દત્તબાવની

દત્તબાવની

દત્તબાવની

૧. જય યોગીશ્વર દત્ત દયાળ |

        તું જ એક જગમાં પ્રતિપાળ ||


૨. અત્ર્યનસૂયા કરી નિમિત્ત |

        પ્રગટ્યો જગકારણ નિશ્ચિત ||


૩. બ્રહ્મા હરિહરનો અવતાર | 

         શરણાગતનો તારણહાર ||


૪. અંતર્યામી સત્ ચિત્ સુખ |

        બહાર સદગુરુ દ્વિભુજ સુમુખ ||


૫. ઝોળી અન્નપૂર્ણા કરમાંહ્ય | 

        શાન્તિ કમંડલ કર સોહાય ||


૬. કયાંય ચતુર્ભુજ ષડ્ભુજસાર | 

        અનંતબાહુ તું નિર્ધાર ||


૭. આવ્યો શરણે બાળ અજાણ | 

        ઉઠ દિગંબર ચાલ્યા પ્રાણ ! ||


૮. સૂણી અર્જુન કેરો સાદ | 

        રીઝયો પૂર્વે તું સાક્ષાત્ ||


૯. દીધી ઋધ્ધિ સિધ્ધિ અપાર | 

        અંતે મુક્તિ મહાપદ સાર ||


૧૦. કીધો આજે કેમ વિલંબ |

        તુજવિણ મુજને ના આલંબ ||


૧૧. વિષ્ણુશર્મ દ્વિજ તાર્યો એમ્ |

        જમ્યો શ્રાદ્ધ માં દેખી પ્રેમ ||


૧૨. જંભ દૈત્ય થી ત્રાસ્યા દેવ |

        કીધી મ્હેર તે ત્યાં તતખેવ ||


૧૩. વિસ્તારી માયા દિતિસુત |

         ઈન્દ્રકરે હણાવ્યો તુર્ત ||


૧૪. એવી લીલા કંઈ કંઈ સર્વ |

        કીધી વર્ણવે કો તે શર્વ ||


૧૫. દોડ્યો આયુ સુતને કામ |

        કીધો એને તે નિષ્કામ ||


૧૬. બોધ્યા યદુ ને પરશુરામ |

        સાધ્યદેવ પ્રલ્હાદ અકામ ||


૧૭. એવી તારી કૃપા અગાધ |

         કેમ સુણે ના મારો સાદ? ||


૧૮. દોડ અંત ના દેખ અનંત |

        મા કર અધવચ શિશુનો અંત ||


૧૯. જોઈ દ્વિજ સ્ત્રી કેરો સ્નેહ |

         થયો પુત્ર તું નિ:સંદેહ ||


૨૦. સ્મર્તુગામી કલિતાર કૃપાળ |

        તાર્યો ધોબી છેક ગમાર ||


૨૧. પેટપીડથી તાર્યો વિપ્ર |

        બ્રાહ્મણશેઠ ઉગાર્યો ક્ષિપ્ર ||


૨૨. કરે કેમ ના મારી વ્હાર |

        જો આણિગમ એક જ વાર ||


૨૩. શુષ્ક કાષ્ઠને આણ્યા પત્ર |

        થયો કેમ ઉદાસીન અત્ર? ||


૨૪. જર્જર વંધ્યા કેરાં સ્વપ્ન |

        કર્યા સફળ તે સુતના કૃત્સ્ન ||


૨૫. કરી દૂર બ્રાહ્મણનો કોઢ |

        કીધા પૂરણ એના કોડ ||


૨૬. વંધ્યા  ભેંસ દુઝવી દેવ |

        હર્યુ દારિદ્રય તે તતખેવ ||


૨૭. ઝાલર ખાઈ રિઝયો એમ ||

        દીધો સુવર્ણઘટ સપ્રેમ ||


૨૮. બ્રાહ્મણ સ્ત્રીનો મૃત ભરથાર |

        કીધો સજીવન તે નિર્ધાર ||


૨૯. પિશાચ પીડા કીધી દૂર |

        વિપ્રપુત્ર ઉઠાડ્યો શૂર ||


૩૦. હરિ વિપ્ર મદ અંત્યજ હાથ | 

        રક્ષ્યો ભક્તિ ત્રિવિક્રમ તાત ||


૩૧. નિમેષ માત્રે તંતુક એક |

        પહોંચાડ્યો શ્રી શૈલ દેખ ||


૩૨. એકી સાથે આઠ સ્વરુપ |

        ધરી દેવ બહુરુપ અરુપ ||


૩૩. સંતોષ્યા નિજ ભક્ત સુજાત |

        આપી પરચાઓ સાક્ષાત ||


૩૪. યવનરાજની ટાળી પીડ |

        જાતપાતની તને ન ચીડ ||


૩૫. રામકૃષ્ણ રુપે તે એમ |

        કીધી લીલાઓ કંઈ તેમ |


૩૬. તાર્યા પથ્થર ગણિકા વ્યાધ | 

        પશુ પંખી પણ તુજને સાધ ||


૩૭. અધમ ઓધારણ તારું નામ | 

        ગાતા સરે ન શા શા કામ || 


૩૮. આધિ વ્યાધિ ઉપાધિ સર્વ | 

        ટળે સ્મરણમાત્રથી સર્વ ||


૩૯. મૂઠ ચોટ ના લાગે જાણ | 

        પામે નર સ્મરણે નિર્વાણ ||


૪૦. ડાકણ શાકણ ભેંસાસુર |

        ભૂત પિશાચો જંદ અસુર ||


૪૧. નાસે મૂઠી દઈને તૂર્ત |

        દત્ત ધુન સાંભાળતા મૂર્ત ||


૪૨. કરી ધૂપ ગાએ જે એમ | 

        'દત્તબાવની' આ સપ્રેમ ||


૪૩. સુધરે તેના બંને લોક |

        રહે ન તેને ક્યાંયે શોક ||


૪૪. દાસી સિદ્ધિ તેની થાય |

        દુઃખ દારિદ્ર્ય તેના જાય ||


૪૫. બાવન ગુરુવારે નિત નેમ | 

        કરે પાઠ બાવન સપ્રેમ ||


૪૬. યથાવકાશે નિત્ય નિયમ | 

       તેને કદી ના દંડે યમ ||


૪૭. અનેક રુપે એ જ અભંગ | 

        ભજતાં નડે ન માયા રંગ ||


૪૮. સહસ્રનામે નામી એક |

        દત્ત દિગંબર અસંગ છેક ||


૪૯. વંદુ તુજને વારંવાર | 

       વેદ શ્વાસ તારા નિર્ધાર ||


૫૦. થાકે વર્ણવતાં જ્યાં શેષ |

       કોણ રાંક હું બહુકૃત વેષ? ||


૫૧. અનુભવ તૃપ્તિનો ઉદગાર |

        સુણી હસે તે ખાશે માર ||


૫૨. તપસી તત્ત્વમસિ એ દેવ |

        બોલો જય જય શ્રી ગુરુદેવ ||


|| અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ||

-------------------

Comments