બ્રિટિશરોનું જાસૂસી ખાતું સતર્ક થઈ ગયું અને રાણી લક્ષ્મીબાઈના ઝાંસી રાજ્યમાં માત્ર એક અઠવાડિયામાં જ ભારતીય મૂળના ૫૦ તાલીમબદ્ધ જાસૂસો મોકલવામાં આવ્યા. તેમની સાથે પુષ્કળ ધન-સંપત્તિ પણ આપવામાં આવી હતી.
ઝાંસીનું સંસ્થાન ૩૦-૪૦ વર્ષ પહેલાંથી જ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વર્ચસ્વ હેઠળ આવી ગયું હતું. ઝાંસીના રાજાઓએ દરેક કાર્ય બ્રિટિશરો દ્વારા નિમવામાં આવેલા સ્પેશિયલ બ્રિટિશ અધિકારીની સંમતિથી જ કરવું પડતું હતું. ઝાંસીના રાજા ‘ગંગાધરરાવ’ની ઉંમર પચાસની આસપાસ હતી અને તેમની પ્રકૃતિ પણ બહુ સારી રહેતી નહોતી. આવી પરિસ્થિતિમાં તેમના લગ્ન તાંબે પરિવારની ‘મણિકર્ણિકા’ નામની છોકરી સાથે થયા. ત્યારે તેની ઉંમર માત્ર ૮-૯ વર્ષની હતી. ૧૪ વર્ષની થયા પછી તેને ઝાંસી લાવવામાં આવી. એક-બે વર્ષમાં જ તેને બધી પરિસ્થિતિનો અંદાજ આવવા લાગ્યો.
ઝાંસીમાં સ્થિર થતા બે વર્ષ લાગ્યા. ત્યાર પછી રાણી લક્ષ્મીબાઈ મંદિરના દર્શન, શહેરની મુખ્ય સ્ત્રીઓ સાથે મુલાકાત અને જનતાના દુઃખ-તકલીફો સાંભળવા જેવા કામો કરતાં કરતાં સમાજના વિવિધ જૂથોમાં ભળવા લાગી. પોતે રાણી હોવાને કારણે તેના હુકમ મુજબ સરકારી અધિકારીઓથી લઈને વેપારીઓ સુધી દરેકને તેને મળવા આવવું જ પડતું.
ધીરે ધીરે રાણી લક્ષ્મીબાઈને સમજાવા લાગ્યું કે તેના પતિ અનેક બીમારીઓથી પીડિત છે અને તેમ છતાં હિંમતથી રાજ્ય ચલાવી રહ્યા છે. પરંતુ તેમની પાસે અધિકારો મર્યાદિત છે. તેમનું રાજ્ય નામ પૂરતું જ સ્વતંત્ર સંસ્થાન છે. બ્રિટિશ કંપની સરકારે તેના પતિને ચારે બાજુથી બાંધી રાખ્યા છે.
આ વાસ્તવિકતા સમજાતા જ રાણી લક્ષ્મીબાઈએ ઝાંસી રાજ્યના ખેડૂતો, બાર બલુતેદાર (સુથાર, કુંભાર, લુહાર વગેરે ૧૨ પ્રકારના વ્યવસાયીઓ), ખેત મજૂરો અને શ્રમિકો જેવા સામાન્ય નાગરિકો સાથે સામાન્ય વિષયો પર વાતચીત શરૂ કરી.
પોતાની ઓળખાણ પદ્ધતિસર વધારવામાં તેને તેની એક સેવિકાનો ઘણો મોટો ટેકો મળ્યો. તેનું નામ ‘ઝલકારીબાઈ’ હતું. રાણી લક્ષ્મીબાઈએ તે સમયના કોળી સમાજની આ સ્ત્રીની શક્તિ પારખી લીધી હતી. ઝલકારીબાઈ રાણી લક્ષ્મીબાઈ કરતા ઉંમરમાં મોટી હતી, પણ તે લખી-વાંચી શકતી હતી અને રાણી સાથે યુદ્ધનો અભ્યાસ કરવાની તક મળવાને કારણે તેને યુદ્ધકળા પણ બરાબર આવડતી હતી. ઝાંસીના સૈન્યના એક બ્રિટિશ સોલ્જરને લાંચ આપીને રાણી લક્ષ્મીબાઈએ ઝલકારીબાઈને તોપખાનામાં સાફસફાઈનું કામ અપાવ્યું. તે બહાને બ્રિટિશ સાર્જન્ટે ઝલકારીબાઈને તોપ ચલાવવાની અને દારૂગોળાની દોઢ વર્ષ તાલીમ આપી. ક્યારેક તો રાણી લક્ષ્મીબાઈ પોતે પણ વેશ પલટો કરીને ઝલકારીબાઈની બહેન બનીને ત્યાં જતી અને તેણે પણ તોપ ચલાવવામાં અને બંદૂક ચલાવવામાં નિપુણતા મેળવી.
આ બધું ચાલતું હતું ત્યારે રાણી લક્ષ્મીબાઈ ગર્ભવતી થઈ અને તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી. ગર્ભાવસ્થાના આ સમયનો ફાયદો ઉઠાવી લક્ષ્મીબાઈએ પ્રજાજનોને તેમના ઘરની સ્ત્રીઓ સાથે મળવા બોલાવવાનું શરૂ કર્યું, જેથી તેને લોકોના મનનો બરાબર અંદાજ આવવા લાગ્યો.
સાથે જ દીવાન રઘુનાથ સિંહ અને લાલાભાઉ બક્ષી જેવા અધિકારીઓ પણ રાણીને સહકાર આપવા લાગ્યા. ‘ખુદાબક્ષ બશરત અલી’ નામનો બીજો ફોજી અધિકારી તેની પત્ની સાથે આ કાર્યમાં જોડાયો. તેમજ કમલકુમારી ચૌહાણ અને રાજકુંવર યાદવ જેવી મધ્યમ વર્ગની સ્ત્રીઓ રાણીને વારંવાર મળવા લાગી.
યોગ્ય સમયે રાણી લક્ષ્મીબાઈએ પુત્રને જન્મ આપ્યો, પરંતુ તે અલ્પાયુ રહ્યો. તે દુઃખમાંથી બહાર આવવામાં મોતીબાઈ, ઝલકારીબાઈ અને મુંદરબેગમે રાણીને ખૂબ જ સહાય કરી.
એક દિવસ રાણી પોતાના મહેલમાં એકલી બેસીને રડતી હતી, ત્યારે તેણે જોયું કે દૂર એક બ્રિટિશ ઓફિસર ઝાંસીના દસ-બાર પ્રજાજનોને ક્રૂરતાપૂર્વક મારી રહ્યો હતો. તેણે માહિતી મેળવવા માટે મોતીબાઈને મોકલી. મોતીબાઈ ઝૂંપડી પાછળ છુપાઈને રાણીને માહિતી આપવા લાગી અને આ સંદેશા પહોંચાડવા માટે મુંદરબેગમ અને રાજકુંવરબાઈને નિમવામાં આવ્યા.
પુત્રશોકને કારણે રાણી એકદમ સાદા વસ્ત્રોમાં હતી. શરીર પર એકપણ દાગીનો નહોતો. રાજકુંવરબાઈ ઉતાવળમાં મહેલમાં આવી, તેને લાગ્યું કે મહેલમાં ઝલકારીબાઈ બેઠી છે. તે તરત જ બોલી ઉઠી, “બહેન ઝલકારી, રાણી આપણને સન્માન આપે છે એનો અર્થ એ નથી કે તારે રાણીના આસન પર બેસવું જોઈએ.” તેની પાછળ આવેલી મુંદરબેગમને પણ એવું જ લાગ્યું.
ત્યારે પહેલીવાર તે ત્રણેયને સમજાયું કે સાદા વેશમાં લક્ષ્મીબાઈ અને ઝલકારીબાઈમાં અદ્ભુત સામ્ય છે. તે બ્રિટિશ અધિકારી સામાન્ય ભૂલ અને કર વસૂલાત માટે પેલા લોકોને અમાનુષી રીતે મારી રહ્યો હતો. તે મારપીટમાં પિતાના ખોળામાં બેઠેલા એક નાના બાળકનું મોત થયું હતું.
આ સમાચાર મળતા જ રાણી લક્ષ્મીબાઈ પોતાનો પુત્રશોક ભૂલી ગઈ અને તેણે ત્વરિત ગતિએ ‘દુર્ગાદલ’નું કામ ફરી શરૂ કર્યું. ઝલકારીબાઈનો પતિ ‘પુરનસિંહ કોરી’ ઝાંસીના સૈન્યમાં એક નાનો ઓફિસર હતો. તેણે જ સ્ત્રીઓને મહેલની બહાર યુદ્ધકળા શીખવવાનું શરૂ કર્યું. બીમાર રાજા ગંગાધરરાવને કહીને રાણીએ પુરનસિંહની નિમણૂક તોપખાનાના ‘નાયક’ પદ પર કરાવી.
ધીમે ધીમે દુર્ગાદલની સ્ત્રીઓની સંખ્યા વધતી ગઈ અને દીવાન રઘુનાથ સિંહના માર્ગદર્શન હેઠળ ખેડૂતો અને મજૂરો તૈયાર થવા લાગ્યા. ઈ.સ. ૧૮૫૬ની વિજયાદશમી સુધીમાં રાણી લક્ષ્મીબાઈ પાસે દુર્ગાદલની બે હજાર સ્ત્રી સૈનિકો અને રઘુનાથ સિંહ દીવાન સાથે કામ કરનારા ‘મહાદેવશિવ’ જૂથના સૈનિકો તૈયાર થઈ ગયા હતા.

.jpg)


Comments
Post a Comment