થોડા જ સમયમાં ધારપૂર પોલીસ સ્ટેશનના પોલીસ ઓફિસર્સ અને સિપાઈઓ આવીને હાજર થયા. રીતસર જૂની પોલીસ ઢબે પૂછપરછ શરૂ થઈ અને તેની સાથે તમાશગીરોની ભીડ આપોઆપ જ ઓછી થવા લાગી.
ગાડીવાન ‘કેવી રીતે અને શું બન્યું’ તે વિગતવાર જણાવી રહ્યો હતો. તેણે કહ્યું કે ચાર-પાંચ કદાવર અને બળવાન પુરુષોની ટોળકી, ગાડી ઊભી રહેતા જ ઝડપથી આગળ આવી અને તેમણે બંને માલિકોને તેમની પાસેનું બધું સોનું અને પૈસા આપી દેવા કહ્યું. પરંતુ બંને માલિકો ઝપાઝપી કરવા લાગ્યા અને બૂમાબૂમ પણ કરવા લાગ્યા. સંભવતઃ તેથી તે લૂંટારુઓએ તે બંનેને છરા ભોંકી દીધા અને તેમના શરીર પરનું બધું સોનું અને તેમની પાસેના બધા પૈસા લઈને તેઓ ભાગી ગયા.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ તે ગાડીવાનનું ગળુ પકડીને પૂછ્યું, “તો પછી તું શું કરતો હતો? તને જ કેમ કંઈ ન થયું? સાચું કહે, તું પણ તેમનો સાથીદાર છે ને?”
તે જ ગામમાં રહેતા અર્થાત્ ધારપૂરનિવાસી એવા બે પોલીસ સિપાઈઓએ કહ્યું, “સાહેબ! આની કદકાઠી જુઓ. એકદમ સુકલકડો (અત્યંત પાતળો અને અશક્ત) છે. આને આખું ગામ ‘ડરપોક સખ્યા,' તરીકે જ ઓળખે છે. આ એક નંબરનો બીકણ માણસ છે. આ શાનાથી નથી ડરતો? આ ઉંદરથી ડરે છે, આ કૂતરાઓથી ડરે છે, આ શિંગડાવાળી ગાયો-ભેંસોથી જ નહીં, પણ મોટા બકરાઓથી પણ ડરે છે. દૂરથી સાપ દેખાય, તો પણ આ બૂમો પાડતો દોડે છે. આ લૂંટારુઓને શું મદદ કરવાનો!
તેમાં આને મા-બાપ કોઈ નથી. આ અનાથ છોકરાને, આપણા આ દેવલોક પામેલા પોલીસ અધિકારી સાહેબે કામ પર રાખ્યો અને તેમના જ ઘરના ઓટલા પર રહેતો હોય છે. આના બાપ પણ ઘોડેવાળા જ હતા. તેથી આ ફક્ત ઘોડાને નથી ડરતો.”
આ માહિતીથી વરિષ્ઠ પોલીસ અધિકારી થોડોક નરમ પડ્યા, “કેમ રે સખ્યા! ક્યારથી સાહેબ પાસે કામ કરે છે? અને તે લૂંટારુઓમાંથી કોઈને ઓળખ્યો ખરો?”
સખ્યા બંને હાથ જોડીને અને ઘૂંટણિયે બેસીને બોલ્યો, “સાહેબ! હું સાહેબના સસરાના ગામમાં રહેતો હતો. આમના સસરાએ જ મને ભલામણ આપીને તેમની પાસે મોકલ્યો. છેલ્લા ત્રણ વર્ષથી હું એમની ઘોડાગાડી સાચવું છું અને ઘોડાઓની દેખરેખ રાખું છું.
બાકીની પણ ઘણી પૂછપરછ થઈ અને પોલીસ અધિકારીઓની ખાતરી થઈ કે કોઈ બીજા પ્રદેશમાંથી આવેલી લૂંટારુઓની ટોળકી હશે. તેમણે મૃતદેહની તમામ માહિતી લખી લીધી અને ઉપસ્થિત પુખ્ત વ્યક્તિઓની સાક્ષી પણ લીધી. કોઈને પણ કશી જ ખબર નહોતી. એકસાથે બધાએ માત્ર ગાડીવાનની બૂમાબૂમ સાંભળી હતી અને મંદિરમાંથી બહાર આવ્યા પછી તે મૃતદેહો જોયા હતા.
તે મૃત પોલીસ અધિકારીની પત્નીએ પણ રડતા-રડતા જણાવ્યું, “આ સખ્યા મારા પિયરમાં ઘોડાઓનું જ કામ જોતો હતો. તે એકદમ પ્રેમાળ અને વિશ્વાસુ છે. તે સાહેબનો ઘાત નહીં કરે.”
ધીમે ધીમે કરીને બધી ભીડ વિખેરાઈ ગઈ. પોલીસ અધિકારી અને સિપાઈઓ જતા રહ્યા. બંને શબ રીતસરની કાર્યવાહી પછી સગાં-સંબંધીઓને સોંપવામાં આવ્યા. મંદિરના પરિસરમાં ફક્ત ગામના કેટલાક ગણ્યાગાંઠ્યા પ્રતિષ્ઠિત લોકો અને મંદિરમાં હંમેશા આવતા ભજન મંડળીના લોકો ઊભેલા હતા.
મલ્હારરાવે ગામના ઉપાધ્યાયને પ્રશ્ન કર્યો, “આપણા આ પવિત્ર મંદિરના આંગણામાં જ આવો રક્તપાત થયો છે. અમે વારકરી તો માંસાહાર પણ કરતા નથી. તો પછી આ જગ્યાનું હવે શુદ્ધિકરણ કરવું પડશે ને?” આ પ્રશ્ન ખરેખર તો ત્યાંની પ્રત્યેક વ્યક્તિને પડ્યો હતો.
ઉપાધ્યાય ઝાંખા દીવાના અજવાળામાં પંચાંગ ફેરવતા બોલ્યા, “મલ્હારરાવ! મુહૂર્ત પણ સારું નહોતું અને નક્ષત્ર તો ઘણું ખરાબ હતું. તેથી શુદ્ધિકરણ અને શાંતિપાઠ તો કરવો જ પડશે. આ આંગણામાં જ બધી વ્યવસ્થા કરવી પડશે. ત્યાં ચારે બાજુ મંડપ બાંધી લેવો પડશે. ‘કોઈની પણ અશુભ છાયા ન પડે’ તેથી મંડપની ચારે બાજુ જાડા તંબુના કાપડથી બાંધી દેવી અને આ મંડપમાં માત્ર ગણ્યાગાંઠ્યા લોકોને જ આવવા-જવાની છૂટ હોવી જોઈએ.” ઉપાધ્યાયજીએ જોઈતા સામાનની એક મોટી યાદી બનાવી આપી.
ઉપાધ્યાયજી અને મલ્હારરાવે મળીને ગામના ચોકસ વૃત્તિના લોકોને જ આ કામગીરી પર નિયુક્ત કર્યા. સ્વાભાવિક રીતે જ તેમને મંદિરના પરિસરની બહાર જવાની પરવાનગી નહોતી.
ફડકે માસ્તરે બંને હાથ જોડીને ભગવાનનું સ્મરણ કરતા કહ્યું, “આ સ્વયં ભગવાનની કૃપાથી જ થઈ શકે છે. મારું છોડી દો. ‘બંને ભાઈઓ આવ્યા છે’ તે સમાચાર મળતા જ જાનકીબાઈ જે ચપળતાથી ધનગરી ધાબળો ઓઢીને મને આવી મળી, તે નવાઈ હતી અને તેણે તો તે નીચ પોલીસ ઓફિસર પર જ કુહાડીનો ઘા કર્યો.”
મલ્હારરાવે પ્રેમથી પોતાની વહુ તરફ જોતા કહ્યું, “દીકરી! તું ખરેખર રણરાગિણી છે. આ બે નીચ ભાઈઓએ જ આપણા જિલ્લાના અનેક દેશભક્તોને ખૂબ જ સતાવેલા હતા. તે વેપારી ભાઈ પોલીસોને ગુપ્ત માહિતી આપતો અને સ્વતંત્રતા સૈનિકોને પકડાવી દેતો અને તે પોલીસ ઓફિસર ભાઈ તે બધાને અતિશય ત્રાસ આપતો અને તે પણ લોકોની નજર સામે. આનાથી જબરદસ્ત દહેશત ઊભી થઈ હતી.”
ફકીરબાબા ‘પ્રભુ રામચંદ્ર કી જય’ એમ કહીને અત્યંત આદરથી બોલ્યા, “અહીંની દહેશત દૂર થઈ છે. કાર્યનો આરંભ જાનકીએ કર્યો છે. તેમાં તેને સહાય મહાદેવરાવ ફડકેએ કરી છે અને સંપૂર્ણ યોજના રામચંદ્રે ઘડી હતી. રામ, જાનકી અને શિવ એકસાથે આવ્યા પછી અશુભનો નાશ થવાનો જ.”
(કથા ચાલુ)
मराठी >> हिंदी >> English >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>> മലയാളം>>
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
Comments
Post a Comment