ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વણકહ્યા ઇતિહાસની ઝલક - ભાગ - 27

ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વણકહ્યા ઇતિહાસની ઝલક - ભાગ - 27

જે રીતે આખું આયોજન કરીને અને શિસ્તબદ્ધ રીતે કમિશનર રેન્ડ અને લેફ્ટનન્ટ આયર્સ્ટને ભરરસ્તે, આજુબાજુમાં ભારે ભીડ હોવા છતાં અને એ પણ અત્યંત મહત્વના દિવસે ગોળીઓ મારીને ખતમ કરવામાં આવ્યા, તેનાથી બ્રિટિશ સરકારને પાકી ખાતરી થઈ ગઈ હતી કે આ કામ માત્ર ત્રણ ચાફેકર ભાઈઓ અને તેમના ‘મહાદેવ રાનડે’ નામના સગા જ કરી શકે એવું નથી. ૧૮૫૮ પછી પહેલીવાર આટલી ખુલ્લી રીતે આટલા ઊંચા હોદ્દા પરના બ્રિટિશ ઓફિસરો પર જીવલેણ હુમલો થયો હતો. અને એ દિવસ હતો ૨૨ જૂન ૧૮૯૭ એટલે કે બ્રિટિશ રાણી વિક્ટોરિયાના હીરોક મહોત્સવના સમારોહનો દિવસ (Diamond Jubilee of Queen Victoria). પૂનાના ગવર્મેન્ટ હાઉસમાં આ ઉત્સવ ઉજવાયો હતો અને ત્યાંથી પાછા ફરી રહેલા કમિશનર રેન્ડ પર ગોળીબાર કરવામાં આવ્યો. અંગ્રેજોનો ગુસ્સો એક બીજી વાતને કારણે પણ વધી ગયો હતો કારણ કે લેફ્ટનન્ટ આયર્સ્ટ (Ayerst) તો ત્યાં જ મૃત્યુ પામ્યો, પણ કમિશનર રેન્ડ બાર દિવસ સુધી મોત સામે ઝઝૂમતા ૩ જુલાઈ ૧૮૯૭ના રોજ સસૂન હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો. અને તેની તબિયતના સમાચાર આપવાના બહાને ટિળક મહારાજના ‘કેસરી’ અને ‘મરાઠા’ અખબારો ક્રાંતિની જ્યોતને વધુને વધુ તેજ કરતા રહ્યા.

તમામ જનતાના મનમાં રહેલો અસંતોષ આ ઘટના દ્વારા બહાર આવ્યો હતો અને એ સાચું જ હતું. પ્લેગનો રોગચાળો રોકવા માટે આરોગ્યની બાબતે સાવચેતી રાખવી જરૂરી જ હતી. પરંતુ કમિશનર રેન્ડ દ્વારા આ કામ માટે બ્રિટિશ સૈનિકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા અને કટોકટી જાહેર કરીને સૈન્યના હાથમાં તમામ સત્તા આપી દેવામાં આવી. આ બ્રિટિશ સૈનિકોએ શું નહોતું કર્યું? આ સૈનિકો ઘરોમાં ઘૂસી જતા, ઘરના સાવ વૃદ્ધોથી લઈને નાના બાળકો સુધી કોઈને પણ અક્ષરશઃ ઢસડીને રસ્તા પર લઈ આવતા, ઘરની લાદીઓ ઉખેડી નાખવામાં આવતી, ઘરનો સામાન સળગાવી દેવાતો, કિંમતી વસ્તુઓ, દાગીના, પૂજાના ચાંદીના વાસણો અને રોકડ રકમની સીધેસીધી લૂંટફાટ થતી હતી. અને સૌથી ભયંકર વાત તો એ હતી કે સ્ત્રીઓની આબરૂ સાથે પણ ખેલ ખેલાતો હતો. ઠેર-ઠેર લોકો આનો વિરોધ તો કરતા જ હતા પણ જે લોકો વિરોધ કરે તેમને ક્રિમિનલ પ્રોસિક્યુશનનો સામનો કરવો પડતો અને સજાઓ તો સ્વાભાવિક રીતે જ અત્યંત ભયાનક રહેતી.

જે ગણેશખિંડમાં આ બંને યુરોપિયન ઓફિસરો પર હુમલો થયો હતો, ત્યાં બીજા જ દિવસથી સવાર-સાંજ સેંકડો લોકો ઉમટવા લાગ્યા. કેટલાક લોકો તો ત્યાંની માટી ઉપાડીને પોતાના કપાળે લગાવવા લાગ્યા હતા. ૩ જુલાઈએ રેન્ડનું મોત થયું છતાં પણ અંગ્રેજોને ‘ગુનેગાર કોણ છે’ તેની જરાય ગંધ આવી નહોતી. પણ ૭ ઓક્ટોબર ૧૮૯૭ના રોજ ‘દ્રવિડ’ અટક ધરાવતા બે ભાઈઓએ બ્રિટિશ પોલીસ ઓફિસરો પાસેથી પૈસા લઈને બાતમી આપી દીધી કે ‘દામોદર હરિ ચાફેકરનો આ હત્યાઓ સાથે સંબંધ છે.’ ૮ ઓક્ટોબરે દામોદર હરિ ચાફેકરની ધરપકડ થઈ અને ૧૮ એપ્રિલ ૧૮૯૮ના દિવસે તેમને ફાંસી આપવામાં આવી. બાળકૃષ્ણ હરિ ચાફેકર અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા, પણ તેમની ભાળ પણ તેમના એક જીવજાન મિત્રએ જ ગદ્દારી કરીને આપી દીધી અને જાન્યુઆરી ૧૮૯૯માં તેમની ધરપકડ થઈ.

ત્યારપછીના સમયમાં વાસુદેવ હરિ ચાફેકર, મહાદેવ વિનાયક રાનડે અને ખંડો વિષ્ણુ સાઠે આ ત્રણેય જણે ૯ ફેબ્રુઆરી ૧૮૯૯ના રોજ પેલા દ્રવિડ ભાઈઓનો વધ કર્યો, પરંતુ આ ત્રણેયની પણ જલ્દી જ ધરપકડ થઈ ગઈ. ખંડો વિષ્ણુ સાઠે તો માંડ પંદર વર્ષનો હતો, છતાં તેને પણ દસ વર્ષની સખત મજૂરીની સજા કરવામાં આવી. આ ઘટના વિશેના સમાચાર ન્યૂયોર્ક ટાઈમ્સ અને સિડની મોર્નિંગ હેરાલ્ડ જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના છાપાઓમાં છપાયા અને દુનિયાભરમાં અંગ્રેજોની થૂ-થૂ થવા લાગી. કોંગ્રેસના મવાળ જૂથના વરિષ્ઠ નેતા ગોપાલ કૃષ્ણ ગોખલે સરકારના આમંત્રણથી બ્રિટન ગયા હતા ત્યારે તેમણે મેન્ચેસ્ટર ગાર્ડિયન નામના દૈનિકને ઇન્ટરવ્યુ આપ્યો અને ભારતીયોની ધાર્મિક તેમજ સાંસ્કૃતિક લાગણીઓને કચડી નાખવા બદલ બ્રિટિશ સૈનિકોને દોષી ઠેરવ્યા. જીવનમાં પહેલીવાર તેમણે ‘બ્રિટિશ સૈનિકોએ કેવા કેવા ગંદા ગુનાઓ કર્યા છે’ તે વિશે જાહેરમાં મત વ્યક્ત કર્યો હતો.

પરંતુ ગોખલેની આ હિંમત થોડા દિવસો જ ટકી. તેમના બ્રિટિશ મિત્રોએ તેમને ‘સીધા કરી દીધા’ અને છેવટે ગોખલેએ બિનશરતી માફી માંગી લીધી અને પોતાની ધરપકડ ટાળી દીધી. આ એક વાતને કારણે મવાળ કોંગ્રેસ ભારતીયોના મનમાંથી સાવ ઉતરી ગઈ અને આખી ભારતીય જનતા ‘આધાર અને નેતા’ તરીકે ‘લાલ-બાલ-પાલ’ તરફ જ જોવા લાગી. થોડા દિવસો પહેલા જ આગરકરનું બીમારીના કારણે અકાળે અવસાન થયું હતું અને ગોપાલ કૃષ્ણ ગોખલે ભારતીયોના મનમાંથી ઉતરી ચૂક્યા હતા. તે બે વર્ષો દરમિયાન કોંગ્રેસના અધિવેશનોમાં એકપણ બ્રિટિશ વિરોધી જોરદાર ઠરાવ પસાર થવા દેવામાં આવ્યો નહીં અને આના કારણે કોંગ્રેસનું નેતૃત્વ આપોઆપ જ જીવ રેડીને કામ કરી રહેલા બાળ ગંગાધર ટિળક પાસે આવી ગયું.

બ્રિટિશ સરકાર ટિળકને જેટલો ધિક્કારતી નહોતી, તેના કરતા કેટલાય ગણો દ્વેષ કોંગ્રેસનું મવાળ જૂથ અને સમાજ સુધારણાના નામે લોકનેતા તરીકે ફરતા કેટલાક ભારતીય લોકો ટિળક પ્રત્યે રાખતા હતા. આમાંથી જ લોકમાન્ય ટિળક પર અનેક ખાનગી કેસો દાખલ થવા લાગ્યા. ‘તાઈમહારાજ કેસ’ સૌથી વધુ ચર્ચાયો. આ એક દત્તક લેવાની અંગત બાબત હતી અને ટિળક તો માત્ર એક ટ્રસ્ટી હતા. 

પરંતુ ‘ટિળકનું નામનિશાન મટાવી દેવું છે’ એવા નિશ્ચય સાથે મંડી પડેલા આ કહેવાતા સુધારકો અમુક જગ્યાએ સફળ થયા અને ટિળકને બે વાર આવા નજીવા કારણોસર જેલ ભોગવવી પડી. છતાં પણ લોકમાન્ય ટિળકે આવી પરિસ્થિતિમાં પણ અંગ્રેજોનો વિરોધ ચાલુ જ રાખ્યો. ટિળક જેલમાં હતા ત્યારે ન. ચિ. કેળકર અને ધોંડોપંત વિદ્વાંસે (ટિળકના જમાઈ અને ભાણેજ) ટિળકના અખબારો અને કાર્યને નિષ્ઠાપૂર્વક ચાલુ રાખ્યા.

(કથા ચાલુ)

मराठी >> हिंदी >> English >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>> മലയാളം>>

Comments