આજના યુગમાં દરેક ક્ષેત્રમાં સ્પર્ધા હોય જ છે અને આ સ્પર્ધામાં ટકી રહેવા માટે દરેકને પ્રયત્ન તો કરવા જ પડે છે. પણ પ્રયત્નોને સફળતા આપવા માટે
સદ્ગુરુકૃપાની તેટલી જ આવશ્યકતા હોય છે એ જ નીચેનો અનુભવ જણાવે છે.
--------------------------------------------------------------------
હરિ ૐ. હું રવિન્દ્રસિંહ બેનખળે, સાંગલી ઉપાસના કેન્દ્ર. ‘વ્યંકટેશ સપ્તકોટિ જપ’ ઉત્સવ વખતે બાપુને જોતાવેંત જ, આ જ મારા સર્વસ્વ છે એવી મને ખાતરી થઈ અને હું પૂર્ણપણે બાપુનો જ થઈ ગયો. વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૬ સુધી અનેક સુખ-દુઃખ જોયા અને અનેક સંકલ્પ-વિકલ્પોમાંથી બહાર આવ્યો. પણ મારા દરેક સુખમાં અને દુઃખમાં મારા બાપુ મારી સાથે જ હતા. તેમના જ કારણે આજે મારા જીવનનું સાચા અર્થમાં સોનું બન્યું છે તથા હું અને મારો પરિવાર સુખી છીએ.
હું એક કરિયાણા સ્ટોરનો વેપારી છું. આ આધુનિક યુગમાં કરિયાણા સ્ટોરની સ્પર્ધામાં અનેક મોલ્સ આવી ગયા છે, જેમાં બધી જ આવશ્યક વસ્તુઓ એક જ છતની નીચે મળી જાય છે. આપણે આ સ્પર્ધામાં ટકી રહેવું હોય તો બાપુએ કહ્યા પ્રમાણે કાળની સાથે ચાલવું જોઈએ. હું પણ સોશિયલ મીડિયાનો આધાર લઈને તે જ રીતે બદલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પણ તે છતાં કેટલીક બાબતોમાં મને ઉણપ વર્તાતી હતી. આ મોલ્સની સ્પર્ધામાં ટકી રહેવું મને ખૂબ અઘરું લાગતું હતું.
પણ જ્યાં બાપુ છે ત્યાં નકારાત્મકતા ક્યારેય હોઈ જ શકે નહીં. કોઈ બાબતમાં ઉણપ ક્યારેય વર્તાઈ જ શકે નહીં. આપણા સદ્ગુરુ બાપુ એ કાળથી ઘણા આગળ છે. જો આપણા 'ડેડ' કાળથી પણ આગળ છે તો આપણે તેમના બાળકો પાછળ કેવી રીતે રહી શકીએ? બાપુ જે કંઈ કરે છે તે તેમના બાળકોના હિત માટે જ હોય છે. મારી બાબતમાં પણ કંઈ એવું જ બન્યું. બાપુએ જ ધીમે ધીમે મારા જીવનમાં સુખના દ્વાર ખોલી આપ્યા. આ કેવી રીતે બન્યું તે હું મારા આગળના અનુભવમાં રજૂ કરીશ.
સાંગલીમાં અમારું એક મિત્રોનું ગ્રુપ છે. એકવાર અમે ભેગા થયા હતા ત્યારે એક મિત્ર બોલ્યો, ‘‘કર્વે, એમ.આઈ.ડી.સી. માં આપણે બધા ભેગા મળીને એક પ્લોટ લઈએ. દરેક વ્યક્તિએ રૂ. ૪૦,૦૦૦/- ભેગા કરવાના છે.’’ તે સમયે રૂ. ૪૦,૦૦૦/- પણ મારા માટે ખૂબ મોટી રકમ હતી.
મારી પૈસાની સગવડ થઈ ગઈ અને અમે બધાએ સાથે મળીને પૈસા તેને સોંપી દીધા. આગળ આનંદની વાત એ છે કે ૨૦૧૨ માં બાપુ કૃપાથી અમારું પ્લોટ લેવાનું સપનું પૂરું થયું. પ્લોટ તો લીધો, પણ આગળ શું? ૨૦૧૨ થી ૨૦૧૫ સુધી અમે કંઈ જ કર્યું નહીં. પણ બાપુ અમારા માટે ધીમે ધીમે બધું જ બરાબર કરી રહ્યા હતા.
મારો કહેવાનો મતલબ એ છે કે અમારા ચાર મિત્રોમાંથી એક મિત્ર વ્યવસાયિક ક્ષેત્રે થોડો અનુભવી હતો. તેના ‘સ્ટેફલોન ઇન્ડસ્ટ્રીઝ’ના બે કારખાનાઓ હતાં. તે અનુભવી હોવાથી તેણે અમારી સામે એક પ્રસ્તાવ મૂક્યો કે આપણે ચારેય મળીને એક કારખાનું નાખીએ. આ પ્રોજેક્ટ માટે અંદાજે દોઢ થી બે કરોડની સગવડ કરવાની હતી. દરેકે પાંચ લાખ કાઢવાનું નક્કી થયું. થોડું જોખમનું કામ હતું. પણ બાપુને જ સ્મરીને મેં આ કરવાનું નક્કી કર્યું. વિશ્વાસ હોય તો આપણું કાર્ય સરળતાથી પાર પડે જ છે. તે જ પ્રમાણે અમારો એક મિત્ર, જે દુબઈ સ્થાયી થયેલ છે, તેણે અમને વ્યાજ વગર ૪૦ લાખની મોટી રકમ આપી. અણધારી રીતે તેણે મોટી રકમ રોકી હોવાથી અમે તેને અમારા વ્યવસાયમાં ‘સ્લીપિંગ પાર્ટનર’ તરીકે લીધો.
બાપુને કારણે જ આ વ્યવસાય ઊભો થયો અને આજે એમ.આઈ.ડી.સી. માં દોઢ થી બે કરોડનું અમારું કારખાનું શરૂ થયું... એ પણ પૂરા નફામાં! બાપુએ જ આ કાર્ય સિદ્ધ કર્યું. કાળ પ્રમાણે જ મારામાં બદલ ઘડાયો અને એક કરિયાણા સ્ટોર પરથી આજે હું એક મોટા કારખાનાનો માલિક બન્યો. આપણે કંઈ જ નથી કરતા, આપણો આ ચાલક, આ માલિક એકમાત્ર તે ‘અનિરુધ્ધ’ જ આપણા સર્વાંગી વિકાસ માટે મહેનત કરતો હોય છે. ગ્રેજ્યુએટ થતાં પહેલા જ મારા દીકરાને પણ અમારા જ કારખાનામાં કામ કરવાની તક મળી. હવે હું મારી આંગળીનો એક નાનો અનુભવ તમને બધાને જણાવીશ.
એક દિવસ કારખાનામાં એક પ્રેસ મશીન પર હું કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક મારી આંગળી તે પ્રેસ મશીનમાં ફસાઈ ગઈ. આપણી આંગળીમાં હાડકાનો જ ભાગ વધુ હોવાથી, હાડકાને ઈજા થવાની શક્યતા વધુ હતી. પણ બાપુની કૃપાથી હાડકાને કંઈ જ ઈજા થઈ નહીં. મારી આંગળીમાં ૧૯ ટાંકા આવ્યા. ડોક્ટરે કહ્યું, ‘‘ભગવાનની કૃપાથી તમારી આંગળીનું હાડકું સલામત છે.’’ વિચાર કરો, જો ૧.૨૫ ટનના પ્રેસ મશીનમાં આંગળી ફસાય, તો આંગળીની શું હાલત થવી જોઈએ? ત્યાં કામ કરતા અન્ય કર્મચારીઓ અને મારા મિત્રો પણ આશ્ચર્યચકિત બની ગયા.
પણ મને ખબર હતી કે મારા સદ્ગુરુ જ મારા રક્ષક છે. તેમને કારણે જ માત્ર ૧૯ ટાંકામાં કામ પતી ગયું. તે કંઈ પણ કરી શકે છે તેમના પર મને પૂર્ણ વિશ્વાસ છે. ત્યારબાદ તે વર્ષે આ અવસ્થામાં પણ હું કોલ્હાપુર મેડિકલ કેમ્પમાં સેવા માટે જઈ શક્યો.
મોટા વ્યવસાયનું કંઈ પણ જ્ઞાન ન હોવા છતાં, હાથમાં વધુ મૂડી ન હોવા છતાં, બધી વ્યવસ્થિત સગવડ થઈને, આજે કરિયાણા સ્ટોર પરથી મારું પોતાનું એક કારખાનું ઊભું થયું. દીકરાના ભવિષ્યની ચિંતા પણ મટી ગઈ. આંગળીના પ્રસંગમાંથી પણ બચી ગયો અને બાપુના કાર્યમાં સેવા કરવાની તક પણ મળી. બાપુ ભક્તિ અને સેવાનો મારો આ પ્રવાસ ખૂબ જ સહજતાથી શરૂ થયો. બાપુએ જ મારી બધી સમસ્યાઓ દૂર કરી અને સમયે સમયે મને મદદ કરીને મારા જીવનને એક સુંદર વળાંક આપ્યો અને જીવન સુંદર બનાવ્યું.
|| હરિ ૐ || શ્રીરામ || અંબજ્ઞ || નાથસંવિધ ||

Comments
Post a Comment