શ્રીમંગલચંડિકાપ્રપત્તી એટલે શું?
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતી ‘શ્રીમંગલચંડિકાપ્રપત્તી’ શ્રદ્ધાવાન સ્ત્રીઓ માટે એક મહત્વપૂર્ણ અવસર છે. આદિમાતા ચંડિકાની પ્રપત્તી કરનાર સ્ત્રી પોતાની સાથે ઘર, સમાજ, દેશ અને ધર્મના રક્ષણ અને વિકાસ માટે સમર્થ બને છે. આ પ્રપત્તીમાંથી મળતા આત્મિક બળને કારણે સ્ત્રી કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર માટે સામર્થ્યથી ઊભી રહે છે. આ માહિતી સદ્ગુરુ શ્રી અનિરુદ્ધે સ્ત્રીઓની પ્રપત્તીનું મહત્વ જણાવતા એક પ્રવચનમાં આપી હતી.
‘રામરાજ્ય’ પ્રવચન અને પ્રપત્તીની ઘોષણા:
‘રામરાજ્ય’ આ મહત્વપૂર્ણ પ્રવચનમાં સદ્ગુરુ શ્રી અનિરુદ્ધે સ્ત્રીઓની ‘શ્રીમંગલચંડિકાપ્રપત્તી’ની ઘોષણા કરી. બાપુએ જણાવ્યું કે આ પ્રપત્તી સ્ત્રીને પરાક્રમી બનાવે છે.
પ્રપત્તી શબ્દનો અર્થ:
આપત્તિ નિવારણ કરનારી શરણાગતિ, એવો પ્રપત્તી શબ્દનો અર્થ બાપુએ પ્રવચનમાં જણાવ્યો. આ પ્રપત્તી સ્વયંભગવાન શ્રી ત્રિવિક્રમની માતા એવી આદિમાતા જગદંબાના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે.
પ્રપત્તી ક્યારે અને શા માટે કરવામાં આવે છે?
દિવસ : મકરસંક્રાંતિ
તારીખ : ૧૪ અથવા ૧૫ જાન્યુઆરી
સમય : સૂર્યાસ્ત પછી
કારણ કે સંક્રાંતિના દિવસે આદિમાતા મહિષાસુરમર્દિનીએ મહિષાસુરનો વધ કરવા માટે પૃથ્વી પર કતરાજ આશ્રમમાં પહેલું પગલું મૂક્યું હતું. સૂર્યાસ્ત પછી તેણે પૃથ્વી પર પગલું મૂક્યું, કારણ કે તેનું તેજ મનુષ્યો સહન કરી શક્યા ન હોત.
પ્રપત્તી ક્યાં અને કોણ કરી શકે છે?
સ્થળ:
- ખુલ્લી જગ્યા
- દરિયા કિનારો / નદી કિનારો
- મેદાન
- બાલ્કની
કોણ કરી શકે છે:
૧૬ વર્ષથી ઉપરની કોઈપણ સ્ત્રી.
મહત્વના મુદ્દાઓ:
- વધુમાં વધુ સ્ત્રીઓ એકઠી થાય તો ઉત્તમ.
- પ્રથમ વર્ષે કર્યા પછી દર વર્ષે કરવી ફરજિયાત નથી.
- માસિક ધર્મ દરમિયાન પણ આ પ્રપત્તી કરી શકાય છે.
- જીભ અથવા નાભિ પર ઉદી લગાવીને સહભાગ લઈ શકાય છે.
પ્રપત્તીનો લાભ:
પ્રપત્તી કરવાથી દરેક સ્ત્રીને તેના કુટુંબની રક્ષણકર્તી સૈનિક એટલે કે બોડીગાર્ડ બનવા માટેનું આત્મિક બળ પ્રાપ્ત થાય છે. માતા, પત્ની, બહેન – કોઈપણ ભૂમિકામાં હોય, તે રક્ષણકર્તી બને છે.
પ્રપત્તીની માંડણી:
અ) પૂજાની માંડણી :
૧) બાજોટ / પાટલો
૨) મોટી પરાત
૩) પરાતમાં ઘઉં
૪) ઘઉં પર કળશ
૫) કળશમાં ચોખા
૬) કળશ પર તામ્રપાત્ર (થાળી)
૭) તામ્રપાત્રમાં દેવીના બે પગલાં
જમણું પગલું : કંકુનું
ડાબું પગલું : હળદરનું
૮) કળશને અડીને સ્વયંભગવાન ત્રિવિક્રમની તસવીર
બ) પૂજન સામગ્રી (થાળીમાં)
- સરગવાની સિંગ (સિંગ ન મળે તો ગુવાર લઈ શકાય)
- કેળુ
- કાકડી અથવા દૂધી
- શ્રીફળ (નાળિયેર)
- ગાજર
- મૂળો અથવા ટીંડોળા
- અડદની દાળ
- તલનું તેલ
- દહીં
- હળદર પાવડર (આખી હળદર નહીં)
- આદુ
- ગોળ
- આંબલી
- શેરડીનો ટુકડો
- સુગંધી ફૂલો
અભિચારનાશક પુરચુંડી (રક્ષા પોટલી):
- નાગરવેલનું પાન
- મીઠું, રાઈ, કપૂર
- પાનને દોરાથી બાંધીને પુરચુંડી તૈયાર કરવી
પ્રપત્તી ની વિધિ (ક્રમમાં)
હરિ ૐ, શ્રી રામ, અંબજ્ઞ બોલીને કથા શ્રવણ કરવી અને પછી જ પ્રપત્તીની શરૂઆત કરવી. આ કથા એક શ્રદ્ધાવાન સ્ત્રી એ મોટેથી વાંચવી અને તેની સાથે બીજી શ્રદ્ધાવાન સ્ત્રીઓએ મનમાં ને મનમાં વાંચવી.
📖 શ્રીમંગલચંડિકા પ્રપત્તી કથા
હરિ:ૐ, શ્રીરામ, અંબજ્ઞ બોલીને કથા શ્રવણ કરવી અને પછી જ શ્રીમંગલચંડિકા પ્રપત્તીની શરૂઆત કરવી.
શ્રીમંગલચંડિકા પ્રપત્તી કથા
હરિ:ૐ, શ્રીરામ, અંબજ્ઞ.
ક્ષેમગંગા નદીના કિનારે 'શિવાંચલ' નામની નગરી હતી. તે નગરી પર 'દુર્ગાદાસ' નામનો રાજા રાજ્ય કરતો હતો. આ રાજા અત્યંત પરાક્રમી, શૂરવીર, ઉદાર અને પ્રજાના હિત માટે દક્ષ હતો. તેથી આ નગરીની પ્રજા અત્યંત સુખ અને સંતોષથી રહેતી હતી. આજુબાજુના અનેક રાજ્યોના લોકોને તે નગરીનું સુખી જીવન જોઈને આશ્ચર્ય થતું હતું. બાજુના જ 'દુરાંચલ' રાજ્યમાં પણ એક સારો રાજા જ રાજ્ય કરતો હતો. પરંતુ ત્યાંની પ્રજા ક્યારેય જીવનમાં શાંતિ, સંતોષ અને તૃપ્તિથી જીવી શકતી ન્હોતી. પ્રજા તો શું, પણ ત્યાંનો રાજા પણ હંમેશા ક્લેશમાં જ રહેતો. તેના રાજ્યમાં વારંવાર લૂંટફાટ થતી, રોગચાળો ફેલાતો, વેપારમાં નુકસાન થતું અને બહારના દુશ્મનો સતત તેમની પજવણી કરતા હતા.
એક દિવસ દુરાંચલ રાજ્યના મુખ્ય નાગરિકોએ સભા બોલાવી. તેમાં રાજા સહિત મંત્રીઓ, અધિકારીઓ, વેપારીઓ, પંડિતો અને શ્રમિક વર્ગ જેવા વિવિધ લોકો હતા. તેમણે એક જ પ્રશ્ન પર ચર્ચા કરી કે શિવાંચલ નગરીમાં કાયમ સુખ કેવી રીતે હોય છે અને ક્યારેક સંકટ આવે તો પણ તેનું નિવારણ યોગ્ય રીતે કઈ રીતે થઈ જાય છે. ઘણી વાર સુધી આ ચર્ચા ચાલી અને અંતે રાજગુરુએ જણાવ્યું કે મારી પોતાની બહેન શિવાંચલ નગરીમાં રહે છે. તે હંમેશા એક જ વાત કહેતી હોય છે કે તેમના નગરનું સુખ અને શાંતિ એ બધું શિવાંચલ નગરીની મહિલાઓને કારણે છે. મારી બહેન પણ મોટી ઉપાસિકા છે.
તરત જ રાજાએ શહેરની સુશિક્ષિત, ચતુર અને સારી રીતે સંસાર ચલાવતી સાત સ્ત્રીઓની પસંદગી કરી અને તે સાતેયની રહેવાની વ્યવસ્થા રાજગુરુની શિવાંચલ સ્થિત બહેનના ઘરે કરી. આ સાત સ્ત્રીઓ રાજગુરુની બહેન અન્નપૂર્ણાબાઈના ઘરે રહેવા લાગી અને સવાર-સાંજ નગરમાં ઠેર-ઠેર ફરીને માહિતી મેળવવા લાગી. તેમણે વિવિધ પરિસ્થિતિ અને જ્ઞાતિની સ્ત્રીઓ સાથે ઘણી વાતો કરી, પરંતુ કોઈને પણ શિવાંચલ નગરીના સુખી જીવનનું રહસ્ય સમજાયું નહીં.
છેવટે એક મહિના પછી તે સાતેય સ્ત્રીઓએ અન્નપૂર્ણાબાઈને જ તેમના મનમાં રહેલો પ્રશ્ન પૂછ્યો. અન્નપૂર્ણાબાઈ હસ્યા અને બોલ્યા કે આ રહસ્ય હું તમને જણાવી શકીશ નહીં. તે તમારે જ શોધવું પડશે. કારણ કે સુખી જીવન અને દુઃખ નિવૃત્તિ, આ બાબતો માઁ જગદંબા અને તેના પુત્ર સ્વયંભગવાન ત્રિવિક્રમના આશીર્વાદથી જ મળી શકે છે અને તે રહસ્ય બીજાને જણાવવાની અમને માઁ જગદંબાએ મનાઈ કરી છે. કારણ કે ૨૦૦ વર્ષ પહેલાં અમારી ત્યારની રાણીએ કઠોર પરિશ્રમ કરીને આ રહસ્ય પ્રાપ્ત કર્યું હતું. તમારી રાણી ક્યાં છે? તે સાત સ્ત્રીઓમાં દુરાંચલ નગરીની રાણી પણ સાદા વેશમાં હતી. તેણે અન્નપૂર્ણાબાઈને નમસ્કાર કર્યા અને ત્યાંના ચંડિકા મંદિરમાં બેસીને માઁ જગદંબા અને સ્વયંભગવાનની ઉપાસના કરવાની શરૂઆત કરી. તેને એક પણ સ્તોત્ર કે મંત્ર આવડતો ન્હોતો, કારણ કે તેમના રાજ્યમાં ભક્તિ જ ન્હોતી. આથી દુરાંચલની રાણી સત્ત્વશીલાએ પોતાના મનથી 'જય જગદંબ જય દુર્ગે' અને 'સ્વયંભગવાન સદા વિજયતે' આ મંત્રોનો જાપ શરૂ કર્યો. પ્રથમ દિવસે સત્ત્વશીલાએ ફક્ત ફળાહાર કરીને ઉપાસના કરી, ખૂબ જ મનથી અને પૂર્ણ લગનથી.
બીજા દિવસે રાણીની આ તળમળ જોઈને તેની સાથેની અન્ય છ સ્ત્રીઓ પણ રાણીની સાથે ઉપાસનામાં જોડાઈ ગઈ. ત્રીજા દિવસથી રાણી સહિત તે સાતેય સ્ત્રીઓ ફક્ત જળ(પાણી) પીને આ બે મંત્રોનો જાપ કરવા લાગી. ચોથા દિવસે વહેલી સવારથી તે સાતેય સ્ત્રીઓને ધીરે ધીરે પ્રસન્નતાનો અનુભવ થવા લાગ્યો. પાંચમા દિવસની વહેલી સવારથી તે સાતેયના મનમાં શાંતિનો અનુભવ થવા લાગ્યો. સાતમા દિવસે વહેલી સવારે તે મંદિરના આંગણમાં તેમના તમામ પરિવારજનો આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા કે છેલ્લા છ દિવસથી તેમનું જીવન ખૂબ જ સારું બની ગયું છે. આ સાંભળતા જ રાણી સત્ત્વશીલાએ રાજા સહિત તે તમામ લોકોને અન્નપૂર્ણાબાઈના ઘરે મોકલી દીધા અને તે સાતેય સ્ત્રીઓ વધુ જોરશોરથી અને પ્રેમથી ઉપાસના કરવા લાગી. તેઓ ભક્તિમાં એટલી બધી લીન બની ગઈ કે તેમને દિવસ-રાતનું ભાન પણ રહ્યું નહીં અને નવમા દિવસે વહેલી સવારે બ્રાહ્મમુહૂર્તમાં તે સાતેયની ખુલ્લી આંખો સામે માઁ જગદંબા પોતે પ્રગટ થયા. તેમનું મુખ અત્યંત સુંદર અને પ્રસન્ન હતું. તેમના અઢાર હાથ હતા અને તેની દરેક હથેળી પર કેટલાક શબ્દો લખેલા હતા. માઁ જગદંબા મધુર અવાજમાં બોલ્યા, 'પ્રિય સત્ત્વશીલા! તેં મને પ્રસન્ન કરી છે. શિવાંચલ નગરીના સુખનું રહસ્ય મારા અઢાર હાથની હથેળીઓ પર લખેલું છે. તે રહસ્યને 'શ્રીમંગલચંડિકા પ્રપત્તી' કહેવામાં આવે છે. આ પ્રપત્તી દત્તાત્રેય ભગિની શુભાત્રેયીએ સિદ્ધ કરી છે. દરવર્ષની સંક્રાંતિના દિવસે દરેક સ્ત્રીમાં સારા ફેરફારો લાવવાની ક્ષમતા ત્રણ ગણી વધી જાય છે અને તેથી તે દિવસે સ્ત્રીઓએ એકઠા થઈને આ પ્રપત્તી કરવી જોઈએ.'
પ્રપત્તી કરનાર પ્રત્યેક સ્ત્રીએ, જે થાળીમાં પ્રપત્તી દ્રવ્યો છે, તે થાળી હાથમાં લઈને ઉભું રહેવું.
ઉપસ્થિત સ્ત્રીઓમાંથી વડીલ સ્ત્રીએ આરતીની થાળી હાથમાં પકડવી અને પછી બધાએ સાથે મળીને માતે ગાયત્રી, સિંહારુઢ ભગવતી-મહિષાસુરમર્દિની.... આ આરતી કરવી.
પ્રદક્ષિણા અને પ્રદક્ષિણા કરતી વખતે બોલવાનો મંત્ર
થાળી હાથમાં લઈને ચંડિકાના પદચિહ્ન સ્થાન (કતરાજ આશ્રમ) ની આસપાસ કુંડાળું કરીને ૯ પ્રદક્ષિણા કરવી.
મંત્ર : શ્રી અનિરુદ્ધ ગુરુક્ષેત્રમ્ મંત્ર (મોટેથી)
પુરચુંડી અર્પણ
પ્રદક્ષિણા પૂર્ણ થયા પછી પુરચુંડીથી ત્રિવિક્રમની નજર ઉતારવી. પ્રાર્થના કરવી: ‘બાબા! મારા ઘર પર જે પણ કુદ્રષ્ટિ, કુબુદ્ધિ છે, તે બધાનો તું તારી માતાની સહાયથી નાશ કર!’ પુરચુંડી અગ્નિમાં અર્પણ કરવી. આ અગ્નિ એટલે માઁ મહિષાસુરમર્દિનીનું તેજોવલયમ્ છે. આ કૃતિથી ઘરની તમામ જવાબદારી ત્રિવિક્રમને સોંપવામાં આવે છે.
જગદંબા અને ત્રિવિક્રમનું પૂજન
હવે બધી સ્ત્રીઓએ કેળું માતાજીની સામે મૂકવું.
મંત્ર : ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે (૯ વાર)
માઁ જગદંબાના તામ્રપાત્રમાં દોરેલા પગલાં પર અક્ષતા(ચોખા) અર્પણ કરવા. ત્રિવિક્રમને સુગંધી ફૂલો અર્પણ કરવા.
છેલ્લે
તેજોવલયમ્ ના અગ્નિને કડવા લીમડાના પાનથી શાંત કરવો.
પ્રસાદ અને નિયમ
- હળદર-કંકુ ઘરે ન લઈ જવું.
- સ્ત્રીઓએ તે કપાળે અથવા ગળે લગાવવું.
- સ્ત્રીઓએ કેળું ત્યાં જ ખાવું.
- દહીં ઘરના પુરુષોને આપવું. જો પુરુષો ન હોય તો વૃક્ષના મૂળમાં અર્પણ કરવું.
- શેરડી ઘરે લઈ જઈને રોજ થોડી થોડી ખાવી.
- થાળીમાં વધેલી પૂજા સામગ્રીનો સંભાર બનાવીને ઘરની સ્ત્રીઓ અને પુરુષોએ રોટલી અને ભાત સાથે તે સંભારનું સેવન કરવું.
- સ્વાદ માટે સંભારમાં મસાલો અને આરોગ્ય માટે મીઠો લીમડો જરૂર નાખવો.
- જોકે, તે દિવસે અન્ય કોઈ શાક બનાવવું નહીં.
પૂજન થયા પછી સ્ત્રીઓ ‘જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની’ ના ગજર(ધૂન) પર નાચીને આ પ્રપત્તીનો મનભરીને આનંદ માણી શકે છે.
૨૦૧૧ ના વર્ષથી મકરસંક્રાંતિના દિવસે તમામ શ્રદ્ધાવાન વીરાઓ બાપુએ કરેલા માર્ગદર્શન મુજબ સામૂહિકરીતે ‘શ્રીમંગલચંડિકાપ્રપત્તી’ ખૂબ જ ઉત્સાહથી ઉજવી રહી છે. શ્રદ્ધાવાન વીરાઓની સાથે અન્ય મહિલાઓ પણ આ પ્રપત્તીમાં સહભાગી થાય છે. આ પ્રપત્તી દેશ માટે, કુટુંબ માટે હું કરી રહી છું, તેનો સંતોષ મકરસંક્રાંતિના દિવસે આ પ્રપત્તી કરનારી દરેક શ્રદ્ધાવાન સ્ત્રીના ચહેરા પર દેખાય છે. દર વર્ષે આ સામૂહિક પ્રપત્તી ઉત્સવમાં સહભાગી થનારી સ્ત્રીઓની સંખ્યા વધી જ રહી છે.





Comments
Post a Comment