લાલા લજપતરાય અને બિપિનચંદ્ર પાલ આ બંનેએ પંજાબ અને બંગાળ પ્રાંતમાં ટિળકના પ્રવાસો (દૌરા) ગોઠવ્યા. તે સમયના પંજાબ પ્રાંતમાં અત્યારનું ભારતનું પંજાબ, હરિયાણા અને અત્યારે પાકિસ્તાનમાં રહેલો પંજાબનો બાકીનો ભાગ આવતો હતો અને ત્યારના બંગાળ પ્રાંતમાં અત્યારનું આખું બાંગ્લાદેશ, ભારતનું પશ્ચિમ બંગાળ અને આજુબાજુનો થોડો પ્રદેશ આવતો હતો.
કલકત્તામાં ટિળકની સભાઓ તો તે સમયના છાપાઓ માટે ચર્ચાનો બહુ મોટો વિષય બની ગયો હતો. એક-એક સભામાં લગભગ પાંચ હજાર લોકો હાજર રહેતા અને ક્યારેક તો આ આંકડો તેનાથી બમણો કે ત્રણગણો પણ થઈ જતો. કલકત્તા અને પંજાબ પ્રાંતના લોકો ટિળકને ખુલ્લા મને ‘ભારતના સર્વોચ્ચ નેતા’ માનવા લાગ્યા અને ત્યાંના નેતાઓના ભાષણોમાં પણ તેવો ઉલ્લેખ થવા લાગ્યો.
ભારતની બ્રિટિશ ગવર્નમેન્ટે ૧૮૯૭, ૧૯૦૯ અને ૧૯૧૬માં ટિળકને રાજદ્રોહના અને બ્રિટિશરો વિરુદ્ધ અસંતોષ ભડકાવવાના આરોપસર દોઢ-દોઢ વર્ષ જેલમાં મોકલ્યા. ૧૮૯૭ના રાજદ્રોહના કેસમાં અને એક અંગત પ્રકારના કેસમાં પણ બેરિસ્ટર મહંમદ અલી ઝીણાએ ટિળકનું વકીલપત્ર આદરપૂર્વક સ્વીકાર્યું હતું. ૧૯૧૩ અને ૧૯૧૬ના કેસમાં તો ઝીણા ટિળકને આ આરોપોમાંથી મુક્ત કરાવી શક્યા હતા.
ઝીણા અત્યંત ઉચ્ચશિક્ષિત અને આધુનિક વિચારો ધરાવતા કોંગ્રેસના નેતા હતા અને તેમને ટિળક પ્રત્યે ખૂબ જ આદર હતો. તેના કારણે ભણેલો મુસ્લિમ યુવા વર્ગ ટિળકની પાછળ ઊભો રહેવા લાગ્યો. ટિળકની લોકપ્રિયતા પંજાબ અને બંગાળ પ્રાંતમાંથી બધે જ ફેલાવા લાગી અને આ જોઈને બ્રિટિશરોમાં ફફડાટ અને બળતરા શરૂ થઈ ગઈ; તેના કારણે લોર્ડ કર્ઝન જેવા અત્યંત મુત્સદ્દી, કપટી અને ક્રૂર સ્વભાવના વ્યક્તિને ભારતમાં મોકલવામાં આવ્યો અને આ માણસે હિંદુ-મુસલમાનો વચ્ચે વેર પેદા કરવું અને હિંદુ-મુસલમાન રમખાણો ભડકાવવા, આ બે મુખ્ય મુદ્દાઓ નજર સામે રાખ્યા.
આ જ કારણથી તેણે સંયુક્ત બંગાળ પ્રાંતના ‘મુસ્લિમ બહુલ પૂર્વ બંગાળ’ અને ‘હિંદુ બહુલ પશ્ચિમ બંગાળ’ એમ બે ભાગલા પાડ્યા. આમાં ટિળક ગમે તે ભૂમિકા લેશે તો પણ તેમનું નુકસાન જ થશે અને ભારત પણ વહેંચાઈ જશે, એવી લોર્ડ કર્ઝનને ખાતરી હતી પણ એવું થઈ શક્યું નહીં.
લોકમાન્ય ટિળકે બિપિનચંદ્ર પાલની મદદથી આખા બંગાળ પ્રાંતમાં બ્રિટિશરો વિરુદ્ધ જબરદસ્ત આંદોલન ઊભું કર્યું. બ્રિટિશ સરકારના તળિયા ચાટતા કેટલાક લાલચુ ભારતીયોએ કેટલીક જગ્યાએ હિંદુ-મુસલમાન રમખાણો ભડકાવવાના પ્રયત્નો પણ કર્યા. પણ ટિળકના અનેક સાથીદારોએ રસ્તા પર ઉતરીને અને ગામેગામ ફરીને ટિળકની ભૂમિકા લોકોને સમજાવી અને બંગાળના ભાગલા સામેનો વિરોધ વધુ ઉગ્ર બનાવ્યો. અંતે આ ભાગલા ૧૯૧૧માં રદ કરવા પડ્યા.
આ જ સમયે ‘અરવિંદ ઘોષ’ નામના બંગાળી જહાલ નેતા આગળ આવ્યા અને ટિળક વતી આખા ઉત્તર ભારતમાં પ્રચાર અને પ્રસાર કરવા લાગ્યા. આ અરવિંદ ઘોષે જ આગળ જઈને પોંડિચેરીમાં એક આશ્રમ બાંધીને એક અનોખી અને છતાં સંપૂર્ણપણે વેદોને અનુસરતી આધ્યાત્મિક વસાહતની સ્થાપના કરી.
તે જ સમયે ‘ચિદમ્બરમ પિલ્લઈ’ દક્ષિણ ભારતમાં ટિળકનું પ્રતિનિધિત્વ કરવા લાગ્યા અને તેના કારણે આખા દક્ષિણ ભારતના સાવ સામાન્ય અને અભણ નાગરિકને પણ એવું દ્રઢપણે લાગવા માંડ્યું કે, ‘ટિળક આપણા નેતા છે અને આપણે તેમને સપોર્ટ કરવો જ જોઈએ અને તેમના કાર્યમાં સક્રિયપણે જોડાવું જોઈએ’.
દિવસે-દિવસે ટિળકની લોકપ્રિયતા વધતી જ રહી અને ટિળકે ધીમે-ધીમે ‘દરેક ભારતીય સહેલાઈથી બ્રિટિશરોનો વિરોધ કરી શકે’ તેવા સ્વાતંત્ર્ય સંગ્રામના માર્ગો લોકો સામે મૂક્યા.
૧) પહેલું એટલે વિદેશી માલ પર બહિષ્કાર - ખાસ કરીને બ્રિટનથી આવતા માલ પર બહિષ્કાર. બ્રિટિશરો ભારતનો કાચો માલ સાવ સસ્તામાં લઈ જતા અને તેમાંથી જ બ્રિટનમાં બનેલો પાકો માલ ભારતીયોને ચાર ગણા ભાવે વેચતા. ક્યારેક તો આ પ્રમાણ દસ ગણું પણ રહેતું.
આ કાર્યક્રમ હેઠળ ટિળકે લોકોને બ્રિટિશ માલ વેચતી દુકાનો સામે જઈને ‘પિકેટિંગ’ કરવાનું કહ્યું અને લોકો તેમ કરવા પણ લાગ્યા. લોકો માટે આ વાત સાવ સરળ અને સીધી હતી - વિદેશી માલની દુકાનમાં જવા માંગતા લોકોને રોકવા, તેમને બ્રિટિશરોની નીતિ સમજાવવી અને જો તો પણ લોકો માને નહીં, તો દેશભક્તોના જૂથો માનવ સાંકળ બનાવીને દુકાનમાં જવાનો રસ્તો બંધ કરી દેતા. આના કારણે બ્રિટિશ માલનું વેચાણ પચાસ ટકા જેટલું ઘટી ગયું અને બ્રિટિશ સરકાર તેમજ બ્રિટિશ ઉદ્યોગપતિઓને બહુ મોટો ફટકો પડ્યો.
૨) સ્વદેશી ચળવળ - આ ચળવળ લોકમાન્ય ટિળકે જ ભારતમાં પહેલીવાર શરૂ કરી. તે માટે તેમણે પોતાના ભાષણોમાં જાહેર કર્યું કે ફક્ત બ્રિટિશ માલ પર બહિષ્કાર મૂકીને ચાલશે નહીં, પણ તે માલની જગ્યાએ ભારતમાં બનેલો માલ મળવો જરૂરી છે. અને કરાચીથી લઈને મદ્રાસ સુધી અનેક ભારતીય નાના-મોટા ઉદ્યોગસાહસિકો હોંશે હોંશે ભારતમાં માલ બનાવવા લાગ્યા.
આ બધું જોઈને ગુસ્સે થયેલા લોર્ડ કર્ઝને તેના કેટલાક ખાસ ખરીદેલા ભારતીય પત્રકારોને ટિળકની કલકત્તાની સભા પછીની પ્રેસ કોન્ફરન્સમાં ઘુસાડ્યા.
આ બ્રિટિશતરફી પત્રકારોએ ધાંધલ-ધમાલ કરીને ટિળકને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. તેમનો સવાલ એવો હતો - “મિસ્ટર ટિળક! ૧૮૧૮ પહેલા બે તૃત્યાંશ ભારત પર મરાઠાઓનું રાજ્ય હતું. તમે પણ મરાઠી જ છો. તમારે પણ એવું જ પોતાનું મરાઠા રાજ્ય ભારત પર લાવવું છે ને?”
ટિળકને બિન-મરાઠી ભાષીઓથી અલગ પાડવાનો આ એક ચાલાકીભર્યો પ્રયત્ન હતો.
પરંતુ લોકમાન્ય ટિળકે એકદમ સ્પષ્ટ શબ્દોમાં અને જાહેર રીતે માઈક પર જવાબ આપ્યો, “આ કલ્પના હવે જૂની થઈ ગઈ છે. આ આધુનિક યુગમાં ભારતના તમામ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરનારી લોકશાહી સરકાર આવશે. મારા જૂથમાં બંગાળી નેતાઓ છે, પંજાબી નેતાઓ છે, તેલગુ, કન્નડ અને મદ્રાસી (તામિલ) નેતાઓ છે અને અમારા કાર્યકરો પણ બધે જ ફેલાયેલા છે. તેથી બ્રિટિશરો ભારત છોડીને જશે ત્યારે કોઈ એક ખાસ સમુદાયનું રાજ્ય સ્થપાશે નહીં; હકીકતમાં ‘રાજા-પ્રજા’ વાળી વ્યવસ્થા જ ખતમ થઈ જશે અને લોકોની સરકાર બનશે.”
ટિળકના આ જાહેર અને સ્પષ્ટ જવાબને કારણે લોર્ડ કર્ઝનની કૂટનીતિ સાવ નિષ્ફળ સાબિત થઈ અને આખું ભારત અને તમામ ભારતીયો લોકમાન્ય ટિળકને જ પોતાના એકમાત્ર સર્વોચ્ચ નેતા માનવા લાગ્યા.
૧૯૦૭માં સુરત ખાતે ભરાયેલા કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં નામદાર ગોપાલ કૃષ્ણ ગોખલે અને તેમના સાથીદારોએ ટિળકને પછાડવા માટે ઘણો પ્રચાર-પ્રસાર કર્યો. તેમને જહાલ જૂથનું અસ્તિત્વ જ મંજૂર નહોતું. ટિળકના સમર્થકો મક્કમ રહ્યા પણ ગોખલે કોંગ્રેસના ભાગલા પાડવામાં સફળ રહ્યા. કોંગ્રેસના ‘જહાલ’ અને ‘મવાળ’ એમ બે ભાગ અસ્તિત્વમાં આવ્યા.
૧૯૦૭ની સાલના માર્ચ મહિનામાં ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી આ બે બંગાળી ટિળક-સમર્થકો ટિળકને પહેલા કલકત્તામાં મળ્યા અને પછી ત્રણ વાર પુણે આવીને ટિળકને મળ્યા. ‘ટિળકે તેમને ચોક્કસ શું મદદ કરી’ એ તો ભગવાન જ જાણે.
પરંતુ આ બંનેએ બહુ મોટો ઈતિહાસ સર્જ્યો.
(કથા ચાલુ)





Comments
Post a Comment