પરમપૂજ્ય બાપુના સાન્નિધ્યમાં આવ્યા પછી અમને ડગલે ને પગલે એવા અનુભવો થાય છે કે અમારી બધી જ જવાબદારી બાપુ જ ઉઠાવી રહ્યા છે, તેની ખાતરી થવા લાગે છે. તેમજ તેઓ સતત આપણી સાથે જ છે, તેનો પણ અહેસાસ આપણને ડગલે ને પગલે થતો રહે છે. આવા સુંદર અનુભવોને કારણે જ અમારા જેવા સામાન્ય ભક્તોનો બાપુ પરનો વિશ્વાસ દ્રઢ થતો રહે છે. આવો જ એક અનુભવ હું આપને જણાવવા ઈચ્છું છું.
હું સરકારી આરોગ્ય પરિચારિકા વિભાગમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરું છું. મારા હાથ નીચે અનેક નર્સીસ છે, જે અલગ અલગ ગામોમાં કામે લાગેલી છે. મારું કામ તેમના કામ પર દેખરેખ રાખવાનું છે. બરોડા તાલુકામાં 'કરચિયા' નામનું એક ગામ છે જે અમદાવાદ-મુંબઈ રેલવે ટ્રેક પાસે આવેલું છે. આ એક ફ્લેગ સ્ટેશન પણ છે જ્યાંથી ગાડીઓને લાલ લીલા સિગ્નલ આપવામાં આવે છે. રેલવેના અલગ અલગ જગ્યાએ જવા માટે ફાંટા પડે છે. ગાડીઓ પ્રમાણે ટ્રેક બદલાતા રહે છે. લગભગ 60 ગાડીઓ આ ટ્રેક પરથી દરરોજ પાસ થતી હોય છે.
એપ્રિલ મહિનાના કાળઝાળ ઉનાળાના દિવસો હતા. બપોરનો એક વાગ્યો હતો. મને માહિતી મળી કે કરચિયા ગામમાં ડિસેન્ટ્રી અને ડિહાઇડ્રેશનને કારણે ઘણા લોકો બીમાર પડ્યા છે.
આવો કોઈ કૉલ આવે કે મારે જવું પડે છે. મારા પતિ રિટાયર્ડ હોવાથી દરરોજ સ્કૂટી લઈને મને મૂકવા અને લેવા આવે છે.
તે દિવસે પણ આ મેસેજ મળ્યા પછી હું તરત જ એમને સાથે લઈને કરચિયા ગામ જવા નીકળી. રેલવે ટ્રેક ઓળંગીને જતા સમયે અચાનક બે ટ્રેકની વચ્ચે અમારી સ્કૂટી ફસાઈ ગઈ અને સ્કૂટીની સાથે અમે બંને નીચે પડી ગયા!
અમે સ્કૂટી અને ટ્રેકની વચ્ચે વિચિત્ર રીતે દબાઈ ગયા હતા. બપોરનો સમય હોવાથી લોકોની અવરજવર પણ નહોતી. હું આખી સ્કૂટીની નીચે જતી રહી હતી અને એમના પગ સ્કૂટીની નીચે દબાઈ ગયા હોવાથી તેઓ ઊભા પણ નહોતા થઈ શકતા.
અમે મદદ માટે બૂમો પાડી રહ્યા હતા, પણ કોઈ સાંભળતું નહોતું. એટલામાં જ દૂરથી ટ્રેન આવતી દેખાઈ. તે જોઈને અમારી આંખો સામે અંધારા છવાઈ ગયા! ટ્રેનની સીટીનો અવાજ સાંભળીને, 'હવે કાળ નજીક આવી ગયો છે' તેની અમને ખાતરી થઈ ગઈ. હવે બધું પૂરું થઈ ગયું એવું અમને લાગી રહ્યું હતું.
ટ્રેન અમારાથી થોડા જ અંતરે હશે, અને હવે કેટલીક સેકન્ડમાં જ બધું પૂરું થઈ જશે, બાપુ....બાપુ....બાપુ અમારા મનમાં બીજો કોઈ શબ્દ જ નહોતો. એટલામાં અચાનક એક માણસ ક્યાંકથી અમારી પાસે આવ્યો અને તેણે એક જ ઝાટકે અમારા બંનેને ઊભા કરી દીધા. અમે ઉતાવળે સ્કૂટી સાથે ટ્રેકની બીજી બાજુ પહોંચી ગયા અને એટલામાં જ ટ્રેન સડસડાટ ધડધડ કરતી અમારી પાસેથી પસાર થઈ ગઈ! કેટલીક સેકન્ડના અંતરથી અમારું મૃત્યુ ટળી ગયું હતું. કેવા જીવલેણ પ્રસંગમાંથી તે સદ્ગુરુતત્વે અમને સહેલાઈથી બહાર કાઢ્યા હતા, તેનો અહેસાસ થતાં જ અમે ધ્રૂજી ઉઠ્યા હતા.
માંડ માંડ જાતને સંભાળીને અમે હાથપગ પરની ધૂળ ખંખેરી અને જ્યાં ઈજા થઈ હતી ત્યાં રૂમાલ બાંધ્યો. પછી અમે સ્કૂટી ચાલુ કરીને જોઈ, તો તે પણ તરત ચાલુ થઈ ગઈ. અમે તરત જ નીકળવા લાગ્યા.
....અને એટલામાં જ ‘તે’ માણસની યાદ આવી, જે અમારી અને મૃત્યુની વચ્ચે ઊભો રહ્યો હતો.
પાછળ વળીને અમે તેને જોવા લાગ્યા, તો કોઈ દેખાયું નહીં! ત્યાં આસપાસ તો શું પરંતુ દૂરના અંતરે પણ કોઈ જ દેખાતું નહોતું. હવે અમારા મગજમાં પ્રકાશ પડ્યો કે આ જીવલેણ સંકટમાંથી અમને કોણ બચાવવા આવ્યું હતું? તે માણસ કોઈ પણ હોય, છતાં અમારા માટે તો તે અમારા બાપુ જ હતા!
આજે પણ આ ઘટના યાદ આવતાં જ રૂંવાડાં ઊભા થઈ જાય છે અને મનમાં વિચાર આવે છે કે ટ્રેન સામેથી આવતી હોય અને સ્કૂટી નીચે બે જણ ફસાયેલા દેખાતા હોય ત્યારે ક્ષણભરમાં સ્કૂટી સાથે બંનેને બચાવનાર ‘તે’ કોણ હશે? અમને નવજીવન આપનાર તે એટલે અમારા બાપુ જ, એમાં અમને જરા પણ શંકા નથી.
સૌનું રક્ષણ કરનારા અને તારણહાર બાપુને કોટિ કોટિ વંદન!!!

Comments
Post a Comment