ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વણકહ્યા ઇતિહાસની ઝલક - ભાગ - 30

ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વણકહ્યા ઇતિહાસની ઝલક - ભાગ - 30

લોકમાન્ય ટિળકે પોતાના ‘કેસરી’ છાપા દ્વારા એકદમ સ્પષ્ટ શબ્દોમાં ખુદીરામ બોઝના બલિદાનના વખાણ કર્યા અને ‘સ્ત્રીઓ પર થયેલો હુમલો ખોટી ગાડીને કારણે થયો હતો’ એ વાત સૌને ગળે ઉતારી દીધી. આટલેથી જ ન અટકતા ટિળકે એ પણ કહેવાનું શરૂ કર્યું કે બ્રિટિશરોનો અત્યાચાર, કમિશનર રેન્ડ (પ્લેગ કેસ), ચીફ મેજિસ્ટ્રેટ ડગ્લાસ કિંગ્સફોર્ડ (સુશીલસેન કેસ) ના રસ્તે વધુ ને વધુ વધતો જવાનો છે અને એટલે જ ભારતીયોએ તરત જ ‘સ્વરાજ’ એટલે કે ‘Self Rule’ માટે તમામ માર્ગોનો ઉપયોગ કરીને લડત આપવી જ જોઈએ, એવું પ્રતિપાદન કરવાનું શરૂ કર્યું. ટિળકના આવા લખાણોના અનુવાદ પત્રિકાઓના રૂપમાં ભારતના દરેક પ્રાંતમાં વહેંચાવા લાગ્યા.

ઘણા ભારતીય રજવાડાઓના રાજાઓએ ‘પોતાના રાજ્યમાં ટિળકના છાપા કે તેમના લેખોની પત્રિકાઓ ન આવે’ તે માટે બ્રિટિશરો કરતા પણ વધુ કડક વલણ અપનાવ્યું. પરંતુ તેમની જનતા ધીમે ધીમે તેમની જ વિરુદ્ધ થવા લાગી અને અંતે રાજાઓએ ટિળકની પત્રિકાઓનો વિરોધ કરવાનું બંધ કરવું પડ્યું.

પરંતુ આવી બાબતોને લીધે ભારતમાંની બ્રિટિશ સરકાર ટિળકનો કાંટો કાઢવા પાછળ પડી ગઈ. ટિળકને ખતમ કરવાની ઘણી યોજનાઓ ગુપ્ત રીતે ઘડવામાં આવી. પરંતુ બ્રિટનની પાર્લામેન્ટમાં લેબર પાર્ટીના કેટલાક સભ્યોએ આ વાતનો સખત વિરોધ કર્યો અને એવું મત નોંધાવ્યું કે ‘જો આવી ગુપ્ત વાતો બહાર આવશે, તો બ્રિટિશરોને એક દિવસ પણ ભારતમાં રહેવા મળશે નહીં.’

છેવટે ટિળક પર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો અને તેમને છ વર્ષની સખત મજૂરી સાથે કાળા પાણીની સજા ફટકારવામાં આવી અને એ પણ બ્રહ્મદેશના (મ્યાનમાર) ‘મંડાલય’ જેવી ભયાનક જેલમાં.

આ કેસમાં મહંમદ અલી ઝીણા ટિળકના મુખ્ય વકીલ હતા અને તેમણે ટિળકનો કેસ લડવા માટે ખરેખર રાત-દિવસ એક કર્યા હતા. (આવો આ બિનસાંપ્રદાયિક વિચારધારાવાળો અને સાચો દેશભક્ત ઝીણા, આગળ જતાં ગાંધી અને જવાહરલાલ નેહરુના અતિશય ખોટા નિર્ણયોને કારણે ભારતની વિરુદ્ધ થઈ ગયો અને પાકિસ્તાનનો જનક બન્યો.)

સજા સંભળાવ્યા પછી જસ્ટિસ ડાવર દિનશાએ ટિળકને તેમનો અભિપ્રાય પૂછ્યો. લોકમાન્ય ટિળક ભરી કોર્ટમાં ગર્જ્યા, “મારે બસ એટલું જ કહેવું છે કે જ્યુરીનો નિર્ણય ગમે તે હોય, હું નિર્દોષ જ છું. આ જગત પર સાચી સત્તા પરમાત્માની શક્તિની છે અને તે ઈશ્વર જ બધું કરતો હોય છે. આજે તે સર્વશક્તિમાન ભગવંતની ઈચ્છા (The will of Omnipotent Providence) એવી હશે કે મારા ભાષણો અને મારા લેખો કરતા પણ અનેક ગણું મોટું કાર્ય અને પ્રભાવ મારી જેલની વેદનાઓને કારણે થાય.”

સમગ્ર ભારતમાં લોકમાન્ય ટિળકને ટેકો આપવા અને બ્રિટિશરોનો વિરોધ કરવા માટે મોરચા, સરઘસ, સભાઓ, ચર્ચાસત્રો અને વ્યાખ્યાનો જેવા દેશભક્તિના વિવિધ કાર્યક્રમો ઘણા દિવસો સુધી ચાલતા રહ્યા.

બ્રિટિશરો ટિળકને બ્રહ્મદેશના મંડાલયમાં લઈ ગયા અને તે બાવન વર્ષની, વૃદ્ધાવસ્થા તરફ ઝૂકેલી વ્યક્તિ પર અસહ્ય અત્યાચાર શરૂ કર્યો. કાથો (Coir) વણવો અને તેમાંથી કાથાના દોરડા, ચટાઈઓ અને કોથળા બનાવવા જેવું કામ ટિળકે રોજ કરવું પડતું.

તેમાં વળી ટિળકને અપાતું ખાવાનું પણ અત્યંત હલકી કક્ષાનું હતું અને જાણીજોઈને ગળી વસ્તુઓ જ આપવામાં આવતી. તેમને સાદું જમવાનું આપવામાં આવતું નહોતું કારણ કે ટિળકને થોડો ડાયાબિટીસ (Early Diabetes) હતો. ટિળકની દવાઓ બંધ કરી દેવામાં આવી અને ખાવા માટે માત્ર ગળી વસ્તુઓ, આને લીધે લોકમાન્ય ટિળકનો ડાયાબિટીસ દિવસે ને દિવસે વધતો જ ગયો.

તેમાં પણ ટિળકને કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં ન આવી. ગાંધી અને જવાહરલાલ નેહરુને બ્રિટિશ સરકાર જેલમાં રાખતી ત્યારે તે તેમના લવાજમ સાથે અને કોઈપણ કામ કરાવ્યા વગર - જેમ કે ‘આગાખાન પેલેસ’ જેવી આલીશાન ઈમારતમાં.

તેથી ૧૬ જૂન ૧૯૧૪ ના રોજ, એટલે કે પૂરા છ વર્ષની સજા ભોગવ્યા પછી જ જ્યારે ટિળક જેલની બહાર આવ્યા, ત્યારે તેમની તબિયત ઘણી લથડી ગઈ હતી. તેમને એક-એક ડગલું ભરવું મુશ્કેલ હતું પણ આવી અવસ્થામાં પણ ટિળકે પોતાના પ્રવાસોની ગતિ જરાય ઓછી કરી નહીં અને બ્રિટિશ શાસન પર પોતાની કલમથી ફરી એકવાર જોરદાર હુમલા શરૂ કર્યા.

લોકમાન્ય ટિળકે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના મવાળ નેતાઓના કાવતરાં જોયા અને આ વર્તનથી કંટાળીને તેમણે ‘એની બેઝન્ટ’ ના સહકારથી ‘હોમરૂલ લીગ’ ની સ્થાપના કરી.

ડો. એની બેઝન્ટનો જન્મ ૧ ઓક્ટોબર ૧૮૪૭ ના રોજ લંડનમાં થયો હતો. તેમનું પિયરનું નામ ‘એની વુડ’ હતું. તેમની માતા આઈરિશ મૂળના હતા અને આઈરિશ જનતા બ્રિટિશ સરકાર સામે સ્વતંત્ર આયર્લેન્ડ માટે લડત આપી રહી હતી.

એની બેઝન્ટ આઈરિશ અને ભારતીય સ્વતંત્રતાના અત્યંત મક્કમ પુરસ્કર્તા હતા. તેઓ પણ ભારતમાં આવીને બ્રિટિશ સરકાર સામે લડવા લાગ્યા. ઇ.સ. ૧૯૦૨ માં ડો. એની બેઝન્ટે અત્યંત કડક શબ્દોમાં ભારત પરના બ્રિટિશ શાસનનું વર્ણન કર્યું હતું - “બ્રિટિશરો ભારતની પ્રગતિ અને વિકાસ માટે શાસન કરી રહ્યા છે, એ જૂઠાણાની હદ છે. ઈન્ડિયાને માત્ર અઢળક નફો મેળવવાનું સાધન જ માનવામાં આવી રહ્યું છે અને ઈન્ડિયાના નાગરિકોને (The sons of the land) ગુલામોની જેમ વાપરવામાં આવી રહ્યા છે.”

ઇ.સ. ૧૯૧૪ માં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ (First World War) શરૂ થયું, ત્યારે બ્રિટિશરોએ ભારતમાંથી સૈનિકોની ભરતી કરવાનું શરૂ કર્યું. તે સમયે ટિળક સાથે ગુપ્ત સંપર્ક સાધીને, ‘ન્યૂ ઈન્ડિયા’ છાપાના સંપાદક તરીકે એની બેઝન્ટ ગર્જ્યા - “England’s need is India’s opportunity (ઇંગ્લેન્ડની જરૂરિયાત એ ભારત માટે સુવર્ણ તક છે.)” 

૧૯૧૪ પછી ફરી ટિળક જેલમાં ગયા પછી ડો. એની બેઝન્ટે હોમરૂલ લીગનું કાર્ય જોરશોરથી ચાલુ રાખ્યું. ૨૮ એપ્રિલ ૧૯૧૬ ના રોજ હોમરૂલ લીગની સ્થાપના થઈ. ડો. બેઝન્ટ મોટે ભાગે ભારતીય પહેરવેશમાં જ રહેતા હતા.

મંડાલયમાં જેલમાં હતા ત્યારે લોકમાન્ય ટિળકે ભગવદ્ગીતા પર ઊંડું વિવેચન કરતો ‘ગીતારહસ્ય’ નામનો અદભૂત ગ્રંથ લખ્યો. કાથાના દોરડા વણવાને કારણે પોતાના હાથમાં અનેક જખમ હોવાછતાં પણ ટિળકે આટલો મોટો ગ્રંથ લખ્યો - તે ઘાયલ અને સોજી ગયેલા હાથમાં પેન પકડીને. આ ગ્રંથ આખા ભારતને કર્મયોગની પ્રખર શીખ આપવા લાગ્યો.

જેલમાંથી બહાર આવતાની સાથે જ લોકમાન્ય ટિળકે આખા ભારતમાં ફરવાનું શરૂ કર્યું અને તે માટે તેઓ સેંકડો નાનાં શહેરો અને હજારો (લગભગ ૯૦,૦૦૦) ગામડાઓમાં ફર્યા. દરેક જગ્યાએ સભાઓ ભરતા રહ્યા.

ભારતીય ગામડાઓની જનતાને જાગૃત કરવાનું કાર્ય આ સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં સૌથી પહેલા ટિળકે જ કર્યું. એકદમ ખૂણાના ગામડામાં પણ ટિળકની સભામાં હજારો લોકો ઉમટી પડતા અને એ પણ જ્યારે તે ગામની વસ્તી માંડ ૫૦૦ હોય ત્યારે.

ટિળકના તોફાની પ્રવાસો અને તેમના ધારદાર લખાણોને કારણે બ્રિટિશ સત્તાને જોરદાર આંચકા લાગવા માંડ્યા. તેમણે અત્યંત સ્પષ્ટ શબ્દોમાં ગાંધીજીને અહિંસાની ખોટી ભલામણ કરવાથી દૂર રહેવા કહ્યું. પરંતુ પાંચ બેઠકો પછી પણ ગાંધીજીએ ટિળકનું માનવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને ઉલટાનું કોંગ્રેસમાં મવાળ જૂથને વધુ મજબૂત કરવાનું શરૂ કર્યું.

ટિળક ૧૯૧૬ માં ફરી એકવાર દોઢ વર્ષ માટે જેલમાં ગયા. ત્યાંથી બહાર આવ્યા પછી પણ તેમનું કાર્ય ચાલુ જ રહ્યું. પરંતુ ૧ ઓગસ્ટ ૧૯૨૦ ના રોજ મુંબઈની ‘સરદારગૃહ’ નામની હોટલમાં એક દિવસની બીમારીમાં તેમનું અવસાન થયું.

દરેક ભારતીય માટે આ એક મોટો આઘાત હતો. દરેક ભારતીયને પાક્કી ખાતરી હતી કે બ્રિટિશરોએ ટિળકને ઝેર આપ્યું છે. સાચું શું છે તે તો ભગવાન જ જાણે છે.

(કથા ચાલુ)

Comments