ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વણકહ્યા ઇતિહાસની ઝલક - ભાગ - 2

ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વણકહ્યા ઇતિહાસની ઝલક - ભાગ - 2


રામચંદ્ર અન્ય બે બ્રિટિશ અધિકારીઓ સાથે તે વિસ્તારના જંગલોની તપાસ કરવાના બહાને, છેલ્લા બે દિવસથી ક્રાંતિકારીઓની શોધ કરી રહ્યો હતો. અલબત્ત, રામચંદ્ર પોતાના પિતા સાથે પહેલા સંપર્ક કરીને પછી જ છાપા મારતો અને તેથી છુપાયેલા ક્રાંતિકારીઓને પહેલાથી જ સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા હતા. આજે બાજુના ગામમાં જોરદાર છાપો પાડવામાં આવ્યો હતો કારણ કે તેવી ટીપ મળ્યાનું ખુદ પેલા બે બ્રિટિશ સહકાર્યકરોએ જ જણાવ્યું હતું. અલબત્ત તેમના કાન પર સમાચાર નાખવાની યોજના પણ રામચંદ્રના એટલે કે મલ્હારરાવના માણસોએ જ કરીને રાખેલી હતી.

અહીં મલ્હારરાવના ગામમાં એટલે કે ધારપુરમાં મલ્હારરાવનું કામ જોરદાર રીતે, ખુલ્લેઆમ ચાલી રહ્યું હતું અને સાંજ સુધીમાં બરાબર પૂરું પણ થયું. તમામ માલ એટલે કે પિસ્તોલો, નાની બંદૂકો, કારતૂસ (Cartridge) અને અન્ય કેટલીક આવશ્યક સામગ્રી બળદગાડાઓમાં પુણેની દિશામાં ક્યારની નીકળી ગઈ હતી. દરેક બળદગાડાનો ચાલક એક-એક સ્વાતંત્ર્ય સૈનિક જ હતો.

તે તમામ બળદગાડાઓમાં કેરીના ખોખા અને ટોપલા, તેમજ અથાણાની કેરીઓ પણ નાની-નાની ગુણોમાં ભરેલી હતી અને તેની આડમાં જ અસલી સામાન મોકલાયો હતો. દરેક ચેકનાકા અને ચેકપોઇન્ટ પર, દરેક અધિકારીને કેરીઓ, કાચી કેરીઓ અથવા પૈસા - આમાંથી કંઈક ને કંઈક મળતું જ હતું. આ વિસ્તારના બ્રિટિશ અધિકારીઓ જાણતા હતા કે મલ્હારરાવ ફક્ત ધનથી જ નહીં, પણ મનથી પણ ધનવાન છે અને બ્રિટિશ સરકાર પ્રત્યે અત્યંત પ્રામાણિક છે અને હંમેશા બ્રિટિશ અધિકારીઓનું યોગ્ય માન જાળવે છે. તેથી દરેક પોઇન્ટ પર તે-તે અધિકારીને ‘કંઈક ને કંઈક ભેટ મળશે’ એવી જાણકારી રહેતી.

આ કંઈ આજકાલની વાત નહોતી. 1928ના વર્ષથી મલ્હારરાવે યોજનાબદ્ધ રીતે કામ કરીને પોતાની આવી છબી તૈયાર કરીને રાખેલી હતી. બીજી બાજુ દરરોજ મલ્હારરાવની વિવિધ જગ્યાઓ પરથી ઓછામાં ઓછી સોએક બળદગાડીઓ તો કોઈક ને કોઈ માલ લઈને બહુ દૂર સુધી જતી હતી. તે બળદગાડીઓ તપાસી-તપાસીને બ્રિટિશ અધિકારીઓ, બ્રિટિશ સાર્જન્ટ, ભારતીય સિપાહી પણ કંટાળી ગયા હતા અને મલ્હારરાવના સિક્કાના કાગળ દેખાય કે તે બળદગાડીઓ તરફ કોઈ ડોકિયું પણ કરતું નહોતું.

સૌથી ખરાબ કામ એટલે મલ્હારરાવના બળદગાડામાંથી અનેક વખત બળતણનો કોલસો, રેતી, કપચી, મુરમની માટી, જાંબુડિયો પથ્થર, ખડી (નાના-નાના ટુકડા કરેલા પથ્થર), છાણના છાણા (ગોવરી) જેવી વસ્તુઓ પણ ભરીભરીને મોકલવામાં આવતી હતી અને મુખ્યત્વે તેવા સામાન સાથે ક્યારેક ક્યારેક જંગલમાં મળતો વિવિધ પ્રકારનો ગુંદર પણ રહેતો અને આ બધાની વાસ અને ધૂળ, બ્રિટિશરોને જ શું કામ, પણ ભારતીય અધિકારીઓ અને સિપાહીઓને પણ અસહ્ય થતી હતી. તેમાં જ કેટલીકવાર જાનવરોની કમાવેલી ચામડી પણ રહેતી અને મીઠુ લગાડીને રાખેલી વિવિધ પ્રકારની માછલીઓ પણ રહેતી. ખારી માછલીની, કમાવેલી ચામડીની અને ગુંદરની વાસ આવતા જ બ્રિટિશ અધિકારીઓ અને સાર્જન્ટ્સ, તે ગાડીઓથી દૂર ભાગતા હતા.

ફક્ત બે-ચાર ભારતીય વંશના સિપાહીઓ નાછૂટકે, નાક પર રૂમાલ દબાવીને સ્ટૅમ્પ મારવા પૂરતું એક ક્ષણ માટે ઊભા રહેતા. તે ભારતીય વંશના સિપાહીઓને બ્રિટિશ 'સિપોય' એમ સંબોધતા હતા. તેમને બ્રિટિશરો તરફથી એકદમ હીન કક્ષાનો વ્યવહાર મળતો; પરંતુ પગાર અને અન્ય અનેક સગવડો (ફૅસિલિટીસ) તેમને મળતી હોવાથી સિપોય બનવા માટે ખૂબ મોટો વર્ગ ઉત્સુક રહેતો.

તેમનામાંથી અડધાથી વધુ સિપોયને, 'સ્વાતંત્ર્ય લડત શેના માટે અને શું' એટલું જાણવાની પણ અક્કલ નહોતી. આવા મોટાભાગના લોકો અભણ અથવા સાવ ઓછું ભણેલા રહેતા. બ્રિટિશરોથી નારાજ રહેતા, પરંતુ પેટ માટે અને મજા માટે આ નોકરી ટકાવી રાખવા માટે તેમને બ્રિટિશ ઓફિસરને ખુશ રાખવા જ પડતા અને તે માટે આ ભારતીય વંશના સિપોય શંકાસ્પદ સ્વાતંત્ર્ય સૈનિકોને મારપીટ કરવામાં એકદમ જોશમાં રહેતા.

મલ્હારરાવે રામચંદ્ર સાથે બરાબર વાત કરીને આવા અનેક ભારતીય સિપોયને પોતાની સાથે મજબૂત રીતે જોડી લીધા હતા.

તે પિતા-પુત્રો પાસે સંપત્તિ અગણિત હતી અને ભારતમાતાની સેવા કરવાની મોટી જીદ હતી. મલ્હારરાવે રામચંદ્રની ઉંમરના અને પોતાની ઉંમરના કેટલાક ખાસ મિત્રોને તેમના ગુપ્ત કાર્યમાં સામેલ કરી લીધા હતા. તેમાંના કેટલાક તો એટલા વૃદ્ધ હતા કે તેમને જોઈને કોઈને પણ શંકા ન આવે કે તે સ્વાતંત્ર્ય યુદ્ધની ચળવળના સહકારી છે.

મુખ્યત્વે વૃદ્ધ અને મધ્યમ વયની સ્ત્રીઓ પણ મલ્હારરાવે આ કાર્યમાં સામેલ કરી લીધેલી હતી અને તે પણ વારકરીઓના આદર્શને સામે રાખીને જ - એકદમ નામાંકિત પ્રતિષ્ઠિત ઘરોની સ્ત્રીઓથી લઈને અભણ સ્ત્રીઓ સુધી વિવિધ જાતિ અને જ્ઞાતિની સ્ત્રીઓને રામચંદ્રની પત્નીએ એટલે કે જાનકીબાઈએ તૈયાર કરેલી હતી.

આવા વૃદ્ધ પુરુષો, સાદા દેખાતા મજૂરો અને આ વિવિધ જ્ઞાતિની સ્ત્રીઓને જોઈને, બ્રિટિશ અધિકારીઓ આવી બળદગાડીઓની પાછળ પડતા જ નહીં કારણ કે ખોટે ખોટો કોઈ વૃદ્ધ માણસ મરી ગયો અને કોઈ ઉચ્ચ ઘરની સ્ત્રીનું અપમાન થયું, તો આખો સમાજ બ્રિટિશરોની વિરુદ્ધ જઈ શકતો હતો અને આવી સ્થિતિ ઊભી ન થાય તે માટે તમામ બ્રિટિશ અધિકારીઓને વારંવાર ઉપરથી તાકીદ મળતી હતી. આના કારણે મલ્હારરાવનું અને રામચંદ્રનું કાર્ય એકદમ સરળતાથી ચાલતું હતું.

તેમાં જ મલ્હારરાવ હતા મોટા ધાર્મિક. તેમને બ્રિટિશ ઓફિસર ઓળખતા, તે 'સતત ભગવાન-ભગવાન કરનાર અતિ શ્રીમંત જમીનદાર' તરીકે જ. આ બ્રિટિશ અધિકારીઓ અંદરોઅંદર વાત કરતી વખતે મલ્હારરાવનો ઉલ્લેખ (બુદ્ધિશાળી વૃદ્ધ) એટલે કે બધા પાપ કરીને સ્વર્ગમાં જવા માટે ભગવાન-ભગવાન કરે છે, એમ કરતા હતા. કારણો બે હતા.

મલ્હારરાવ અલગ-અલગ જગ્યાના, સાવ નાના ગામના પણ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવતા અને સતત કોઈક ને કોઈક મંદિરની મુલાકાત લેતા અને ખૂબ દાન-ધર્મ કરતા. તેની સાથે જ અનેક મંદિરો પાસે તેમણે કૂવાઓ અને નાની-નાની ધર્મશાળાઓ પણ બંધાવી હતી.

તો બીજી બાજુ તે ચૂક્યા વિના, દરેક મેળામાં થતા તમાશામાં પણ હાજરી આપતા જ રહેતા અને તેમના વાડા (મકાન) પર પણ લાવણીના કાર્યક્રમો થતા હતા અને તે પણ ખુલ્લેઆમ અને ઘણીવાર.

ખરું તો મલ્હારરાવને આવા કાર્યક્રમોમાં સહેજ પણ રસ નહોતો, પરંતુ રંગીલાપણાનું નાટક ભજવવું જરૂરી હતું. લાલચુ બ્રિટિશ અધિકારીઓને પોતાની સાથે મિત્રતા કરવા પ્રેરિત કરવા માટે જ આવી વાતો જરૂરી હતી.

રામચંદ્ર, તમામ બ્રિટિશરોમાં 'રામચંદ્રરાવ' અથવા 'ધારપુરકર સાહેબ' એવા નામોથી ઓળખાતો હતો. તેની પત્ની જાનકીબાઈની રહેણીકરણી પણ, મોટા હોદ્દા પરના અધિકારીની પત્નીને શોભે તેવી જ હતી. તેને 'સૌથી ફૅશનેબલ સ્ત્રી' તરીકે આખી મુંબઈ અને પુણે ઓળખતા. તેની ઊઠબેસ પણ બ્રિટિશ અધિકારીઓ અને તેમના કુટુંબીજનો, શ્રીમંત પારસીઓની સ્ત્રીઓ અને સરકારને વફાદાર ભારતીય અધિકારીઓની પત્નીઓમાં જ રહેતી.

જાનકીબાઈ માત્ર એકવીસ વર્ષની હતી, પરંતુ તે સમયના લોકોને તેનું આશ્ચર્ય થતું કારણ કે તે ફાડ-ફાડ (Fluent) ઇંગ્લિશ બોલતી. ગવર્નરની પત્ની જાનકીબાઈની ખાસ મિત્ર હતી. આ ગવર્નરની મેમસાહેબ કોઈપણ સમારંભમાં જાનકીબાઈ વગર જતી જ નહોતી.

મલ્હારરાવ, ગાડીઓ યોગ્ય સ્થળે પહોંચ્યાનો સંદેશ મળતા જ તેમના ગામની વસાહતની બહાર આવેલા લાકડાના ગોદામ તરફ અને કોલસા બનાવવાની ભઠ્ઠી તરફ નીકળ્યા. અહીં સતત ધુમાડો અને ધૂળ હોવાથી ગામવાળાઓની અવરજવર પણ નહોતી રહેતી.

પરંતુ આખા ગામને બરાબર ખબર હતી કે આ લાકડાના ગોદામની સામે જ મલ્હારરાવે જીર્ણોદ્ધાર કરેલું (ખરું તો બંધાવેલું, તૈયાર કરેલું) 'ધારપુરેશ્વર મહાદેવ'નું મંદિર હતું. અને જેમાં શિવલિંગની સાથે જ ત્રિવિક્રમના 'હરિહર' સ્વરૂપની મૂર્તિ પણ હતી.

(કથા ચાલુ) 

Comments