સદ્ગુરુ શ્રી બાપુની કૃપાથી હું તેમના સાન્નિધ્યમાં આવ્યો અને કાયમ માટે તેમનો જ બની ગયો. આ સદ્ગુરુની અગાધ કરુણાએ મને અનેકવાર નાના-મોટા સંકટોમાંથી બચાવ્યો છે. સાક્ષાત્ કાળને પણ પાછો મોકલીને તેમણે મારી પત્નીને (માનસીને) પુનર્જન્મ આપ્યો છે.
૧૬ નવેમ્બર ૨૦૦૦ નો દિવસ, ગુરુવાર એટલે કે બાપુના પ્રવચનનો દિવસ. માનસી ઘરે જ હતી. મેં સાંજે ૪.૪૫ વાગ્યે ઑફિસમાંથી નીકળતી વખતે ઘરે ફોન કર્યો. અને માનસીને દાદરની એન્ટોનિયા ડિસિલ્વા હાઈસ્કૂલ (પ્રવચન સ્થળ) ખાતે કેટલા વાગ્યે આવશે એમ પૂછ્યું. તે બોલી ૬.૦૦ વાગ્યા સુધીમાં આવું છું. હું સાંજે ૫.૩૦ વાગ્યે એન્ટોનિયા ડિસિલ્વા હૉલ પર આવ્યો અને હંમેશની જેમ મારું કામ કરવા લાગ્યો. લગભગ ૫.૪૫/૬ વાગે મને મેસેજ મળ્યો કે તને તાત્કાલિક ઘરે બોલાવ્યો છે. મને પહેલા તો કંઈ જ સમજાયું નહીં. કારણ કે મને ઘરે બોલાવ્યો એટલે કંઈક સિરિયસ હશે. એટલે મેં પાછો ઘરે ફોન કર્યો. ફોન પપ્પાએ ઉપાડ્યો. પપ્પાના અવાજ પરથી તેઓ ખૂબ ગભરાયેલા લાગતા હતા. તેમણે મને કહ્યું કે માનસીની તબિયત બહું ખરાબ થઈ ગઈ છે. તેનું પેટ ફૂલી રહ્યું છે અને શરીર ઠંડુ પડી રહ્યું છે. તું તાત્કાલિક ઘરે આવ. આ વાત હું સુચિતદાદાના કાને નાખવા માટે થોડીવાર રોકાયો. પણ એ દિવસે દાદા મોડા આવ્યા. એટલામાં શ્રી અજય દળવી અને નીતા દળવીએ મને તાત્કાલિક ઘરે જવા કહ્યું અને ‘‘અમે દાદાને જણાવી દઈશું, પણ તું નીકળ’’ એવું તેઓ બોલ્યા.
હું ૭.૩૦ વાગ્યે ઘરે પહોંચ્યો. માનસીને જોઈ તો તે સાવ નિશ્ચેતન પડી હતી. તેનું પેટ ફૂલેલું હતું. શરીર એકદમ ઠંડુગાર પડી ગયું હતું અને પેટને ખાલી આંગળી અડાડું તો પણ તેને મરણતોલ વેદના થતી હતી. કોઈના બોલવાનો અવાજ પણ તેનાથી સહન ન્હોતો થતો. અમારા ફૅમિલી ડૉક્ટર મહેતા પણ આવી ગયા હતા. પણ તેઓ કંઈ જ નિદાન ન્હોતા કરી શકતા. તેમણે મને કહ્યું કે આને આપણે તાત્કાલિક હૉસ્પિટલ લઈ જઈએ. સુચિતદાદાનો પણ મેસેજ આવ્યો કે તેને તાત્કાલિક હૉસ્પિટલમાં ઍડમિટ કર અને કંઈ ચિંતા નહીં કરતો. દાદાના આ એક વાક્યથી મને ખૂબ જ હિંમત મળી.
અમારા ફૅમિલી ડૉક્ટરે ક્રિટિકૅર હૉસ્પિટલમાં ફોન લગાવ્યો અને માનસી વિશે જણાવ્યું. બાપુની કૃપાથી એ સમયે હૉસ્પિટલમાં સર્જન, ઍનેસ્થેસિયન, સોનોગ્રાફી કરનારા બધા ડૉક્ટર ઉપલબ્ધ હતા. ઘરે ઍમ્બ્યુલન્સ ૮.૦૦ વાગ્યે આવી. માનસીને સ્ટ્રેચર પર લઈ જવામાં આવી કારણ કે તેની વેદના ખૂબ જ વધી ગઈ હતી. ઍમ્બ્યુલન્સથી હૉસ્પિટલ લઈ જતી વખતે ગાડી નાના એવા ખાડા પરથી પસાર થાય તો પણ તેને મરણતોલ વેદના થતી હતી. અમને કોઈને કંઈ જ સમજાતું ન્હોતું. તેની એ અવસ્થા જોઈને મારી આંખમાં પણ આંસુ આવી ગયા. મનમાં બાપુનો તારક મંત્ર ‘ૐ મનઃસામર્થ્યદાતા શ્રી અનિરુદ્ધાય નમઃ॥' સતત ચાલું જ હતો. રાત્રે ૮.૨૦ વાગ્યે અમે તેને હૉસ્પિટલમાં ઍડમિટ કરી. માનસીનું બ્લડ પ્રેશર ૮૦ સુધી નીચે આવી ગયું હતું. ડૉક્ટરે તેની સોનોગ્રાફી કરી અને મને કહ્યું કે આ એક્ટોપિક પ્રેગ્નન્સીનો કેસ છે. માનસીના પેટમાં લગભગ ૨ લિટર લોહી છે. એટલે આપણે તાત્કાલિક તેનું ઑપરેશન કરવું પડશે. અને તે માટે ૫ બાટલી લોહીની જરૂર છે. મેં સુચિતદાદાને આ વાત જણાવી. તેમણે મને ફરીથી હિંમત આપી. ડૉ. અથંગપ્રભતીએ મને ઑપરેશન કેટલું સિરિયસ છે તે સમજાવ્યું. આ કેસમાં પેશન્ટના મરવાની શક્યતા વધારે હોય છે. કારણ કે આખા શરીરમાં ઝેર ફેલાઈ જાય છે. ડૉક્ટરે મને ત્યાં જ રોકાવા કહ્યું. સાથેસાથે ડૉક્ટરે એમ પણ કહ્યું કે જ્યાં સુધી આપણને લોહી નથી મળતું ત્યાં સુધી આપણે ઑપરેશન નહીં કરી શકીએ.
મારી બહેન મલાડની બ્લડ બેંકમાં લોહી લાવવા માટે ગઈ. ડૉક્ટરે તેને કહ્યું હતું કે લોહી મળી જાય એટલે નીકળતી વખતે ફોન કરજે, જેથી અમે અહીં ઑપરેશન શરૂ કરી દઈએ. બરાબર ૧૦ વાગ્યે મારી બહેનનો ફોન આવ્યો કે લોહી મળી ગયું છે. તરત જ માનસીને ઓ.ટી. માં શિફ્ટ કરવામાં આવી. ત્યારે ડૉક્ટરે માનસીને પૂછ્યું કે તારી બાપુ પર કેટલી શ્રદ્ધા છે? પણ તે કંઈ બોલવાની મનઃસ્થિતિમાં ન્હોતી. એ જ પ્રશ્ન ડૉક્ટરે મને પૂછ્યો, કે તારી બાપુ પર કેટલી શ્રદ્ધા છે? મેં તેમને કહ્યું કે ૧૦૦%, જે કંઈ કરશે તે બાપુ જ કરશે. આ સાંભળીને ડૉક્ટર મને કહે છે તો પછી જરાય ગભરાઈશ નહીં માનસીને કંઈ નથી થવાનું અને ડૉક્ટર ઓ.ટી. માં ગયા એ સમય ૧૦.૧૪ નો હતો.
૧૦.૨૦ ની આસપાસ મારી બહેન લોહી લઈને આવી. ત્રણ જ બાટલી લોહી મળ્યું હતું. અને એ જ સમયે સુચિતદાદાએ ડૉ. જયેશ શાહને ત્યાં મોકલ્યા. તેમણે પણ મને હિંમત આપી અને તેઓ ઓ.ટી. માં ગયા. ૧૧.૪૫ ની આસપાસ ડૉક્ટર ઓ.ટી. માંથી બહાર આવ્યા અને ઑપરેશન વ્યવસ્થિત થઈ ગયું હોવાનું કહ્યું. તેમજ હવે કોઈ ચિંતા કરવાની જરુર નથી એમ પણ કહ્યું. આ પછી ડૉક્ટરે મને ઓ.ટી. માં બોલાવ્યો અને માનસીના પેટમાંથી કાઢેલું લોહી બતાવ્યું. અથાણાંની મોટી બરણીની સાઈઝની બાટલી ભરાઈ જાય તેટલું બધું લોહી હતું અને એક મોટી ડિશ ભરીને લોહીના ક્લોટ (જેલી જેવા જાડા) બતાવ્યા અને કહ્યું કે એક્ટોપિક પ્રેગ્નન્સીના કેસમાં ટ્યુબ ફાટે એટલે રક્તસ્ત્રાવ શરૂ થઈ જાય છે. એની સાથે બ્લડ પ્રેશર પણ નીચે આવી જાય છે. આ કેસમાં વેદના એટલી મરણતોલ હોય છે કે આમાં બ્રેઈન હેમરેજ થવાની પણ શક્યતા રહે છે અને આવા કેસમાં પેશન્ટનું ચોક્કસ મૃત્યુ જ થાય છે. માનસીની ટ્યુબ બર્સ્ટ થઈ ગઈ હતી.
તે દિવસે બાપુના પ્રવચન પછી દર્શન અધવચ્ચે જ અટકાવીને બાપુ ઘરે જતા રહ્યા હતા. કોઈને કંઈ સમજાયું નહીં. બરોબર એ જ વખતે ત્યાં માનસીને ઓ.ટી. માં લીધી હતી. માનસીનું જે બ્લડ પ્રેશર ૬૦ સુધી નીચે આવી ગયું હતું. ત્યાં બાપુનું પણ બ્લડ પ્રેશર નીચે આવી ગયું હતું. માનસીની બધી બીમારી તેમણે પોતાના પર લઈ લીધી હતી.
સાત દિવસ પછી માનસીને ઘરે લાવ્યા પછી હું બાપુને મળ્યો ત્યારે પણ હું ખૂબ રડ્યો. મેં બાપુને કહ્યું ‘બાપુ તમને ખૂબ તકલીફ થઈ હશે ને.’ ત્યારે બાપુ હસીને એક જ વાત બોલ્યા, ‘‘જે આવેલું તેને મારે પાછું મોકલવાનું જ હતું.’’

Comments
Post a Comment