે સહન નહોતું થયું.
પરંતુ લોકમાન્ય તો ગયેલા હતા. ગાંધીજી અહિંસા માર્ગ પર મક્કમ હતા. બંગાળમાં અને પંજાબમાં ક્રાંતિકારીઓના વિદ્રોહ થઈ રહ્યાં હતા. પરંતુ સ્થાનિક ભારતીયોના વિશ્વાસઘાતને કારણે બધા ક્રાંતિકારીઓ પકડાઈ રહ્યાં હતા અને એમને ફાંસીઓ આપવામાં આવી રહી હતી અથવા સીધેસીધા બ્રિટિશરોની ગોળીઓને બળી પડી રહ્યાં હતા.
આ જોઈને મલ્હારરાવ છેલ્લા ત્રણ વર્ષથી સક્રિય સંગ્રામથી દૂર થઈ ગયા હતા. તેમને માર્ગ મળતો નહોતો. ખરું તો તેમને નેતા મળતો નહોતો. રામચંદ્રને આ ગુપ્ત કામગીરી બ્રિટિશરોએ તમામ માહિતી કાઢીને પછી જ આપેલી હતી. તેમના રિપોર્ટમાં લખેલું હતું - ‘રામચંદ્ર રાજકારણથી સંપૂર્ણપણે અલિપ્ત છે. તેમના પિતા મલ્હારરાવ અતિ શ્રીમંત જમીનદાર, ખેડૂત અને વ્યવસાયી છે તથા ટિળકના ચાહક હતા. પરંતુ હાલમાં તેઓ રાજકારણથી દૂર હતા.’ આ રિપોર્ટના કારણે જ રામચંદ્રને આ જવાબદારી મળી શકી હતી.
મલ્હારરાવે બધું શાંતિથી સાંભળી લીધું અને તે આંખો બંધ કરીને અને માથું નીચું નમાવીને તેમની હંમેશની લાડકી આરામખુરશીમાં શાંતિથી બેસી રહ્યાં. તે પાંચ મિનિટની સંપૂર્ણ શાંતિ રામચંદ્રને અસહ્ય કરી રહી હતી. પાંચ મિનિટ પછી મલ્હારરાવની આરામખુરશી એક ધીમા લયમાં ડોલવા લાગી. તે સમયમાં ડોલનારી આરામખુરશીઓ હતી.
આજે મલ્હારરાવ ખેતરના શેઢા પર બેસીને રામચંદ્રના સંદેશાની રાહ જોઈ રહ્યાં હતા. તે સોએક ખેતમજૂરોને ગામમાં જ અટકાવી રાખવાની યોજના પણ મલ્હારરાવે જ રામચંદ્રને સૂચવેલી હતી. તમામ પોલીસ દળનું ધ્યાન અને બળ તે પડોશના ગામમાં એકઠું થવાનું હતું અને મલ્હારરાવની આંબાવાડીમાંથી પિસ્તોલો અને કારતૂસ (Cartridge) પૂનાને મોકલવામાં આવનાર હતા.
(કથા ચાલુ)

.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
Comments
Post a Comment