મલ્હારરાવ બોલતા-બોલતા ક્ષણભર માટે થોભ્યા. એમનું ગળું ભરાઈ આવ્યું હતું અને આંખોની કોર ભીની થઈ ગઈ હતી. ત્યાં ઉપસ્થિત બધા લોકોની લગભગ એવી જ હાલત થઈ હતી. એ જ ઓરડામાં મલ્હારરાવના ડાબા હાથના ખૂણામાં બેઠેલી ત્રણેય સ્ત્રીઓની સ્થિતિ માત્ર ખૂબ જ અલગ હતી.
પહેલી સ્ત્રી હતી એકવીસ વર્ષ પૂરા કરીને બાવીસમાં બેઠેલી જાનકીબાઈ - ‘આદ્ય હુતાત્મા મંગલ પાંડે પણ બાવીસ વર્ષનો જ હતો. હું પણ બાવીસ વર્ષની જ છું. કેવું સુંદર લાગતું હશે નહીં, ગોળી છાતીમાં ઘૂસતી વખતે! હે ભગવાન! મારું પણ આમ જ થવા દે.’
બીજી સ્ત્રી હતી, ફડકે માસ્તરની પત્ની કમલાબાઈ. આ પીઢ અને અનુભવી સ્ત્રી ‘એ શું શું કરી શકાશે’ એ જ વિચાર કરતી હતી, પણ મગજ શાંત રાખીને જ.
ત્રીજી સ્ત્રી, ગોવિંદદાજીની દીકરી સૌ. મંજુળાબાઈ. એનું સાસરું પણ ગામમાં જ હતું. એને એક વર્ષનું એક બાળક હતું અને તે એના ખોળામાં જ સૂતેલું હતું. એની ઉંમર પણ બાવીસ જ હતી. એ પહેલેથી જ ગોવિંદદાજીના હાથ નીચે એમનાં બધાં કારસ્થાનોમાં છેલ્લાં ત્રણ વર્ષથી મદદ કરતી હતી. તે જાનકીબાઈની ખાસમખાસ બહેનપણી હતી. એનો પતિ ‘વાસુદેવ ગોવિંદ’ રામચંદ્ર ધારપૂરકરનો એટલો જ ખાસ મિત્ર હતો અને મુંબઈથી ધારપુર વચ્ચેનો માનવી Bridge (પુલ) હતો. મંજુળાબાઈના દીકરાનું નામ ‘મંગલપ્રસાદ’ એમ જ હતું - જાણીજોઈને રાખેલું. એને એમ જ લાગતું હતું કે મંગલ પાંડે જ એના પેટે જન્મીને આવ્યો છે.
પાંચ મિનિટ પછી વાતાવરણ થોડું હળવું થયું. સંપતરાવે થોડા સંકોચ સાથે જ પ્રશ્ન કર્યો, “મલ્હારરાવ! મંગલ દિવાકર પાંડેએ બલિદાન આપ્યું, એ શ્રેષ્ઠ જ વાત છે. પણ તમે એને ‘પહેલું બલિદાન’ કેમ કહો છો? પેલો નંદકુમાર પણ ફાંસી પર જ ચડ્યો હતો ને?”
મલ્હારરાવ બોલ્યા, “નંદકુમારને બ્રિટિશ ઓફીસરે કપટવૃત્તિનો ઉપયોગ કરીને ફાંસી પર ચડાવ્યો હતો, એ નક્કી; પણ એ કોઈ સ્વાતંત્ર્યસેનાની નહોતો. તે બ્રિટિશરો માટે ભારતીય જનતા પાસેથી Tax ઉઘરાવવાનું કામ કરતો હતો અને તેમાંથી અમુક ભાગ તે ભ્રષ્ટ બ્રિટિશ અધિકારીઓને એમની મોજમજા માટે આપતો હતો. એકવાર પ્રસંગવશાત એટલે કે પૈસાની તંગી હોવાને કારણે નંદકુમારે, જમા થયેલા ટેક્સ માંથી અમુક ભાગ પોતાની પાસે જ રાખવાનું શરૂ કર્યું અને એના માટે એને ફાંસી પર ચડાવવામાં આવ્યો.
આ સ્વાતંત્ર્ય યુદ્ધનું બલિદાન નહોતું, પણ બ્રિટિશરોની હિંસક અને ક્રૂર જુલમશાહીનું ઉદાહરણ હતું. ફક્ત થોડા પૈસાની ચોરી માટે ફાંસી પર લટકાવવું અને તે પણ ૭૦ વર્ષના માણસને, એ નક્કી અન્યાયની વાત હતી, પણ બલિદાનની નહીં.”
સંપતરાવે જ ફરી એક પ્રશ્ન કર્યો, “મંગલ પાંડેનું બલિદાન થયું, એ જગ્યા પર સાદી શિલા મૂકવામાં આવી છે શું?”
મલ્હારરાવ ભગવાનને હાથ જોડતા બોલ્યા, “મંગલ દિવાકર પાંડેના બલિદાન પછી માત્ર એક જ મહિનામાં, એના એક ખાસ મિત્ર ‘ધનસિંહ ગુર્જર’એ તે જગ્યા પર એક ચોક્કસ આકારનો પથ્થર દાટીને, એની બાજુમાં એક તુલસીનો છોડ વાવ્યો. (આગળ જતાં આઝાદી પછી આ જ જગ્યાએ મંગલ પાંડેનું સ્મારક બનાવવામાં આવ્યું છે.)
ધનસિંહ ગુર્જર પાસે તે વખતે એની સાથે ફક્ત એક જ સૈનિક હતો એટલે તે શાંત રહ્યો હતો, પણ મેરઠ છાવણીમાં પહોંચ્યા પછી થોડા જ કલાકોમાં એને ‘બરાકપોરમાં મંગલ પાંડેએ શું કર્યું’ આ સમાચાર મળ્યા અને અંદરથી સળગી ઉઠેલો કોતવાલ ધનસિંહ ગુર્જર જોરશોરથી કામે લાગી ગયો. એણે એક-એક માણસો ભેગા કરવાનું શરૂ કર્યું અને પોતાના પચાસ સૈનિકો અને બીજા જૂથોના પચાસ સૈનિકો એમ સો જણાનું નાનું સૈન્ય તૈયાર કર્યું. ૯ એપ્રિલ ૧૮૫૭ના રોજ મેરઠની છાવણીમાં મંગલ પાંડેની ફાંસીના સમાચાર આવી પહોંચ્યા. છાવણીનો લગભગ દરેક સૈનિક ગુસ્સે ભરાયો હતો, પણ ફાયદો શું? પેલા બે હજાર સૈનિકોમાંથી ફક્ત ચાળીસ જણાએ ધનસિંહના જૂથમાં જોડાવાની હિંમત બતાવી. બાકીના ચૂપ જ રહ્યા.
અંદરોઅંદર સમાચારો અને સંદેશાઓની આપલે થવા લાગી. દરેક છાવણી અને થાણાને એમનું-એમનું લક્ષ્ય નક્કી કરી આપવામાં આવ્યું અને ૧૦ મે ૧૮૫૭ના રોજ કોતવાલ ધનસિંહ ગુર્જરના નેતૃત્વ હેઠળ મેરઠ છાવણીમાં બ્રિટિશ ઓફિસરો હતા તે થાણા પર જોરદાર હુમલો કરવામાં આવ્યો.
ધનસિંહની ઓજસ્વી વાણીથી પ્રેરાઈને લગભગ ૬૦૦ સૈનિકો જુદા જુદા થાણાઓથી તાત્કાલિક મેરઠ પહોંચી ગયા હતા અને એ પણ હથિયારો સાથે.
આખું પશ્ચિમી ઉત્તર પ્રદેશ, દિલ્હી, આગ્રા, દેહરાદૂન, બિજનૌર, પંજાબ, રાજસ્થાન, ઝાંસી અને મહારાષ્ટ્રથી ક્રાંતિકારી વિચારોથી રંગાયેલા સામાન્ય નાગરિકો દાતરડું, કોયતો, કરવત, હથોડી, કુહાડી, લાકડી જેવાં હથિયારો લઈને મેરઠ આવી પહોંચ્યા હતા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા.
મેરઠની આસપાસના ગામડાંના હજારો ગુર્જર જાતિના ગામવાસીઓ જે હથિયાર મળે તે લઈને ત્યાં ભેગા થયા હતા.
૧૦ મેની રાત્રે ૯ વાગ્યે ધનસિંહ અને એની એક ટુકડીએ મેરઠ છાવણીમાં બ્રિટિશ અધિકારીઓની ઈમારત પર હુમલો કર્યો અને તે બધાને કેદી બનાવી લીધા. રાત્રે બે વાગ્યે મેરઠની મુખ્ય જેલ તોડીને ૮૭૬ કેદીઓને છોડાવ્યા અને પોતાની સાથે ભેળવી લીધા. ત્યાર પછી જેલને આગ લગાડી દીધી.
સવાર સુધીમાં બાવીસ બ્રિટિશ ઓફિસરો માર્યા ગયા હતા, ૮૦ બ્રિટિશ સૈનિકો માર્યા ગયા હતા અને લગભગ એટલા જ ધનસિંહની કેદમાં હતા.
‘શહીદ મંગલ પાંડે અમર રહે’ ના નારા લગાવતા, સાધારણ હથિયાર ધારણ કરેલા, દેશભરમાંથી આવેલા હજારો ભારતીય નાગરિકોએ મેરઠમાં, બ્રિટિશરો સાથે સંબંધિત એવી દરેક ઈમારત, કાગળિયા, પોલીસ થાણા અને આવી અનેક વસ્તુઓ બાળીને રાખ કરી દીધી હતી.
ત્યાર પછી એમાંના અડધા સૈનિકો અને અડધા નાગરિકો ૧૨ મેના રોજ દિલ્હી સુધી જઈ પહોંચ્યા અને આ વિદ્રોહ મેરઠની આજુબાજુના ગામડાઓમાં પણ ફેલાઈ ગયો.
બ્રિટિશ કંપની સરકારે જોરદાર વળતા હુમલા કરવાનું શરૂ કર્યું. બ્રિટિશરો પાસે સૈન્યબળ પણ મોટું હતું અને શસ્ત્રસરંજામ તો પુષ્કળ હતા અને વધુ અસરકારક પણ હતા.
આ વિદ્રોહની આગ દિલ્હીમાં પણ ફેલાતી જઈ રહી છે એ જોઈને ઉત્તર પ્રદેશ, પંજાબ, બંગાળ, મહારાષ્ટ્ર અને પટનામાં પણ આવી જ ઘટનાઓ બની રહી છે એ જોઈને બ્રિટિશ કંપની સરકાર ધૂંઆપૂંઆ થઈ ગઈ. એમને એમની સત્તા જવાનો ખતરો દેખાવા લાગ્યો.
છેવટે બ્રિટિશરોએ કપટનીતિ અપનાવીને, ધનસિંહ તે વખતે હતા તે મેરઠ નજીકના ગામ પર (પાનસ્લી અથવા ગગોલ) દસ મોટી તોપોથી અત્યંત ક્રૂર હુમલો કર્યો અને ૫૦૦ ઘોડેસવાર સિપાઈઓ ગામમાં ઘૂસીને કતલેઆમ કરવા લાગ્યા. હજારો પુરુષો અને સ્ત્રીઓ કપાઈ ગયા અને બચેલાઓને ફાંસી આપવામાં આવી અને તે પણ દરેક ચોકે ચોકે.
ધનસિંહ ગુર્જર કોતવાલ અહીંયા જ શહીદ થયો અને તે પણ લગભગ સો બ્રિટિશ સૈનિકોને મારીને જ.
આ ગામમાં જ ધનસિંહ ગુર્જરને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જબરદસ્ત ટેકો હોવાના પુરાવા બ્રિટિશરોના હાથમાં આવ્યા અને એક જ રાતમાં બ્રિટિશરોને ગરીબ સ્વભાવની, અસહાય, એકલી વિધવા રાણી લક્ષ્મીબાઈ પ્રચંડ ખતરનાક લાગવા માંડી.”
(કથા ચાલુ)
.png)



Comments
Post a Comment