૨ મહિનાના બાળકને સ્વાઇન ફ્લૂ, અનિરુદ્ધ બાપુએ બચાવ્યું અમિત સિંઘલ, દિલ્હી

૨ મહિનાના બાળકને સ્વાઇન ફ્લૂ, અનિરુદ્ધ બાપુએ બચાવ્યું  અમિત સિંઘલ, દિલ્હી

હું અમિત સિંઘલ. દિલ્હીનો રહેવાસી છું. વ્યવસાયે આર્કિટેક્ટ છું. બિલ્ડીંગ ડિઝાઇન કરું છું. મોટા મોટા કોમ્પ્લેક્સ ડિઝાઇન કરું છું. વર્ષ ૨૦૦૫-૨૦૦૬માં પરમપૂજ્ય સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ વિશે પહેલીવાર મને મારા સાળા ડૉ. અજય રાઘવ પાસેથી જાણવા મળ્યું. સદ્‌ગુરુકૃપાથી તેમનો દીકરો બ્લડ કેન્સરમાંથી કેવી રીતે બચ્યો, આ બધું જાણતો હોવા છતાં પણ મેં બાપુ પર વિશ્વાસ ન કર્યો. પણ મારી પત્ની બાપુને માનવા લાગી હતી. બાપુ વિશે જાણ્યા પછી બાપુનો ફોટો અમારા ઘરે આવ્યો હતો. ૧૦ વર્ષથી શ્રીસાંઈની ભક્તિ અમારા ઘરમાં હતી, પણ મારું મન પોતે એ સદ્‌ગુરુતત્વને બીજા રૂપમાં માનવા તૈયાર ન્હોતું થતું.

૨૦૧૦ની વાત છે. ૩૦ ઓક્ટોબર ૨૦૦૯ના રોજ મારા ઘરે દીકરી જન્મી. મારે એક મોટી દીકરી છે અને આ નાની દીકરી. વર્ષ ૨૦૦૯માં બધે સ્વાઇન ફ્લૂનો રોગચાળો ફેલાયેલો હતો. દીકરીને ક્યારેક ખાંસી આવે તો મનમાં ડર લાગતો કે ક્યાંક સ્વાઇન ફ્લૂ તો નથી ને. શાળામાં પણ સ્વાઇન ફ્લૂનો બહુ ડર હતો. જો મોટી દીકરીને ખાંસી થાય તો જ્યાં સુધી પૂરી ખાતરી ન થાય કે તે પૂરી રીતે સાજી થઈ ગઈ છે, ત્યાં સુધી એ ત્રણ-ચાર દિવસ હું તેને લઈને બાજુના રૂમમાં સૂતો હતો. તાવ ઊતરે એટલે ફરી અમે બધા એકસાથે સૂતા. આવી રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા.

ડિસેમ્બર ૨૦૦૯માં મોટી દીકરીને ફરી ખાંસી આવવાની શરૂ થઈ ગઈ અને તાવ ભરાયો. ત્રણ-ચાર દિવસ થઈ ગયા. ડૉક્ટરને પૂછ્યું કે 'ડૉક્ટર, સ્વાઇન ફ્લૂ તો નથી ને?' ડૉક્ટરે કહ્યું, 'તાવ મટી રહ્યો છે એટલે સ્વાઇન ફ્લૂ નથી. હવે દીકરી ઠીક છે, નોર્મલ છે.' ચાર દિવસ રાહ જોઈ અને ફરી તેને લઈને હું મારી નાની દીકરી સાથે અમે એક જ રૂમમાં સૂવા લાગ્યા. મનમાં ઈચ્છા હતી કે એકવાર સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ કારણ કે પોતાના બાળકોને તો બધા જ પ્રેમ કરતા હોય અને તેમને કંઈ ન થાય એવી જ ઈચ્છા હોય છે.

તેથી દીકરીનો તાવ ઊતરી ગયો હતો, છતાં જાણવાની ઈચ્છાથી ટેસ્ટ કરાવ્યો. સાંજે પાંચ વાગ્યે રિપોર્ટ આવ્યો, તેમાં સ્વાઇન ફ્લૂ 'પોઝિટિવ' હતો!

સ્વાઇન ફ્લૂ 'પોઝિટિવ' જોઈને હાથપગ ઠંડા પડી ગયા. હવે શું કરવું? તરત જ મોટી દીકરીને લઈને અમે ડૉક્ટર પાસે દોડ્યા. ડૉક્ટરે રિપોર્ટ જોઈને 'ટેમી ફ્લૂ' નામની દવા લખી આપી. ડૉક્ટરે પૂછ્યું, 'બીજું કોણ કોણ પેશન્ટના સંપર્કમાં આવ્યું છે?' અમે જણાવ્યું કે હું, મારી પત્ની, તેના મામા અને મારી ૨ મહિનાની નાની દીકરી સંપર્કમાં આવ્યા છીએ. આ સાંભળીને ડૉક્ટરે મને, પત્નીને અને તેના મામાને પણ ટેમી ફ્લૂની ગોળી લખી આપી. નાની દીકરી વિશે પૂછ્યું તો ડૉક્ટરે જણાવ્યું કે 'એક વર્ષની અંદરના બાળકને આ દવા આપવી મેડિકલી શક્ય જ નથી.' આ સાંભળીને મેં ડૉક્ટરને રડમસ અવાજે વિનંતી કરી કે 'ડૉક્ટર, નાની દીકરી માટે પણ કોઈ દવા આપોને; નહીં તો એનું શું થશે?' ત્યારે ડૉક્ટરે કહ્યું, 'આને હવે ફક્ત એક ભગવાન જ બચાવી શકે છે. તેમને જ વિનંતી કરો. હું એને માટે કોઈ દવા લખીને નહીં આપી શકું.'

મોટી દીકરીની તબિયત બગડતી જતી હતી એટલે તેને લઈને હું દવા લેવા હોસ્પિટલમાં ગયો. આખી દિલ્હી ફર્યો, પણ ક્યાંય ટેમી ફ્લૂની ગોળી ન મળી. છેવટે સાંજે ૬.૦૦ વાગ્યે અપોલો હોસ્પિટલમાં ગયો. અપોલો હોસ્પિટલની કેમિસ્ટ પાસે આ દવાઓ હતી, પણ ત્રણ જ બોટલ હતી અને 'તે હોસ્પિટલના પેશન્ટ્સ માટે છે' એમ કહીને તેણે દવા આપવાની ના પાડી. મેં તેમને ખૂબ વિનંતી કરી કે મારી દીકરીને દવાઓની અત્યંત જરૂર છે, પણ તેણે દવાઓ ન આપી કારણ કે તે દવાઓ માત્ર હોસ્પિટલ માટે જ હતી. સુન્ન થઈને બહાર આવ્યો અને જોયું તો દીકરીના મોઢામાંથી, કાનમાંથી પાણી નીકળવા લાગ્યું હતું. તાવ ૧૦૬ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો! પત્ની કારમાં બેસીને રડી રહી હતી. તે રડતા રડતા જ બોલી,'તમે દવા કેમ ન લાવ્યા? નથી આપતા તો તમે ઝૂંટવીને લઈ આવો.' પણ હું કેમિસ્ટમાંથી દવા કેવી રીતે ઝૂંટવીને લાવું?

હવે અમારા તમામ માનવીય પ્રયત્નો પૂરા થઈ ગયા હતા. હવે જે થાય તે હતાશ થઈને જોવું જ માત્ર અમારા હાથમાં હતું. ત્યારે પત્નીએ પહેલીવાર મને કહ્યું કે 'હવે તો સદ્‌ગુરુને માનો. એકવાર બાપુને કહો, બાપુને હાથ જોડીને સાચા મનથી બાપુનું ધ્યાન ધરીને કહો.' મારી આંખો સામે દીકરીનો જીવ ધીમે ધીમે જતો જોઈને, પહેલીવાર મેં બાપુને મનોમન કહ્યું, 'બાપુ, હવે તમે જ બચાવો આને.' આટલું બાપુને મનમાં હું બોલું ન બોલું, ત્યાં જ તરત મોબાઈલની ઘંટડી વાગી. જે ડૉક્ટર પાસે દીકરીનું ચેકઅપ કરાવ્યું હતું, તે જ ડૉક્ટરનો ફોન હતો. ડૉક્ટરે મને પૂછ્યું, 'દીકરીને દવા આપી?' મેં જણાવ્યું, 'ના ડૉક્ટર; આખી દિલ્હી શોધીને થાકી ગયો, પણ ક્યાંય દવા મળી રહી નથી.' ડૉક્ટરે મને પૂછ્યું, 'હમણા તમે ક્યાં છો?' ત્યારે મેં તેમને અત્યારે હું અપોલો હોસ્પિટલની બહાર હોવાનું જણાવ્યું. તો ડૉક્ટરે કહ્યું, 'તમે પાછા અંદર જાઓ. ત્યાં તમે તમારું નામ કહેજો, પેલા કેમિસ્ટવાળાએ તમારી માટે દવા રાખી છે.'

આ સાંભળીને મારો વિશ્વાસ જ ન બેઠો. હજુ બે મિનિટ પહેલાં આટલી વિનંતીઓ કરીને, હાથ-પગ જોડીને પણ જે કેમિસ્ટવાળો મને દવા ન્હોતો આપી રહ્યો, મને ધક્કો મારીને બહાર કાઢી રહ્યો હતો, તેની પાસે હવે શા માટે પાછા જવું જોઈએ? પણ છતાંય એ ડૉક્ટર કહે છે એટલે અને એક આશા સાથે પાછો હું કેમિસ્ટમાં ગયો. ....અને શું કહું તમને, જે કેમિસ્ટવાળો બે મિનિટ પહેલાં દવા આપવા તૈયાર ન્હોતો, તેને જ્યારે મેં હવે ફરીથી કહ્યું કે 'મારે ટેમી ફ્લૂની ગોળી જોઈએ છે', ત્યારે તેણે મને નામ પૂછ્યું....અને મેં નામ જણાવતા જ, પાંચ મિનિટ પહેલાં દવા આપવાની ના પાડનાર માણસે જ મને ટેમી ફ્લૂની દવાની બોટલ કાઢીને આપી! એ બોટલ હાથમાં આવી છતાંય મને વિશ્વાસ ન્હોતો બેસતો. હું પત્નીના કહેવાથી મનમાં બાપુને પ્રાર્થના કરું છું શું, એટલામાં પેલા ડૉક્ટરનો ફોન આવે છે શું અને પાંચ મિનિટ પહેલાં મને 'દવા નહીં આપું' એમ કહેનાર કેમિસ્ટવાળો દવાની બોટલ મારા હાથમાં આપે છે શું! આ બધું જ મારા માટે અકલ્પ્ય હતું....

મેં બહાર આવીને દીકરીને દવા આપી. દસ મિનિટમાં દવાની અસર થવા લાગી. દીકરીની તબિયતમાં ફરક પડવા લાગ્યો. કાન-નાકમાંથી આવતું પાણી બંધ થઈ ગયું. તાવ પણ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. અમે પાછા ઘરે જવા નીકળ્યા. હવે મગજ જરા શાંત થવાથી આ છેલ્લી પંદર મિનિટમાં બનેલી ઘટનાઓ પર વિચાર કરવા લાગ્યો ત્યારે સમજાયું કે એ ડૉક્ટરે મને ફોન કેવી રીતે કર્યો? હું તો પહેલી જ વાર એ ડૉક્ટર પાસે ગયો હતો. એ ડૉક્ટર પાસે તો મારો નંબર પણ નથી, તો પછી તેમણે મને ફોન કેવી રીતે કર્યો? આ વાત મગજમાં ચાલી રહી હતી, પણ મોબાઈલ લઈને તેમાં જોવાનું યાદ જ ન આવ્યું કે હું ચેક કરું કે કોનો ફોન હતો? કયો નંબર હતો? મોબાઈલ પર તો બધા જ કોલ રજિસ્ટર થતાં જ હોય. કારણ કે ઘરે જવાની ઉતાવળ હતી. ઘરે નાની દીકરીને મૂકીને આવ્યા હતાં તેને જોવાની ઉતાવળ હતી.

ઘરે પહોંચીને જોયું, તો નાની દીકરી રમી રહી હતી અને એકદમ મજામાં હતી. મોટી દીકરીનો ટેસ્ટ કરાવ્યો ત્યારે મેં મારો અને પત્નીના પણ ટેસ્ટ કરાવ્યા હતા. રાત્રે ૮ વાગ્યે રિપોર્ટ આવ્યા તો પત્નીનો રિપોર્ટ પણ 'સ્વાઇન ફ્લૂ પોઝિટિવ'! હવે હાથમાંથી બધું જ સરકી રહ્યું છે એવું લાગવા માંડ્યું, કારણ કે ૨ મહિનાની નાની દીકરી તેની માતાનું જ દૂધ પીતી હતી અને જે દીકરી 'સ્વાઇન ફ્લૂ પોઝિટિવ' માતાનું દૂધ પીતી હોય તેને તો સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવવાનો જ હતો. હવે શું કરવું? કોઈ જ રસ્તો સૂઝતો ન્હોતો.

પત્નીએ મને બીજી વાર ફરીથી કહ્યું કે તમે મુંબઈ પૂજ્ય સમીરદાદાને ફોન કરો. ત્યારે પહેલીવાર ઉત્તરાખંડના રૂરકીથી, ડૉ. અજય રાઘવ પાસેથી સમીરદાદાનો ફોનનંબર લીધો. દાદાને ફોન કર્યો - 'દાદા, શું કરું? નાની દીકરી માટે દવા પણ નથી અને સ્વાઇન ફ્લૂની શક્યતા પણ વધારે છે.' દાદાએ જણાવ્યું કે હું અડધા કલાકમાં બાપુને પૂછીને તમને જણાવું છું. રાતના ૧૦ વાગ્યા હતા; ૧૦.૩૦ વાગ્યે દાદાને ફરી ફોન કર્યો. દાદાએ જણાવ્યું કે,'દીકરીને ખોળામાં લઈને તેના માતા-પિતા નિરંતર હનુમાનચાલીસાના પાઠ કરો.' અહીં પત્નીને પણ સ્વાઇન ફ્લૂ હતો અને મોટી દીકરીને પણ જોવાની હતી. અમે ઘરમાં ચાર જ જણા હતા અને હવે નાની દીકરીને ખોળામાં લઈને હનુમાનચાલીસાના પાઠ કેવી રીતે કરવા?

પછી દીકરીઓના મામા ડૉ. અજય રાઘવને દિલ્હી બોલાવી લીધા. ડૉ. અજય રાઘવ અને તેમનાં પત્ની સવિતા રાઘવ ૧૦.૩૦ વાગ્યે રૂરકીથી નીકળ્યા તે ૨.૦૦ વાગ્યે દિલ્હી પહોંચ્યા. ૨.૦૦ વાગ્યે નાની દીકરીને તેમને સોંપી. તેઓ તેમના રહેવાના સ્થળે તેને લઈને ગયા. તેમણે પણ હનુમાનચાલીસાના પાઠ શરૂ કર્યા. વહેલી સવારે ૩.૦૦ વાગ્યે તેમનો ફોન આવ્યો કે આનો તાવ વધી રહ્યો છે. નાની દીકરી જે અત્યાર સુધી ઠીક હતી, તેનામાં પણ સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાવા લાગ્યા. નાક-મોઢામાંથી પાણી આવવાનું શરૂ થઈ ગયું અને તાવ વધવા લાગ્યો. દાદા સાથે વાત કરી, તો દાદાએ હનુમાનચાલીસાના પાઠ નિરંતર ચાલુ રાખવા જણાવ્યું. બધા સગાં-વહાલાંને જણાવ્યું કે 'આના માટે હનુમાનચાલીસાના પાઠ કરો.’ આમ હનુમાનચાલીસાના નિરંતર પાઠ શરૂ કર્યા. ડૉ. રાઘવ અને તેમનાં પત્ની નાની દીકરીને ખોળામાં લઈને પાઠ કરી રહ્યાં હતાં, તો અમે મોટી દીકરીને લઈને હનુમાનચાલીસાના પાઠ કરી રહ્યાં હતાં.

નવ વાગ્યે કોઈપણ દવા વગર નાની દીકરીનો તાવ ઊતરવાની શરૂઆત થઈ અને છેવટે તાવ પૂરેપૂરો ઊતરી ગયો! આ કોઈ પણ મેડિકલ સાયન્સમાં બંધબેસતું ન્હોતું.

પાંચ દિવસનો ટેમી ફ્લૂનો કોર્સ હતો. પાંચ દિવસ પછી ડૉક્ટર પાસે પાછા ગયા ત્યારે ડૉક્ટરે સૌથી પહેલાં નાની દીકરીની પૂછપરછ કરી. ડૉક્ટરે પૂછ્યું, 'તમારી નાની દીકરી કેવી છે?' અમે ડૉક્ટરને જણાવ્યું, 'ડૉક્ટર, હવે તે એકદમ ઠીક છે. તેને કંઈ જ નથી થયું.' ત્યારે ડૉક્ટરે પણ આ કોઈ ઈશ્વરીય ચમત્કાર હોવાનું કહ્યું. તેમણે કહ્યું, 'અમારા મેડિકલમાં આનો કોઈ જ જવાબ નથી. જે ૨ મહિનાના બાળકે સ્વાઇન ફ્લૂ થયેલી તેની માતાનું ધાવણ પીધું છે; સ્વાઇન ફ્લૂ થયેલી તેની બહેનના સહવાસમાં આવ્યું છે; તે બાળક બચી ગયું, સુરક્ષિત છે, આ મેડિકલી શક્ય જ નથી.'

આ અમારા માટે તે સદ્‌ગુરુતત્વનો પહેલો મોટો અનુભવ હતો. હવે જીવનમાં એટલા બધા અનુભવો આવ્યા હતા અને તેમના વિશે એટલી બધી વાતો થતી હતી કે બાપુને માનવાની શરૂઆત કરી દીધી. પણ 'હું બાપુને માનું છું' એ ખુલ્લેઆમ કહેવામાં હજુ પણ શરમ આવતી હતી. પત્ની પૂછતી, 'હવે તો બાપુને માનો છો ને? હવે તો પૂજા કરો છો ને?' પણ ત્યારે હું છૂપાઈને બાપુની આરાધના કરતો હતો. ગાયત્રી મંત્ર વાંચવાની શરૂઆત કરી હતી. જોકે સામેથી કોઈ બાપુ વિશે કહે તો હજુ પણ બાપુને માનવાનો ઈન્કાર કરતો હતો, પણ મનોમન વિશ્વાસ હતો કે 'હા, આ મારા માટે જાણે મારા સદ્‌ગુરુ જ છે'!

હવે માર્ચ ૨૦૧૦ની વાત છે. નાની દીકરી, જે સ્વાઇન ફ્લૂમાંથી બચી ગઈ હતી, તેને એક દિવસ અચાનક ખેંચ આવી. એપિલેપ્સીનો એટેક આવ્યો. ખેંચના એટેકમાં બાળકના આખા શરીરમાં જોરજોરથી ઝણઝણાટી થાય છે. વિશ્વાસ ન્હોતો બેસતો કે આ 'ખેંચ' છે. મન માનવા તૈયાર ન્હોતું. એવું લાગ્યું કે આ કોઈ ડરના કારણે થયું છે અથવા ભૂત-પ્રેતાત્માનો પ્રભાવ છે. તેને લઈને બે-ત્રણ મંદિરોમાં ગયા, પણ કોઈ ફરક ન પડ્યો. છેવટે ત્રીજા દિવસે તેને લઈને ડૉક્ટર પાસે ગયા.

ડૉક્ટરે જણાવ્યું કે 'આ ખેંચ છે. આને આંચકીના એટેક આવી રહ્યા છે.' આંચકીનું નામ સાંભળીને મારા તો પ્રાણ જ નીકળી ગયા હોય એવું લાગ્યું. ડૉક્ટરે દવાઓ શરૂ કરી અને તે દવાઓની આડઅસર પણ જણાવી, પણ દવાઓ શરૂ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન્હોતો. દવાઓ શરૂ કરી. ૧૦ દિવસ તેને હોસ્પિટલમાં રાખી, પણ ખેંચ આવવાનું કંઈ બંધ ન્હોતુ થતું. ખેંચ તો તેને વારંવાર આવતી જ હતી. ધીમે ધીમે તેની ખેંચ જોવાની પણ ટેવ પડી ગઈ!

૨ મહિના દવાઓ ચાલુ હતી. ખેંચ આવતી જ હતી. દિવસમાં પાંચ ખેંચ આવતી. પાંચ પરથી છ; છ પરથી સાત એવી ખેંચની સંખ્યા વધતી જ ગઈ. ત્રણ મહિના પછી એટલે કે એપ્રિલ ૨૦૧૦માં એક વ્યક્તિના કહેવાથી અમે ભારતના આ વિષયના સૌથી મોટા ડૉક્ટર, ડૉક્ટર સબ્રવાલ પાસે ગયા. ડૉ. સબ્રવાલે તપાસીને જણાવ્યું કે 'ત્રણ દિવસ પછી આપણે આનું બ્રેઈન મેપિંગ કરીશું. EEG કરાવીશું. મને કંઈક શંકા જાય છે.'

ત્રણ દિવસ પછી સવારે ૭ વાગ્યે દીકરીને લઈને અમે ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે સવારે ૭.૦૦ વાગ્યે મગજનું EEG કર્યા પછી સવારે ૮.૦૦ વાગ્યે ડૉક્ટરના ટેબલ પર રિપોર્ટ આવ્યો. સવારે ૮.૦૦ વાગ્યે હું અને મારી પત્ની નાની દીકરીને લઈને ડૉક્ટરની કેબિનમાં ગયા. ડૉક્ટરે રિપોર્ટ વાંચ્યો અને કહ્યું, 'હું તમને એકદમ સાદી ભાષામાં સમજાવું છું કે તમારી દીકરીને 'કાર્ટોજેનિક ઈન્ફર્ટાઈલ સ્પાઝમ'નો પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમમાં ૯૦% શક્યતા છે કે તમારી દીકરી સાજી નહીં થાય. એ ક્યારેય બેસી નહીં શકે, ચાલી નહીં શકે કે બોલી નહીં શકે.'

ડૉક્ટરનું એક-એક વાક્ય સાંભળીને અમે વધુ ને વધુ લાચારી અનુભવી રહ્યા હતા. હું અને મારી પત્ની ત્યાં જ રડવા લાગ્યા. ડૉક્ટરે કહ્યું,'તમે રડો નહીં! હું સ્પષ્ટ જ કહું છું કે. હવે આ રોગને કાબૂમાં રાખવા માટે મેડિકલમાં એક જ ગોળી છે, તેને અમે 'સ્ટીરોઈડ' કહીએ છીએ. આના માટે બીજી કોઈ પણ દવા મારી પાસે નથી.' ડૉક્ટરે તે ગોળી લખી આપી. જોકે ડૉક્ટરે જણાવ્યું કે એકવાર સ્ટીરોઈડ આપવાનું શરૂ કર્યા પછી તમે તેને અડતા પણ નહીં, કારણ કે સ્ટીરોઈડ શરીરને એટલું અશક્ત, નાજુક બનાવી દે છે કે તેના ગાલ મોટા થઈ શકે છે, આંખો બહાર આવી શકે છે. તમે તેનો હાથ ખેંચશો તો હાથ નીકળીને બહાર આવી શકે છે. તેની આંગળી બહાર આવી શકે છે, પણ મારી પાસે આ દવા સિવાય બીજી કોઈ દવા નથી. તમારે આ દવા આપવી જ પડશે.'

ડૉક્ટરને ફરી હાથ જોડીને પૂછ્યું, 'ડૉક્ટર, તમે બરાબર ચેક કર્યું છે ને?' ડૉક્ટરે કહ્યું, 'પેપર્સ તમારી સામે છે.' પેપર લઈને ડૉક્ટરની કેબિનમાંથી અમે બહાર આવ્યા. પત્ની ધ્રૂસકે ને ધ્રૂસકે રડી રહી હતી. બધું હાથમાંથી સરકી રહ્યું હતું. ડૉક્ટરે આગળ જણાવ્યું હતું કે તમારી દીકરી ચાલી નહીં શકે, તે આખી જિંદગી માટે અપંગ થઈ ગઈ છે.' પત્ની બોલી, 'તમે સુચિતદાદા સાથે વાત કરો. હવે બાપુ જ એક આધાર છે.' ડૉ.લિનમ, જે દાદાના ક્લિનિકમાં હોય છે તેમની સાથે ૧૧.૦૦ વાગ્યે વાત થઈ. તેમણે દીકરીના પેપર્સ ફેક્સ કરવાનું કહ્યું. ડૉ.લિનમને પેપર્સ ફેક્સ કર્યા. તેમણે દાદાને બતાવી કહું છું એમ કહીને બપોરે ફરી ફોન કરવાનું કહ્યું. બપોરે ૧.૩૦ વાગ્યે ડૉ.લિનમ સાથે વાત કરી. ડૉ.લિનમે જણાવ્યું, 'દાદાએ કહ્યું છે કે આની નવી ટ્રીટમેન્ટ શરૂ કરો. દાદાએ તેને સ્ટીરોઈડ ટ્રીટમેન્ટ આપવામાં કોઈ વાંધો નથી એમ કહ્યું છે; તમે સ્ટીરોઈડ આપો.'

આ સમય દરમ્યાન અમે અમારા હંમેશના પીડિયાટ્રિશિયન અને ફેમિલી ડૉક્ટર વગૈરેની સલાહ પણ લઈ રહ્યા હતા. બધા એક જ વાત કહી રહ્યા હતા કે 'સ્ટીરોઈડ નહીં આપતા. ચાર મહિનાની દીકરીને જો તમે સ્ટીરોઈડ આપશો તો તેને કાયમી અપંગતા આવવાની જ છે; પરંતુ નહીં આપો તો અપંગતા ન આવવાની થોડી તો શક્યતા છે. એકવાર સ્ટીરોઈડ આપ્યા પછી શરદી, ખાંસી, તાવની કોઈ જ દવાઓ કામ નહીં કરે.' આટલું બધું સાંભળ્યા પછી સ્ટીરોઈડ આપવાની મારી હિંમત ન્હોતી થતી. દાદાએ કહ્યા પછી પણ મેં સ્ટીરોઈડ ન આપી. આખો દિવસ તેને લઈને ફરી રહ્યો હતો. જે જે ડૉક્ટરોને મળ્યો, તે બધાએ જણાવ્યું, 'સ્ટીરોઈડ નહીં આપતા. ભવિષ્યમાં આ દીકરીને તાવ આવ્યો, ખાંસી થઈ તો તમે શું કરશો?'

તે કઠોર, પણ તેમની દ્રષ્ટિએ વ્યાવહારિક શબ્દો સાંભળીને માથા પર વીજળી પડી હોય એવું લાગ્યું. મગજમાં એ જ ચાલી રહ્યું હતું. અને ન આપી તેને સ્ટીરોઈડ. પણ હવે તેને દિવસમાં જે ૧૦ ખેંચ આવતી, તે વધતી જતી હતી. બીજા દિવસે તે ૭૦ સુધી પહોંચી ગઈ. એવું કહેવાય છે કે બાળકને એક ખેંચ આવે, તો આપણું શરીર ૨૪ કલાકમાં જેટલું કામ કરે છે તેટલું કામ ૧ સેકન્ડની ખેંચમાં શરીર કરે છે; અને આવી ખેંચ તે ચાર મહિનાની દીકરીને દિવસમાં ૭૦ આવવા લાગી, તે વધીને ૧૦૦ સુધી પહોંચી ગઈ. ત્રીજા દિવસે તો ૨૫૦ સુધી પહોંચી ગઈ. હવે શું કરવું?

ત્યારે ફરી પત્નીએ કહ્યું કે 'એકવાર દાદા પર વિશ્વાસ રાખો અને આને દવા આપો.' દીકરીની એવી હાલત થઈ ગઈ હતી કે તે ધ્રૂજતી રહેતી હતી. ધ્રૂજતી વખતે તેની આંખોમાંથી પાણી આવતું અને પછી તે થાકીને સૂઈ જતી. દીકરી તરફ જોતાં જ આંખોમાં પાણી જ આવી જતું.

ચોથા દિવસે પત્નીએ કહ્યું કે તમે તેને દાદાએ ઓકે કરેલી દવા આપો, નહીંતર હું જાઉં છું. ત્યારે દાદા પર વિશ્વાસ રાખીને દીકરીને સ્ટીરોઈડ આપવાની શરૂઆત કરી. પરંતુ પાંચમા દિવસે ખેંચ ૩૦૦ સુધી પહોંચી ગઈ. સ્ટીરોઈડ ચાલુ રાખી. છઠ્ઠા દિવસે ૩૦૦ પરથી ૩૫૦ સુધી ખેંચ પહોંચી ગઈ. ન રહેવાતા છઠ્ઠા દિવસે મુંબઈ દાદાના ક્લિનિકમાં ફોન લગાવ્યો. રાત્રે ૧૦.૦૦ વાગ્યે ડૉ.લિનમની મદદથી દાદા સાથે વાત કરી. દાદા બોલ્યા, 'કંઈ ચિંતા ન કરો, તમે તેની ટ્રીટમેન્ટ ચાલુ રાખો. જે થઈ રહ્યું છે તે થવા દો. માત્ર ભગવાન પર વિશ્વાસ રાખો અને તેની સ્ટીરોઈડની ગોળીઓ ચાલુ રાખો.' દાદાના શબ્દો સાંભળીને ટેન્શન થોડું ઓછું થયું.

અમને ડૉક્ટરે કહ્યું હતું કે આની ખેંચની નોંધ રાખો. પછી 'એક દિવસમાં તેને કેટલી ખેંચ આવે છે? કેટલા સમય માટે આવે છે' તેની અમે ડાયરીમાં નોંધ રાખતા હતા. દીકરીની બાજુમાં ડાયરી રાખેલી રહેતી. મારી પત્નીને પૂછવાની હિંમત ન્હોતી થતી કે દીકરીને દિવસભરમાં કેટલી ખેંચ આવી અને તેની પણ હિંમત ન્હોતી થતી મને કહેવાની કે દિવસભરમાં કેટલી ખેંચ આવી. ઓફિસથી આવ્યા પછી ડાયરી ખોલીને જોતો કે દિવસભરમાં કેટલી ખેંચ આવી. દીકરીની સામે જોઈને રડવું જ આવી જતું. અને હું ડાયરી બંધ કરીને મૂકી દેતો.

છઠ્ઠા દિવસે રાત્રે દાદા સાથે વાત કર્યા પછી સાતમા દિવસે સાંજે ઓફિસથી ઘરે આવ્યો....રોજની જેમ ડાયરી ખોલી....ડાયરીમાં એક પણ ખેંચની નોંધ ન્હોતી. મને લાગ્યું કે પત્ની નોંધ કરવાનું ભૂલી ગઈ. પણ પત્નીને પૂછવાની હિંમત ન થઈ. મનમાં મિશ્ર ભાવનાઓ હતી, સાચું જાણવાની હિંમત ન્હોતી થતી કે ખરેખર આને આજે દિવસભરમાં એક પણ ખેંચ આવી નથી કે પત્ની નોંધ કરવાનું ભૂલી ગઈ?

બહાર આવ્યો; પત્ની બહાર બેઠી હતી. મનમાં વિચાર આવ્યો કે આને પૂછું, આજે ખેંચ આવી કે? પણ ન પૂછી શક્યો. બીજા દિવસે ફરી ઓફિસે ગયો. રાત્રે ઓફિસથી આવ્યા પછી રોજની જેમ ડાયરી ખોલી. ફરી ડાયરીમાં એક પણ નોંધ ન્હોતી. કેવી રીતે શક્ય છે? એવું ન બની શકે....આ કદાચ નોંધ કરવાનું ભૂલી રહી છે. પત્ની પર ખૂબ ગુસ્સો આવ્યો. બહાર આવીને તેને પૂછ્યું કે 'તું ૨ દિવસથી તેની ખેંચની નોંધ કેમ નથી રાખી રહી? ડૉક્ટર એના આધારે જ આગળની ટ્રીટમેન્ટ કરવાના છે.' પત્ની બોલી, '૨ દિવસથી આને ખેંચ આવી જ નથી, તો શું નોંધ કરું?'

હું તો સ્તબ્ધ જ થઈ ગયો....ત્યારે પહેલીવાર મેં અનુભવ્યું કે સદ્‌ગુરુનો પોતાના ભક્તો પર કેટલો પ્રેમ હોય છે, સદ્‌ગુરુના શબ્દોમાં કેટલી તાકાત હોય છે! એક મહિનો મારી દીકરીની ટ્રીટમેન્ટ ચાલી. આ એક મહિનામાં ન તેને તાવ આવ્યો ન ખાંસી; ખોળામાં લેવા પર તેનો હાથ નીકળી ન ગયો; ન તેનો ગાલ ફૂલીને બહાર આવ્યો, ન તેની આંખ! આ ફક્ત તે 'સદ્‌ગુરુ' જ કરી શકે છે. તેમના આશ્વાસન આપતા શબ્દોએ જ તેનું રક્ષણ કર્યું.

આગળ તેને એક મહિના પછી ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે તેને તપાસીને જણાવ્યું કે 'મારા જીવનનો આ પહેલો જ કિસ્સો છે અને કદાચ ભારતનો પણ આ પહેલો જ કિસ્સો છે કે સ્વાઇન ફ્લૂ થયેલું બાળક આજે એકદમ સાજું થઈને મારી સામે બેઠું છે.' બાળક હવે ધીમે ધીમે મોટું થઈ રહ્યું હતું. બાળપણમાં જ આટલા મોટા પ્રમાણમાં ખેંચ આવીને ગઈ હોવાથી બાળકની પ્રગતિ ધીમી ગતિએ ચાલી રહી હતી. દીકરી ૯ મહિનાની થઈ ગઈ હતી, પણ હજુ બેસી પણ ન્હોતી શકતી, તેને હજુ દાંત પણ ન્હોતા આવ્યા!

ડિસેમ્બર ૨૦૧૦માં તેને પહેલીવાર દાદાને બતાવવા, તેમના આશીર્વાદ લેવા મુંબઈ લાવ્યો. સવારે ૧૧ની આસપાસ દાદાને બતાવી. દાદાને જણાવ્યું, 'દાદા, હજુ આને દાંત નથી આવ્યા.' દાદા બોલ્યા - 'ડોન્ટ વરી. ભગવાન પર વિશ્વાસ રાખો, આ બધું કરી શકશે! આની બિલકુલ ચિંતા ન કરો, આ સદ્‌ગુરુ બાપુની કૃપાછત્ર હેઠળ જ છે.' દાદાના શબ્દો પર વિશ્વાસ રાખીને નીકળ્યા. બપોરે ૧.૦૦ વાગ્યે એરપોર્ટ પર પહોંચ્યા. બપોરે ૩.૦૦ વાગ્યે ફ્લાઇટ હતી. ત્યાં સેન્ડવિચ ખાઈ રહ્યા હતા. સેન્ડવિચ ખાતા ખાતા મોટી દીકરીએ કહ્યું, 'પાપા, આને પણ થોડી સેન્ડવિચ આપો.' એટલે મેં થોડોક સેન્ડવિચનો ટુકડો તેને ખવડાવ્યો. ત્યારે મારી આંગળીમાં કંઈક વાગ્યું. મને લાગ્યું કે ક્યાંક ભૂલથી મેં સેન્ડવિચ પેપર પર લાગેલી સ્ટેપલ પિન તો મોઢામાં નથી નાખી દીધી, એટલે તે કાઢવા મેં મોઢામાં આંગળી નાખી તો પિન ન્હોતી. પછી મને શું વાગ્યું એમ જોવા માટે જોયું તો દીકરીના ઉપરના અને નીચેના પેઢામાં સફેદ લાઇન ચમકી રહી હતી....દાંતની!

અહીં પણ પહેલી નજરે મને વિશ્વાસ જ ન્હોતો બેસતો, પણ ધ્યાનથી જોયું તો ખરેખર....દાંત જ હતા એ! આ એટલે તે સદ્‌ગુરુતત્વની અનંત કરુણાની હદ જ હતી. સવારે ૧૧.૦૦ વાગ્યે અમે દાદાને મળીને કહી રહ્યા હતા કે 'દાદા, આ ૯ મહિનાની થઈ ગઈ, તો પણ આને હજુ દાંત નથી આવ્યા અને પછીના બે કલાકમાં તેને ઉપર અને નીચે બે દાંત આવતા દેખાઈ રહ્યા હતા.

હું બૂમ પાડી ઊઠ્યો. પત્નીએ પૂછ્યું, 'શું થયું?' મેં કહ્યું, 'જો, આને દાંત આવી ગયા.' તે બોલી, 'શું કહો છો તમે, તમને ખોટો ભ્રમ થયો હશે!' પછી તેણે જાતે ખાતરી કરી ત્યારે ખરેખર દીકરીને ઉપર અને નીચે બે દાંત આવી રહ્યા હતા! હું, મારી મોટી દીકરી અને પત્ની ત્રણેય ત્યાં જ જમીન પર બેસી ગયા અને મનોમન દાદાને કહ્યું, 'દાદા, આ બધી બાપુની જ કૃપા છે.' ઘરે આવ્યા. ખૂબ ખુશ હતા. પણ મારા બાપુની અનંત કરુણા અહીં જ ખતમ નથી થતી. આગળ જુઓ - હવે દીકરી ૧૫ મહિનાની થઈ ગઈ હતી. માર્ચ ૨૦૧૧ની વાત છે. દાંત આવી ગયા હતા, પણ હજી સુધી બીજું કંઈ જ તે કરી ન્હોતી શકતી. અમે ફરી મુંબઈ આવ્યા. ફરી દાદાને બતાવી. દાદાને જણાવ્યું, 'દાદા, આ હવે દોઢ વર્ષની થઈ ગઈ છે, પણ હજુ બેસી શકતી નથી કે ચાલી શકતી નથી. દાદા, આ ક્યારે ચાલી શકશે? આ રીતે તો આ ખૂબ પાછળ રહી જશે?'

દાદા ફરી એ જ બોલ્યા, 'તેમના' પર વિશ્વાસ રાખો. આ દીકરીનું બધું સારું જ થવાનું છે. આના વિશે તમે નિશ્ચિંત રહો.' દાદાના આશીર્વાદ લઈને ફરી દિલ્હી આવ્યા. દિલ્હી આવ્યા પછી હું અને મારી પત્ની બહાર હોલમાં બેસીને ટી.વી. જોઈ રહ્યા હતા. બંને દીકરીઓ અંદર સૂતી હતી. અચાનક મોટી દીકરીએ જોરથી અમને બંનેને બૂમ પાડી. તે બૂમ સાંભળીને ડરીને અમે બંને દોડતા અંદર ગયા; ....જોઈએ છીએ તો શું? જે દીકરી અત્યાર સુધી બેસી પણ ન્હોતી શકતી, કંઈ કરી ન્હોતી શકતી, તે દીકરી પલંગ પરથી નીચે ઊતરીને ઊભી હતી. તેને આમ ઊભી રહેલી જોઈને મોટી દીકરીએ અમને બૂમ પાડીને બોલાવ્યા હતા. મને અને મારી પત્નીને જોઈને તે ત્રણ ડગલાં ચાલીને અમારા ખોળામાં આવી ગઈ. આ મારા સદ્‌ગુરુ બાપુની જ મારા પર કૃપા છે.

જે દીકરી વિશે ડૉક્ટરે કહ્યું હતું કે આ ક્યારેય બેસી નહીં શકે, ચાલી નહીં શકે, ઊભી નહીં રહી શકે, તે દીકરી દાદાને મળીને આવ્યા પછી ચાર કલાકની અંદર પોતાના પગ પર ઊભી રહીને ચાલી પણ હતી! એ દિવસથી સદ્‌ગુરુ બાપુ પરનો મારો વિશ્વાસ અડગ થઈ ગયો. હવે જ્યારે પણ અમે દીકરીને લઈને ડૉક્ટર પાસે જઈએ છીએ અને તેમને તેની પ્રગતિ વિશે પૂછીએ છીએ, ત્યારે તે ડૉક્ટર; જે ભારતના સૌથી પ્રખ્યાત પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટ છે, તે પૂછે છે - 'આને મુંબઈનું ઈન્જેક્શન લગાવવા ક્યારે લઈ જવાના છો? આ જ્યારે જ્યારે મુંબઈ જાય છે, ત્યારે જ તેની કંઈક પ્રગતિ થાય છે.' ખરેખર આ કોઈ યોગાનુયોગ પણ નથી, ચમત્કાર પણ નથી, એવું મને લાગે છે કારણ કે ચમત્કાર અથવા યોગાનુયોગ એકવાર થઈ શકે, બે વાર થઈ શકે; પણ વારંવાર ન થઈ શકે. આ માત્ર તે સદ્‌ગુરુતત્વની કૃપા જ હોઈ શકે! આપણો તેમના પર રહેલો વિશ્વાસ જ આપણી પર કૃપા કરે છે.



Comments

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ