આ સદગુરુ પોતાના પર વિશ્વાસ રાખનારા શ્રદ્ધાવાનનો માત્ર યોગક્ષેમ જ નથી ચલાવતા, પણ તેમના સુખ-દુઃખમાં પણ સાથ આપે છે. મુશ્કેલીના સમયે શ્રદ્ધાવાનની આસપાસ એક મજબૂત દીવાલ બનીને ઊભા રહી જાય છે, તેમને મનોબળ પ્રદાન કરે છે તેમજ સંકટના સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા પણ આપે છે. "સંકટમાં મળે મદદ, મળે મનને આધાર" શ્રીઅનિરુદ્ધ મહિમાની આ પંક્તિ શ્રદ્ધાવાનના જીવનમાં તંતોતંત ઉતરેલી હોય છે.
----------------------------------------------------------------
મારા બાપુરાયા તો બધા સંકટો કરતાં મોટા જ છે. પોતાના બાળકો પર આવતી દરેક આફતને તેઓ ઘણી સહજતાથી દૂર કરી દે છે. સંકટને દૂર કરીને પોતે તો માત્ર અલિપ્ત જ રહે છે, પણ પોતાના બાળક પર પ્રેમની છત્રછાયા માત્ર હંમેશા રાખે છે. બાપુનો આવો જ એક અનુભવ હું અહીં તમારી સાથે શેર કરી રહ્યો છું કે તેમણે કેટલી સહજતાથી અમારા ઘર પર આવેલા મોટા સંકટને દૂર ધકેલી દીધું!
૧૯ ડિસેમ્બરનો દિવસ હતો તે. શ્રી સચ્ચિદાનંદ ઉત્સવ માટે બાપુ (પાદુકા રૂપમાં) ઘરે આવ્યા હતા. પહેલા બે દિવસ ઉત્સવ ખૂબ જ સરસ રીતે પાર પડ્યો. ત્રીજા દિવસે એટલે કે ૨૧ ડિસેમ્બરની આ વાત છે! મારા પિતાજી એકનાથસિંહ ગુરવને સવારથી જ કંઈક અસ્વસ્થ લાગી રહ્યું હતું. પેટમાં અપચો હતો અને છાતીમાં ઘણો ભાર વર્તાતો હતો. રોજ સવારે ૮.૩૦ વાગ્યે તેઓ કામ માટે થાણાથી ઉરણ જતા. છેલ્લા કેટલાક મહિનાઓથી ડ્રાઈવર ન હોવાથી તે દિવસે પણ તેમણે જ ડ્રાઈવ કરવાનું હતું. પાદુકાને પગે લાગીને તે જ સ્થિતિમાં તેઓ કામ પર જવા નીકળ્યા. તેમણે મનમાં વિચાર્યું કે વર્તક નગર નાકા પાસેના દવાખાનામાં જઈને દવા લેતો જઈશ. આવી રીતે ઘરમાં કોઈને પણ પોતાની આ તકલીફ વિશે જણાવ્યા વગર જ તેઓ નીકળી ગયા. અમે બધા ઘરમાં સવારની પૂજાની તૈયારી કરી રહ્યા હતા.
પિતાજી ઘર બહાર નીકળ્યાના લગભગ ૨૫-૩૦ મિનિટ પછી મને એમનો ફોન આવ્યો. તેમણે કહ્યું, "રાહુલ, જરા શ્રોત્રી ડૉક્ટર પાસે આવી જા," અને બસ આટલું કહીને તેમણે ફોન મૂકી દીધો. એમના અવાજમાં આવેલો બદલાવ મને વર્તાઈ રહ્યો હતો અને એટલે મને ચિંતા થવા લાગી. એટલે ઘરમાં બીજા કોઈને કંઈ પણ કહ્યા વગર, પહેલા પરિસ્થિતિ શું છે તે જોઈ આવું એમ વિચારીને હું તરત બાઈક લઈને ડૉક્ટર પાસે પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો પિતાજીનું શર્ટ ઉલ્ટીથી ખરાબ થઈ ગયું હતું અને તેઓ ચુપચાપ બેઠા હતા. ડૉક્ટરે મને પાસે બોલાવીને કહ્યું કે તારા પિતાજીની તબિયત ખરાબ છે. હું જ્યારે તેમને તપાસી રહ્યો હતો ત્યારે તેમને ચક્કર આવ્યા અને તેઓ બેભાન થઈ ગયા અને બેભાન અવસ્થામાં જ તેમને ઊલટી થઈ ગઈ. તું જલ્દી જઈને તેમનું ECG કરાવ.
હું તરત જ પિતાજીને લઈને નજીકની હૉસ્પિટલમાં ગયો અને તેમનું ECG કરાવ્યું. ત્યાંના ડૉક્ટરે ECG માં ચેન્જીસ આવ્યા હોવાનું જણાવ્યું, પણ જો કંઈ વધારે તકલીફ જણાય તો આવજો એમ કહીને અમુક દવાઓ લખી આપી. ત્યારબાદ હું પિતાજીને લઈને ઘરે આવ્યો. ઘરે પૂજા શરૂ જ થવાની હતી. મમ્મીને અને નાના ભાઈને બનેલી ઘટના વિશે જણાવતાં જ એવું નક્કી થયું કે એકવાર જ્યુપિટર હોસ્પિટલ જઈને બતાવી આવીએ. અમે બધાએ મળીને સવારની પૂજા કરી. ઘરમાંથી નીકળતા પહેલાં બધાએ સાથે મળીને શ્રી આદિમાતા શુભંકરા સ્તવનમ અને અશુભનાશિની સ્તોત્રનો પાઠ કર્યો. પિતાજીએ પણ બાપુને (પાદુકાને) સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પછી જ અમે નીકળ્યા.
જ્યુપિટર હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા જ ડૉક્ટરે કહ્યું કે આ તો ઇમરજન્સીનો કેસ છે અને પિતાજીને ICU માં ઍડમિટ કરી દીધા. અમને કંઈ જ સમજાતું ન્હોતું. બધું એટલી ઝડપથી બની રહ્યું હતું કે કંઈ વિચારવાનો સમય જ ન્હોતો. ડૉક્ટરે મને ICU ના પેપરવર્ક અને પ્રોસિજર્સ પતાવવા કહ્યું, હું એ પતાવીને પાછો આવ્યો ત્યાં સુધીમાં તો મારા પિતાજીને ICU માં શિફ્ટ પણ કરી દેવાયા હતા! તેમને ૨૪ કલાકનું એક ઈન્જેક્શન આપ્યું અને એન્જિયોગ્રાફી કરવી પડશે તેમ જણાવ્યું. અમે આ વાત દાદાના કાને પહોંચાડવા માટે ડૉક્ટર પડેલકરને ફોન કરીને બધી માહિતી આપી, તેમણે આ વાત દાદાને જણાવી દીધી. બીજા દિવસે પિતાજીનો રિપોર્ટ આવ્યો, પણ રિપોર્ટ સારો ન્હોતો આવ્યો. ૫ જગ્યાએ બ્લોકેજ હોવાથી એન્જિયોપ્લાસ્ટી કરવી શક્ય ન્હોતી અને બાયપાસ જ એકમાત્ર ઓપ્શન છે એવું ખબર પડી. અત્યાર સુધી 'હાર્ટ બાયપાસ' શબ્દ ફક્ત સાંભળ્યો જ હતો, પણ હવે એ પ્રત્યક્ષ મારા પિતાજીની થવાની હતી, આ અમારા બધા માટે ખૂબ જ આઘાતજનક બાબત હતી.
ડૉક્ટરો સાથે વાત કર્યા પછી હું તરત જ સુચિતદાદાને મળવા ગયો. દાદાએ કહ્યું, "કોઈ પ્રોબ્લેમ નથી, કરાવી લો. બને એટલી વધારે વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો." દાદાના આ શબ્દોથી મનને મોટી ધીરજ બંધાઈ. ત્યારપછી નીચે શ્રીગુરુક્ષેત્રમ્માં આવતાં જ અચાનક બાપુના પણ ખૂબ નજીકથી દર્શન થયા! બધા જ શુભ શકુન સાથે લઈને હું પાછો હોસ્પિટલ આવ્યો. બીજા દિવસે એટલે કે ૨૩/૧૨/૨૦૧૫ ના રોજ સવારે ૮ વાગ્યે મારા પિતાજીની બાયપાસ સર્જરી શરૂ થઈ અને તે બપોરે ૨ વાગ્યા સુધી ચાલી. સર્જરી સફળ રહી! પિતાજી પછીના એક જ અઠવાડિયામાં સાજા-નરવા થઈને ઘરે આવી ગયા. બાપુની કૃપાથી 'સંકટ જ બાયપાસ' થઈ ગયું હતું!
આ આખી ઘટનામાં બાપુએ જે રીતે સાથ આપ્યો એ કંઈક એવો હતો કે, જેમ આપણે 'શ્રી ગુરુચરિત્ર'માં સાયંદેવની કથા વાંચીએ છીએ. એમાં સાયંદેવના ઘરે શ્રીગુરુ આવે છે અને તેને અપમૃત્યુથી અભય આપે છે. સાયંદેવ ઘરે પાછો ન આવે ત્યાં સુધી તેઓ એના ઘરે રોકાય છે અને તે સહીસલામત આવી જાય પછી જ આગળ જાય છે.
પિતાજીને હોસ્પિટલમાં એડમિટ કરવાથી લઈને સર્જરી પૂરી થઈ ત્યાં સુધીનો આખો સમય શ્રી સચ્ચિદાનંદ ઉત્સવનો જ હતો; એટલે કે આ સમગ્ર સમયગાળા દરમિયાન બાપુ અમારી સાથે જ હતા! સર્જરી સફળ થઈ તે દિવસ પુનર્મિલાપનો દિવસ હતો. મારા પિતાજીને જ્યારે અસ્વસ્થ લાગવા માંડ્યું ત્યારે તેઓ ઓફિસે ન જતા ડૉક્ટર પાસે ગયા, એ સદ્બુદ્ધિ આપનારા બાપુ જ હતા.
"અનિરુદ્ધ એવ બુદ્ધિદાતા"
જો એ પરિસ્થિતિમાં તેઓ ડૉક્ટર પાસે ન જતા પોતે ડ્રાઈવ કરીને આગળ નીકળી ગયા હોત તો મોટી આફત આવી ગઈ હોત. પણ બાપુ સાથે હોય પછી શેની ચિંતા!! પિતાજી એડમિટ થયા એના આગલા દિવસે રાત્રે શ્રી સચ્ચિદાનંદ ઉત્સવના ડેકોરેશનના ભાગ રૂપે મેં દીવાલ પર ૩ કાવ્ય પંક્તિઓ પ્રિન્ટ કરીને લગાવી હતી અને બરાબર એ જ પંક્તિઓ અક્ષરશઃ સાચી પડી. એ ત્રણ પંક્તિઓ આ પ્રમાણે હતી...
૧. જેમના હૃદયમાં શ્રીગુરુ સ્મરણ, તેમને કેવો ભવ-ભય દારુણ,
કાળમૃત્યુ પણ ન બાધે જાણો, તો અપમૃત્યુ તો ક્યાંથી સ્પર્શે ||
૨. અકસ્માતનો ભય જાય, ટળે અકાળ મરણ,
સંકટમાં મળે મદદ, મળે મનને આધાર,
આકસ્મિક પણ જે આ ચરણ જુએ,
તેને પણ રક્ષે સંકટે ||
3. જ્યાં છે સ્વામીના ચરણ, ત્યાં હોય શેની ઉણપ?
આ મા પોતે જ ઘડે એના ભક્તનું પ્રારબ્ધ.
તેની આજ્ઞા વિના કાળ પણ એને ન લઈ જઈ શકે,
તેમજ ન પરલોકનો પણ ડર તેને.
આ પંક્તિઓનો તંતોતંત અનુભવ અમને થયો.
ખરેખર, આ બાપુ બધી આફતો કરતાં ખૂબ ખૂબ મોટો છે! આપણે આપણા નાના નાના પ્રોબ્લેમ્સને લઈને જ બેસી રહીએ છીએ, પણ એના બદલે બાપુના ચરણોમાં શરણ લઈએ તો પ્રોબ્લેમ્સ ક્યારેય આવશે જ નહીં, એવો મારો અનુભવ છે.

Comments
Post a Comment