અશક્યને શક્ય કરનારા બાપુ - સંજય જાધવ, રેંદાળ, કોલ્હાપુર

 


હું ૧૯૯૬ માં કોલ્હાપુર જિલ્લાના રેંદાળથી મુંબઈ નોકરીની શોધમાં ગયો હતો. એ જ ગાળામાં મારા એક સંબંધી પાસેથી મને સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ વિશે માહિતી મળી. વર્ષ ૨૦૦૩ સુધી હું મુંબઈમાં હતો. પણ ત્યાર પછી ઘરના લોકોના આગ્રહને કારણે હું પાછો રેંદાળ આવી ગયો. રેંદાળ આવ્યા પછી હું અમારા અહીંના એક જાણીતા ઉદ્યોગપતિને ત્યાં કામે લાગ્યો. પેટ્રોલ પંપ, હોટેલ્સ, સોના-ચાંદીમાં રોકાણ એમ તેમના ઘણા બધા વ્યવસાય છે. મારી પરખ કરીને મારા શેઠે ધીમે ધીમે મારા પર મહત્વની જવાબદારીઓ સોંપવાનું શરૂ કર્યું અને પછી ‘એ’ ભયાનક પ્રસંગ મારા પર આવ્યો.

તો બન્યું એવું કે -
વર્ષ ૧૯૯૪ થી હું વર્ષમાં એકવાર ૫ થી ૬ દિવસ કામમાંથી રજા લઈને, દેવદર્શન માટે પંઢરપુર, ગાણગાપુર જેવા તીર્થક્ષેત્રોમાં જઈ આવતો. એવી જ રીતે આ વખતે પણ તારીખ ૪ એપ્રિલ થી ૧૧ એપ્રિલ ૨૦૦૮ દરમિયાન શેઠને પહેલેથી જણાવીને યોગ્ય રીતે રજા લીધી અને દેવદર્શને જઈ આવ્યો.

કામ પર હોઉં ત્યારે હું રાત્રે શેઠના બંગલે જ સૂતો કારણ કે તેઓ અને તેમનો પરિવાર કોલ્હાપુરમાં રહેતા હતા. પણ તે દિવસે મુસાફરીના થાકને લીધે રાત્રે હું ઘરે જ સૂઈ ગયો. બીજા દિવસે હંમેશ મુજબ વહેલી સવારે ઉઠીને હું શેઠના તબેલામાં ગયો અને દોહેલું દૂધ લીધું. એ દૂધ ‘દૂધ સંઘ’માં જમા કરાવીને હું સવારે ૭ વાગ્યાની આસપાસ બંગલે ગયો. ત્યાં જઈને જોઉં છું તો શું...

....બંગલાનો દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર ગયા પછી સામેનું દ્રશ્ય જોઈને મારા તો હોંશ જ ઉડી ગયા અને મને પરસેવો છૂટી ગયો. જોઉં છું તો બંગલાનો બધો સામાન વેરવિખેર પડ્યો હતો. ચોરી થઈ છે એ મારા ધ્યાનમાં આવી ગયું. ગભરાઈને હું મનમાં ને મનમાં બાપુને આજીજી કરવા લાગ્યો. મેં તરત જ શેઠને ફોન કરીને બનેલી ઘટનાની માહિતી આપી.

થોડી વારમાં મારા શેઠ આવ્યા. તેમણે આખા બંગલાની તપાસણી કરી. પછી તેમણે અમને જણાવ્યું કે તિજોરી તોડીને તેમાંથી ૨૦ તોલા સોનું, ૩૫ કિલો ચાંદી અને થોડી રોકડ રકમ મળીને લગભગ દોઢ કરોડ રૂપિયા સુધીની મિલકત ચોરો લૂંટી ગયા છે.

એક ક્ષણ માટે તો સાંભળનારા અમે બધા અવાક જ થઈ ગયા. ત્યાર પછી તેમણે પોલીસ સ્ટેશનમાં ફોન કરીને ધાડ પડી હોવાની માહિતી આપી. થોડી વારમાં પોલીસ આવી ગઈ. પોલીસે પોતાની કાર્યવાહી શરૂ કરી. મારા રોજના કામ પ્રમાણે હું શેઠના મિત્રોને ચા-પાણી આપવા લાગ્યો.

એટલામાં શેઠે મને ઉપરના માળે આવવા માટે બૂમ પાડી.


ત્યાં શેઠ અને પોલીસ અધિકારી હાજર હતા. શેઠે કદાચ શંકાસ્પદ તરીકે મારું જ નામ આપ્યું હશે. કારણ કે તેમાંથી એક અધિકારીએ મને નજીક બોલાવ્યો અને મારો કોલર પકડીને, ગુસ્સામાં મોટા અવાજે, તેની કમરે લટકાવેલી બંદૂક પર હાથ મૂકતા મને કહ્યું કે, ‘સંજ્યા, ચોરી થયેલો સામાન અને ચોરો ક્યાં છે તે હમણા જ કહી દે, નહીંતર તારી ખેર નથી’. એ વાક્ય સાંભળીને મારા પગ નીચેથી તો જમીન જ સરકી ગઈ. કારણ કે જે માણસના ઘરમાં હું છેલ્લા ૬ વર્ષથી પ્રમાણિકતાથી કામ કરતો હતો; ઘરના એક સભ્યની જેમ રહેતો હતો, એ જ માલિકે મારા પર આળ મૂક્યો, આરોપ લગાવ્યો, એનો એ ક્ષણે મને બહુ મોટો આઘાત લાગ્યો.

પણ મેં મારી જાતને સંભાળી, મનમાં ‘હરિ ॐ બાપુ’ કહ્યું. મારો કોલર પકડનારા એ અધિકારીનો હાથ મેં બાજુ પર કર્યો અને તેમને મેં એટલું જ કહ્યું કે, ‘સાહેબ, ખોટો આળ ના ચડાવો, મારો આ ચોરી સાથે કોઈ સંબંધ નથી’. તેના પર એ પોલીસ અધિકારીએ ફરીથી ગુસ્સામાં બૂમ પાડી કે, ‘એય, તું ખોટા નાટક ના કર. તું દેવદર્શને ગયો ત્યારે જ આ ધાડ કેવી રીતે પડી રે? તેં જ ચોરોને બધી માહિતી આપી અને શંકા ના જાય એટલે દેવદર્શનનું નાટક કર્યું. અને કોઈ મસ્ત જગ્યાએ તું મોજમજા કરતો બેઠો હોઈશ. છાનોમાનો બધું સાચું કહી દે, નહીંતર તને....’

હું સંપૂર્ણપણે નિર્દોષ હતો. મેં શેઠને કહ્યું કે,‘શેઠ, મને આમાંની કશી જ ખબર નથી. તમે મારા પર ગમે એટલો ખોટો આળ મૂકો તોય હું ગભરાઈને ખોટી કબૂલાત નહીં આપું એટલું જ કહું છું.’ (મનમાં તો ‘હરિ ॐ બાપુ! મને આમાંથી છોડાવો’ એવું જ કહી રહ્યો હતો.)

પણ મારા શેઠને એવું જ લાગતું હતું કે મેં જ એ ધાડ પાડવામાં ચોરોને મદદ કરી છે. તેથી તેમણે મારા પર કાર્યવાહી કરવાની માંગણી કરી હશે. તેમના કહેવાથી પોલીસે મને શંકાસ્પદ આરોપી તરીકે અરેસ્ટ કર્યો અને હાથમાં હથકડી પહેરાવીને પોલીસ વેનમાં બેસાડી દીધો. ગાડી પોલીસ સ્ટેશન તરફ નીકળી.

મારા મગજમાં આ બનેલી ઘટનાને લીધે વિચારોનું વાવાઝોડું શરૂ થઈ ગયું હતું. મેં આંખો બંધ કરી અને હું મનમાં જ બાપુ સાથે વાતો કરવા લાગ્યો. ‘બાપુ, તમે મારા પર આવી ખરાબ વેળા આવવા જ કેમ દીધી, તમારે આ રોકવું જોઈતું હતું’ એમ કહેતા હું બાપુને જ દોષ દેવા લાગ્યો હતો.

હું મનમાં આ વાક્ય બોલી જ રહ્યો હતો, એટલામાં વેનની બ્રેક જોરથી દબાવાનો અવાજ આવ્યો. મેં ચમકીને આંખો ખોલી ‘ગાડી કેમ થોભી’ એ જોવા સામે જોયું, તો એક ગાય અચાનક ગાડી આડી આવી જવાથી ડ્રાઈવરે એવું કર્યું હતું. ગાડીમાં બેઠેલા બધા ફરી સરખા થઈને બેઠા. ત્યાર પછી અચાનક એક કોન્સ્ટેબલ મને કહેવા લાગ્યો કે, ‘તું ચોરીમાં સામેલ છે કે નહીં એ તો ખબર પડી જ જશે, પણ હું તને એટલું જ કહું છું કે જો તું નિર્દોષ હોઈશ અને એ ધાડની રાત્રે જો તું એ બંગલામાં સૂતો હોત, તો ધાડપાડુઓએ પહેલા તને પતાવી દીધો હોત અને પછી ચોરી કરી હોત, આ હું મારા આજ સુધીના અનુભવ પરથી તને કહું છું.’ એટલું બોલીને એ શાંત થઈ ગયો.

જાણે કોઈએ ગાઢ ઊંઘમાંથી મને એકદમ ઢંઢોળીને જગાડ્યો હોય એવું મને લાગ્યું. આખા શરીરમાં સાચે જ એક ધ્રુજારી દોડી ગઈ. એનો અર્થ એ કે બાપુએ મને મુશ્કેલીમાં ન્હોતો નાખ્યો, પણ ઉલ્ટાના મારા પ્રાણ બચાવ્યા હતા અને હું મૂર્ખ બાપુને જ દોષ આપી રહ્યો હતો. મારી આંખો ભરાઈ આવી, મેં મનોમન બાપુની માફી માંગી.

ખરેખર તો હું દેવદર્શનની તારીખ થોડી પાછી ઠેલવવાનો હતો. પણ તે જ સમયે હું દેવદર્શને પરગામ જાઉં, એ મારી દ્રષ્ટિએ ૧૦૮% એ દયાળુ સદ્‌ગુરુએ જ નક્કી કર્યું હતું. ધાડ પડી તે સમયે જો હું બંગલામાં હોત તો કદાચ એ ધાડપાડુઓએ મારી લાશ જ પાડી દીધી હોત.

આ વિચાર મનમાં પાકો થતાં જ મારો બાપુ પરનો વિશ્વાસ ઓર વધી ગયો અને મારા બાપુ મને આ પ્રસંગમાંથી બહાર કાઢશે જ એવા વિશ્વાસે, હવે પછી જે પણ પ્રસંગ આવશે તેનો સામનો કરવાની મેં તૈયારી કરી લીધી.


પોલીસ વેન પોલીસ સ્ટેશને પહોંચી. મને જેલમાં પૂરી દેવામાં આવ્યો. મારી પત્ની અને બાળકોને પણ આ ઘટનાથી બહુ મોટો માનસિક આઘાત લાગ્યો હતો. હું નિર્દોષ છું એની તેમને પાકી ખાતરી હતી જ. જેલમાં મારા પર શું વીતશે, એ વિચારે તેઓ પણ ચિંતામાં પડી ગયા હતા.

મારી ધરપકડના બીજા દિવસે ન્યૂઝપેપરમાં ધાડ પડવાના સમાચાર પહેલા પાના પર આવ્યા હતા. મારું નામ તો એક ચોકઠામાં મોટા અક્ષરે ‘શંકાસ્પદ આરોપી’ તરીકે છાપવામાં આવ્યું હતું. મારી ધરપકડના સમાચાર બધે જ ફેલાઈ ગયા હતા. તેથી મારા ઘરના લોકોને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું.

અહીં લોકઅપમાં, ‘હું ધાડપાડુઓ સાથે મળેલો છું’ એવું જ માનતી પોલીસે મારી પાસેથી ગુનો કબૂલ કરાવવા માટે સામ, દામ, દંડ, ભેદ બધા જ ઉપાયો શરૂ કરી દીધા હતા.

આ બધામાં એકવાર તો, મારું મનોબળ તૂટી જાય અને હું ગુનો કબૂલ કરી લઉં એટલે હાથ દોરડાથી બાંધીને પોલીસ સ્ટેશનથી ગામના મુખ્ય ચોક સુધી મારું સરઘસ કાઢવામાં આવ્યું. જે ગામમાં હું નાનાથી મોટો થયો, ત્યાં બધા જ લોકો મને ઓળખતા હતા, તેથી હું માથું નીચું રાખીને જ ચાલી રહ્યો હતો. એ વખતે મને ફક્ત મારા ગળામાં રહેલું બાપુનું લોકેટ અને તેના પરનો બાપુનો ફોટો જ દેખાતો હતો. મનમાં બાપુનો જપ ચાલુ હતો અને મારી આંખોમાંથી વહેતા આંસુઓથી જાણે બાપુનો અભિષેક થઈ રહ્યો હતો. બાપુ ચોક્કસ આમાંથી કંઈક રસ્તો કાઢશે, એમ હું મારી જાતને સમજાવી રહ્યો હતો.

તેની સાથે જ પછીના સાત દિવસોમાં આવા કેટલાય અસહ્ય અને કઠોર ત્રાસ મારી પર ગુજારવામાં આવ્યા. હું ફક્ત મનમાં બાપુનો જપ ચાલુ રાખીને એ બધું સહન કરી રહ્યો હતો.

આ બધી પરિસ્થિતિમાં મારી બાપુ પરની શ્રદ્ધા અડગ હતી. મને પોલીસ સ્ટેશન લાવ્યા પછી મારા ઘરના લોકો જ્યારે પહેલીવાર મને મળવા આવ્યા, ત્યારે જ મેં બાપુનો આશીર્વાદ આપતો કવરફોટો ધરાવતું ‘કૃપાસિંધુ’ માસિક અને ઉપાસના માટે લાગતી બીજી વસ્તુઓ મંગાવી લીધી હતી અને આહ્નિક, ‘ॐ મનઃસામર્થ્યદાતા શ્રી અનિરુદ્ધાય નમઃ’ આ તારકમંત્રનો જાપ તથા અન્ય ઉપાસના, તેમજ આરતી વગૈરે હું રોજ કરતો હતો. તેની સાથે જ કેટલીક પેન્સિલો પણ મંગાવી લીધી હતી. તેનાથી હું જેલની દીવાલો પર બાપુનો જપ લખતો હતો. જેટલા દિવસ હું પોલીસ કસ્ટડીમાં હતો, તેટલા દિવસોમાં એક આખી દીવાલ જપથી ભરાઈ જવા આવી હતી.

એને લીધે જ આ બધી ભયંકર પરિસ્થિતિનો સામનો કરવા માટે મારું મનોબળ ટકી રહ્યું, એવું મને લાગે છે. એટલું કે એકવાર એક કોન્સ્ટેબલથી ના રહેવાયું તો એ મારા પર ચિડાઈને બોલ્યો કે, ‘તું માણસ છે કે જનાવર? આટલું બધું થયા પછી પણ તું ઊં કે ચૂં નથી કરતો. બીજા કેદીઓને અમારે ઢસડીને આ ઓરડીમાં લાવવા પડે છે, તું તારા પગે ચાલીને આવે છે.’

મેં પાછા ફરીને તેને એટલું જ કહ્યું, ‘મારો બાપ....મારા સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ મારી સાથે જ છે. એ જ આ ત્રાસ સહન કરવાની તાકાત મને આપી રહ્યા છે અને આગળ પણ આપતા રહેશે, આ મારો અડગ વિશ્વાસ છે.’ એ મારી સામે જોતો જ રહી ગયો.

જેલમાં મને મળવા માટે મારા પરિવારને, મિત્રોને એક ઠરાવેલો જ સમય આપવામાં આવતો હતો. તે સમયે તેઓ મને મળવા આવતા. મળ્યા પછી મારી પત્નીએ જણાવ્યું કે મારા મા-બાપને પણ ‘હું દોષી છું’ એવું લાગવાને કારણે તેમણે મને જેલમાં મળવા આવવાનું ટાળ્યું છે. આ સમાચારથી હું વધારે દુઃખી થઈ ગયો. અને હજી વધારે ઉપાસના કરવા લાગ્યો.

આમ આઠ દિવસ વીતી ગયા. આઠમા દિવસે હંમેશ મુજબ બાપુની ઉપાસના.... આખો દિવસ બીજું બધું નક્કી કર્યા મુજબ જ થયું....સાંજ પડી. પત્ની અને બાળકો મળવા આવ્યા. આજે ખબર નહીં કેમ, પણ તેમને જોતાં જ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમને ખબર ના પડે એટલે મેં આંખો પર હાથ ફેરવીને મારી જાતને સંભાળી. કારણ કે પોલીસનો જીવલેણ બનેલો રિમાન્ડ, સમાજમાં થયેલી બદનામી અને પત્ની-છોકરાઓ તેમજ મા-બાપના ભવિષ્યની ચિંતા, આ બધા વિચારોને લીધે હું સાવ ભાંગી પડ્યો હતો અને થાકી ગયો હતો. કદાચ એટલે જ મારી આંખોમાં પાણી આવી ગયું હશે.

પહેલા મેં બાળકો સાથે નિરાંતે અને મન ખોલીને વાતો કરી. કેટલીક જવાબદારીની વાતો મેં તેમને સમજાવી. ‘મમ્મીની અને દાદા-દાદીની સંભાળ રાખજો’ એવું કહ્યું, પણ ફરી એકવાર મારી આંખો ભરાઈ આવી. પત્ની અને બાળકો પણ રડવા લાગ્યા. પછી તેમને સંભાળતા મેં કહ્યું, ‘બાપુ છે, એ બધું સંભાળી લેશે, તમે ધીરજ ના ખોતા’.

ત્યાર પછી મેં બાળકોને બહાર જવા કહ્યું અને હું મારી પત્ની અમિતા સાથે વાત કરવા લાગ્યો. તેની સાથે વાત કરતી વખતે આજે મળવાનો સમય બહુ જલ્દી પૂરો થઈ રહ્યો હોય એવું લાગ્યું. અમિતા સાથે હું મન ખોલીને બોલ્યો. એટલામાં બહારથી કોન્સ્ટેબલે બૂમ પાડી કે ‘સમય પૂરો થઈ ગયો.’

અમિતા નીકળી રહી હતી. મેં તેનો હાથ પકડ્યો અને તેને રોકીને કહ્યું કે, ‘હવે હું બહુ થાકી ગયો છું. ફક્ત બાપુના સ્મરણથી મળતી તાકાતને લીધે જ મેં અત્યાર સુધી આ બધું સહન કર્યું, પણ હવે સહન નથી થતું. બહુ ત્રાસ થાય છે આ બધાનો! હું તને સાચે જ અને દીલથી કહું છું કે કાલે સવારે બાપુની ઉપાસના કર્યા પછી હું મારી જાતને ખતમ કરી નાખવાનો છું. તું છોકરાઓની બરાબર સંભાળ રાખજે. તેમને સારું ભણાવવાનો પ્રયત્ન કરજે.’

મારા આ વાક્યથી તે વધારે રડવા લાગી. તે મને ‘એવું કંઈ ના કરતા’ એવી વારંવાર વિનંતી કરી રહી હતી. એટલામાં બહારથી એક મહિલા કોન્સ્ટેબલ અંદર આવી અને તે મારી પત્નીનો હાથ પકડીને તેને બહાર
 લઈ ગઈ. ભરેલી આંખોથી બહાર જતી વખતે પણ તે મારી સાથે બોલવાનો પ્રયત્ન કરી રહી હતી. અમારે બંનેને હજી ઘણું બોલવાનું બાકી હતું, પણ સમય પૂરો થઈ ગયો હતો.

સાંજના ૭ વાગ્યા. તે દિવસે રાત્રે મેં જમવાનું પણ ના લીધું. રાત્રે સૂતા પહેલા મેં બાપુનું સ્મરણ, નામસ્મરણ કરીને બાપુ સાથે એટલું જ કહ્યું કે, ‘બાપુ, મારી મનઃસ્થિતિ તમને ખબર જ છે. મારો તમારા પર પૂર્ણ વિશ્વાસ છે’ એવું બાપુ સાથે બોલીને હું સૂઈ જવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ મગજમાં વિચારોના વંટોળને કારણે મને કંઈ ઉંઘ ના આવી.

આખી રાત હું જાગતો જ રહ્યો. સવારના ૪ વાગ્યા હતા. હું પથારીમાંથી ઉઠ્યો, એ પોતાની જાતને ખતમ કરી નાખવાના પાકા ઈરાદાથી જ!

હું નાહીને આવ્યો. મારી હંમેશની ઉપાસનાની જગ્યાએ હું બેઠો. ‘કૃપાસિંધુ’ માસિક સામે રાખ્યું. તેના પર બાપુનો આશીર્વાદ આપતો ફોટો હતો. મેં ઉપાસના પૂરી કરી. આહ્નિક પણ કર્યું. બાપુની આરતી કરી, ત્યાર પછી આંખો બંધ કરીને ફરી એકવાર બાપુને દીલથી નમસ્કાર કર્યા. પત્ની અને બાળકોની મનમાં ને મનમાં માફી માંગી.



મારી પાસે શેવિંગ કરવા માટે લાવેલું બ્લેડનું પેકેટ રાખેલું હતું. તેમાંથી એક બ્લેડ જમણા હાથમાં પકડીને, ડાબા હાથની નસ કાપવા માટે તેના પર મેં મૂકી.

સવારના ૫ વાગ્યાનો સમય હશે. અહીં પોલીસ સ્ટેશનની અંદરની બાજુએ હું પોતાની જાતને ખતમ કરવાની તૈયારીમાં હતો, તો બરાબર તે જ સમયે બહારની બાજુએ પોલીસ સ્ટેશનના લેન્ડલાઈનની રીંગ ઘણીવાર સુધી વાગીને બંધ થઈ જતી હતી.


જ્યારે ત્રીજી વાર લેન્ડલાઈનની રીંગ વાગી, ત્યારે હું હાથની નસ કાપી લેવા માટે મનમાં હિંમત ભેગી કરી જ રહ્યો હતો. પણ ‘કરું કે ના કરું’ની રમત મારા મનમાં ૫ થી ૧૦ મિનિટ ચાલી હતી. એટલામાં કોન્સ્ટેબલ દોડતો જ મારી પાસે આવ્યો અને બોલ્યો કે, ‘અરે સંજ્યા.... તું છૂટી ગયો હો, એ ચોરો થોડી વાર પહેલાં જ પકડાઈ ગયા છે!’

તેનું એ વાક્ય સાંભળીને અક્ષરશઃ મારું આખું શરીર આનંદથી રોમાંચિત થઈ ગયું. આંખોમાંથી દડદડ આનંદના આંસુ વહેવા લાગ્યા. મેં બ્લેડ બાજુ પર ફેંકી દીધી. સામે બાપુનો ફોટો હતો જ. મેં રડતા રડતા જ અક્ષરશઃ એ ફોટા સામે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મારો આનંદ ક્યાંય માતો ન્હોતો. હું જોરથી બરાડ્યો કે, ‘જુઓ, હું કહેતો હતો ને કે ‘બાપુ મારો સદ્‌ગુરુ, મારો બાપ છે અને એ મને બચાવશે જ’!’


તેણે મને લોકઅપની બહાર કાઢ્યો. પોલીસ સ્ટેશનના બધા કોન્સ્ટેબલ અને બીજા કેદીઓ પણ મારા એ અવાજથી જાગીને આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા હતા.

એ ફોન ઇચલકરંજી પોલીસ સ્ટેશનમાંથી આવ્યો હતો. પોલીસ પ્રમુખ પોતે તે સમયે ફોન પર વાત કરી રહ્યા હતા. ધાડ પાડનારા એ ચોરો ઇચલકરંજી બસ સ્ટેન્ડ પર સવારે ૪.૩૦ વાગ્યે ચોરીના મુદ્દામાલ સાથે જ પકડાયા હતા અને તેમણે ગુનાની કબૂલાત પણ કરી લીધી હોવાની માહિતી તેમણે આપી. તેની સાથે જ એ પણ કહ્યું કે, ‘તમારા પોલીસ સ્ટેશનમાં કેદ રહેલા શંકાસ્પદ આરોપી સંજય જાધવને તરત જ જેલમાંથી બહાર કાઢો. અમે પોલીસ વેનમાંથી એ ચોરોને તમારી પાસે લઈને આવી રહ્યા છીએ.’

ત્યાર પછી અમારા પોલીસ સ્ટેશનના પોલીસ પ્રમુખ અને બીજો બધો સ્ટાફ મારી સાથે બહુ આદરપૂર્વક વાત કરવા લાગ્યો.

પોલીસ પ્રમુખ તો એમ પણ બોલ્યા કે, ‘અરે, તેં કહ્યું હતું એમ ખરેખર તારા બાપુએ તને છોડાવી દીધો ને!’


પછી તેમણે મને ‘આ બાપુ કોણ છે? ક્યાંના છે?’ એની પૂછપરછ કરી. મેં તેમને બાપુ વિશે અને તેમની ભક્તિ હું કેવી રીતે કરવા લાગ્યો તે વિગતવાર જણાવ્યું. ત્યાર પછી મેં તેમને ‘કૃપાસિંધુ’ માસિક વાંચવા માટે આપ્યું. તેઓ ખુરશી પર બેસીને માસિક જોવા લાગ્યા. હું સામેની ખુરશી પર બેઠો હતો.

પણ મારું ધ્યાન અમારી વાતો તરફ હતું જ નહીં. મારા મનમાં પ્રશ્ન હતો કે ‘બાપુએ આ લીલા કેવી રીતે કરી હશે? નક્કી શું બન્યું હશે?’

આવા ઘણા પ્રશ્નો મનમાં આવી રહ્યા હતા અને એક જ ઉત્સુકતા હતી. સાહેબની અને મારી વાતો ચાલુ હતી, એટલામાં જ ઇચલકરંજીથી એ પોલીસ વેન અમારા પોલીસ સ્ટેશને ચોરોને લઈને પહોંચી ગઈ. તેઓ ચાર જણા હતા, ચારેય જણાએ મળીને ધાડ પાડી હતી. અમારા પોલીસ સ્ટેશનના પ્રમુખે પહેલા એ ચોરોને મારા તરફ આંગળી ચીંધીને પૂછ્યું કે, ‘આ માણસને તમે ઓળખો છો? ચોરી માટે આણે તમને કોઈ મદદ કરી છે?’

આ સાંભળીને તેમાંથી એક ચોરે ‘અમે આને ઓળખતા નથી’ એવું સ્પષ્ટ કહી દીધું. પણ આ કહેતી વખતે તેની નજર પોલીસ પ્રમુખના ટેબલ પર રાખેલા બાપુના ‘કૃપાસિંધુ’ માસિક પર જ હતી અને આ બોલતા બોલતા જ તે ટેબલ નજીક આવ્યો.

તેના ચહેરા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું હોય એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું. તેણે પોલીસ પ્રમુખની પરવાનગી લઈને ‘કૃપાસિંધુ’ માસિક હાથમાં લીધું. એ માસિકના મુખપૃષ્ઠ પર રહેલા બાપુના ફોટા સામે એ ચોર એકીટશે જોઈ જ રહ્યો હતો. પોલીસ સ્ટેશનના બધા લોકો એ ચોર સામે આશ્ચર્યથી જોઈ રહ્યા હતા.

થોડી સેકન્ડ માટે ત્યાં એકદમ શાંતિ છવાઈ ગઈ હતી....



એટલામાં એ માસિક પરનો બાપુનો ફોટો પોલીસ પ્રમુખને બતાવતા એ ચોરે પૂછ્યું કે, ‘સાહેબ, આ માણસ કોણ છે? ચોરી કરી ત્યારથી જ આ અમારી પાછળ પડ્યો છે, એવો અમને સતત ભાસ થઈ રહ્યો છે. એ દેખાતો અને ગાયબ થઈ જતો. આના લીધે જ અમારું ભાગવાનું પ્લાનિંગ સતત બદલાતું ગયું, નહીંતર અમે અહીંથી ક્યારનાય ભાગી ગયા હોત. કોઈ પોલીસ અધિકારી જેવો આ દેખાતો એટલે અમે વધારે જ ગભરાઈ ગયા હતા. આજે પણ સવારે ઇચલકરંજી એસ.ટી બસ સ્ટેન્ડ પર અમે ગયા, તો એ ત્યાં પણ સામેના બાંકડા પર બેઠો હોય એવું અમને લાગ્યું. કોણ છે આ માણસ? સાચે જ આ કોઈ પોલીસ અધિકારી છે?’ આવા અનેક પ્રશ્નો પૂછીને એ ચોર બોલતો બંધ થઈ ગયો.

તેના એ વાક્ય પછી મારા આખા શરીરમાં ફરી એકવાર રૂંવાડા ઊભા થઈ ગયા. મારી આંખોમાં પાણી આવી ગયું હતું. આ અનુભવ વાંચનારાઓમાંથી કોઈને કદાચ ‘આ કેવી રીતે શક્ય છે?’ એવું ચોક્કસ લાગશે. પણ જે બન્યું, સાંભળ્યું અને પોતે અનુભવ્યું તે બધું જ પૂર્ણ સત્ય અહીં મૂક્યું છે. જે હોય તે. તો આવી રીતે આ ભયંકર પ્રસંગમાંથી અને ધાડના ખોટા આળમાંથી મારા બાપુએ જ મને બચાવ્યો, આ મારો અડગ વિશ્વાસ છે. બાપુરાયા, તારા શ્રદ્ધાવાન ભક્તો માટે હંમેશા જ અશક્યનું શક્ય થતું અમે જોઈએ છીએ. આજે હું અને મારા ઘરના બધા આનંદી અને સુખી છીએ, તે ફક્ત તમારા લીધે જ! અમારા તરફથી આવી જ ભક્તિ અને સેવા તું કરાવી લે. બાપુ, તું અમારો સદ્‌ગુરુ, મિત્ર, બાપ બધું જ છે.


Comments

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ