8 ઑક્ટોબર 2005 ની સાંજ હતી. હું અમેરિકાના ક્લીવલેન્ડ ક્લિનિકમાં બે મહિનાના પ્રશિક્ષણ માટે જવાનો હોવાથી, ઘણો બધો સામાન બેગમાં ભરી રહ્યો હતો. એટલામાં મારી પત્ની સૌ. પ્રિયા, તેના સદ્ગુરુનો ફોટો લઈને આવી (હા, ત્યારે હું તેમને ફક્ત તેના જ સદ્ગુરુ સમજતો હતો) અને મને કહેવા લાગી, "રાજીવ, તારો વિશ્વાસ નથી એ મને ખબર છે, પણ મારા ખાતર તો તું આ ફોટો તારી બેગમાં રાખ." ત્યારે મને સહેજ પણ કલ્પના નહોતી કે આ ફોટામાં પરમપૂજ્ય બાપુના આશીર્વાદ માટે ઊંચા કરેલા હાથ મારા જીવનમાં આવનારી એક ‘પ્રચંડ સુનામી’ ને રોકી લેશે! આમ જોઈએ તો એ સમયે હું વર્ષમાં 5 થી 6 વખત તો વિદેશ પ્રવાસ કરતો હતો, પણ આ જ વખતે મારી પત્નીને આ ફોટો મારી પાસે આપવાની બુદ્ધિ સુઝે એ માત્ર યોગાનુયોગ નહોતો.
નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં મારી પીઠમાં (પાંસળીમાં) દુખાવો થવા લાગ્યો. મેં મન મનાવી લીધું કે સ્નોફોલ અને ઠંડા પવનને કારણે, હોસ્પિટલ થી હોટેલની દોડધામથી સ્નાયુ ખેંચાઈ ગયા હશે. આવતા 5 દિવસોમાં હું સ્વદેશ પાછો ફરી રહ્યો હોવાથી મેં ત્યાં અમેરિકામાં ચેકઅપ કરાવવાની ઝંઝટમાં પડવાનું ટાળ્યું. મને ત્યારે વાસ્તવિકતાનો અહેસાસ જ નહોતો કે મારા શરીર પર 'બ્લડ કેન્સર' જેવી ભયાનક બીમારીએ કબ્જો જમાવી લીધો છે. હું ભારતમાં પાછો આવ્યો ત્યારે મારા શરીરમાં પ્લેટલેટનું પ્રમાણ માત્ર 10 હજાર પર આવી ગયું હતું (સ્વસ્થ માણસમાં તેનું પ્રમાણ દોઢ લાખથી સાડા ચાર લાખ હોય છે અને જો આ પ્રમાણ 20 હજારથી ઓછું થાય તો મૃત્યુની ગાઢ શક્યતા રહે છે). હવે મને ખાતરી થઈ ગઈ છે કે મારી પત્નીએ આપેલા બાપુના ફોટાના માધ્યમથી, તેણે બાપુને જ મારા પર ધ્યાન રાખીને મારી સંભાળ લેવાની વિનંતી કરી હતી. આવી સ્થિતિમાં જો મેં વિમાન પ્રવાસમાં મદિરાપાન કર્યું હોત તો પ્રવાસમાં જ પેટમાં રક્તસ્ત્રાવ થઈને વાર્તા પૂરી થઈ ગઈ હોત. પરંતુ મને પ્રવાસમાં મદિરાપાનથી દૂર રાખવો અને આટલી અતિગંભીર અને નાજુક અવસ્થામાં અમેરિકાથી લંડન અને ત્યાંથી મુંબઈ સુધીનો પ્રવાસ હું કેવી રીતે કરી શક્યો તેનું મને આજે પણ આશ્ચર્ય થાય છે.
ભારતમાં પાછા ફર્યા પછી, મારો એક દિવસ જેટલેગને કારણે અને બીજો દિવસ બે મહિનાથી રાહ જોઈ રહેલા દર્દીઓને તપાસવામાં ગયો અને ત્રીજા દિવસે રક્ત તપાસમાં એક્યુટ માયલોઇડ લ્યુકેમિયા (બ્લડ કેન્સરનું) નિદાન થયું. એક દિવસ ડૉ. રામમૂર્તિની દેખરેખ હેઠળ બોમ્બે હોસ્પિટલમાં કાઢ્યો, પણ રાતમાં તબિયત ખૂબ જ કથળી ગઈ. મારી પત્ની ડૉ. સૌ. પ્રિયાએ રડતાં રડતાં આ વાત હેપ્પી હોમમાં રહેતા ડૉ. શિવાનંદસિંહ નીચનાકીના કાને નાખી.
અચાનક રાત્રે દોઢ વાગ્યે ડૉ. શિવાનંદસિંહનો પ્રિયાને ફોન આવ્યો અને તેમણે કહ્યું, "પ.પૂ. બાપુનો મેસેજ છે કે તેઓ પડખે ઊભા છે અને કેન્સર સ્પેશિયાલિસ્ટને તેમની ટ્રીટમેન્ટ શરૂ કરવા દે." એ દિલાસા અને આશ્વાસનથી પ્રિયા માનસિક રીતે સ્થિર થઈ ગઈ તે છેક અંત સુધી; એટલે કે જૂનમાં મારા પુનઃગૃહ પ્રવેશ સુધી મને આધાર આપતી રહી.
એ રાત્રે હજુ એક અકલ્પનીય બનાવ બન્યો. મધ્યરાત્રિ પછી આઈ.સી.સી.યુ. ની બહારના વોચમેને એક કપલને મારી રૂમમાં થોડીવાર માટે મુલાકાત લઈને જતા જોયા. મારા સંબંધીઓમાંથી કોઈ જ તે સમયે આવ્યું નહોતું. પ્રિયાને ખાતરી થઈ ગઈ કે, તેના સદ્ગુરુ જ મુલાકાત આપીને ગયા, કારણ કે આવા જ કેટલાક અનુભવો મેં પોતે મારી દેખરેખ હેઠળના બાપુ ભક્તોના હાર્ટ ઑપરેશન પછી તેમની બાબતમાં થયા હોવાનું સાંભળ્યું હતું.
બીજા દિવસે 26 નવેમ્બરે મને ટાટા હોસ્પિટલમાં લઈ જતા હતા ત્યારે મારી તબિયત ખૂબ જ લથડી ગઈ અને ત્યાં પહોંચ્યા સુધીમાં મારા ફેફસાં પાણીથી ભરાઈ ગયા હતા. શ્વાસ લેવા માટે તરફડતો હતો ત્યારે મને અચાનક હોશ આવ્યો અને ત્યાંના આર.એમ.ઓ. પહોંચે તે પહેલાં જ મેં પોતે જ 'પલ્મ ઓઇડિમા' ની ટ્રીટમેન્ટ માંગી લીધી. તેથી ફેફસાં ખુલ્લા થઈ જવાથી મારું વેન્ટિલેટર પર જવાનું બચી ગયું, કારણ કે જો હું વેન્ટિલેટર પર ગયો હોત તો મારો પાછો ફરવાનો પ્રવાસ અશક્ય જ હતો. 27 નવેમ્બરે મને ટાટાના આઈ.સી.યુ. માં આજુબાજુના દર્દીઓને જોઈને વાસ્તવિકતાનો અહેસાસ થયો. આજુબાજુ જિંદગીના અંતિમ તબક્કા પર રહેલા દર્દીઓ અને તેમની પીડા જોઈને મને મારું ભવિષ્ય દેખાઈ રહ્યું હતું. મારું ભવિષ્ય ખૂબ જ નિરાશાજનક હતું.
મારા બંને ફેફસાંને ન્યુમોનિયાએ જકડી લીધા હતા અને તેનો પ્રતિકાર કરવા માટે જરૂરી કાર્યકારી સફેદ પેશીઓ જ શરીરમાં નહોતી કારણ કે તેમની જગ્યા કેન્સરના બ્લાસ્ટ પેશીઓએ લઈ લીધી હતી. ડોક્ટરોના મતે આવી સ્થિતિમાં 100% મૃત્યુની શક્યતા રહે છે. આ પીડાદાયક યાત્રામાંથી પસાર થવા કરતા જલ્દી છુટકારો મળે કે કેમ તે વિચારીને હું શોર્ટકટની શક્યતા ચકાસવા લાગ્યો. હૃદયની સર્જરીમાં હૃદયને કામચલાઉ અટકાવવા માટે વપરાતા ઘટકો મને સારી રીતે ખબર હતા. તેમાંથી કોઈ જલદ ઘટક મને મળી જાય અને હું મારું હૃદય રોકી શકું કે કેમ તે હું શોધવા લાગ્યો. આ શક્યતા નામુમકિન હોવાનું સમજાતા હું ખૂબ જ હતાશ થઈને શાંત પડી રહ્યો. પરંતુ મારી પત્ની, પ્રિયા મક્કમ હતી અને મને હિંમત આપી રહી હતી.
એવામાં જ મારા જીવનની દિશા બદલી નાખનારી એક ઘટના બની. 28 નવેમ્બરની રાત્રે મને એક સપનું આવ્યું અને તેમાં પ.પૂ. બાપુ પોતે એક લાંબો સાવરણો લઈને સફાઈ કરી રહ્યા હતા (મહાનગરપાલિકાના સફાઈ કામદારોનો સાવરણો લઈને) અને તેમણે મને દિલાસો આપતો તેમનો હાથ ઊંચો કર્યો. તેઓ જે જગ્યાની સફાઈ કરી રહ્યા હતા તે જગ્યા મારા ફેફસાં હતા. હું અચાનક જાગી ગયો અને પ્રિયાને કહ્યું, "તારા બાપુએ મારા ફેફસાં ક્લીન કર્યા છે અને હવે મને આશા છે કે નાઉ આય કૅન મેક ઇટ."
બુધવારે, 30 નવેમ્બરે પ.પૂ. સૌ. નંદાઈ પોતે બે દર્દીઓને આશીર્વાદ આપવા માટે ટાટા હોસ્પિટલમાં આવ્યા અને તે 2 દર્દીઓમાંથી એક હું હતો. નંદાઈએ મને કહ્યું, "હું બાપુનો મેસેજ લઈને આવી છું. તું આ લડાઈ ફાઈટ કરીને જીતવાનો છે. ફાઈટર હમેશા જીતતા હૈ." બીજા જ દિવસે, 1 ડિસેમ્બરે ટાટાના ફિઝિયોથેરાપિસ્ટે આવીને મારી ફેફસાંની કસરત શરૂ કરાવી. સદ્ગુરુના એક આશ્વાસનથી ગજબનું મનોબળ આવ્યું અને આશાનું કિરણ દેખાવા લાગ્યું અને પછી આખો દિવસ હું શ્વસનની કસરત કરતો રહ્યો. એક જ દિવસમાં મારા ફેફસાંમાં અચાનક સુધારો થયો અને મને આઈ.સી.સી.યુ. માંથી બહાર કાઢીને એકાંતવાસના બી.એમ.ટી. યુનિટમાં ખસેડવામાં આવ્યો.
મારી પહેલી કીમોથેરાપી પછી મને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સંબંધી સલાહ આપવામાં આવી. અમેરિકામાં તેનો ખર્ચ કાઢ્યો તો જાણવા મળ્યું કે ભાઈ-બહેન પાસેથી બોન મેરો મળે તો 2 કરોડ પણ અમેરિકન ડોનર પાસેથી બોન મેરો લઈએ તો આ ખર્ચ 5 કરોડ સુધી જઈ શકે છે અને હાલમાં અમેરિકામાં આમાંથી 30% દર્દીઓ દગાવાની શક્યતા રહે છે. આ બધી આર્થિક વ્યવસ્થા કરવી અશક્ય છે એવું પ્રિયાએ પ.પૂ. દાદાને કહ્યું. ત્યારે તેઓ શાંતિથી બોલ્યા, "કંઈ ચિંતા કરશો નહીં. આપણે બધી ટ્રીટમેન્ટ ટાટામાં જ કરીશું." ત્યારપછીનો મારો ટાટામાં પ્રોગ્રેસ ઘણો જ આશ્ચર્યજનક હતો.
એકવાર ચીફ ઓન્કોલોજિસ્ટ ડૉ. પુરવીષ પારીખ મને કહેવા લાગ્યા, "Someone up there is helping you. Otherwise your survival was very difficult.. (કોઈક દૈવી શક્તિ તમને મદદ પૂરી પાડી રહી છે. નહીંતર તમારું બચવું ખૂબ કઠણ હતું.)"
જો કે મારી આ જીવલેણ રોગમાંથી મુક્તિ થઈ ગઈ હતી, છતાં સામાન્ય રીતે આ કામચલાઉ જ હોય છે. એટલે કે હું જાણતો હતો કે કોઈક અપવાદરૂપ કેસમાં જ આ રોગ ફરીથી માથું ઊંચકતો નથી. નહીંતર રિલેપ્સ થવું એ અટળ જ હોય છે. તેથી જ હોફમેનના ગ્રંથમાં આપ્યા મુજબ આ રોગમાં આયુષ્ય મર્યાદા સામાન્ય રીતે 3 વર્ષની જ હોય છે. આ બધી વાતોનું જ્ઞાન હોવાથી હું મારા ભવિષ્યને લઈને શંકાશીલ અને અસ્વસ્થ હતો. એવા સમયે પ્રિયાએ મારી મુલાકાત પ.પૂ. સુચિતદાદા સાથે કરાવી આપી. તે વખતે ક્લિનિકમાં દાદાએ મને કહ્યું, "રાજીવ, એક વાત યાદ રાખ કે સામે ઝેરી સાપ ભલે ફેણ માંડીને ઊભો હોય પણ તે ડંખ મારશે કે એમ જ ચાલ્યો જશે એ બધું દત્તગુરુ જ નક્કી કરશે." ત્યારપછીના ગણેશોત્સવના દિવસે પ.પૂ. બાપુ મને કહેવા લાગ્યા, "રાજીવ, હવે પુસ્તકો અને ગ્રંથ બાજુ પર મૂકી દે. આપણી બાબતમાં ખૂબ જ અપવાદરૂપ ઘટનાઓ બની છે અને તેમાં પુસ્તકીયું જ્ઞાન લાગુ પડતું નથી." અને ખરેખર જોતજોતામાં પાંચ વર્ષ વીતી ગયા છે. આ સમયગાળામાં મારી મોટી દીકરીના લગ્ન, વિદેશ પ્રવાસ અને એ જ રીતે નાની દીકરીનો મેડિકલ કોલેજમાં પ્રવેશ આ બધી બાબતોમાં હું મારો હાથભાર લગાવી શક્યો છું.
આ આશ્ચર્યજનક અનુભૂતિની પૂર્વસૂચના આપતી એક ઘટના 2003 માં બની હતી. 2003 ના જગન્નાથ ઉત્સવમાં મારી પત્નીને 'સાવિત્રીધામ' નામની જગ્યાએ સેવાની તક મળી હતી. પરંતુ આ ધામમાં પ.પૂ. બાપુ પધારવાના ન હોવાથી તેણે ઘણો ખેદ વ્યક્ત કર્યો હતો. પણ ત્યારે ક્યાં એવી કલ્પના હતી કે આ સાવિત્રીધામનું તે પુણ્યસંચય એટલે કે 2005 માં તેને તેના સત્યવાનને યમરાજ પાસેથી પાછો લાવવા માટે જ પ.પૂ. બાપુએ ઘડેલી યોજના હશે?
મારા અનુભવના પૂર્વભાગમાં મેં પ.પૂ. બાપુ વિશે 'મારી પત્નીના સદ્ગુરુ, તેના બાપુ' એવું લખ્યું છે. પરંતુ મારા મનમાં પ.પૂ. બાપુ પ્રત્યે અનાદર ક્યારેય નહોતો. બલ્કે તેમના કાર્યો પ્રત્યે મને પૂરો આદર હતો. હું તેમને યુગપ્રવર્તક સમજતો હતો. જેવી રીતે લોકમાન્ય ટિળક સાહેબે લેખો અને ભાષણો દ્વારા ગુલામીની શૃંખલાઓ તોડવા માટે એક પરિવર્તન ઘડ્યું, તેવી જ રીતે બાપુ તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ, વાણી અને વિચારો દ્વારા આજની બગડી રહેલી પેઢીને સુમાર્ગ પર લાવી રહ્યા છે, લાચાર ખેડૂતો માટે અને એ જ રીતે ગ્રામીણ વિસ્તારોના શાળાના વિદ્યાર્થીઓ માટે તેમની સંસ્થાઓ મહાન કાર્યો કરી રહી છે, એ હું જોઈ રહ્યો હતો. પણ દેવ છે એ કલ્પના મને સ્વીકાર્ય નહોતી. એનાથી પણ વધુ બીજો વિચાર એ આવતો હતો કે રૂઈયા કોલેજમાં મારી સાથે ભણતો અને એ પછી એમ.ડી. સુધીનો મારો સહવિદ્યાર્થી અચાનક દેવ કેવી રીતે બની ગયો?
આ પ્રકારે મેં નવા જીવનમાં પ્રવેશ કર્યા પછી ઘણા અનુભવો અલગ દ્રષ્ટિકોણથી અનુભવ્યા. તેમાં મારા વ્યવસાયને કારણે મારા સાનિધ્યમાં આવેલા હૃદયરોગના દર્દીઓના કેટલાક અકલ્પનીય અનુભવો સામેલ છે. કેટલાક બાપુભક્ત હાર્ટ અટેક પછી મારી પાસે એન્જિયોગ્રાફી માટે આવ્યા ત્યારે એવું જોવા મળ્યું છે કે ક્યારેક હાર્ટ અટેક માટે કારણભૂત લોહીની ગાંઠ મુખ્ય કોરોનરી ધમનીમાંથી સ્થળાંતરિત થઈને નાની એવી ઉપશાખામાં વિસામો લઈ લે છે તો ક્યારેક આ લોહીની ગાંઠ સંપૂર્ણપણે ઓગળી ગઈ હોવાનું જણાયું છે. એક દર્દીના હૃદયની આકુંચનક્ષમતા 15% હોવા છતાં થોડા અઠવાડિયામાં જ સંપૂર્ણ સુધરી ગઈ હોવાનું જોવા મળ્યું છે.
ઉપર જણાવેલી આ ઘટનાઓ શાસ્ત્રીયદ્રષ્ટિએ શક્ય પણ છે, પરંતુ જ્યારે તે વારંવાર એક પુણ્યસંચિત વર્ગની બાબતમાં નજરે આવવા લાગે, ત્યારે દૈવીકૃપા અને ‘સદ્ગુરુના અભયકવચ’ સિવાય બીજું કોઈ જ સ્પષ્ટીકરણ દેખાતું નથી. એટલા માટે જ સવારે આહ્નિક પૂરું થયા પછી સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધના 9 ગુરુવચનો બોલતી વખતે મને મારા સ્વાનુભવ દેખાવા લાગે છે અને હું મનઃપૂર્વક કહું છું, "મારો ભય, દુ:ખભાર હળવો થઈ ગયો છે, મારો દેવયાનપંથી રક્ષણહાર સદ્ગુરુ છે, મને આનંદધન આપનારો અને મારો યોગક્ષેમ વહન કરનારો સદ્ગુરુ છે, મારા જીવનમાં અશક્ય તે શક્ય બનીને રાવણનો વધ થયો છે અને મારા ભક્તિશરણ્યને કારણે સદ્ગુરુ અનિરુદ્ધની મારા પર કૃપાદ્રષ્ટિ છે."

Comments
Post a Comment