બે ગાડી વચ્ચે ગાડી ફસાઈ ગઈ, પણ.... - પ્રીતમસિંહ કાયંગુડે,પસરણી

બે ગાડી વચ્ચે ગાડી ફસાઈ ગઈ, પણ....  - પ્રીતમસિંહ કાયંગુડે,પસરણી

એક જ જગ્યાએ થોડા થોડા દિવસના અંતરે બે સરખા જ જીવલેણ અકસ્માત બને છે. પણ પહેલાં અકસ્માતમાં ગાડીમાં બેઠેલા બધા પ્રવાસીઓ મરણ પામે છે અને બીજા અકસ્માતમાં ગાડીમાં બેઠેલા પ્રવાસીઓ ફક્ત બચતા જ નથી, પણ સુખરૂપપણે આપોઆપ ગાડીની બહાર પણ આવે છે. આ કઈ રીતે? આનો ઉત્તર એકજ. બીજી ગાડીમાંના પ્રવાસી શ્રધ્ધાવાન હોય છે અને ગાડીમાં સતત ગુરુક્ષેત્રમ‍મંત્રનો જાપ અને સદ્‍ગુરુનું ગુણસંકીર્તન ચાલું હતું.

-----------------------------------------------------------------------------

જેના હ્રદયમાં શ્રીગુરુસ્મરણ |

તેને કેવો ભય દારુણ |

કાળમૃત્યુ ન બાધે તેને |

અપમૃત્યુ તો ક્યાંથી આવે |

હું ૨૦૦૯માં બાપુપરિવારમાં આવ્યો. મારી સાથે મારો પૂર્ણ પરિવાર પણ બાપુ સાથે જોડાયો અને અમારું સંપૂર્ણ જીવન બાપુમય બન્યું. ધીમે ધીમે હું દર મહિનામાં એક-બેવાર શ્રીગુરુક્ષેત્રમ‍, શ્રીહરિગુરુગ્રામમાં જવા લાગ્યો. દરેક વખતે બાપુ મને નવેસરથી સમજાવા લાગ્યા. હજી વધારે નજીક જણાયા. મેં બાપુ પાસે જવાની, સેવા કરવાની દરેક તક ઝડપી લેવાનો પ્રયત્ન કર્યો. આ કારણે મારો અને મારા પરિવારનો બાપુ પરનો વિશ્વાસ વધારે દ્રઢ બન્યો. 

બાપુ પાસે આવ્યા પછી મારી અને મારા પરિવારની પ્રગતી જ થતી ગઈ. મારી મોબાઈલની દુકાન છે. બાપુકૃપાથી આ ધંધો વધતો જ ગયો. આજે એ જ દુકાનની બાજુમાં મેં એક નવો ગાળો લીધો છે. અને બન્ને દુકાનો ખૂબ જ સારીરીતે ચાલી રહી છે. મને બાપુના અનેક નાના-મોટા અનુભવો આવવા લાગ્યા. તેમાંનો જ એક ખૂબ જ મોટો અને અમને બધાને જાણે બીજો જન્મ આપનાર આ અનુભવ. 

૨૯ ઑગસ્ટ ૨૦૧૩, ગુરુવાર - દહી-હાંડીનો દિવસ. હું અને મારો ભાઈ દુકાનમાં જ હતા. એટલામાં મને મારા મોટા કાકાનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે આજે આપણે જેજુરી જઈએ. બપોરે બે-અઢીના સમય દરમ્યાન હું, મારો ભાઈ, મમ્મી, કાકા અને કાકી આમ અમે પાંચ જણા જેજુરી જવા નીકળ્યા. અમને બધાને ક્યાંય પણ જતી વખતે ઉદી લગાવીને જ નીકળવાની આદત છે. તે પ્રમાણે અમે ગાડીના ચારેય ટાયરને ઉદી લગાવી, અમે બાપુની લલકારી બોલીને પછી જ પ્રવાસની શરૂઆત કરીએ છીએ. તે પ્રમાણે જ કરીને અમે પ્રવાસે નીકળ્યા. મારા કાકા-કાકી બાપુભક્ત ન હોવાથી હું તેમને બાપુના અનુભવો અને બાપુના સેવાકાર્ય વિશે વાત કરતો હતો. ગાડીમાં હંમેશાની જેમ બાપુના અભંગની અને સ્તોત્રની સી.ડી ચાલુ જ હતી. 

અમે પહેલાં નારાયણગામમાં દત્તબાપાના દર્શન કરવા ગયા. ત્યાં દત્ત ભગવાનના દર્શન કર્યા અને ગુરુક્ષેત્રમ‍મંત્રનો જાપ કર્યો અને પછી આગળના પ્રવાસે નીકળ્યા. રસ્તામાં આવતા પ્રતિબાલાજીના મંદિરમાં પણ જતા આવ્યા. ગાડીનું વાતાવરણ પૂર્ણપણે બાપુમય બની ગયું હતું. અમે બધા ખૂબ જ ખુશ હતા. દહી-હાંડીનો દિવસ હોવાથી રસ્તા પર થોડી ગર્દી હતી. અમે જેજુરી ગામ પાસે પહોંચી ગયા. પણ ત્યાં ખૂબ જ ટ્રાફિક હતો. રસ્તો સાંકડો હોવાથી બધી ગાડીઓ એક લાઈનમાં ઉભી હતી. અમારી ગાડીની આગળ એક મોટો ટ્રક હતો અને ગાડીની પાછળ એક શેરડીનું કન્ટેનર હતું. ડ્રાઈવ્હિંગ સીટ પર હું અને મારી બાજુની સીટમાં મારા કાકા બેઠા હતા. બાકી સર્વ પાછળની સીટ પર બેઠા હતાં. 

અચાનક ગાડીને પાછળની બાજુથી ધક્કો લાગ્યો. મમ્મીએ પાછળ જોયું તો પાછળનું કન્ટેનર અમારી ગાડીને એકદમ અડીને ઊભું હતું. પણ ટ્રાફિકને લીધે ગાડી થોડી આગળ પાછળ થાય જ એમ સમજીને મેં મારી ગાડી થોડી આગળ લીધી. એટલામાં તો એ કન્ટેનરે અમારી ગાડીને પાછળથી જોરથી ઠોકી, ગાડીના કાચ તૂટી ગયા અને અમારી ગાડી આગળના ટ્રક સાથે જોરથી અથડાઈ. અમે બધા ‘બાપુ-બાપુ’ બૂમો પાડતા હતા. શું બની રહ્યું છે તે અમને કોઈને જ સમજાતું ન હતું. કન્ટેનર અને ટ્રકની વચ્ચે અમારી ગાડી લગભગ ચેપાઈ જ ગઈ હતી. અમે બધા જેમતેમ કરીને ગાડીમાંથી બહાર આવ્યા. બહાર આવીને ગાડીની હાલત જોઈને અમે બધા ખૂબ જ ગભરાઈ ગયા. કારણકે ગાડી એવી રીતે ચેપાઈ ગઈ હતી કે તેમાં બેઠેલા માણસો બચવા અશક્ય જ હતું. અમે બધા ગુરુક્ષેત્રમ‍મંત્ર બોલતા હતા. 

ગાડીમાંથી બહાર આવીને મેં બધાને પૂછ્યું કે ‘તમે લૉક કઈરીતે ખોલ્યું? બહાર કઈરીતે આવ્યા?’ પણ કોઈને કંઈ જ સમજાયું ન હતું. ગાડી જ્યારે ઠોકાઈ તે સમયે મારી ગાડી ચાલું જ હતી. અને જ્યાં સુધી ગાડી બંધ ન થાય ત્યાં સુધી દરવાજાના લૉક ખૂલે નહીં એવી મારી ગાડીમાં સિસ્ટમ હતી અને કાકા-કાકીને તો લૉક ખોલતા પણ ન્હોતા આવડતા. તે છતાં તેઓ સુખરૂપ બહાર આવ્યા. 

ગાડી પાછળથી ઠોકાઈ ત્યારે જોરદાર અવાજ સાથે ગાડીનો પાછળનો કાચ ફૂટ્યો હતો અને બધા કાચ મમ્મીના, કાકીના અને મોટાભાઈના શરીર પર ઉડ્યા હતા. પણ બાપુકૃપાથી કોઈને જરાપણ ઈજા થઈ ન હતી. બાપુને લીધે જ અમે આ અકસ્માતમાંથી સુખરૂપપણે બહાર આવ્યા હતાં.

બાપુએ એકવાર પ્રવચનમાં કહ્યું હતું -

જો તમારી પર એવો સમય આવે કે તમારી ગાડી જો બે ગાડીઓની વચ્ચે ફસાઈ જાય તો તેમાંથી પોતાના બાળકને બચાવવા માટે આ સદ્‍ગુરુતત્વ તે બન્ને ગાડીઓને પકડીને ઊભાજ હોય છે.

ખરેખર, આ બાપુની જ કૃપા કે તેમણે અમારી પાસે દત્ત ભગવાનની સામે ગુરુક્ષેત્રમ‍મંત્ર બોલાવડાવી લીધો. આ સિવાય અમારી ગાડી ઊભી હતી અને આ અકસ્માત બન્યો. જો ગાડી સ્પીડમાં હોત અને અકસ્માત બન્યો હોત તો ગાડી ફેંકાઈ ગઈ હોત અને અમે પણ ક્યાંક દૂર ફેકાઈ ગયા હોત. ફક્ત બાપુનું ગુણસંકીર્તન અને ગુરુક્ષેત્રમ‍મંત્રને લીધે જ અમે બચી ગયા. આ મારો પાક્કો વિશ્વાસ છે. 

અકસ્માત બન્યા પછી અમે પોલીસ સ્ટેશનમાં ગયા. ત્યાં પણ અમને કોઈ જાતની તકલીફ પડી નહીં. અમને લેવા માટે પપ્પા આવ્યા. તેમની સાથે અમે વાઈમાં જેમના ઘરે પાદુકાપૂજન હતું, તેમના ઘરે રાતના ૨.૩૦ વાગે જઈને, પાદુકા પર માથું મૂકીને ખૂબ રોયા, કારણકે બધાને ખબર હતી કે આ સંકટમાંથી બાપુએ જ અમને બહાર કાઢ્યા હતા. પૂજન થઈ ગયા પછી ગુરુક્ષેત્રમ‍મંત્ર બોલીને પ્રસાદ લીધો, પછી જ બધા શાંત થયા. પાદુકારૂપી બાપુના દર્શનથી અમે બધા એકદમ ફ્રેશ થઈ ગયા. 

ખરેખર, બાપુકૃપાથી અમારો જાણે બીજો જન્મ જ થયો. કારણકે એ જ જગ્યાએ થોડા દિવસ પહેલાં આવો જ એક અકસ્માત બન્યો હતો અને તે ગાડીમાં બેઠેલું સંપૂર્ણ કુટુંબ તે જગ્યાએ જ પતી ગયું હતું. એવા અમને સમાચાર મળ્યા હતા. 

જેણે બાપુનો હાથ પકડી રાખ્યો છે તેને બાપુ ક્યારેય એકલા મૂકતા નથી. આનો અનુભવ મને આવ્યો.

સાંગલીમાં બાપુ આવ્યા હતા. ત્યારે પણ હું સેવામાં હતો. સેવા કરતાં કરતાં અમે બાપુ સાથે ઘણી ધમાલ પણ કરી. બાપુ સાથે ફોટા પણ પાડ્યા. બાપુ સાથે ફોટો પાડતી વખતે બાપુએ મારો હાથ થોડીવાર માટે એટલો જોરથી પકડ્યો હતો કે મારાથી સહન પણ ન્હોતું થતું. પણ આજે મને સમજાય છે કે બાપુએ અમને આવી જ રીતે જકડી રાખ્યા હતા અને આ સર્વ સંકટમાંથી સુખરૂપ બહાર કાઢ્યા હતા. 

જે આવ્યા તે તરી ગયા |

જે ન આવ્યા તે તેમ જ રહી ગયા ||

|| હરિ ૐ ||     

----------------------



Comments

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ