સદ્ગુરુતત્વની પરીક્ષા લેનારા આખરે સદ્ગુરુના શરણે આવે જ છે તે દર્શાવતો આ એક અત્યંત બોલકો અનુભવ. ‘આ સદ્ગુરુ સાચા હશે, તો મને સાપ બતાવશે.’ એમ કહેનારી આ શ્રદ્ધાવાન સ્ત્રી પોતાના જ બોલ મુજબ કેવી પ્રતીતિ પામે છે, તેનું વર્ણન અવિસ્મરણીય જ છે.
-----------------------------------------------------------------------------------
હું મંગલવીરા મોહનસિંહ કુલટ. બાપુ પાસે આવતા પહેલાં હું એક કટ્ટર સાઈ ભક્ત હતી. ૨૦૦૩માં મારા મિસ્ટર હયાત હતા ત્યારે મેં બાપુનું નામ સાંભળ્યું હતું. પણ બાપુ પાસે જવાનો વિચાર મેં ક્યારેય કર્યો નહોતો.
ડૉ. યોગિન્દ્રસિંહ જોશીએ લખેલા ‘ઋણજ્ઞાપક સ્તોત્ર’ની નીચેની પંક્તિઓના અર્થ મુજબ મારી મન:સ્થિતિ હતી.
બુદ્ધિના મદથી ઉન્મત્ત બન્યો |
વિતંડવાદમાં અટવાઈ ગયો |
હું જ એક શાણો એમ સમજ્યો |
આજે તવ કટાક્ષે અહંશૂન્ય બન્યો |
અનિરુદ્ધા તારો હું કેટલો ઋણી બન્યો ||
અનિરુદ્ધા તારો હું કેટલો ઋણી બન્યો ||
બાપુ પાસે આવતા પહેલાં હું પણ આવી જ હતી. સદ્ગુરુને ચેલેન્જ (આહ્વાન) આપનારી! તેમનું અસ્તિત્વ ન માનનારી! પણ આ સદ્ગુરુએ જ મને પોતાની તરફ ખેંચી અને તેમની કૃપાથી હું સર્વસમર્થ બની. મને આવેલો બાપુનો અનુભવ નીચે મુજબ છે.
મારું પોતાનું બ્યુટી પાર્લર છે. ૨૦૧૦ થી રાખી સોનાવણે નામની એક બાપુ ભક્ત મારા પાર્લરમાં આવતી હતી. પાર્લરમાં આવ્યા પછી તે મને હંમેશા બાપુના નાના-નાના અનુભવો કહેતી. મારો બાપુ પર વિશ્વાસ ન હોવાથી તેના બોલવાનો મને ખૂબ જ કંટાળો આવતો હતો. રેડિયોની જેમ તેનું ‘બાપુ’ વિષય પર બોલવાનું ચાલું જ રહેતું. મને તેની પર ખૂબ જ ગુસ્સો આવતો અને મનમાં થતું કે હું આ બાઈનું બોલવું આટલું બધું કેમ સહન કરી રહી છું? તે જાય એટલે ક્લાસની છોકરીઓ અને હું તેની પર ખૂબ હસતા.
દેવ છોડીને માણસને ભજવું યોગ્ય નથી એમ અમે કહેતા. ‘અરે બાઈ, તું મારી સાથે બાપુ વિશે કંઈ વાત ન કર’ એમ હું તેને કહી શકતી ન્હોતી. તેને તે ગમશે નહીં અને જો તેણે અમારે ત્યાં આવવાનું બંધ કરી દીધું તો અમારા પાર્લરનું જ નુકસાન થશે. આ ડરથી છ મહિના મેં તેનો આ ત્રાસ સહન કર્યો. તે સમયે મારા માટે આ ત્રાસ જ હતો. તેનું ‘બાપુ પુરાણ’ કંઈ પૂરું જ થતું નહોતું. દર શનિવારે છ વાગ્યા કે બાપુની ઉપાસનામાં આવવા માટે તેનો ફોન આવતો. કંઈને કંઈ કારણ બતાવીને હું તેને ટાળતી.
મારો પુત્ર પ્રસાદસિંહ પણ વિરોધ કરતો. તેની આ કટકટ કેટલા શનિવાર ચલાવી લેવી? એટલે મેં અને મારા પુત્રએ નિશ્ચય કર્યો કે આજે સાંજે આપણે તેણે જણાવેલી જગ્યાએ જઈ આવીએ. રાખીવીરાનો ફોન આવ્યો અને તે બોલી, ‘‘આજે તમારા પુત્રને લઈને નક્કી આવજો. મેં આરતી માટે તમારું નામ આપ્યું છે. એટલે તમારે આવવું જ પડશે.’’ મેં તેને આશ્વાસન આપ્યું કે હું ચોક્કસ આવીશ. ખરેખર તો હું પણ રોજરોજની આ કટકટ દૂર કરવા માટે જ ઉપાસનામાં જવાની હતી.
સાંજે ઘરમાં દીવા કર્યા. તે દિવસે પાર્લરમાં ભીડ હતી. ક્લાસની છોકરીઓને કહ્યું કે હવે બાકીના ગ્રાહકો તમે જુઓ. હું પેલી રાખી સોનાવણેએ કહેલી જગ્યાએ જઈને આવું છું. બધા દેવોને નમસ્કાર કર્યા અને છોકરીઓને કહ્યું, ‘‘કોણ છે આ બાપુ જોઈએ તો ખરા. તે જો ખરેખર કોઈ સદ્ગુરુ હશે, તો મને સાપ બતાવશે (મને સાપથી ખૂબ જ ડર લાગતો હતો).’’ આવી મજાક કરી અને સાઈબાબાના ફોટા સામે જોઈને હસતા હસતા હું બાપુ પાસે જવા નીકળી.
બાપુના ઉપાસના કેન્દ્રમાં ખૂબ જ ભીડ હતી. બધા ભક્તો શિસ્તમાં બેઠેલા હતા. હું રાખીવીરા પાસે જઈને બેઠી. પુસ્તકમાં જોઈને ઉપાસના કરી. તે સમયે આરતી માટે નામ બોલવામાં આવતું. મારું નામ બોલાયું ત્યારે ખરું કહું તો મને ખૂબ જ આનંદ થયો. આરતી માટે બાપુના ફોટા સામે જઈને ઊભી રહી. બાપુની પાદુકા અને ફોટો એટલે સાક્ષાત બાપુ જ સામે છે એમ લાગ્યું અને મન સ્થિર અને તૃપ્ત બન્યું. શિસ્તથી અને પ્રેમથી બધા કાર્યકર્તાઓ તેમનું કાર્ય કરી રહ્યા હતા અને એકબીજાને હસતા મુખે ‘હરિ ૐ’ એમ અભિવાદન કરી રહ્યા હતા. મને આ બધું ખૂબ જ ગમ્યું. પણ મારું મન તો વિતંડવાદમાં અટવાયેલું હતું. મનમાં સતત વિચાર આવતો કે આપણે સાઈબાબાને છોડીને આ બાપુના રવાડે નથી ચઢવું. ઘરે ગયા પછી જો તે બાઈનો (રાખી સોનાવણે) ફોન આવશે તો હું તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દઈશ, ‘તું બાપુના બદલે હું કહું છું એટલે સાઈબાબાની પ્રાર્થના કર. કરીશ કે? નહીં ને? તો પછી તું પણ મારી પાછળ ન પડ.’ આવતા શનિવારે ઉપાસનામાં નથી જવું એવો પણ મેં મનમાં મક્કમ નિશ્ચય કર્યો.
ઉપાસના પૂરી થયા પછી લોક ખોલીને હું ઘરે આવી અને સામે જે જોયું તેણે તો મારી બોલતી જ બંધ કરી દીધી! ઘરમાં બાથરૂમ પાસે મને એક નાનકડું સાપનું બચ્ચું દેખાયું. મને સાપથી સૌથી વધારે ડર લાગતો હોવાથી તરત જ મેં પ્રસાદને કહ્યું, ‘‘બેટા, કચરો ભરવાની સુપડીમાં પહેલા આ સાપને લે અને તેને દબાવીને દૂર ફેંકી આવ.’’ તે મુજબ અમે બંને તેને દૂર રસ્તે જઈને ફેંકી આવ્યા. ઘરની નજીક નાખ્યું હોત તો તે પાછો આવશે એવો ડર લાગ્યો. રાત્રે જમીને શાંતિથી ઊંઘી ગયા પણ તે સાપનું બચ્ચું નજર સામેથી હટતું નહોતું.
ત્યારબાદ સવારે ઉઠીને રસોડામાં ગઈ તો તેટલા જ કદનું હજી એક સાપનું બચ્ચું દેવઘર પાસે મને દેખાયું. અમે બંને તો ખૂબ જ ગભરાઈ ગયા. ફરી અમે તેને પકડીને તે જ રીતે દૂર ફેંકી આવ્યા. બપોરે ત્રણ વાગ્યે ક્લાસની છોકરીઓ આવી. મેં વિગતે તેમને બનેલી આ ઘટના વિશે જણાવ્યું. ત્યારે તે બધી છોકરીઓ એકસાથે બૂમ પાડી ઉઠી. મને લાગ્યું કે તેમને ફરીથી સાપ દેખાયો કે શું! હવે તો આ વિચારથી પણ હું ખૂબ ગભરાઈ જતી હતી.
ત્યારે તે છોકરીઓએ મને કહ્યું, ‘‘મેડમ તમે કાલે શું બોલ્યા હતા યાદ કરો!’’ મને તો કંઈ જ યાદ નહોતું અને હું કંઈ જ બોલી નથી એમ મેં તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. મારી ગભરામણ જોઈને તે છોકરીઓએ મને જે કંઈ કહ્યું તે સાંભળીને તો મારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ. હું બાપુની ઉપાસનામાં જવા નીકળી ત્યારે મજાકમાં, સાઈબાબા સામે જોઈને હસતા હસતા અને બાપુને પડકાર આપતા બોલી હતી, ‘‘કોણ છે બાપુ જોઈએ. તે જો ખરેખર કોઈ સદ્ગુરુ હશે તો મને સાપ બતાવશે.’’ અરે બાપ રે! આ શું કરી બેઠી હતી હું? એમ કહીને ગભરાતા ગભરાતા જ હું રાખીવીરાના ઘરે ગઈ અને તેને બનેલી આ સર્વ ઘટના કહી. તેણે તરત મને તેની પાસેની ઉદી આપી અને આખા ઘરમાં ઉદી છાંટવા કહ્યું. સાચું કહું છું, ત્યાર પછી આજ સુધી ઘરમાં સાપ નીકળ્યો નથી અને હવે તો મને પૂર્ણ વિશ્વાસ છે કે સાપ ક્યારેય નીકળશે પણ નહીં.
એક વિશ્વાસ સાથે જ્યારે મેં ઘરમાં ઉદી છાંટવાની શરૂઆત કરી, તે જ ક્ષણથી મેં ‘તેમના’ પગ મજબૂતીથી પકડી લીધા, તે પણ અનંત જન્મો સુધી ન છોડવા માટે જ! જય જગદંબ જય દુર્ગે!
જેમ ચકલીના પગમાં દોર |
બાંધી લાવે તેને સામે |
તેમ જ મને તેં ખેંચી ખરેખર |
તને ચિંતા મારી એ હું સમજ્યો |
અનિરુદ્ધા તારો હું કેટલો ઋણી બન્યો ||
અનિરુદ્ધા તારો હું કેટલો ઋણી બન્યો ||
એકદમ તંતોતંત આ પંક્તિઓ મુજબ જ મારા સદ્ગુરુએ મને તેમની ઉપાસનામાં સામેલ કરી; રાખીવીરા સોનાવણેને મધ્યસ્થી બનાવીને. ટૂંકમાં ‘હું સદ્ગુરુ પાસે જાઉં છું’ એમ કહેવું જ ખોટું છે. ‘તે જ’ તેના ભક્તોને પોતાની તરફ ખેંચે છે અને તેમના જીવનમાં આનંદ, સુખ, સામર્થ્ય અને સમૃદ્ધિના અનેક રંગો ભરે છે. ‘મહત્પ્રયાસથી સદ્ગુરુની પ્રાપ્તિ થાય છે’ એમ કહેવાય છે પણ મારા ‘ડેડ’ (બાપુ) પોતે જ મારી પાસે દોડીને આવ્યા; ફક્ત મારા પરના અકારણ પ્રેમને કારણે જ. એકદમ ૧૦૦%. અંબજ્ઞ.
----------------------------------------------------------------------------------
અનિરુદ્ધ બાપૂ અનુભવ કથન (વ્હીડીઓ)

Comments
Post a Comment