અચાનક કોમામાં સરી પડેલી એક શ્રદ્ધાવાન મહિલા કોમામાંથી બહાર આવે છે અને યોગ્ય સમયે, યોગ્ય સારવાર મળવાને કારણે, જે મહિલા પોતે સરખી રીતે ચાલી પણ ન્હોતી શકતી તે પહેલાંની જેમ ચાલવા લાગે છે. તેમના પતિ વિશ્વાસ સાથે કહે છે કે, સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ આપેલા 'હરિ ૐ' આ શબ્દોમાં એક અલગ જ શક્તિ સમાયેલી છે.
--------------------------------------------------------------------
હરિ ૐ. વર્ષ ૨૦૦૪ થી હું અને મારી પત્ની સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુની શનિવારની ઉપાસના માટે કેન્દ્રમાં જવા લાગ્યા.
વર્ષ ૨૦૦૮ માં મારી પત્નીને નહાતી વખતે અચાનક ચક્કર આવી ગયા. અમારા ઘરની નીચે જ એક ડૉક્ટર રહે છે. અમે તેને તેમની પાસે લઈ ગયા. ડૉક્ટરે પત્નીને હૉસ્પિટલમાં દાખલ કરવા કહ્યું. ત્યાં તેને સલાઈન લગાવવામાં આવ્યું, પણ એ હૉસ્પિટલમાં જોઈએ તેવી સારવાર ન મળી શકવાને કારણે, અમે તેને બાંબોલીની બીજી એક હૉસ્પિટલમાં દાખલ કરી. ત્યાં પણ પત્નીને સલાઈન લગાવવામાં આવ્યું.
તે દિવસે રાત્રે ૧-૨ વાગ્યાની આસપાસ મારી પત્નીને લોહીની ઉલ્ટી થઈ. મારો મોટો દીકરો મુંબઈમાં હતો. મેં તેને ફોન કરીને બોલાવી લીધો. તે આવ્યો અને મેં તેને પત્નીની તબિયત વિશે બધું સમજાવ્યું. હવે આગળ શું કરવું, એ જ મોટો પ્રશ્ન હતો. દીકરો બોલ્યો, ''મમ્મીને આપણે મુંબઈ સારવાર માટે લઈ જઈએ.'' તેની તબિયત એટલી બગડી ગઈ હતી કે ડૉક્ટરે માત્ર ૧૨ કલાકનો સમય આપ્યો હતો. ત્યારબાદ કંઈ પણ થઈ શકે છે એવું પણ તેમણે અમને જણાવ્યું.
અમે રાત્રે ૩ વાગ્યે ફ્લાઈટથી મુંબઈ જવાનું નક્કી કર્યું. દીકરાના મિત્રએ અમને મદદ કરવા માટે પૂરા પ્રયત્નો કર્યા. પણ ટિકિટ ન મળી. હવે શું કરવું? મેં મનમાં 'હરિ ૐ' કહ્યું અને બાપુને કહ્યું,'બાપુ, હવે તમે જ જુઓ'. પછી મેં મારા સાઢુભાઈના દીકરાને, ડૉ.સચિનને ફોન કર્યો. તેને પત્નીની તબિયત વિશે જણાવ્યું. તેણે અમને કહ્યું,''હું ગોવામાં છું અને તમે મડગાંવમાં. હું કહું તે હૉસ્પિટલમાં તેમને દાખલ કરી દો.'' પછી અમે તરત જ પત્નીને મડગાંવની હૉસ્પિટલમાં લઈ ગયા. ત્યાં તેને દાખલ કરી અને બીજા જ દિવસે તે કોમામાં જતી રહી, તે કેટલાય દિવસો સુધી કોમામાં જ હતી.
એક મહિનો વીતી ગયો, પણ કોઈ સુધારો થતો દેખાતો ન્હોતો. મેં બાપુને કહ્યું,''હરિ ૐ બાપુ, હવે શું કરવાનું છે?' તેને જે દિવસથી હૉસ્પિટલમાં લાવ્યા હતા, તે દિવસથી બાપુની ઉપાસનાની ચોપડી મારી પાસે જ હતી. હું રોજ સવારે ઉઠીને તેમની ઉપાસના કરતો હતો. હું બાપુને હંમેશા એક જ વાત કહેતો,‘'હરિ ૐ બાપુ. હું તમારી ઉપાસનાની ચોપડી વાંચુ છું. પત્નીની બીમારી વિશે જે કંઈ કરવાનું હોય તે હવે તમે જ જુઓ.“
દોઢ મહિના પછી, જ્યારે મારી પત્ની કોમામાંથી બહાર આવી ત્યારે મારા જીવમાં જીવ આવ્યો. પણ હવે તેના શરીરનો એક ભાગ પૂરેપૂરો કામ ન્હોતો કરતો. તે સરખી રીતે ચાલી પણ ન્હોતી શકતી. અમે ડૉક્ટરને આ બાબત પૂછ્યું કે “આ પાછી પહેલાં જેવી થઈ જશે ને?” પણ આટલી મોટી હૉસ્પિટલના ડૉક્ટરો પાસે આનો કોઈ જવાબ ન્હોતો. મને ખૂબ નવાઈ લાગી. અત્યાર સુધીમાં ૮ લાખ રૂપિયા ખર્ચાઈ ગયા હતા. મેં બાપુના ભરોસે દીકરાને કહ્યું,“આપણે આને ઘરે લઈ જઈએ. હવે આગળનું બધું મારા બાપુ જ સંભાળી લેશે.” આ પછી બાપુની કૃપાથી એક શ્રદ્ધાવાન બાપુભક્ત ડો. મ્હસકરની સાથે ઓળખાણ થઈ. તે ડૉક્ટર પોતે પ્રજ્ઞાચક્ષુ (અંધ) છે, પણ અમે પત્નીને માત્ર બાપુ પરના વિશ્વાસે જ તેમની પાસે લઈ ગયા.
ડો. મ્હસકરની સારવારથી પત્નીની તબિયતમાં ઘણો સારો એવો સુધારો જોવા મળ્યો. તેનો હાથ ઉપર થવા લાગ્યો. આ બધું બાપુની કૃપાને લીધે જ થયું હતું. એક દિવસ અચાનક પત્ની બોલી,''હું હવે સારવાર માટે ક્યાંય નહીં જાઉં. જે કંઈ કરવું હોય તે તમે ઘરે જ કરો.'' પછી દીકરો બીજા એક ડૉક્ટરને ઘરે લઈ આવ્યો. પત્નીની તબિયતમાં હજી વધારે સુધારો થવા લાગ્યો. અમારા બધાના આનંદનો પાર ન રહ્યો. એક મહિનામાં તે પોતે ચાલવા લાગી. સાચે જ બાપુએ જ આ ચમત્કાર કરી બતાવ્યો હતો.
હું હંમેશા 'હરિ ૐ બાપુ' આ જ નામનો જપ કરું છું. કોઈ મળે અથવા હું કામ પર જાઉં ત્યારે મારા સાહેબે બોલાવ્યો હોય, તો પહેલા હું તેમને 'હરિ ૐ' કહું છું અને પછી જ આગળ વાત કરું છું. બાપુએ આપેલા આ 'હરિ ૐ' શબ્દોમાં ખૂબ જ મોટી તાકાત છે. 'હરિ ૐ' મારા માટે એક મંત્ર જ બની ગયો છે. તેનો ઉચ્ચાર કરતાં જ બધા કામ ફટાફટ થઈ જાય છે. અમારા પરિવારના અમે બધા લોકો રોજ 'હરિ ૐ' નું સ્મરણ પૂરા વિશ્વાસ સાથે ચોક્કસ કરીએ છીએ.
|| હરિ ૐ || || શ્રીરામ ||
|| અંબજ્ઞ || || નાથસંવિધ્ ||

Comments
Post a Comment