એક શ્રદ્ધાવાનની સાથે ભયાનક અકસ્માત ઘડાયો પણ તે છતાં એ અત્યંત શાંતિથી એક-એક પગલું આગળ ભરતા જતાં, તે અકસ્માતના દુષ્પરિણામોમાંથી મુક્ત થયો અને ફરીથી પહેલા જેવું સહજ જીવન જીવી શક્યો - આ ફક્ત સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુની કૃપાને કારણે જ શક્ય બન્યું.
------------------------------------------------------------------------
હરિ ૐ. સન ૨૦૦૩ થી હું સદગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુના સત્સંગમાં જોડાયો. મને બાપુના ઘણા અનુભવો આવ્યા છે. તેમાંથી જ એક અનુભવ હું અહીં જણાવી રહ્યો છું.
હું ૨૦૦૯ થી ફોંડા (ગોવા) ઉપાસના કેન્દ્રમાં ઉપાસના કરવા જવા લાગ્યો. ત્યાં મારી ઓળખાણ એક શ્રદ્ધાવાન બાપુ ભક્ત, પ્રથમેશસિંહ નાયક સાથે થઈ. તેમણે મને તેમની કંપનીમાં કામ કરવાની તક આપી. હું તેમની કંપનીમાં સુપરવાઈઝર તરીકે જોડાયો. ઉપાસના કેન્દ્રના સેવાકાર્યમાં પણ હું ભાગ લેવા લાગ્યો. મારો આ અનુભવ સન ૨૦૧૨ નો છે. બરાબર તે દિવસે મશીન ઓપરેટર ન હોવાને કારણે, હું મશીન ચલાવવા ગયો. મશીન ચલાવતી વખતે અચાનક તે જોબ મશીનમાં ફસાઈ ગયું. હું તરત મશીનમાં હાથ નાખીને તે કાઢવા ગયો ત્યારે અચાનક મારો હાથ જ મશીનમાં ફસાઈ ગયો. મેં ખૂબ જોરથી બૂમ પાડી. મારી બૂમ સાંભળીને ત્યાં એક કામદાર છોકરો હતો તે દોડતો મારી પાસે આવ્યો અને મારી પરિસ્થિતિ જોઈને તેણે તરત જ તે મશીનનું બટન ઓફ કર્યું.
બટન ઓફ કર્યા પછી મેં તરત જ મારો હાથ મશીનમાંથી બહાર કાઢ્યો. મારી બધી આંગળીઓ લટકતી હતી અને લોહી વહી રહ્યું હતું. આટલું બધું થયું હોવા છતાં પણ કંઈ જ થયું નથી, તેવા ભાવમાં હું ખૂબ શાંત હતો! હું ફક્ત બાપુનું નામ લઈ રહ્યો હતો. મેં પાણીથી ભરેલી ડોલમાં હાથ ડૂબાડ્યો અને ત્યાં કેટલાક કપડાં પડ્યા હતા, તેમાંથી એક ઉપાડીને મારા હાથની આસપાસ વીંટાળ્યું. પણ રક્તસ્ત્રાવ કંઈ અટકતો ન્હોતો. મારી મદદ માટે આવેલો તે કામદાર આ બધું જોઈને બહું ગભરાઈ ગયો અને રડવા લાગ્યો. હું ફક્ત બાપુને જ પોકારી રહ્યો હતો અને કહી રહ્યો હતો, 'બાપુ, હવે તમે જ જુઓ શું કરવાનું છે'.
બાપુની કૃપાથી જ મને બળ મળ્યું અને મેં તે કામદાર છોકરાને કહ્યું, "મને ફોન આપ." અને કણકવલીમાં સચિનસિંહ નામનો એક શ્રદ્ધાવાન બાપુ ભક્ત મારો મિત્ર છે. તે મારી બાજુની જ ફેક્ટરીમાં કામ કરતો હતો. ફોન પર મેં તેને બધી ઘટના જણાવી. તે બોલ્યો, "અંકલ, તમે ગભરાશો નહીં. હું તમને લેવા માટે આવું છું." તે પોતાની બાઈક લઈને આવ્યો અને બોલ્યો, "અંકલ, હું તમને હૉસ્પિટલ લઈ જાઉં છું. તમે બાઈક પર બેસી શકશો ને?" મેં તેને સંમતિ આપી અને અમે ૪ કિ.મી. દૂર આવેલી હૉસ્પિટલમાં ગયા. ત્યાં મારા હાથ પર ડ્રેસિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ મને ચક્કર આવી ગયા. એટલે ડૉક્ટરે મારા બધા રીપોર્ટ્સ કરાવ્યા. તેમાં મારા ડાયાબિટીસનું (મધુમેહ) પ્રમાણ વધી ગયું હોવાની જાણ થઈ. એટલે હવે તરત જ સર્જરી કરી શકાશે નહીં એમ ડોક્ટરે જણાવ્યું અને આ સાંભળીને હું ખૂબ ગભરાઈ ગયો. તેમણે મારા ડાયાબિટીસની દવાઓ શરૂ કરી. આખરે રાત્રે ૧૧ વાગ્યે મારા સુગરનું પ્રમાણ ઘટ્યું. તે જ રાત્રે મારું ઓપરેશન કરવામાં આવ્યું. ત્યારબાદ હું રોજ ઉદી લગાવતો હતો અને રામરક્ષા તથા હનુમાન ચાલીસા બોલતો હતો. મારો હાથ દુ:ખતો જ હતો અને ૧૫ દિવસ મને હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ હું બાંદા આવ્યો અને એક મહિના પછી મારા હાથમાંથી સળિયો(રોડ) કાઢવામાં આવ્યો. હૉસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી પણ દવાઓની સાથે ઉદી લગાવવાનું ચાલું જ હતું. હું વિશ્વાસ સાથે બાપુને કહેતો, 'બાપુ, તમે જ મને જલ્દી સાજો કરો'. હાથ દુ:ખતો હોવાથી હું રામનામની નોટ ન્હોતો લખી શકતો. તેનું મને ખૂબ દુઃખ થતું હતું. પણ બાપુની કૃપાથી હવે મારો હાથ સારો થઈ ગયો છે. હું હવે રામનામની નોટ લખી શકું છું, તેમજ બધા કામો પણ કરી શકું છું. એટલું જ નહીં, હવે હું તે હાથથી વજન પણ ઊંચકી શકું છું.
હું વિશ્વાસ સાથે એટલું જ કહીશ કે, બાપુએ જ મને ખૂબ આધાર આપ્યો અને મારો હાથ પણ સારો કર્યો. મારો હાથ અને હાથની આંગળીઓ બચી તે ફક્ત અને ફક્ત બાપુની કૃપાને કારણે જ! છેલ્લે હું એટલું જ કહીશ, 'બાપુ જેવા રક્ષક હોય, તો પછી કોની તાકાત છે મને મારવાની?'
II હરિ ૐ II II શ્રીરામ II
II અંબજ્ઞ II II નાથસંવિધ્ II

Comments
Post a Comment