મલ્હારરાવે ભારપૂર્વક અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “મંગલ પાંડે વિશે બ્રિટિશરોએ બ્રિટિશ તરફી અખબારોનો, સરકારી નોકરોનો, વેપારીઓનો અને બાતમીદારોનો ઉપયોગ કરીને આવા જ સમાચાર આગળ ફેલાવી દીધા કે ‘મંગલ પાંડેએ ભાંગનું સેવન કર્યું હતું. તેઓ હંમેશાં અફીણ (opium) લેતા હતા અને તેના નશામાં જ તેઓ અત્યંત બેજવાબદારીથી વર્ત્યા. તેમની પાસે ભારત વિશેના કોઈ મૂલ્યો નહોતા.’
પરંતુ આ બધું સદંતર ખોટું છે. ફડકે માસ્તરના પિતા અનંતરાવ ફડકે પણ મંગલ પાંડેની જ બટાલિયનમાં હતા અને આપણા ફકીરબાબાના મામા પણ. તેથી, આપણી પાસે સચોટ માહિતી છે અને તે પણ ત્યાં ઉપસ્થિત રહેલા લોકો પાસેથી જ મળેલી.
એક દિવસે વહેલી સવારે ઊઠીને જાપ કરતાં પહેલાં સ્નાન માટે કૂવા પર ગયેલા મંગલ પાંડેને, બે બ્રિટિશ ઓફિસરો વચ્ચેની વાતચીત સંભળાઈ. ગાયની ચરબી (Cow Fat અને Beef) અને ડુક્કરની ચરબી (Pig Fat, Pork) આ શબ્દો સાંભળવાને કારણે મંગલ પાંડેએ છુપાઈને સંપૂર્ણ વાતચીત સાંભળી અને તેમને બ્રિટિશરોના ઇરાદાની ખબર પડી કે આ લોકોને હિંદુ અને મુસલમાન એમ બંનેનો ધર્મ ભ્રષ્ટ કરવો છે કારણ કે હિંદુ ક્યારેય ગોમાંસ ખાશે નહીં અને ખરો મુસલમાન ક્યારેય ડુક્કરની ચરબી ખાશે નહીં.
ત્યાંથી જ મંગલ પાંડેના વિચારોના ચક્રો ઝડપથી શરૂ થયા. તેમણે વહેલી સવારે જ આ સમાચાર જમાદાર ઈશ્વરીપ્રસાદ અને પોતાના સહકાર્યકરોને જણાવ્યા. તેમની વચ્ચે વ્યવસ્થિત યોજના ઘડવાનું શરૂ થયું. ઠેર ઠેરના હિંદુ સૈનિક મિત્રોને આ કાવતરામાં સામેલ કરવામાં આવ્યા. મેરઠની છાવણીનો તો દરેક ભારતીય સૈનિક કંઈ પણ કરવા માટે તૈયાર થઈ ગયેલો હતો.
૧ એપ્રિલ ૧૮૫૭થી નવા કારતૂસો વાપરવા ફરજિયાત થવાના હતા અને તેથી ૨૮ માર્ચની રાત નક્કી કરવામાં આવી. સૌ કોઈ એક ક્ષણ પણ ન ઊંઘતા રાતભર જાગતા હતા. પરંતુ રાતભર બ્રિટિશ અધિકારી ‘લેફ્ટનન્ટ બૉઘ’ (Baugh) તેમના કેટલાક બ્રિટિશ સહકાર્યકરો સાથે આ સંપૂર્ણ બારક પોર (Barrack Pore) છાવણીમાં ગશ્ત લગાવતા ફરી રહ્યા હતા અને તેમની સાથે બહારથી આવેલા કેટલાક ભારતીય જમીનદાર હતા, ઠાકુર હતા અને કાશી જવા નીકળેલા યાત્રાળુઓ પણ હતા. તેથી મંગલ પાંડેએ ધીરજ રાખવાનું નક્કી કર્યું, પરંતુ આ તમામ મંડળી ધીમે ધીમે ત્યાંથી નીકળી ગઈ પછી પોતાની સાથે ભરેલી બંદૂક (જૂની) અને ઘણો બધો દારૂગોળો લઈને લેફ્ટનન્ટ બૉઘની છાવણી પર હુમલો કરવા માટે પોતાના તંબુમાંથી બહાર નીકળ્યા.
તેમના કાવતરામાં સામેલ થયેલા સહકાર્યકરો માટે નિશાની તરીકે નક્કી કરેલો તાત્કાલિક લગાવેલો લાલ ઝંડો એક ડરપોક, ભીરુ સહકાર્યકરે તરત છુપાવી દીધો અને એકલા મંગલ પાંડે જ લેફ્ટનન્ટ બૉઘના નિવાસસ્થાને જઈને ઊભા રહ્યા અને ત્યાંથી બહાર નીકળેલા લેફ્ટનન્ટ પર તેમણે પહેલીવાર ગોળીઓ ચલાવી. સ્વતંત્રતા યુદ્ધની પહેલી ગોળી છૂટી તે અહીં. પરંતુ દગાબાજોએ પોતાનું કામ કર્યું હતું. તેથી લેફ્ટનન્ટ બૉઘ તૈયારીમાં જ હતો. તે તરત જ ઘોડા પર સવાર થયો અને ભાગવા લાગ્યો. પરંતુ મંગલ પાંડેની બે ગોળીઓ લેફ્ટનન્ટના ઘોડાના શરીરમાં ઘૂસી ગઈ અને ઘોડો લેફ્ટનન્ટ બૉઘને લઈને જ નીચે ઢળી પડ્યો. તેની સાથે જ મંગલ પાંડે તલવાર લઈને બૉઘ પર ધસી ગયા અને તેના પર તલવારથી સાત ઘા કર્યા. પરંતુ ‘શેખ પલટૂ’ નામના લેફ્ટનન્ટના ખાસ સિપાઈએ મંગલ પાંડેને પાછળ ખેંચીને પાડી દીધા.
અને મંગલ પાંડેના ઇરાદાની ગંધ આવી ગયેલા બ્રિટિશ સાર્જન્ટ-મેજર (Sergeant-Major) હ્યુસન (Hewson) ત્યાં આવી પહોંચ્યા. હ્યુસન પરાજય જોઈને ગુસ્સે થયા અને તેમણે જમાદાર ઈશ્વરીપ્રસાદને મંગલ પાંડે પર હુમલો કરવાની આજ્ઞા આપી. પરંતુ ઈશ્વરીપ્રસાદે તેમની આજ્ઞા ઠુકરાવીને મંગલ પાંડેને મદદ કરવાનું શરૂ કર્યું. હ્યુસનની મદદ માટે શેખ પલટૂ દોડી આવ્યા. તે બીજા સિપાઈઓને મદદ કરવા કહેવા લાગ્યા, પરંતુ મંગલ પાંડેના એકનિષ્ઠ સહકાર્યકરોએ ઊલટાનો પથ્થરોનો અને ચંપલોનો મારો કર્યો.
મંગલ પાંડે અને તેમના સહકાર્યકરોએ તે લડાઈ લગભગ જીતી જ લીધી હતી. મંગલ પાંડે મોટા અવાજે બોલી રહ્યા હતા, ૧) મારો ફિરંગી કો. (વિદેશીઓને મારી નાખો.) ૨) તમે અમારા કાળા રંગની પ્રામાણિકતા જોઈ છે, હવે પછી અમારો ક્રોધ જુઓ. (You have tested a black man’s loyalty - now test his fury.) ૩) આ કારતૂસો ચાવીને આપણે સૌ ધર્મભ્રષ્ટ થઈશું. અત્યારે જ સાવધ થાઓ. (By biting these cartridges, we shall become infidels, awake!) ૪) હું હિંદુસ્તાની છું અને હું જ હિંદુસ્તાન છું. (I am true Indian and I am Hindustan myself.) એટલામાં મેજર જનરલ જ્હોન બેનેટ હરસે (Hearsey) ત્યાં આવી પહોંચ્યા. તેઓ સાથે મોટી લશ્કરી ટુકડી લાવ્યા હતા. જનરલે આજ્ઞા ન માનનાર દરેક ભારતીય સૈનિકને ગોળી મારવાની ધમકી આપી. તેથી કંઈ જ ખબર નહોતી તેવા, તેમની સાથે આવેલા સૈનિકો આગળ વધ્યા. જે હથિયાર મળ્યાં તેનાથી મારામારી શરૂ થઈ. સર્વત્ર રક્તપાત દેખાવા લાગ્યો.
પરંતુ તે સામાન્ય મારામારી નહોતી. તે હતી સ્વતંત્રતાની પહેલી લડાઈ. ૬૦૦ બ્રિટિશરોને વફાદાર રહેલા સૈનિકો અને મંગલ પાંડેની સાથેના ચોવીસ જણાંએ આ મુકાબલો સાંજ થતાં થતાં પૂરો કર્યો. ઈશ્વરીપ્રસાદે મંગલ પાંડેના કહેવા મુજબ બીજા ચોવીસ સહકાર્યકરોને જંગલમાં ભગાડી દીધા.
છેવટે સાંજે પાંચ વાગ્યે મંગલ પાંડે અને ઈશ્વરીપ્રસાદને પકડવામાં આવ્યા અને લોહીથી લથબથ પાંડે ટટ્ટાર ચાલતા નારા આપતા જ રહ્યા. તેમને નામ પૂરતા લશ્કરી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા અને સાત દિવસના કોર્ટમાર્શલનું નાટક કરીને મંગલ પાંડેને ૮ એપ્રિલ ૧૮૫૭ના રોજ હજારો લોકોની હાજરીમાં સૂળી પર ચડાવવામાં આવ્યા અને ઈશ્વરીપ્રસાદને ૨૧ એપ્રિલના રોજ સૂળીએ ચડાવ્યા.
મિત્રો! આપણા ભારતના સ્વતંત્રતા યુદ્ધના આ બે પહેલા બલિદાનો. આમના નામનો ઉચ્ચાર કર્યા વગર સ્વતંત્રતા સંગ્રામની ગાથા શરૂ જ થઈ શકતી નથી.”
(વાર્તા ચાલુ)
मराठी >> हिंदी >> English >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>> മലയാളം>>

.jpg)
%20-photo%20is%20must.jpg)
Comments
Post a Comment