આપણા જીવનમાં આવતા સદગુરુના નાના નાના અનુભવ એકઠા કરીએ તો દરેક શ્રધ્ધાવાન પાસે અનુભવની એક મોટી ખાણ જ તૈયાર થઈ જશે એમાં કોઈ જ શંકા નથી. આવા અનેક શ્રધ્ધાવાનોમાંના જ એક એવા વયસ્ક ગૄહસ્થ આવી જ અનુભવની ખાણ લઈને બેઠા છે અને પોતાના નાના નાના, પરંતુ હદયસ્પર્શી અનુભવ એમણે અહીં નમૂદ કર્યા છે. આ બાપુ સદૈવ કૄપા કરતા જ રહે છે અને એમની એ કૄપામાં આપણે સતત ભીંજાતા જ રહીએ છીએ એજ સત્ય છે !
------------------------------------------------------------------------------
મને શરુઆતમાં બાપુ વિશે કોઈ જ જાણકારી ન હતી. હું છેલ્લા ૪૫ વરસથી ભાંડુપમાં રહેતો હતો. મારો વ્યવસાય બિલ્ડીંગ લેબર કૉન્ટ્રેક્ટરનો છે. હું વાર્તાહર પેપર રોજ વાંચતો હતો. આ પેપરમાં ભક્તોને આવેલા બાપુના અનુભવ હું વાંચતો. એમાં આવતો બાપુનો ફોટો હું કટ કરીને પાકીટમાં રાખતો. એમ કરતા કરતા છ મહિના વીતી ગયા. મને કોઈ કામ મળતુ ન હતુ. મારા હાથમાં પહેલાથી જે કામ હતા એ પતી ગયા હતા અને હું નવા કામની શોધમાં ભાંડૂપમાં ફરતો હતો. પણ કામ મળતુ ન હતુ. મારા ત્રણ ભાઈ ડોંબિવલી ખાતે રહે છે. એક દિવસ ડોંબિવલીની એક દુકાનમાં બાપુ આઈ દાદાના ફોટો મળ્યા અને એ દિવસથી હું ‘ૐ મન:સામર્થ્યદાતા શ્રીઅનિરુધ્ધાય નમ:’ આ મંત્ર જપવા લાગ્યો.
મારી પાસે સેન્ટ્રીંગ પ્લેટ અને બીજો અમુક બિલ્ડીંગ ક્ષેત્રને લગતો સામાન બચેલો હતો. એ વેંચવા માટે હું દરરોજ બદલાપૂર જતો હતો. યોગ્ય ભાવ મળતો ન હોવાથી સવારે જઈને સાંજે ખાલી હાથે જ પાછો ફરતો હતો. મને ૧૫,૦૦૦/- સુધીના ગ્રાહકો મળતા હતા, પરંતુ મને ૨૦,૦૦૦/- કિંમતની આશા હતી. છેવટે કંટાળીને મેં એ સામાન ૧૫,૦૦૦/- માં વેંચવાનો નિર્ણય લીધો અને એક ઠેકાણે સોદો પાકો કર્યો. એટલામાં ૨૦,૦૦૦/- આપનારો એક બીજો ગ્રાહક આવ્યો. મેં બીજા ગ્રાહકને માલ વેંચી દીધો. એ જોઈને પહેલો ગ્રાહક મારી સાથે ઝગડો કરવા લાગ્યો. મેં એ પહેલા ગ્રાહક પાસે ૨૦,૦૦૦/- માગ્યા. પણ એણે આપવાની ના પાડી. સદભાગ્યે મેં એ પહેલા ગ્રાહક પાસે ઍડવાન્સ લીધા ન હતા. આ બાપુની જ કૄપા હતી. જેને લીધે મને મારી ધારેલી રકમમાં એ સામાન વેંચવા માટે ગ્રાહક મળી ગયો. આ મારો પહેલો અનુભવ હતો.
હવે મારો બીજો અનુભવ. બીજે દિવસે મારે ખામગાવ ઠેકાણે મારી દીકરીના બાળકનું નામકરણ હતુ એ પ્રસંગે જવાનું હતુ. મેં મુંબઈથી ૮ વાગ્યાની ગાડી પકડી. વચ્ચે રસ્તામાં જળગાંવ સ્ટેશને ગાડી ઉભી હતી ત્યારે એક ઈસમે મારી સુટકેસ ઉપાડી અને ચાલતો થયો. એટલામાં એક પોલિસે એને પકડ્યો અને એક ફ્ટકો મારીને એને ભગાડી દીધો અને બૅગ લઈને મારી પાસે આવીને, આ બૅગ કોની છે એમ પૂછ્યું. બૅગ જોઈને હું અવાક જ થઈ ગયો કેમકે ત્યાં સુધી મારી બૅગ ચોરાઈ ગઈ છે અની મને ખબર જ ન હતી. રેલ્વે પોલિસે બરાબર મને જ કેવી રીતે ઓળખ્યો એની મને ખબર નથી. નામકરણનો પ્રસંગ પતાવીને હું સુખરુપ પાછો ફર્યો. આ બાપુની મારી પર કૃપાદ્રષ્ટી જ હતી.
ત્યારબાદ મેં એસ.ટી.ડી., પી.સી.ઓ. અને ઝેરોક્સની દુકાન શરુ કરી. થોડા દિવસ પછી મારા દીકરા લક્ષ્મીકાંતે બીજી દુકાન કરી. એણે દુકાનનું નામ ‘હરિ ૐ કલેક્શન’ રાખ્યું. એણે બાપુનો ફોટો બૉર્ડ પર લગાવ્યો હતો. અમારી આર્થિક સ્થિતી હવે ધીમે ધીમે સુધરી રહી હતી. મારા ઘરના બધા પણ ધીરે ધીરે બાપુભક્ત બની ગયા હતા.
મારા બીજા નંબરના દીકરો જૂઈનગરથી એકવાર ઉદી લઈ આવ્યો હતો. નજીકમાં કશે ઉદી મળશે કે કેમ એના વિચારમાં જ હું હતો. એકવાર એક બાપુભક્ત અમારા દુકાનનું નામ જોઈને ફોન કરવા માટે આવ્યા. એમણે મને પૂછ્યું કે તમે ક્યારથી બાપુ પાસે આવો છો. પછી અમણે મને નજીકના એક ઉપાસના કેન્દ્રનું સરનામું આપ્યુ અને ત્યાં ઉદી પણ મળશે એમ કહ્યું. શનિવારે હું રિક્ષામાં ઉપાસના કેન્દ્ર પર જવા માટે નીકળ્યો. પરંતુ મને કેન્દ્ર બરાબર ખબર ન હોવાથી હું થોડો આગળ જ ઉતરી ગયો. ત્યાં એક દુકાનમાં જઈને સરનામુ પૂછી રહ્યો હતો એટલામાં એક મોટરસાઈકલવાળો મારી પાસે સામે ચાલીને આવ્યો અને તમને કેન્દ્ર પર છોડી દઈશ એમ કહ્યું. મેં એને પૂછ્યુ કે તમે પણ ઉપાસનામાં આવો છો કે? તો એ બોલ્યો કે નહીં, હું તમને છોડીને નીકળી જઈશ.
કેન્દ્ર પર પહોંચ્યો ત્યારે ‘જય જય રામકૃષ્ણ હરિ’ ની ધૂન ચાલૂ હતી અને બાપુની પાદુકાઓનું આગમન થઈ રહ્યું હતુ. મેં દર્શન લીધા અને પાદુકા પાસે પાંચ રુપિયા દક્ષિણા મૂકી. એ જોઈને એક કાર્યકર્તા મારી પાસે આવ્યા અને મને પૈસા પાછા આપીને બોલ્યા કે કાઉંટર પર જઈને નામ લખાવીને પછી પૈસા આપો. ઉપાસના પત્યા પછી હું ઉદી લેવા માટે ગયો. મને થોડી વધારે ઉદી જોઈતી હોવાથી ત્યાં ઉભેલા એક કાર્યકર્તાને પૈસા આપીને ઉદી લેવાનો મેં પ્રયાસ કર્યો તો એણે કહ્યું કે ઉદી માટે કોઈ મૂલ્ય લેવામાં આવતુ નથી. આ બધુ જોઈને હું ખૂબ જ પ્રભાવિત થઈ ગયો હતો.
એ પછી મને આવડે એ રીતે મેં બાપુનું ગુણસંકિર્તન કરવાનું ચાલુ કર્યુ. જે બાપુભક્ત બનવા ઈચ્છતા હતા એમને હું ઉદી, પેન, ફોટો, રામનામ બુક આપતો. પણ કોઈને જબરદસ્તી કરતો નહીં. મારો મોટો દીકરો પહેલા બરાબર કામધંધો કરતો ન હતો. એ દરમ્યાન મારી મોટી વહુએ પણ ઘરનું કામ કરતા કરતા આઠ રામનામની નોટ લખી નાંખી હતી. ત્યારથી મારો મોટો દીકરો એસ.જી.એચ. કોલ ડિપાર્ટમેંટમાં બરાબર કામ કરવા લાગ્યો છે અને આજે એ ત્યાં સુપરવાઈઝર છે.
મારો હજી એક દીકરો એચ.ડી.એફ.સી. બૅંકમાં કામે લાગ્યો હતો. પરંતુ ત્યાં એને પગાર બરાબર મળતો ન હોવાથી, ૨૦૦૯ની સાલમાં ઓબેરૉયમાં ઈંટર્વ્યુ આપીને એ દુબઈ જતો રહ્યો. ત્યારબાદ થોડા જ દિવસમાં એણે પોતાના નાના ભાઈ સચિનને ત્યાં બોલાવી લીધો અને એને પણ દુબઈમાં અસિસ્ટંટ મૅનેજરની જૉબ અપાવી દીધી. એ જ વરસે મારી નાની દીકરી યોગિતાના લગ્ન પણ નક્કી થઈ ગયા. એક જ વરસમાં આ ત્રણ સારી ઘટનાઓ મારા જીવનામાં ઘટી. બાપુની અમારા આખા પરિવાર પર વિશેષ કૃપા છે એની અનુભૂતિ થઈ રહી હતી.
એક વખત મારી દીકરી અને બીજા નંબરની વહુ રિક્ષામાં મુલુંડ જઈ રહ્યાં હતા. ત્યારે રિક્ષાવાળાએ સોનારપૂરથી જંગલની દીશામાં રિક્ષા વળાવી. મારી દીકરી અપંગ છે પણ હોશિંયાર છે. એણે રિક્ષાવાળાને રિક્ષા ક્યાં લઈ જાય છે એમ પૂછ્યું. રિક્ષાવાળો પિધેલો હતો. દીકરીએ સાથે બાપુનો ફોટો રાખ્યો હતો. એણે બાપુને સાદ પાડી. એટલામાં સામેથી એક મૂછવાળો માણસ આવતો દેખાયો. એ જોઈને મારી દીકરીમાં હિંમત આવી અને એણે જોરથી બૂમ પાડીને પેલા પિધેલા રિક્ષાવાળાને રિક્ષા ઉભી રાખવા માટે કહ્યું. એણે રિક્ષા ઉભી રાખી. ત્યારે સામેથી આવી રહેલા પેલા માણસને મારી દીકરીએ બધી વાત કરી અને સાથે આવવા માટે વિંનંતી કરી. એ માણસ રિક્ષામાં બેસી ગયો અને રિક્ષાવાળાને રિક્ષા મારી દીકરીને જવુ હતુ એ ઠેકાણા તરફ વળાવા માટે કહ્યું. નિશ્ચિત સ્થળે પહોંચ્યા બાદ એ માણસ નીચે ઉતર્યો અને રિક્ષાવાળાને મારીને ભગાડી દીધો.
મારો બીજા નંબરનો દીકરો ખૂબ દારુ પીતો હોવાથી એક દિવસ ખૂબ બિમાર પડ્યો. એને કે.ઈ.એમ. હૉસ્પિટલમાં ભરતી કર્યો. પરંતુ ડૉક્ટરે તપાસીને, આ સવાર સુધી પણ જીવતો રહે એમ લાગતુ નથી એવું કહી દીધુ. રાત્રે દીકરાને બાપુએ દર્શન દીધા અને બીજે દિવસે સવારે અમે જોયુ તો એ તો મસ્ત ચા પીને શાંતીથી બેઠો હતો. ત્યાંના ડૉક્ટરો પણ નવાઈ પામી ગયા.
મારી દીકરી એક વખત કલેક્ટર ઑફિસના ઈંટર્વ્યુ માટે નાગપૂર ગઈ હતી. એ ઈંટર્વ્યુમાં તો પાસ થઈ ગઈ પણ એ લોકોએ બે લાખ રુપિયાની માંગણી કરી. પૈસા ન હોવાથી એને એ જૉબ મળી નહીં. મારી પત્નીએ બાપુ પાસે એને જૉબ મળી જાય એ માટે પ્રાર્થના કરી અને ભાંડુપ ઉપાસના કેન્દ્રમાં એક કિલો પેંડા વહેંચીશ એમ માનતા માની. એ પછી મારી દીકરી હજી એક ઠેકાણે જૉબ માટે ઈંટર્વ્યુ આપવા ગઈ તો ત્યાંના ઑફિસ સ્ટાફે ‘તમે કેમ આવ્યા છો? તમને જૉબ મળશે નહીં? એમ કહી દીધુ. પરંતુ બાપુની કૄપાથી એને એક રુપિયો પણ આપ્યા વગર અપૉઈન્ટમેન્ટ લેટર હાથમાં મળ્યો. આજે એને ૧૬,૦૦૦/- રુપિયા પગાર છે. રેવેન્યુ ડિપાર્ટમેંટમાં કામ કરતી વખતે, એક રુપિયાની પણ લાંચ લીધા વગર મારી દીકરી મનિષા ગરીબ, વિધવા સ્ત્રીઓના પેન્શન જલદી માં જલદી પાસ કરાવી દે છે. બાપુ જ તેને બુધ્ધિ સુઝાડે છે.
મારા દહાણુ રહેતા ભાઈ આત્મારામની તબિયત એક દિવસ અચાનક ખરાબ થઈ ગઈ. એને હૉસ્પિટલમાં દાખલ કર્યો. એની દીકરીએ મને ફોન કરીને બોલાવી લીધો. મેં દહાણુ પહોંચીને જોયુ તો એને સરખુ ઉઠતા-બેસતા પણ ફાવતુ ન હતુ. એને ડુંટીના ભાગમાં ખૂબ જ દુ:ખાવો થતો હતો. ઉપરાંત પાણી પણ એના પેટમાં ટકતુ ન હતુ. ‘હું બચીશ નહીં’ એમ એ બોલી રહ્યો હતો. મેં એના આખા શરીરે ઉદી લગાડી. સુચિતદાદા, કોઈ બિમાર હોય તો હનુમાન ચાલિસા અને ઘોરકષ્ટોધરણ સ્તોત્રનું પઠણ કરવાનું કહેતા હોય છે એ મને યાદ હતુ. આથી હું પઠણ કરવા લાગ્યો. ભાઈને થોડો આરામ લાગી રહ્યો હતો. પરંતુ ડૉક્ટરોએ આગળના ઈલાજ માટે કે.ઈ.એમ. માં લઈ જવાનું કહ્યું. ત્યાં એને એક પછી એક એમ ત્રણ ડૉક્ટરોએ તપાસ્યો. ત્યારબાદ ત્યાનો એક મોટો ડોક્ટર આવ્યો. એ ડોકટરે એની ડુંટી પરથી જોરથી હાથ ફેરવ્યો. એની ડુંટીની નસ ઉપર ચઢી ગઈ હતી. એ જગ્યા પર આવી ગઈ. આત્મારામે બાથરુમ જવાની ઈચ્છા બતાવી. બહાર આવીને હવે હું ચાલી શકુ છુ એમ કહીને એણે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈ લીધો અને સીધો ચાલતો બહાર આવી ગયો. બધા આશ્વર્ય પામી ગયા. એક પણ પૈસો ખર્ચ્યા વગર આત્મારામ સારો થઈ ગયો. આ બાપુની જ કિમયા.
મારા એક દિકરાને દુબઈ જવાનો યોગ આવ્યો હતો, ત્યારે એ એની પાંચ મહિનાની ગર્ભવતી પત્નીને ઔરંગાબાદ એના પિયરે મૂકી આવ્યો હતો. પણ એની પત્નીને કોઈ રિએક્શન આવ્યુ અને બાળક ગર્ભમાં જ મરણ પામ્યુ. બાળક પગ તરફ હતુ આથી એને ઑપરેશન કરીને બહાર કાઢવુ પડશે નહીંતર માતાના જીવને પણ જોખમ થઈ જશે એમ ડોક્ટરોએ કહી દીધુ. ‘ઑપરેશન વગર બાળક કાઢી નહીં શકાય કે?’ એમ મેં ડોક્ટરોને પૂછ્યું. મનમાં બાપુનો મંત્રજાપ ચાલુ જ હતો.
રાત્રે ડોક્ટરોએ અમારી પાસે એક ઈંજેક્ષન મંગાવ્યુ અને એ મારી વહુને માર્યુ. એ પણ આખી રાત હનુમાન ચાલિસા અને ઘોરકષ્ટોધરણ સ્તોત્ર બોલતી હતી. થોડા સમય પછી વગર ઑપરેશને બાળકને બહાર કાઢવામાં આવ્યુ અને મારી વહુનો જીવ બચી ગયો. બાપુને ખૂબ ખૂબ અંબજ્ઞ.
આવી રીતે મારા અનેક અનુભવો છે. જેટલા યાદ આવ્યા એટલા લખવાનો પ્રયત્ન કર્યો. બાપુની લીલા ખરેખર જ ખૂબ અગાધ છે.

Comments
Post a Comment