ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વણકહ્યા ઇતિહાસની ઝલક - ભાગ - 3

ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વણકહ્યા ઇતિહાસની ઝલક - ભાગ - 3

આ ધારપુરેશ્વર મહાદેવનું મંદિર, ઠેર ઠેરથી જૂની, ખંડેર એવી ધર્મશાળાઓ, ઘરો, હવેલીઓમાંથી લાવેલા પથ્થરોથી બનાવવામાં આવ્યું હતું અને આ કારણથી કોઈને પણ, 'તે માત્ર ત્રણ વર્ષ પહેલાં જ બાંધીને તૈયાર થયું છે' એવી શંકા પણ આવી ન હોત. મલ્હારરાવ વિશ્વાસઘાતનો ખતરો બરાબર ઓળખતા હતા અને એટલા માટે જ તેમણે અત્યંત ગુપ્ત રીતે શંકરની પિંડી અને હરિહરની મૂર્તિ જંગલની જગ્યા પર લાવીને, તે મૂર્તિની એક બાજુએ ખંડેર દીવાલ પણ પહેલાં જ બાંધી રાખી હતી. એવી જ જગ્યા પસંદ કરી હતી કે જ્યાં ઝાડવાં-ઝાંખરાંની ભરપૂર ગીચતા હતી. આગળ એક દિવસ તેમના જ એક ખાસ સહકાર્યકરને તેમનું ખોવાયેલું વાછરડું શોધતી વખતે આ મંદિર 'અચાનક' મળી આવ્યું અને પછી હંમેશા દાનવીર રહેલા મલ્હારરાવે તે આગળ વધીને બંધાવી લીધું એટલું જ. ગામના નેવું વટાવી ચૂકેલા વૃદ્ધોએ પણ ખાતરી આપી કે તેમના બાળપણમાં તેમણે એવું સાંભળ્યું હતું કે અહીંનું શિવ મંદિર એકસો વર્ષ પહેલાં પરધર્મીઓના આક્રમણમાં તોડી પાડવામાં આવ્યું હતું.

આ મંદિર 'શિવમંદિર' તરીકે જ પ્રખ્યાત કરવામાં આવ્યું હતું. સ્વયંભગવાનની હરિહર મૂર્તિનો ઉલ્લેખ વધુ ન થાય, તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવી હતી કારણ કે તે મૂર્તિની નીચે જ તો મોટું ભોંયરુ હતુ અને ત્યાંથી ત્રણ દિશાઓમાં બહાર નીકળવાના ત્રણ સુરંગ માર્ગો પણ હતા. મુખ્યત્વે શિવમંદિરની રચના પણ જાણી જોઈને એવી વિચિત્ર રીતે કરવામાં આવી હતી કે તેમાં અનેક ઓરડાઓ હતા - મંદિરનો સામાન રાખવા માટે, ઉત્સવના સમયે જોઈતી પાલખી, મોટો લાકડાનો રથ જેવી વસ્તુઓ રાખવા માટે, ચંદન ઘસવા માટે, ફૂલોના હાર બનાવવા માટે અને મુખ્યત્વે જુદા જુદા પ્રાંતોમાંથી આવતા-જતા સાધુઓ અને યાત્રીઓને રહેવા માટે. તેમાં પણ વિશેષ વાત એ હતી કે આ મંદિરના રહેણાંકના ઓરડાઓમાં કોઈને પણ બે રાતથી વધુ રહી શકાતું નહોતું. પછી તેમને બીજા મંદિરોની ધર્મશાળાઓમાં ખસેડવામાં આવતા.


આ ગુપ્ત ભોંયરુ, તેમાંના સુરંગ માર્ગો અને મંદિરના રહેણાંકના ઓરડાઓ - આ જ મલ્હારરાવના સ્વાતંત્ર્ય સૈનિકોના અવરજવરના સ્થાનો હતા અને આ મંદિરમાં રાખવામાં આવતા બધા સાધુઓ અને યાત્રીઓની બરાબર ચકાસણી કરવામાં આવતી અને તેમ છતાંપણ કોઈને પણ બે દિવસથી વધુ રહી શકાતું નહોતું.

અહીં લાંબા સમય સુધી રહેવાસ રહેતો, તે જુદા જુદા વેશમાં ફરતા સ્વાતંત્ર્ય સૈનિકોના બે જૂથનો - એક એટલે ભૂગર્ભમાં ગયેલા સ્વાતંત્ર્ય સૈનિકો અને બીજા  ક્રાંતિકારીઓ. ભોંયરામાં રહેલા અનેક ગુપ્ત કબાટોમાં અને છાજલીઓમાં વેશપલટો કરવા માટેની તમામ સાધનસામગ્રી રાખેલી રહેતી. ભારતના દરેક પ્રાંતના પહેરવેશ, જુદી જુદી સાઇઝમાં અહીં હંમેશા ઉપલબ્ધ રહેતા.

આ મંદિરના ત્રણ વૃદ્ધ પુજારી હતા અને આ ત્રણેય મલ્હારરાવના ખાસ મિત્રો જ હતા. તેમનામાંથી એકે બંગાળી ભાષા શીખી લીધી હતી, બીજાએ પંજાબી અને ત્રીજાએ હિંદુસ્તાની એટલે કે હિન્દી. આના કારણે દેશભરના ક્રાંતિકારીઓને અહીં સગવડ મળી શકતી હતી.

આજે આવતાની સાથે જ મલ્હારરાવે મંદિરમાં વ્યવસ્થિત દર્શન કરીને, ઉતાવળથી ભોંયરામાં ગયા. આવું જ્યારે જ્યારે કરવાનું રહેતું, ત્યારે ત્યારે પુજારી, તેલ ઢોળાયું, ભસ્મ ઉડી, ગવાક્ષમાંથી પક્ષી અંદર ઘૂસી ગયું, ગરોળી મળી - આવા કારણો આપીને ગર્ભગૃહનો દરવાજો બંધ કરી દેતા. રાત્રિના સમયે તો કોઈ પ્રોબ્લેમ નહોતો.

મલ્હારરાવ ભોંયરામાં ઊતર્યા અને સીધા ભોંયરામાં રહેલા કુલ 19 દાલનોમાંથી 13 નંબરના દાલનમાં ગયા. દરેક દાલનના દરવાજા પર નંબર કોતરેલો હતો. 'દાલનો 19 હતા' એવું જ કોઈપણ જોનારને લાગ્યું જ હોત; પરંતુ એક જ નંબરના ત્રણ-ચાર દાલનો પણ હતા અને એક દાલનની દીવાલમાંથી ખૂલતો બીજો ગુપ્ત દાલન પણ રહેતો.

આવી બધી ગૂંચવણભરી વાસ્તુરચનાના બાંધકામતજ્ઞ 'શિવામરાજન' આજે ત્રણ વર્ષ પછી પ્રથમ વખત આવેલા હતા અને તે પણ અગાઉથી જણાવીને, ઉત્તર હિંદુસ્તાની વેશ લઈને અને ગામની બહારના હનુમાન મંદિરમાંથી આવતા ગુપ્ત માર્ગેથી જ.

શિવામરાજન મૂળભૂત રીતે મદ્રાસ ઇલાખાના (હાલનું તમિલનાડુ). તે પણ પ્રખર દેશભક્ત હતા. ઉંમરમાં રામચંદ્ર કરતાં પંદર વર્ષ મોટા હતા અને મલ્હારરાવ કરતાં દસ વર્ષ નાના હતા. તે રામચંદ્રરાવની સાથે જ ગવર્નમેન્ટ સર્વિસમાં હતા અને ગુપ્ત રીતે આ બાપ-દીકરાને સામેલ થયેલા હતા. તે ઉત્તમ મરાઠી બોલી શકતા હતા અને હિન્દી પણ. તેથી શિવામરાજન ક્યારેક 'શિવારામ' નામનો મરાઠી માણસ રહેતો, તો ક્યારેક 'શિવરાજન' નામનો તમિલ માણસ રહેતો, તો ક્યારેક 'શિવારાજ' નામનો ઉત્તર હિંદુસ્તાની માણસ રહેતો. પરંતુ આ બાપ-દીકરા તો તેનો ઉલ્લેખ, સાવ ખાનગીમાં વાત કરતી વખતે પણ 'ફકીરબાબા' તરીકે જ કરતા કારણ કે કબીરપંથી સાધુના વેશમાં જ તે રેલવેમાંથી અથવા હોડીમાંથી પ્રવાસ કરતા હતા. આજે પણ તે કબીરપંથી સાધુના વેશમાં જ આવેલા હતા.

મલ્હારરાવે દાલનમાં પ્રવેશતાની સાથે જ દાલનનો દરવાજો વ્યવસ્થિત રીતે બંધ કરી લીધો. ફકીરબાબાની અને મલ્હારરાવની ગળેભેટ થઈ. મલ્હારરાવે પહેલાં ખબર-અંતર પૂછ્યા અને પછી સીધો પ્રશ્ન કર્યો, “શું સગડ મળ્યા છે?”

ફકીરબાબા એટલે કે શિવામરાજનનો ચહેરો એક ક્ષણમાં ઉગ્ર થયો. તેમની આંખોનો ગુસ્સો જાણે સળગતા અંગારા જેવો હતો. તેમણે જેમતેમ પોતાને સંભાળતા બોલવાનું શરૂ કર્યું, “મલ્હારરાવ! બધા ક્રાંતિકારીઓના વિશ્વાસઘાત, તેમની આસપાસના ભારતીય માણસો જ કરી રહ્યાં છે. આજ સુધી પકડાયેલા ક્રાંતિકારીઓમાંથી 99% ના બાબતમાં આ જ બન્યું છે. ક્યારેક પાડોશી, ક્યારેક બ્રિટિશરોના ભારતીય બાતમીદારો, ક્યારેક સરકારે જાહેર કરેલા ઈનામથી લલચાયેલા લોકો અને કેટલીક જગ્યાએ તો પહેલાં ચળવળમાં રહેલા અને પછી દૂર ગયેલા ડરપોક યુવાનો જ.

કેટલું ભારતીય લોહી વહી રહ્યું છે અને કેટલા દિવસ વહેતું રહેશે? આ વિશ્વાસઘાતીઓને પાઠ ભણાવવો મને વધુ જરૂરી લાગે છે.”

મલ્હારરાવ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બોલ્યા, “હા. કોઈપણ વિશ્વાસઘાતી થાય કે તરત તેને બ્રિટિશ સરકાર તરફથી બધી સવલતો આપવામાં આવે છે. આવા લોકોને સજા પછી કોણ આપશે? આજ સુધી અમે ક્રાંતિકારીઓને અને ભૂગર્ભ સ્વાતંત્ર્ય સૈનિકોને મદદ કરવાનું કામ કરતા હતા. પરંતુ કોઈપણ ક્રાંતિકારી કાર્યમાં એટલે કે સશસ્ત્ર લડાઈમાં અને ગનિમી કાવામાં (Guerilla Warfare) પ્રત્યક્ષ રીતે સામેલ થયા નહોતા.

રામચંદ્ર સાથે મારી પરમ દિવસે જ વાત થઈ. હવે પછી ફક્ત ટેકો આપીને કે મદદ કરીને કે ક્રાંતિકારીઓને શસ્ત્રસરંજામ પૂરા પાડીને ચાલશે નહીં. આપણા સંપૂર્ણ જૂથને ક્રાંતિકારી કાર્યમાં ઝંપલાવવું જરૂરી છે અને રામચંદ્રની સંપૂર્ણ તૈયારી થઈ ગયેલી છે.

બે મહિના પહેલા ભગતસિંહનું બલિદાન થયા પછી તો આખા દેશમાં જ ગુસ્સો ખદબદે છે (23 માર્ચ 1931). વધુ વિલંબ કરીને ચાલશે નહીં. 'ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ'ના બંગાળમાંથી આવેલા નેતા 'સુભાષચંદ્ર બોસ' સાથે હમણાં જ સંપર્ક થયો છે. તે ક્રાંતિકારી વિચારોના છે, યુવાન અને તડફદાર છે. અંદરથી સંપૂર્ણપણે ક્રાંતિકારી હોવાછતાં તેમણે ગાંધીજીનો માર્ગ સ્વીકાર્યો છે, તે વિશાળ અને વ્યાપક સ્વાતંત્ર્ય લડત માટે જ.

તેમના પ્રમાણે જ હું પણ ખુલ્લેઆમ અહિંસક દેશભક્ત બન્યો છું અને તમે લાવેલા સમાચાર પર ઉપાય કરવા માટે કામ શરૂ કરવાનો છું. સુભાષચંદ્રનું કહેવું છે કે દેશભરમાં આવી સાંકળ તૈયાર થવી જરૂરી છે.

જાળ વીણવાનું કામ આપણે કરીએ અને વિશ્વાસઘાતીઓને પાઠ ભણાવવાનું કામ પણ કરીએ. તે વિશ્વાસઘાતીઓને કાપી નાખવા જ જોઈએ.”

“ઓછામાં ઓછા આ વિશ્વાસઘાતીઓને સમાજમાં જીવવું, રહેવું કઠિન, અપમાનજનક અને કષ્ટપ્રદ થવું જોઈએ અને આ કાર્ય અમે સ્ત્રીઓ પહેલા હાથમાં લઈશું.” આ ઉદ્દગાર હતા જાનકીબાઈના. તે ગુપ્ત દરવાજામાંથી અંદર આવતા-આવતા એકદમ સહજતાથી બોલી ગઈ હતી, પરંતુ ચહેરા પરનો નિશ્ચય અત્યંત કઠોર હતો.

(કથા ચાલુ)

मराठी >> हिंदी >> English >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>> മലയാളം>>

Comments