મોતીબાઈ એક વૃદ્ધ, વિધવા મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ સ્ત્રીના વેશમાં કાશી તરફ નીકળી હતી. તેની સાથે આવવા માટે તેમના ગ્રુપનો દરેક જણ આતુર હતો. પરંતુ મોતીબાઈએ આ વાતની મક્કમતાથી ના પાડી દીધી હતી. બાકીના બધાએ તાત્યા ટોપે પાસે પહોંચવું જરૂરી હતું અને જો તેમ ન થાય તો તે ગ્રુપ છાનામાના બુંદેલખંડના એક પહાડી ગામમાં રોકાવાનું હતું અને ધીમે ધીમે પોતપોતાના સ્થાને પરત ફરવાનું હતું.
મોતીબાઈની પીઠ પર આ છ જણાના પવિત્ર અસ્થિ ધરાવતા છ પવિત્ર કુંભ એક રેશમી પોટલીમાં બાંધીને રાખ્યા હતા અને તેની કાખમાં લટકતી જોળીમાં તેના વસ્ત્રો અને માળા હતી. તેણે જાણી જોઈને એક પણ શસ્ત્ર પોતાની સાથે લીધું નહોતું કારણ કે જો કોઈએ એક વૃદ્ધ બ્રાહ્મણ વિધવા પાસે શસ્ત્ર જોયું હોત, તો અનેક શંકાઓ ઊભી થઈ હોત અને તેના કાર્યમાં અડચણ આવી હોત અને મોતીબાઈને આ વાત બિલકુલ જોઈતી નહોતી.
મોતીબાઈ એકલી જ હાથમાં લાકડીના ટેકે ટેકે, જંગલમાંથી નજીકના જ એક ગામની ધર્મશાળામાં આવી પહોંચી, ત્યારે બપોરના બાર વાગ્યા હતા અને ગામમાં પ્રવેશતાની સાથે જ તેને સામે રામ મંદિર દેખાયું. તેણે મંદિરની બહાર ઉભા રહીને જ ગર્ભગૃહમાં બિરાજમાન રામ-લક્ષ્મણ-જાનકીની મૂર્તિઓને નમસ્કાર કર્યા અને દંડવત પ્રણામ કર્યા. તેણે મનોમન પ્રાર્થના કરી - ‘હે પ્રભુ રામભદ્ર! આ પવિત્ર અસ્થિ કાશી જઈને ગંગામાં વિસર્જિત કરવાનું મારું કાર્ય સફળ કરજો. આ જીવોના કોઈપણ મંત્રોક્ત અંતિમ સંસ્કાર થયા નથી. પરંતુ પરંપરા કહે છે કે જો અસ્થિ કાશીમાં ગંગાના કિનારે વિસર્જિત થાય, તો બીજા કોઈ કર્મકાંડની જરૂર રહેતી નથી.
હે સ્વયં ભગવાન રામભદ્ર! તમારું બાણ પણ અમોઘ છે અને તમારું વરદાન પણ. તમારું નામ લઈને જ હનુમાનજીએ આટલો મોટો સમુદ્ર પાર કર્યો હતો. તેમને વળી શું અશક્ય છે! અને તમે તો ‘દીનદયાળ’નું બિરુદ ધરાવો છો. મારા જેવી એકલી સ્ત્રીને તમે જ આધાર આપશો, એવો મને વિશ્વાસ છે.`
મોતીબાઈ તેની પીઠ પરનો અને કાખનો સામાન લઈને મંદિરની સામે જ આવેલા એક વિશાળ વડના ઝાડ નીચે જઈને બેસી ગઈ. ગામના કેટલાક બ્રાહ્મણ પુરુષો, આ મરાઠી બ્રાહ્મણ વિધવા સ્ત્રી છે એ ઓળખીને પોતાની સ્ત્રીઓને લઈને તેની પાસે આવ્યા.
તે લોકોમાં, રામ મંદિરના પૂજારી ભાસ્કર ભટ્ટ અને તેમની પત્ની નર્મદાબાઈ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હતા અને તેથી તે બંનેને મરાઠી ભાષા ઠીક-ઠીક આવડતી હતી. નર્મદાબાઈએ મોતીબાઈની નજીક આવીને સહાનુભૂતિથી પૂછ્યું, “માસી! તમે એકલા આટલા બધા અસ્થિકુંભ લઈને ક્યાં જઈ રહ્યા છો? તમારી સાથે કોઈ સગું-વહાલું નથી. અમે તમારું દુઃખ સમજી શકીએ છીએ. શું થયું તે કહેશો? અમે બંને તો તમને ચોક્કસ મદદ કરીશું. અમારા ગામના બીજા લોકો પણ ખૂબ જ સારા દિલના છે.”
મોતીબાઈએ હિન્દુસ્તાની ભાષામાં જ જવાબ આપ્યો, “હું પણ ઝાંસીમાં જ રહેતી હતી. મૂળ હું પુણેની. મારા આ છએ સંબંધીઓ, બ્રિટિશ સૈન્યએ ઝાંસી પર કરેલા આક્રમણમાં વગર કારણે માર્યા ગયા. આમાં ત્રણ સ્ત્રીઓ અને ત્રણ પુરુષો છે. મારા પરિવારમાં ફક્ત એક પૌત્ર બચ્યો છે. તેને મારી બહેન પાસે મૂકીને હું કાશી જવા નીકળી છું. અમે ગરીબ બ્રાહ્મણ. મારી સાથે આટલા લાંબા પ્રવાસે કોણ આવે?” ‘મારો બચેલો પૌત્ર’ એમ કહેતી વખતે મોતીબાઈની આંખો સામે રાણી લક્ષ્મીબાઈનો દત્તક પુત્ર દામોદરરાવ દેખાઈ રહ્યો હતો.
મોતીબાઈ આગળ બોલી, “આખા ઝાંસી શહેરમાં બ્રિટિશરોએ ઠેર-ઠેર આગચંપી કરી અને તેમાં આ બધું બન્યું. ત્યાંથી મજલ-દરમજલ પ્રવાસ કરીને હું અહીં પહોંચી છું. જો કોઈ કાશી જનારું મળી જાય તો તેનો સાથ મળી જશે. મારું સૂતક પણ પૂરું થઈ ગયું છે. એટલે આભડછેટ જેવો કોઈ પ્રશ્ન રહેશે નહીં. સાથે અસ્થિકુંભ છે એટલે મંદિરમાં નથી ગઈ એટલું જ. આજે રાત્રે પણ અહીં જ મુકામ કરીને આરામ કરીશ.”
મોતીબાઈની વાત સાંભળીને દરેક જણ અરેરાટી અનુભવી રહ્યું હતું. તે ગામના અનેક લોકોના સગા-સંબંધીઓ ઝાંસીમાં હતા જ. મોતીબાઈએ જાણી જોઈને ડૂસકું ભર્યું અને રડવા લાગી. તેની સાથે જ ત્રણ-ચાર સ્ત્રીઓ તેને સાંત્વના આપવા આગળ આવી. તેમાંથી એક સ્ત્રીએ મોતીબાઈને કહ્યું, “તમારી સાથે ગામમાંથી ચોક્કસ કોઈ આવશે કારણ કે અમે બધાએ જ ઝાંસીમાં કોઈને ને કોઈને ગુમાવ્યા જ છે અને રામ મંદિરના પૂજારી ભાસ્કર ભટ્ટ અને તેમની પત્ની નર્મદાબાઈ તો હુમલા વખતે ઝાંસીમાં જ હતા. તેમણે આખી હકીકત અમને કહી છે. બીજું કોઈ નહીં આવે તો પણ, હું એકલી તમારી સાથે આવીશ કારણ કે મારું આખું પિયર ઝાંસીની આગમાં હોમાઈ ગયું છે. તમારા આ અસ્થિ વિસર્જન કરતી વખતે હું મારા સ્વજનોના નામે પણ ગંગામાં અર્ઘ્ય આપીશ.” તે સુભદ્રાબાઈની આંખોમાંથી પણ ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેણે મોતીબાઈને જોરથી બાથ ભરી લીધી. તેના પિયરનો શોક જોરથી બહાર આવી રહ્યો હતો.
મોતીબાઈને મનમાં હાશકારો થયો કે કોઈક પોતાની સાથે આવી શકે છે, કારણ કે બ્રિટિશ જાસૂસો તેને શોધતા જ હશે, તેની તેને ખાતરી હતી. તેનું એકલું પ્રવાસ કરવું ગદ્દારોની નજરમાં આવી ગયું હોત. તેને કોઈ ‘મોતીબાઈ’ તરીકે ઓળખે તે શક્ય નહોતું. પરંતુ તેની પાસેના દરેક અસ્થિકળશમાં તે તે વ્યક્તિની એક મહત્વની નિશાની હતી અને તે ઓળખાઈ જવાની શક્યતા હતી.
સુભદ્રાબાઈની પીઠ પર હાથ ફેરવતા નર્મદાબાઈએ કહ્યું, “તું આની સાથે જરૂર જા! અમે બંને ગામના ચાર-પાચ જણાને તો આની સાથે ચોક્કસ મોકલી શકીશું.” બોલતા-બોલતા નર્મદાબાઈની આંખોમાં પણ આંસુ આવી રહ્યા હતા. મોતીબાઈને લાગ્યું કે નર્મદાબાઈ અને ભાસ્કર ભટ્ટ પોતાનું દુઃખ છુપાવવા પ્રયત્ન કરી રહ્યા છે. ચોક્કસ તેમને પણ ઝાંસી અંગે કંઈક દુઃખ છે. પરંતુ મોતીબાઈ ચૂપ જ રહી. તેણે પોતાનું નામ ‘ચિમાબાઈ આચાર્ય’ હોવાનું જણાવ્યું હતું.
મંદિરની ધર્મશાળામાં મોતીબાઈના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. રાત્રે તેના માટે ભોજન લઈને નર્મદાબાઈ અને ભાસ્કર ભટ્ટ એમ બંને આવ્યા અને તેને કહ્યું, “ગામના દસ-બાર લોકો તમારી સાથે આવવા તૈયાર થયા છે કારણ કે તેમાંથી દરેકનું કોઈ ને કોઈ માર્યું ગયું જ છે.”
મોતીબાઈએ ક્ષણવાર રામ મંદિરના શિખર સામે જોયું અને પ્રાર્થના કરી - ‘દેવાધિદેવ! જેના કારણે વિઘ્ન આવે, બ્રિટિશરોને શંકા જાય એવી કોઈ વ્યક્તિને મોકલતા નહીં.`
તે મનમાં આવું બોલે છે ત્યાં જ ધર્મશાળાની બારીમાંથી અંદર ઘુસેલી એક ખિસકોલીએ મોતીબાઈની પોટલી પર જ કૂદકો માર્યો અને તે અંદર ઘુસી ગઈ. તેની ધમાચકડીને કારણે માટીના કળશ ફૂટી ન જાય એટલે મોતીબાઈએ ઉતાવળમાં તે પોટલીની ગાંઠ છોડી દીધી.
પ્રભુ રામભદ્રે પોતાનું કામ કરી દીધું હતું. લાલાભાઉ બક્ષીના અસ્થિકળશ સાથે બાંધેલી, તેમના ગળાની ખાસ પ્રકારની મોતીની માળા અને તેમાં એક વિશિષ્ટ ચિહ્નવાળું પેન્ડન્ટ નર્મદાબાઈને દેખાઈ ગયું.
નર્મદાબાઈએ અત્યંત આવેગમાં આવીને તે પેન્ડન્ટ હાથમાં લઈને જોયું અને તેના પરની નિશાની પણ જોઈ અને તે રડતા-રડતા બોલ્યા, “ચિમાબાઈ! તું નક્કી કોણ છે? આ લાલાભાઉ બક્ષીની માળા છે અને તે મારો સગ્ગો મોટો ભાઈ હતો. તે રાણી લક્ષ્મીબાઈની સેનાનો સરદાર હતો, એટલી જ મને ખબર છે. આ પેન્ડન્ટ ફક્ત તેનું જ હતું અને આ ચિહ્ન તેની જન્મકુંડળી મુજબનું હતું. બરાબર જો! તે પેન્ડન્ટ પરની કોતરણીમાં તેનું નામ લખેલું છે. હું તારી સાથે આવીશ.”
ભાસ્કર ભટ્ટે ઉતાવળે પોતાની પત્નીને શાંત કરતા કહ્યું, “આપણે શાંત મગજથી કામ લેવું પડશે કારણ કે આ કુંભ પરના લાલાભાઉના પેન્ડન્ટની જેમ બીજી વ્યક્તિઓની નિશાનીઓ પણ ઓળખાઈ શકે છે.
બાઈ! તમારું સાચું નામ શું છે તે મને કહો કારણ કે લાલાભાઉ બક્ષી માત્ર આના સગ્ગા ભાઈ નહોતા, પણ મારા જીવજાન મિત્ર હતા. તેમના અસ્થિ તમારી પાસે છે, એનો અર્થ એ કે તમે પણ રાણી લક્ષ્મીબાઈના ખાસ માણસ હશો!”
મોતીબાઈએ પછી જરાય અચકાયા વગર ટૂંકમાં બધું કહી દીધું. ભાસ્કર ભટ્ટ તે સાંભળતા એકાએક ખૂબ ભાવુક થઈ ગયા. તેમણે રાણી લક્ષ્મીબાઈનો અસ્થિકુંભ મસ્તકે લગાવ્યો અને અત્યંત ધીમા અવાજે કહ્યું, “રાણી લક્ષ્મીબાઈ એ મારી સગ્ગી માસીની દીકરી અને પિતરાઈ બહેન પણ. અમે બંને એક જ વંશના છીએ. હવે પછીની બધી જવાબદારી મારી.”
સવારે સૂર્યોદય વખતે ૫૦-૬૦ યાત્રીઓ આવીને રામ મંદિરના પ્રાંગણમાં ભેગા થયા હતા. મોતીબાઈ સાથે ભાસ્કર ભટ્ટ, નર્મદાબાઈ અને સુભદ્રાબાઈ તો પરિવારના સભ્યો તરીકે જ આવવાના હતા. ભાસ્કર ભટ્ટે ભેગા કરેલા યાત્રાળુઓમાંથી દરેક જણ રાણી લક્ષ્મીબાઈની સેનામાં લડ્યા હતા અને મોતીબાઈના અસલી સ્વરૂપ અને અધિકારને ઓળખતા હતા.
યાત્રા કાશી તરફ શરૂ થઈ. મોતીબાઈ વૃદ્ધ વિધવાના વેશમાં જ ચાલી રહી હતી અને અસ્થિકળશ આટલા બધા લોકોના સામાનમાં છુપાવીને રાખવામાં આવ્યા હતા. તેમાંનો દરેક જણ ‘આપણને કંઈક સેવા કરવાની તક મળી છે’ એવા ભાવ સાથે જ ડગલાં ભરી રહ્યો હતો.
અગિયાર દિવસના પ્રવાસ પછી કાશી વિશ્વનાથનું શિખર દેખાવા લાગ્યું.
(કથા ચાલુ છે)

Comments
Post a Comment