કાશીબાઈ અને સુંદરબાઈ આ બંને જણી, દુલ્હેરાવને પોતાના માણસોએ તાબે કર્યા કે તરત જ ત્યાં કોઈને ખબર ન પડે એવી રીતે પોતાની ઘોડીઓ લઈને ત્યાંથી નીકળી ગઈ હતી. રામદીન વાલ્મિકીએ આપેલા નકશા મુજબ, જંગલના એક મુશ્કેલ રસ્તે તેઓ સ્મિથની છાવણી તરફ આગળ વધી રહી હતી.
સ્મિથની છાવણી સુધી પહોંચવાનો આ એક જ રસ્તો એવો હતો જે તેમને જલ્દી ત્યાં પહોંચાડી શકતો હતો. કાશીબાઈએ આ રસ્તા વિશે ગામના એવા કેટલાક વડીલો પાસેથી માહિતી મેળવી હતી જેઓ પહેલા શિકાર કરતા અને જંગલથી પરિચિત હતા અને એ માહિતી મેળવવા માટે પણ કાશીબાઈએ એ વૃદ્ધોને તેમની શિકારની બહાદુરીની વાતો સાંભળવા માટે મોહુડાનો દારૂ પીવડાવ્યો હતો. આ દારૂ પીવડાવવાનું અને તેમને બોલતા કરવાનું કામ લાલાભાઉ બક્ષી અને તે પહેલાં સરદાર મંજુનાથ પહાડી કરતા હતા.
આ કારણે સરદાર મંજુનાથ પહાડી અને લાલાભાઉ બક્ષી બંનેને તરત જ સમજાઈ ગયું હતું કે કાશીબાઈ અને સુંદરબાઈ ક્યાં ગઈ હશે. પણ એ બંને ઉપરથી શાંત જ રહ્યા, કારણ કે કાશીબાઈએ તેમનાથી કંઈ છુપાવ્યું નહોતું. આ બંનેને બરાબર ખબર હતી કે સ્મિથની છાવણી પર મોટું ટોળું લઈને હુમલો કરવો અશક્ય છે.
બ્રિગેડિયર સ્મિથ ઘણો ધૂર્ત અને કપટી હતો. રાણી લક્ષ્મીબાઈના મૃત્યુ પછી તેણે પોતાની છાવણી એક સુરક્ષિત વિસ્તારમાં ખસેડી હતી. આ જગ્યા ચાર પહાડોની વચ્ચે આવેલી એક નાનકડી ખીણ હતી, જ્યાં તેની છાવણીની ચારે બાજુ રાત-દિવસ પચાસ-પચાસ સૈનિકો પહેરો ભરતા હતા. પહેરો આપતા દરેક સૈનિક પાસે રાઈફલ હતી અને તેમના પ્રમુખ એટલે કે કોતવાલ પાસે દૂરબીન પણ હતું. રાત્રે પણ કોઈ પહાડ ઉતરીને આવી ન શકે તેવી સજ્જડ વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાશીબાઈએ આ બધી વિગતો શોધી કાઢી હતી. દુલ્હેરાવના ગામનો એક માણસ, જે રોજ સવારે સ્મિથની છાવણી પર જીવનજરૂરી ચીજવસ્તુઓ લઈને જતો હતો, તેની પત્ની પાસેથી તેને આ માહિતી મળી હતી. આ માણસ દુલ્હેરાવનો સૌથી વિશ્વાસુ અને નજીકનો સાથી હતો. જ્યારે સ્મિથે રાણી લક્ષ્મીબાઈ પર હુમલો કર્યો ત્યારે તે તેની સાથે જ હતો અને તેણે જ સ્મિથને બાદલ અશ્વના પગમાં ગોળી મારવાની યુક્તિ બતાવી હતી. આથી જ તે સ્મિથનો દુલ્હેરાવ કરતા પણ વધુ ખાસ બની ગયો હતો.
ગામની સ્ત્રીઓ અને વડીલો સાથે વાતો કરતા કાશીબાઈને ખબર પડી હતી કે દુલ્હેરાવે આ ‘શંભુરાવ’ને આ જ કારણે પોતાનાથી દૂર કર્યો છે અને શંભુરાવ અને દુલ્હેરાવ વચ્ચે હવે એક અબોલ સ્પર્ધા શરૂ થઈ છે. કાશીબાઈએ શંભુરાવની પત્ની સાથે વાતો કરી કરીને બધી જ માહિતી કઢાવી લીધી હતી.
આ બંનેની ઘોડીઓની પાછળ જ એક ત્રીજો ઘોડો પણ ચાલી રહ્યો હતો, જેના પર મોઢું અને હાથ-પગ બાંધેલી હાલતમાં શંભુરાવ હતો. તેનો બકરો સ્મિથની સામે જ કાપવાનો હતો. આ બંને કામો માટે જાણીજોઈને પૂનમની રાત પસંદ કરવામાં આવી હતી, જેથી રાતનો ફાયદો પણ મળે અને ચંદ્રપ્રકાશમાં આ શિક્ષા બધાને દેખાય પણ ખરી.
દિવસે આ કામ કરવામાં જોખમ એ હતું કે તે સ્થાનેથી પાછા ભાગવું મુશ્કેલ પડત અને જો હજુ વધુ દિવસો રાહ જોઈ હોત, તો કોઈ ગદ્દારે આ લોકો વિશેની બાતમી અંગ્રેજ સરકારને પહોંચાડી દીધી હોત, જે પરવડે તેમ નહોતું.
બરાબર પરોઢ થવાના થોડા સમય પહેલા જ આ બંને સ્મિથની છાવણીને અડીને આવેલી એક સાંકડી ખીણ પાસે પહોંચી ગઈ. ત્યાં પહોંચતા જ કાશીબાઈએ શંભુરાવ પાસેથી મેળવેલું દૂરબીન કાઢ્યું અને જોયું કે સૈનિકો બરાબર ખીણની સામે આવ્યા છે કે તરત જ ઘોડા દોડાવતા અને ગોળીઓ ચલાવતા તેમણે ખીણ ઉતરવાનું શરૂ કર્યું.
બંનેના નિશાન અચૂક હતા અને મનમાં બદલાની ભાવના પ્રબળ હતી. તેમના હૃદયમાં સળગી રહેલી સ્વાતંત્ર્ય સંગ્રામની જ્યોત તેમને બળ આપી રહી હતી. રાણી લક્ષ્મીબાઈની છેલ્લી ક્ષણોની યાદ આ બંનેમાં અસીમ હિંમત અને શૌર્ય જગાડી રહી હતી.
તેઓ ખીણ ઉતરી ત્યાં સુધીમાં તો પહેરો આપતા તમામ 50 સૈનિકોને યમધામ પહોંચાડી દેવાયા હતા, કારણ કે કાશીબાઈ અને સુંદરબાઈની પાછળ પાછળ આવેલા સરદાર મંજુનાથ પહાડી અને લાલાભાઉ બક્ષી પાસે પણ રાઈફલો હતી જ. તેઓ ઘોડાના ડાબલાના નિશાન પરથી ત્યાં સુધી પહોંચી ગયા હતા અને બરાબર મોકાના સમયે આવી પહોંચ્યા.
આ ચારેય જણે મળીને સ્મિથની છાવણી પર સીધો હુમલો કર્યો. સ્મિથના બધા સૈનિકો ઊંઘમાંથી ફફડીને જાગી ગયા હતા. પણ તેઓ કપડાં પહેરીને કે હથિયાર લઈને તંબુની બહાર આવે તે પહેલાં જ આ ચારેય જણે સ્મિથના તંબુના ચારેય રક્ષકોને ઠાર કર્યા. સ્મિથ એક વેશ્યા સાથે ઊંઘતો હતો, તેને પગ પકડીને ઢસડીને બહાર લાવ્યા અને તેની નજર સામે જ શંભુરાવનું માથું કાપી નાખ્યું.
સરદાર મંજુનાથ પહાડીએ પોતાના ગુંજતા અવાજમાં સ્મિથના સૈનિકોને ચેતવણી આપી કે, “જો કોઈએ પણ કંઈ સાહસ કર્યું, તો આસપાસના પહાડોમાં છુપાયેલા અમારા ચારસો સૈનિકો તમને ગોળી મારી દેશે. અમને ફક્ત બ્રિગેડિયર સ્મિથ જોઈએ છે. બીજા કોઈને ભાગ અમે નુકસાન નહીં પહોંચાડીએ.” આ સાંભળીને સૈનિકો ચૂપ રહ્યા, કોઈ કંઈ હલચલ કરવાની સ્થિતિમાં નહોતું.
કાશીબાઈએ બ્રિગેડિયર સ્મિથના પગે દોરડું બાંધ્યું હતું. સ્મિથ મદદ માટે બૂમો પાડતો રહ્યો, પણ અટક્યા વગર બાકીના ત્રણેય જણે ઘોડાના ડાબલા નીચે સ્મિથને બરાબરનો કચડ્યો. ઘોડાની દરેક લાત સાથે સ્મિથની જે ચીસ નીકળતી, તે આ ચારેયને વધુ જોશ આપતી હતી.
સરદાર મંજુનાથ પહાડીએ બ્રિગેડિયર સ્મિથને ભાલા ભોંકી-ભોંકીને એક ઝાડના ટેકે ઊભો કર્યો. કાશીબાઈએ ઘોડા પરથી ઉતરીને પોતાના હાથે જ સ્મિથને દોરડાથી એ ઝાડ સાથે મજબૂત રીતે બાંધી દીધો. તેની પાછળ ઉતરેલી સુંદરબાઈએ સ્મિથના બંને પગમાં ચાર-ચાર ગોળીઓ મારી અને દરેક ગોળીની સાથે તે ‘જય રાણી લક્ષ્મીબાઈ! જય બાદલ!’ એવી જોરજોરથી બૂમો પાડતી હતી. બાકીના ત્રણેયે પણ તેનો સાથ આપ્યો.
સૌથી છેલ્લે ઘોડા પરથી ઉતરેલા લાલાભાઉ બક્ષીએ સ્મિથના બંને હાથમાં ચાર-ચાર ગોળીઓ મારી. આ લોકોને સ્મિથને તરત જ મારી નાખવો નહોતો. તેને સહેલું મોત આપવું નહોતું. તે તડપી તડપીને મરે અને આ આખા બ્રિટિશ લશ્કર તથા ભારતીય ગદ્દારોને ખબર પડે એ જરૂરી હતું.
એટલા માટે ચારેય જણ ફરીથી ઘોડા પર સવાર થયા અને કાશીબાઈએ તેની પીઠ પર તલવારથી એક ઊંડો ઘા કર્યો, જેવો રાણી લક્ષ્મીબાઈની પીઠ પર થયો હતો. આ ચારેયને હવે ખૂબ જ શાંતિ અનુભવાઈ રહી હતી અને તેમની આંખો સામે બધે જ રાણી લક્ષ્મીબાઈ દેખાઈ રહ્યા હતા.
આ ચારેય પાછા ફરવાના જ હતા ત્યાં જ એક બ્રિટિશ સૈનિકે બૂમ પાડી, “મેં ખાતરી કરી લીધી છે, પહાડ પર કોઈ સૈનિક નથી!” અને તે સાથે જ બધા સૈનિકોની રાઈફલોએ એકસાથે મારો શરૂ કર્યો. શરીરમાં ગોળીઓ વાગી હોવાછતાં આ ચારેય જણે હિંમત હારી નહીં અને જેમ-તેમ જંગલમાં ઘૂસીને વિરુદ્ધ દિશામાં ઘોડા દોડાવ્યા.
લગભગ એક કલાક પછી તેમને શોધતા આવતા અન્ય લમાણો સાથે તેમની મુલાકાત થઈ. શું બન્યું તે જણાવતા જણાવતા જ ચારેયે એક પછી એક પ્રાણ ત્યાગી દીધા. સ્મિથનું સૈન્ય તેમની પાછળ આવ્યું નહોતું, કારણ કે તેઓ સ્મિથને બચાવવામાં પડ્યા હતા. વળી, હુમલાનો આદેશ આપનાર સૈનિકે સ્પષ્ટ કહી દીધું હતું કે પહાડ પર સૈનિકો નથી એ વાત તેણે ખોટી કહી હતી જેથી સૈનિકો લડે, અત્યારે આપણી અને સ્મિથની સુરક્ષા જોવી વધુ જરૂરી છે.
તમામ લમાણો આ ચારેયના મૃતદેહો લઈને જંગલના જ એક બીજા માર્ગેથી ઊંડી ખીણમાં ગયા જ્યાં ગીચ ઝાડીઓ હતી. આ ચારેયના અંતિમ સંસ્કાર વખતે કોઈની આંખમાં આંસુ રોકાતા નહોતા. મોતીબાઈ અને ગંગાબાઈએ એ ચારેયને અગ્નિ આપ્યો. આ વખતે ગીતા પાઠ કરવા માટે રામચંદ્રરાવ ત્યાં નહોતા.
ત્યારબાદ મોતીબાઈએ નિર્ણય લીધો અને બધા નાના-નાના જૂથ બનાવી તાત્યા ટોપેને મળવા નીકળ્યા, જ્યારે મોતીબાઈ એકલી જ રાણી લક્ષ્મીબાઈ, મોરોપંત અને આ ચારેય વીરોની અસ્થિઓ લઈને કાશી જવા રવાના થઈ.
(કથા ચાલુ...)

Comments
Post a Comment