રાણી લક્ષ્મીબાઈનો દેહ નિષ્પ્રાણ થતાની સાથે જ બ્રિટિશ સૈનિકના વેશ અને ઠાઠમાં રહેલા સરદાર મંજુનાથ પહાડીએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર રાણી લક્ષ્મીબાઈનો મૃતદેહ ઉઠાવીને પોતાના ઘોડા પર લીધો અને ‘આ મૃતદેહ મેજર હ્યુજ રોઝને બતાવવા માટે લઈ જઈ રહ્યો છું’ એવું બૂમો પાડીને દેખાડો કરતા કરતા સરદાર મંજુનાથ પહાડી, એક ઘટાદાર વૃક્ષોવાળા વિસ્તારમાં ચપળતાથી ઘૂસી ગયા.
બ્રિટિશરોની છાવણી જંગલમાં જ હતી. અગાઉ કંઈ જ નક્કી ન થયું હોવછતાં પણ સરદાર મંજુનાથ પહાડીએ આ રીતે કામ કરવાનું શરૂ કરતા જ, રાણીની સાથે રહેલા મુંદરબેગમ, મોતીબાઈ, રાજકુંવર અને રામચંદ્રરાવ તેટલી જ ઝડપથી અલગ-અલગ બાજુએથી તેમની પાછળ જંગલમાં ઘૂસી ગયા. જંગલનો આ ભાગ ‘ખૂન કી ઘાટી’ તરીકે જ ત્યાંના લોકોમાં જાણીતો હતો અને ‘આ વિસ્તારમાં ભૂત-પ્રેતનો વાસ છે’ એવી પાકી માન્યતા ફેલાયેલી હોવાને કારણે, બ્રિટિશ સેનાના ભારતીય સૈનિકોએ આ વિસ્તારના ઝાડ કાપવાની ના પાડી દીધી હતી. તેથી તે ઘાટી તરફ જઈ રહેલા પેલા બ્રિટિશ સોલ્જરની પાછળ, એટલે કે સરદાર મંજુનાથ પહાડીની પાછળ એકપણ ભારતીય સૈનિક દોડ્યો નહીં અને જે દસ-વીસ બ્રિટિશ સૈનિકો એવું કરવા માંગતા હતા, તેમને પણ ભારતીય સૈનિકોએ જ રોકી રાખ્યા.
રાણીના અંતિમ સંસ્કાર પૂર્ણ થતા જ મુંદરબેગમે સરદાર મંજુનાથ પહાડીને પૂછ્યું, “તમે આ ‘ખૂન કી ઘાટી’ પહેલાથી જ જોઈ રાખી હતી કે શું? તમને આ બધું કેવી રીતે સૂઝ્યું?”
જંગલમાંથી આગળ વધતા વધતા જ સરદાર મંજુનાથ પહાડીએ જવાબ આપ્યો, “આ ઘાટી મને રાણી લક્ષ્મીબાઈ સાહેબે બરાબર જોઈ રાખવા કહ્યું હતું. ગ્વાલિયર આવ્યાની પહેલી રાત્રે જ રાણીસાહેબે મને આ હુકમ આપ્યો હતો. કારણ કે હું ભલે ઝાંસીનો રહેવાસી હોઉં, પણ ગ્વાલિયરનો આ વિસ્તાર મારું મોસાળ છે. હું એકવાર જઈ આવ્યો પછી રાણી લક્ષ્મીબાઈની સૂચના મુજબ, આપણા ગુપ્તચર વિભાગના એક મુખ્ય જાસૂસ ‘સાધુ ભગવાનદાસ’ એ છેલ્લા ચૌદ રાત-દિવસ એક કરીને બ્રિટિશ સૈનિકોમાં આ જગ્યા વિશે ઘણી બધી અફવાઓ ફેલાવી દીધી હતી અને તેને લીધે અહીંથી ઘણે દૂર સુધી બ્રિટિશ લશ્કર ફરકતું પણ નહીં.
તે જ સાધુ ભગવાનદાસ આજે રાણીસાહેબ યુદ્ધ માટે નીકળ્યા તે પહેલા તેમને આવીને મળ્યા હતા અને તેમના કહેવા મુજબ જ રાણી લક્ષ્મીબાઈએ બ્રિટિશરોની છાવણીમાં ઘૂસવાનો માર્ગ નક્કી કર્યો હતો. જાણે રાણીસાહેબે પોતાનું મૃત્યુ પોતે જ નક્કી કર્યું હતું અને પોતાના અંતિમ સંસ્કારની વ્યવસ્થા પણ તેમણે જ કરી રાખી હતી.”
મુંદરબેગમના મોઢામાંથી પહેલીવાર નીકળેલા ડૂસકાને કારણે સાથેના દરેક જણ ચમકીને તેની તરફ જોવા લાગ્યા. તે સમય રડવાનો બિલકુલ નહોતો અને એટલે જ દરેક જણ મુંદરબેગમને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
પરંતુ ઝાંસીની રાણીની ખાસ અંગરક્ષક એવી બહાદુર મુંદરબેગમે એક ક્ષણમાં આંસુ ગળી જઈને કહ્યું, “તે સાધુ ભગવાનદાસ એટલે રાણીસાહેબના પિતાજી હતા અને એટલે જ આપણે તેમના પણ અંતિમ સંસ્કારની તૈયારી કરવી જરૂરી છે.”
આ શબ્દો સાંભળતા જ દરેક જણ હચમચી ગયા હતા. મંજુનાથ પહાડી નમસ્કાર કરતા બોલ્યા, “પિતાનું મૃત્યુ પોતાની નજર સામે થયા પછી પણ રાણીસાહેબ એક જ મિનિટમાં બહાર આવી ગયા હતા અને બહાર ઉભેલા અમારામાંથી કોઈને કંઈ જ ખબર પડવા દીધી નહીં. રાણીસાહેબ પણ મહાન અને તેમને જન્મ આપનારા પિતા શ્રી. મોરોપંત તાંબે પણ મહાન. મોરોપંતે જ એટલે કે ભગવાનદાસે જ મને રાણીસાહેબને મળતા પહેલા જ કહી રાખ્યું હતું કે ‘ખૂન કી ઘાટી’માં આવેલા ખંડેર મંદિરની પાછળ, અંતિમ સંસ્કાર માટે લાગતી બધી જ સામગ્રી મૂકી રાખેલી છે.
ધન્ય છે એ પિતા અને અતિ ધન્ય છે તેમની પુત્રી! પોતાના અંતિમ સંસ્કારની તૈયારી કરીને જ આ બંનેએ મૃત્યુને વહાલું કર્યું. પણ મોરોપંતનું શું કરીશું? આપણે કિલ્લામાં કેવી રીતે જઈશું? કિલ્લામાં તો સેંકડો બ્રિટિશ સૈનિકો અલગ-અલગ રસ્તેથી ઘૂસી રહ્યા છે.”
એટલામાં જ જમણી બાજુની નાની એવી ટેકરી પરથી એક વૃદ્ધ આદિવાસી, લાકડાના ભારા બાંધીને અને તેને પીઠ પર લાદીને ઉતરતો દેખાયો. તેના પર કોઈ બ્રિટિશ સૈનિકનું ધ્યાન જવું શક્ય જ નહોતું. કારણ કે તેમને લૂંટફાટ કરવી હતી અને આ ગરીબ વૃદ્ધ આદિવાસી કે તેના લાકડાના ભારામાં કોઈને રસ નહોતો.
આપણા આ લોકોનું ધ્યાન તેની તરફ ત્યારે ગયું, જ્યારે તે વૃદ્ધે એક મોટો પથ્થર ગબડાવીને નીચે નાખ્યો. બધા પોતપોતાના હથિયાર તાણીને તૈયાર થઈ ગયા. પણ મોતીબાઈએ બધાને રોક્યા, “આ સરદાર લાલાભાઉ બક્ષી છે. (સંદર્ભ: કથામંજિરી ૪-૩-૧૦) તેઓ મને કહીને જ પાછળ રહ્યા હતા. તેમના માથા પરની મોરપીંછવાળી ટોપી એ જ ઓળખાણ નક્કી થઈ હતી.”
પાંચ જ મિનિટમાં લાલાભાઉ બક્ષી પેલા લાકડાના ભારાનો ઢગલો પીઠ પર લઈને તેમની પાસે પહોંચી ગયા. તે લાકડાના ભારાની અંદર જ મોરોપંતનો મૃતદેહ હતો.
તેમના અંતિમ સંસ્કાર કરતી વખતે તે જ લાકડાના ભારાનો ઉપયોગ કરવામાં આવ્યો અને મુંદરબેગમે પોતાની પાસે સાચવી રાખેલી, રાણી લક્ષ્મીબાઈના શરીર પરની શાલ મોરોપંતના દેહ પર ઓઢાડી.
તેમના અગ્નિસંસ્કાર થઈ રહ્યા હતા ત્યારે રામચંદ્રરાવ દુઃખ સાથે બોલ્યા, “આ બંનેને અર્પણ કરવા માટે ફૂલ પણ નહોતા અને સાદું તુલસીપત્ર પણ નહોતું. મને ગીતા મોઢે આવડે છે બસ એટલું જ.”
મોતીબાઈ ગંભીરતાથી બોલી, “તે બંનેના મુખમાં તુલસીપત્ર પોતે ભગવાનજીએ જ મૂક્યું હશે અને ફૂલો આઈ જગદંબાએ જ વરસાવ્યા હશે. રાજકુંવર! તું માત્ર પોતાની જાતને બચાવ અને તારા ભાઈ બિહારીલાલને જઈને મળ. તમારા બંને પર રાણી લક્ષ્મીબાઈએ ‘આ સ્વાતંત્ર્ય સંગ્રામનો સાચો વૃત્તાંત લોકો સુધી પહોંચાડવાનું’ કામ સોંપેલું છે અને રાણી લક્ષ્મીબાઈની કોઈ પણ ઈચ્છા અધૂરી ન રહેવી જોઈએ.”
“અને રહેશે પણ નહીં!” આ વાક્ય હતું લાલાભાઉના રસ્તેથી જ પહાડ ઉતરેલી કમલકુમારી ચૌહાણનું. તે રાજકુમાર દામોદરરાવને સુરક્ષિત જગ્યાએ પહોંચાડીને આવી હતી.
મોતીબાઈનું નેતૃત્વ ત્યાં હાજર સૌને માન્ય હતું. કારણ કે રાણી લક્ષ્મીબાઈએ પોતે જ તેને મુખ્ય રાજકીય સલાહકાર બનાવી હતી. મોતીબાઈ બધાને લઈને ઘાટીની ખીણમાં ઉતરી. તેની સાથે કુલ ૧૬ પુરુષો અને પોતે, કમલકુમારી, રાજકુંવર અને મુંદરબેગમ એમ ચાર સ્ત્રીઓ હતી.
મોતીબાઈએ બધા સાથે વ્યવસ્થિત વાત કરીને નિર્ણય જાહેર કર્યો, “સૌથી મોટા ગદ્દાર સરદાર દુલ્હેરાવનો વધ કરવાનો જ અને તે પણ તેને પાઠ ભણાવ્યા પછી જ; અને ત્યારપછી રાણી લક્ષ્મીબાઈની પીઠમાં ખંજર ભોંકનારા બ્રિગેડિયર સ્મિથને તો રિબાવી રિબાવીને મારવાનો છે. દુલ્હેરાવની હત્યાને કારણે ભારતના ગદ્દારોમાં ફફડાટ પેસી જવો જોઈએ, તો બ્રિગેડિયર સ્મિથની હત્યાને કારણે બ્રિટિશરોમાં ભય પેદા થવો જોઈએ.”
મોટી ઉંમરના સરદાર લાલાભાઉ બક્ષી બોલ્યા, “અને આ બંને હત્યાઓ સેંકડો લોકોની સામે થવી જોઈએ. પણ તે હત્યાઓ કરતી વખતે આપણે દરેક જણે મરવા માટે તૈયાર રહેવું પડશે.”
લાલાભાઉ બક્ષીએ બધાને શપથ લેવડાવ્યા, “દુલ્હેરાવ અને બ્રિગેડિયર સ્મિથની હત્યા, એ જ રાણી લક્ષ્મીબાઈ અને આપણા અન્ય અગણિત સાથીઓના મૃત્યુ પર આપણી સાચી પુષ્પાંજલિ હશે. વીરોને પુષ્પાંજલિ લોહીની જ હોવી જોઈએ.”
આજે પહેલીવાર ગર્જના ગુંજી ઉઠી, “જય રાણી લક્ષ્મીબાઈ! જય ભારત માતા!”
(કથા ચાલુ)

Comments
Post a Comment