“વચ્ચેના સમયમાં ગંગાધરરાવની તબિયત ધીમે ધીમે વધુ બગડવા લાગી અને તેથી તેમણે તેમના પિતરાઈ ભાઈના નાના પુત્રને દત્તક લીધો, જેનું નામ ‘દામોદરરાવ’ હતું. આ દત્તક વિધિના થોડા સમય પછી જ ગંગાધરરાવનું અવસાન થયું. પોતાનું દુઃખ બાજુ પર રાખીને, માત્ર પંદર દિવસમાં રાણી લક્ષ્મીબાઈ દત્તક પુત્રને ખોળામાં લઈને રાજ્યવહીવટ ચલાવવા લાગ્યા.
રાણી લક્ષ્મીબાઈએ પહેલેથી જ શિક્ષણ મેળવેલું હોવાથી અને છેલ્લા પાંચ વર્ષની તાલીમ તેમજ વ્યવહારુ અનુભવોને કારણે તેમને રાજ્યવહીવટ ચલાવવો એકદમ સરળ લાગતો હતો; હકીકતમાં, તેમના શાસનમાં ઝાંસીની પ્રજાએ પહેલીવાર સુખના દિવસો જોયા.
ઝાંસીની રાણીને મળતો પ્રજાનો સાથ, પ્રશંસા અને આશીર્વાદ ઝાંસીના બ્રિટિશ અધિકારીના ધ્યાનમાં તરત જ આવવા લાગ્યા અને તેણે વરિષ્ઠ અધિકારીઓને તે અંગેની ફરિયાદ પણ મોકલી દીધી. પરંતુ તે વરિષ્ઠ બ્રિટિશ અધિકારીઓને તેમના પોતાના ખાનગી જાસૂસો પાસેથી એવી માહિતી મળી કે રાણી લક્ષ્મીબાઈ સવાર-સાંજ દેવપૂજા કરવા, જપ કરવા અને મંદિરે જવામાં જ વધુ મગ્ન રહેતી હતી. તે સામાન્ય નાગરિક મહિલાઓને વારંવાર મળે છે અને તેમાંથી માત્ર જરૂરિયાતમંદ, ગરીબ, અનાથ અને વિકલાંગોને જ મદદ કરે છે અને તેથી જ આ લોકપ્રિયતા વધી રહી છે. જોકે રાણી લક્ષ્મીબાઈ કંપની સરકાર પ્રત્યે એકદમ નિષ્ઠાવાન છે. આવી માહિતી પૂરી પાડનાર વરિષ્ઠ અધિકારીઓનો જાસૂસ એટલે દીવાન રઘુનાથ સિંહ પોતે જ.
આવી માહિતીથી નિશ્ચિંત થયેલા બ્રિટિશ અધિકારીઓ જાગ્યા ત્યારે, જ્યારે ધનસિંહ ગુર્જરના ઠેકાણાઓ પરથી મળેલા પુરાવાઓ સામે આવ્યા. તેમને ખબર પડી ગઈ હતી કે ધનસિંહ ગુર્જરને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ આર્થિક સહાય કરતી હતી અને ઝાંસીના પચાસ નાગરિકો પણ ધનસિંહ ગુર્જરની સાથે હતા.
આ સાંભળીને બ્રિટિશ ગવર્નર ચોંકી ગયા અને બ્રિટિશ વાઈસરોયને આ સમાચાર મોકલવામાં આવ્યા. (તે સમયમાં ‘વાઈસરોય’ પદ નહોતું. કંપની સરકારના ચીફ એટલે કે ગવર્નર જનરલને જ વાઈસરોય માનવામાં આવતા હતા.)
આ માહિતી મળતા જ બ્રિટિશ સેનાના સર્વોચ્ચ અધિકારીઓ કામે લાગી ગયા. ધનસિંહ ગુર્જર દ્વારા આપવામાં આવેલા પ્રચંડ અને સમર્થ લડત પછી, તેમના બલિદાન બાદ કંપની સરકારે કુલ 34,000 નવા કાયદા બનાવ્યા હતા અને તે ખૂબ જ કડકાઈથી અમલમાં મુકવામાં આવી રહ્યા હતા.
બ્રિટિશ સર્વોચ્ચ અધિકારીઓ તરફથી ઝાંસી સંસ્થાનને પત્ર મળ્યો કે રાજાએ કરેલી આ દત્તક વિધિ કંપની સરકારને મંજૂર નથી. બ્રિટિશ અધિકારીઓને યોગ્ય સહકાર આપવો, સંપૂર્ણ માહિતી સત્તાવાર રીતે આપવી અને સંસ્થાન કંપની સરકારના હાથમાં સોંપવાની તૈયારી કરવી.
રાણી લક્ષ્મીબાઈ અને તેમના મુખ્ય સાથીઓને આ બાબતનો અંદાજ હતો જ. પરંતુ બ્રિટિશરો ‘કયું કારણ આગળ ધરશે’ તે બાબતે મુંઝવણ હતી. દત્તક વિધિનું કારણ આગળ ધરીને બ્રિટિશરોએ હિંદુ વૈદિક ધર્મની ધાર્મિક માન્યતાઓને નકારી દીધી હતી. રાણી લક્ષ્મીબાઈનો ગુસ્સો કાબૂ બહાર ગયો હતો. તેમણે જાણ્યું કે આ સીધેસીધું વૈદિક ધર્મ પર, ભારતીય રજવાડાઓની સત્તા પર અને ભારતીય જનતાની જીવનશૈલી પરનું કપટપૂર્ણ આક્રમણ છે.
દીવાન રઘુનાથ સિંહની મદદથી તેમણે બ્રિટિશ વરિષ્ઠ અધિકારીઓ સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. લાલાભાઉ બક્ષીને દૂત તરીકે મોકલવામાં આવ્યા જેથી વધુમાં વધુ સમય મેળવી શકાય. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે રાણી લક્ષ્મીબાઈ વધુને વધુ સમય મંદિરોમાં વિતાવવા લાગ્યા. અલગ-અલગ ગામોમાં અલગ-અલગ મહાપૂજાઓનું આયોજન કરવા લાગ્યા. વૈદિક પઠન અને પુરાણ કથાઓના સત્રો યોજવા લાગ્યા.
આ પ્રકારની મંદિર મુલાકાતો અને મહાપૂજાઓમાં સર્વે પ્રજાજનોને ‘બ્રિટિશરો શું કરી રહ્યા છે’ તે પદ્ધતિસર રીતે સમજાવવાનું કાર્ય રાણી લક્ષ્મીબાઈના વિવિધ સાથીઓ કરવા લાગ્યા અને તે જ સમયે ધર્મનિષ્ઠ અને ભારતીય અસ્મિતા જાગૃત હોય તેવા લોકો પાસેથી ભંડોળ જમા કરવામાં આવ્યું અને ગુપ્ત રીતે પુરણ સિંહ કોરી અને ખુદાબક્ષ વિવિધ શસ્ત્રો ખરીદવા લાગ્યા.
14 મે 1857ના રોજ ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીએ દત્તક વિધિને ગેરકાયદેસર ઠેરવી ઝાંસીનું સંસ્થાન ખાલસા કર્યાનો સત્તાવાર આદેશ રાણીને સોંપ્યો અને તેની સાથે જ તે રાત્રે ઝાંસીમાં રહેલી છાવણીના ભારતીય સૈનિકોએ ઝાંસી શહેરમાં ઠેર-ઠેર હુમલા કરી બ્રિટિશ અધિકારીઓને યમધામ મોકલી દીધા. એક પણ બ્રિટિશર જીવતો બચી શક્યો નહીં.
મેજર જનરલ હ્યુ રોઝને રાણી લક્ષ્મીબાઈએ સમજાવ્યું કે ‘આ સિપાહીઓનો બળવો છે’ અને વાટાઘાટો ચાલુ રાખી. મેજર હ્યુ રોઝ નવેમ્બર અને ડિસેમ્બર 1857માં ઝાંસીમાં જ રોકાયો હતો. પરંતુ તેને કે તેના જાસૂસોને રાણી લક્ષ્મીબાઈની ગુપ્ત ગતિવિધિઓની માહિતી જરાય મળી શકી નહીં. આનો બધો જ શ્રેય રાણી લક્ષ્મીબાઈની મુત્સદ્દીગીરી અને તેમના સાથીઓના અપૂર્વ આયોજનને જાય છે. દીવાન રઘુનાથ સિંહ, લાલાભાઉ બક્ષી, ખુદાબક્ષ, પુરણ સિંહ કોરી, ઝલકારીબાઈ, મોતીબાઈ, મુંદર બેગમ, કમલકુમારી ચૌહાણ અને રાજકુંવર યાદવ એમ નવ જણાની ટુકડી રાણી લક્ષ્મીબાઈના આદેશ મુજબ અત્યંત શાંતિથી અને નિષ્ઠાપૂર્વક દરેક કાર્ય કરી રહી હતી. દુર્ગાદલ અને મહાદેવશિવદલ ખૂબ જ વ્યવસ્થિત રીતે વધી રહ્યા હતા.
મેજર જનરલ હ્યુ રોઝ વરિષ્ઠ અધિકારીઓ એટલે કે લોર્ડ ડેલહાઉસીને મળવા માટે ઝાંસી બહાર નીકળ્યો અને તેની મુસાફરીના બીજા તબક્કામાં જ તેને ઝાંસીની આસપાસના રાજ્યોના ગદ્દાર લોકો મળ્યા, જેઓ રાણીના શૌર્ય અને શાસનથી ઈર્ષ્યા કરતા હતા. તેમણે હ્યુ રોઝને રાણીની હિલચાલ વિશે વિગતવાર જણાવ્યું અને કેટલાક પુરાવા પણ આપ્યા.
આ સાથે જ આખું ચિત્ર બદલાઈ ગયું. મેજર જનરલ હ્યુ રોઝ જે લોર્ડ ડેલહાઉસી પાસે રાણીના પક્ષમાં બોલવાનો હતો, તેના બદલે તે સખત વિરોધમાં બોલ્યો, કારણ કે બે મહિના ઝાંસીમાં રહેવા છતાં તેને કઈ ખબર ન પડી તેનાથી તેનો અહંકાર ઘવાયો હતો. તેણે રાણીને પાઠ ભણાવવાનો અને ઝાંસીના રાજ્યને જમીનદોસ્ત કરવાનો પાકો નિર્ણય કર્યો.
આ સમય સુધીમાં રાણી લક્ષ્મીબાઈએ બ્રિટિશરો વિરુદ્ધ તૈયારી કરી રહેલા નાનાસાહેબ પેશવા સાથે સંપર્ક કરી લીધો હતો અને પેશવાના મુખ્ય પ્રતિનિધિ તાત્યા ટોપે બે વાર ઝાંસી આવીને ગયા હતા. ઝાંસી પર હુમલો થાય તો તાત્યા ટોપે તેના ત્રણ હજાર સૈનિકો સાથે મદદ માટે આવવાના હતા.
લોર્ડ ડેલહાઉસીના આદેશ મુજબ મેજર જનરલ હ્યુ રોઝે દસ હજાર સૈનિકો સાથે 15 માર્ચ 1858ના રોજ ઝાંસી પર આક્રમણ કર્યું. ઘોર યુદ્ધ શરૂ થયું.
મેજર એર્સ્કિન મુખ્ય સેનાપતિ હતો. તેની સાથે લડતા લડતા જ લાલાભાઉ બક્ષી અને દીવાન રઘુનાથ સિંહે મેજર એર્સ્કિન સાથે વાતચીત ચાલુ રાખી હતી. પરંતુ રાણી લક્ષ્મીબાઈ જરા પણ બેસાવધ નહોતી.
રાણી લક્ષ્મીબાઈના દુર્ગાદલની 3500 વીરાંગનાઓએ સીધો જ મેજર એર્સ્કિનની છાવણી પર હુમલો કર્યો. રાણી લક્ષ્મીબાઈ અને ઝલકારીબાઈ બે દિશામાંથી તૂટી પડ્યા અને બ્રિટિશરોના 4000 સૈનિકોને મારીને જ દુર્ગાદલ પાછું ફર્યું.”




Comments
Post a Comment