ટિળકની આસપાસ ધીમે ધીમે કરીને સતત જુદા જુદા માણસોની ભીડ રહેવા લાગી. હકીકતમાં ટિળક સાવ પાંચ મિનિટના અંતરે આવેલા કાર્યાલય તરફ નીકળે, તો પણ તેમની સાથે ઓછામાં ઓછા ૫૦ થી ૧૦૦ લોકોનું ટોળું હોય જ. ટિળકની આસપાસ ફરતા આ લોકો એટલે કંઈ ફક્ત તમાશો જોવાવાળી ભીડ નહોતી. જેને જેને પણ બ્રિટિશરો વિરુદ્ધ લડવાની જરૂર લાગતી અને જેમને ભારતના સ્વાતંત્ર્યના સપના આવતા, એવો દરેક જણ ટિળકને મળવા આવતો જ આવતો કારણ કે તે સમયમાં ‘Indian National Congressના નેતા’ તરીકે ઓળખાતા નેતાઓ પરથી લોકોનો વિશ્વાસ ઘણો ઉતરી ગયો હતો.
આખા ભારતમાં જેનો પ્રભાવ હોય એવા બાળ ગંગાધર ટિળક જ એકમાત્ર લોકપ્રિય નેતા હતા. બ્રિટિશ સરકારનું બધું ધ્યાન એટલે જ લોકમાન્ય ટિળક પર કેન્દ્રિત થયેલું હતું.
ટિળક જાહેર રીતે ક્યારેય, ‘સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ અપનાવો’ એવું ખુલ્લેઆમ નહોતા બોલતા કારણ કે ટિળકે ૧૮૫૮ પછી ભારતીયોના મનમાં બેસી ગયેલો બ્રિટિશરોનો ડર પારખી લીધો હતો અને એટલે જ ‘પહેલા ભારતીયોના મનમાંથી બ્રિટિશરો પ્રત્યેનો ડર ઓછો કરતા જવો’ એ જ માર્ગ અપનાવ્યો. ટિળકના બંને અખબારોના લેખો બ્રિટિશ સરકાર પર ખૂબ જ કડક શબ્દોમાં જોરદાર ટીકા કરતા અને સભાઓના ભાષણોમાં ટિળક, ‘બ્રિટિશ સરકાર કેવી રીતે જુલમ કરી રહી છે’ એ બાબતે તીવ્ર રોષ વ્યક્ત કરતા અને લોકોને, ‘બ્રિટિશરોનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરવાની’ સલાહ આપતા રહ્યા.
૧૮૯૪માં બાળ ગંગાધર ટિળકે સાર્વજનિક રીતે ગણેશોત્સવ શરૂ કર્યો. પોતાના વાડામાં જ સૌથી મોટા ગણેશોત્સવની શરૂઆત થઈ. આનું અનુકરણ પુણે, મુંબઈ, નાગપુર, નાસિક, નગર, સાતારા જેવા મહારાષ્ટ્રના મુખ્ય શહેરોમાં અને આજના મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા, બંગાળ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પણ એક જ વર્ષમાં શરૂ થઈ ગયું.
ગણેશોત્સવ શરૂ કરવા પાછળ ટિળકના ચાર મુખ્ય હેતુ હતા. ૧) આ એક ધાર્મિક કારણ હોવાથી, રાણીના જાહેરનામા મુજબ બ્રિટિશ સરકાર આ ઉત્સવ રોકી શકે તેમ નહોતી અને ‘ગણપતિ’ એ દેવતા આખા ભારતમાં દરેક પૂજામાં અને શુભ કાર્યમાં પ્રથમ સ્થાન ધરાવતા હતા.
૨) ઉત્સવના દસ દિવસોમાં બપોરે અને સાંજે જુદા જુદા કાર્યક્રમો ગોઠવવામાં આવતા. જેમ કે - નાના બાળકોના પૌરાણિક વિષયો પરના નાટકો, વિવિધ ભજન મંડળીઓના ભજનના કાર્યક્રમો, ખો-ખો, હુતૂતૂ (કબડ્ડી), લગોરી જેવી રમતો, દોડવાની અને લાંબી કૂદની હરીફાઈઓ, નકલ અને જાદુના પ્રયોગો.
આ કાર્યક્રમો જોવા માટે અને ગણપતિના દર્શન માટે અક્ષરશઃ પુષ્કળ ભીડ થવા લાગી. આ કાર્યક્રમો માટે આવેલા લોકો અંદરોઅંદર વિવિધ વિષયો પર ગપ્પા મારવા લાગ્યા. ટિળકના, ટિળકે જ તૈયાર કરેલા ઉત્સાહી, યુવાન કાર્યકરો આવા લોકોમાં ફરીને ‘બ્રિટિશરો કેવા ખરાબ છે અને ભારતીય સંસ્કૃતિ કેવી શ્રેષ્ઠ છે’ એ વિષયો પરની વાતચીત કે ચર્ચાઓને પ્રોત્સાહન આપવા લાગ્યા.
લગભગ ૩૦-૩૫ વર્ષ પછી ભારતીયો આ વિષયો પર ખુલ્લેઆમ બોલવા લાગ્યા અને અનેક લોકો પોતાના મનનો ડર કાઢીને ટિળકના કાર્યમાં સહભાગી થવા તૈયાર થવા લાગ્યા.
૩) આ ઉત્સવના નિમિત્તે લોકમાન્ય ટિળકે તેમના સાથીદારો દ્વારા ઉત્સવનો ફાળો ઉઘરાવવાની શરૂઆત કરી અને આ પૈસાનો ઉપયોગ ઠેર-ઠેર અખાડા અને વ્યાયામશાળાઓ ખોલવા, મેદાની રમતોની સ્પર્ધાઓ યોજવા અને મુખ્યત્વે ક્રાંતિકારીઓને મદદ કરવા માટે થવા લાગ્યો. આના કારણે મહારાષ્ટ્ર, બંગાળ અને પંજાબમાં ક્રાંતિકારીઓના નવા નવા ગ્રુપ તૈયાર થવા લાગ્યા.
પંજાબમાંથી લાલા લજપતરાય અને બંગાળમાંથી બિપિનચંદ્ર પાલ એવા બે વાઘ ટિળકના સાથીદાર બન્યા અને આખા ભારતમાં ‘ભારત-ત્રિમૂર્તિ’ એટલે કે ‘લાલ-બાલ-પાલ’ના નામે પ્રખ્યાત થયા.
૪) આ ગણેશોત્સવના કાર્યમાં અલગ-અલગ વ્યાખ્યાનમાળાઓ શરૂ કરવામાં આવી અને તેના કારણે ઘણા લોકોને ખુલ્લા મેદાનમાં આવીને ભાષણો સાંભળવાની આદત પડી. સામાન્ય માણસને ડર ન લાગે એટલે પહેલા વર્ષે વ્યાખ્યાનો સાવ સાદા વિષયો પર રાખ્યા. જેમ કે - શિવાજી મહારાજ અને તેમનો પરાક્રમ, મહાભારતનું યુદ્ધ અને ગીતા, આદિ શંકરાચાર્ય અને તેમનું કાર્ય, જુદા જુદા વ્રત અને તેનું મહત્ત્વ અને રામાયણની કથાઓ. આ રામાયણની કથાઓમાંથી, ટિળકે ખાસ પસંદ કરેલા રામાયણી કથાકારો, રાવણને બ્રિટિશરોના મૂળ સ્ત્રોત તરીકે ખુલ્લેઆમ દર્શાવવા લાગ્યા. પણ તેઓ ‘બ્રિટિશ’ એ નામ નહોતા લેતા.
એક જ વર્ષમાં લોકોની, જાહેર સભાઓમાં હાજર રહેવાની બીક સાવ જતી રહી અને તેમાંથી પ્રેરણા લઈને ટિળકે ૧૮९५માં ‘શ્રી શિવાજી મહારાજ ફંડ કમિટી’ નામની સમિતિ સ્થાપી. તેનું મુખ્ય ઉદ્દેશ્ય ૧) શિવાજી મહારાજની જયંતિ સાર્વજનિક રીતે ઉજવવી અને ‘છત્રપતી શિવાજી મહારાજ’ ના નામનો ધ્વજ ઉંચે ઉંચે લહેરાવવો એ હતો. ૨) બીજું ઉદ્દેશ્ય, છત્રપતિ શિવાજી મહારાજની રાયગઢ પરની સમાધિની સારી રીતે દેખરેખ રાખવી અને રાયગઢ તથા રાજગઢ પર યુવાન સ્ત્રી-પુરુષોના શૈક્ષણિક પ્રવાસ ગોઠવવા એ હતું.
આવા દરેક પ્રવાસ વખતે ટિળકનો એક-એક ખાસ અને જાણકાર કાર્યકર પોતે હાજર રહેતો અને તે લોકોને, છત્રપતિ શિવાજી મહારાજે આપેલી પ્રચંડ લડાઈ વિશે વિગતવાર જણાવતો.
તેમાં પણ મુખ્ય ભાર અપાતો એ વાત પર કે, રાક્ષસી રીતે ફેલાયેલા અને પાંચ લાખથી વધુ સૈન્ય ધરાવતા મુઘલ બાદશાહ અને બીજાપુરના આદિલશાહ સાથે છત્રપતિ અને તેમના માવળાઓ કેવી રીતે લડ્યા અને જીત્યા.
આ પ્રવાસોથી અને આવા કાર્યક્રમોથી સામાન્ય ભારતીયોના મનમાંથી બ્રિટિશરોની દહેશત ઓછી થવા લાગી અને ટિળકના વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભારતીયો ભાગ લેવા લાગ્યા.
અને ૨૨ જૂન ૧૮૯૭નો દિવસ આવ્યો. ગુડી પડવાના દિવસે જ કાર્યની શરૂઆત કરનારા ચાફેકર ભાઈઓએ, પ્લેગની મહામારીનો ફાયદો ઉઠાવીને ભયંકર અત્યાચાર કરનારા ‘Commissioner Rand’ અને Lieutenant Ayerst ને ગોળી મારી દીધી અને તેમના મૃતદેહ રસ્તા પર પડેલા આખી જનતાએ જોયા.
આ પ્રસંગના ફોટા અને સમાચાર ભારતના દરેક ભાષાના અખબારોમાં, સાપ્તાહિકોમાં અને માસિકોમાં તરત જ છપાઈ ગયા.
આ ઘટનાથી ભારતના દરેક બ્રિટિશ ઓફિસર, અહીં સુધી કે વાઈસરોય પણ બરાબરનો ફફડી ગયો હતો અને બ્રિટનમાં બેઠેલી બ્રિટિશ ગવર્નમેન્ટને બહુ મોટો ઝટકો લાગ્યો હતો.
આ હત્યાઓ પાછળ લોકમાન્ય ટિળકનો હાથ છે એ વિશે બ્રિટિશ સરકારને ખાતરી થઈ ગઈ હતી પણ તેમને એક પણ પુરાવો મળી શક્યો નહીં કારણ કે ચાફેકર ભાઈઓ ટિળકને હંમેશા ગ્રામીણ, અશિક્ષિત ખેડૂતોના વેશમાં જ મળતા. ચાફેકર ભાઈઓના બીજા સાથીદારો ટિળકને તેલી, તંબોળી, સુતાર, ભરવાડ, કુંભાર, લુહાર, માળી અને પ્રસંગોમાં ફૂલોની સજાવટ કરનારા ફૂલવાળા જેવા વેશમાં મળતા હતા
અને ટિળકને ત્યાં આવા અઢારે વરણના લોકોની હંમેશા અવરજવર રહેતી. આ જ કારણે ટિળકને બ્રિટિશ ઓફિસર્સ અને મવાળ કોંગ્રેસ જૂથ, ‘તેલી-તંબોળીઓના નેતા’ એટલે કે ‘ગરીબ કામદારોના નેતા’ કહીને તેમની મજાક ઉડાવતા. પણ ટિળકે તો આને મજાક ન ગણતા, પોતાનું ગૌરવ જ માન્યું.
આ ભીડમાંથી જ ટિળકના કાર્યએ જોરદાર વેગ પકડ્યો. ચાફેકર ભાઈઓની એક ગુપ્ત રીતે રહેવાની જગ્યાએ બ્રિટિશરોને ટિળકનો ભગવદ્ ગીતા પરનો એ લેખ મળ્યો, જેમાં ‘જુલમી અન્યાય કરનારાઓને મારી નાખવા એ પાપ નથી’ એવું લોકમાન્યએ પોતાના શબ્દોમાં લખ્યું હતું.
બધી કડીઓ મળી રહી હતી. પણ ક્રાંતિકારીઓ પણ મક્કમ રહીને મૌન રહ્યા અને ચાફેકરના બીજા સાથીદારોએ બધા પુરાવા નાશ કરી દીધા હોવાથી, બ્રિટિશ સરકાર ટિળકને ફાંસી પર ન ચડાવી શકી.
(વાર્તા ચાલુ છે)



Comments
Post a Comment