મારા પતિ વિકાસ ચૌગલે કામના કારણે જાપાનમાં સ્થાયી થયા છે. પણ હું મારી એક વર્ષની દીકરી અદ્વિકા સાથે ભારતમાં જ હતી. હું નોકરી કરતી હતી, પણ મારી ઈચ્છા જાપાન જોવાની હતી. પતિએ પણ મારી ઈચ્છા મુજબ મહેનત કરીને વિઝા (Visa) મેળવી લીધા અને મને દીકરી સાથે જાપાન આવવા કહ્યું. મને ખૂબ આનંદ થયો. અમારી વિમાનની ટિકિટ પણ આવી ગઈ. મેં મારી નોકરીમાંથી રાજીનામું આપ્યું અને જાપાન જવાની તૈયારીમાં લાગી ગઈ.
મારે એકલીએ જ નાની અદ્વિકાને લઈને જાપાન જવાનું હતું. સ્વાભાવિક છે કે બહુ ટેન્શન હતું. પહેલીવાર આંતરરાષ્ટ્રીય વિમાનમાં પ્રવાસ કરવા મળશે એટલે મનમાં ખૂબ ઉત્સુકતા પણ હતી. હું મારી અદ્વિકા સાથે ૧૦ ઓક્ટોબર ૨૦૧૦ ના રોજ હેમખેમ જાપાન પહોંચી ગઈ.
ઘરે પહોંચ્યા પછી આટલા મહિનાઓ પછી મળ્યા હોવાથી અમારી વાતો ખૂટતી જ ન્હોતી. વાતો વાતોમાં વિકાસે મને કહ્યું,"જાપાનમાં હંમેશાં નાના-મોટા ભૂકંપ આવતા જ રહે છે. પણ જરાય ગભરાવાનું નહીં. ૨-૩ મિનિટ ઘર હલતું હોય એવો અહેસાસ થશે. પણ તું ગભરાતી નહીં. બસ્સ આવા સમયે ગેસ ચાલુ ન કરતી અને ઈલેક્ટ્રિસિટીની મેન સ્વીચ ઑફ કરી દેજે. આટલી સાવચેતી રાખજે." મારા પતિએ મને યોગ્ય સૂચનાઓ આપી કારણ કે તેઓ કામના કારણે આખો દિવસ બહાર રહે છે.
ત્યારપછી વિકાસે કહ્યા મુજબ ૩-૪ વાર મારે નાના નાના ભૂકંપનો સામનો કરવો પડ્યો. પણ હું ફક્ત બાપુના નામસ્મરણ સિવાય બીજું કંઈ જ કરતી ન્હોતી. એટલે ધીમે ધીમે મનની બીક પણ જતી રહી. પરંતુ ટૂંક સમયમાં જ મારે એક જીવલેણ અને ભયાનક કુદરતી આપત્તિનો એકલે હાથે સામનો કરવો પડશે, તેની મને સહેજ પણ કલ્પના ન્હોતી.
ભૂકંપ વિશે હું હંમેશાં વાંચતી હતી. પણ વાંચવું અને પ્રત્યક્ષ તેનો સામનો કરવો તેમાં જમીન આસમાનનો ફરક હોય છે તે મને ત્યારે સમજાયું. આજે પણ તે પ્રસંગ યાદ આવે તો ધ્રૂજી જવાય છે. કેવળ મારા બાપુના કારણે જ હું આજે આ અનુભવ તમને બધાને જણાવી શકું છું.
તે દિવસ હતો શુક્રવાર ૧૧ માર્ચ ૨૦૧૧. માત્ર હું જ નહીં, પણ આખી દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે એવો તે દિવસ હતો. આ દિવસે જાપાન જેવો સુંદર દેશ ભૂકંપ અને ત્સુનામી જેવી કુદરતી આપત્તિઓના કારણે સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયો.
એ દિવસે લગભગ બપોરે ૨.૩૦ નો સમય હશે. હું મારી નાની દીકરી સાથે ઘરમાં જ હતી અને થોડી જ મિનિટોમાં તે હચમચાવી નાખનારા પ્રસંગની શરૂઆત થઈ. ભૂકંપના આંચકા આવવા લાગ્યા. મને લાગ્યું કે, હંમેશની જેમ ઘર થોડીવાર હલશે અને શાંત થઈ જશે. પણ આ વખતે એવું ન થયું. ભૂકંપની તીવ્રતા વધતી જ ગઈ. ઘર જોરજોરથી હલવા લાગ્યું. ઘરમાં સ્ટેન્ડ પર ગોઠવેલા વાસણો ધડાધડ પડવા લાગ્યા. એટલે મારી દીકરી પણ ઘણી ડરી ગઈ અને જોરજોરથી રડવા લાગી. મારી તો બીકના મારે હાલત જ ખરાબ થઈ ગઈ. હું ફક્ત બાપુનું નામસ્મરણ કરી રહી હતી.
ધીમે ધીમે જ્યાં જોઉં ત્યાં ઘરની દીવાલોમાં તિરાડો પડી રહી હતી. હવે ઘર તૂટી પડશે, અમે બંને આજે કચડાઈને મરી જઈશું, આ વિચારથી જ આંખો સામે અંધારા આવી ગયા. પણ બાપુના નામસ્મરણથી અંદરથી એક હિંમત મળી રહી હતી. હિંમત કરીને હું જગ્યા પરથી ઊભી થઈ અને સામે જ ઉપાસનાનો ફોટો હતો, તેની સામે દીકરીને લઈને બેસી ગઈ અને બાપુનો ‘ૐ મનઃસામર્થ્યદાતા શ્રી અનિરુદ્ધાય નમઃ’ આ જપ મોટા અવાજે કરતી રહી. એક દયનીય દ્રશ્ય એ હતું કે મારી દોઢ વર્ષની દીકરી પણ હાથ જોડીને બાપુ સામે જોઈને રડી રહી હતી.
આ બધું જોઈને મારું હૈયું ભરાઈ આવ્યું અને મારી આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. એ પરિસ્થિતિમાં મેં તેને ઘણું વ્હાલ કર્યું (બચ્ચીઓ ભરી). પતિ ઓફિસમાં, ઘરમાં બીજું કોઈ જ ન્હોતું. મારો પતિ સાથે સંપર્ક પણ ન્હોતો થઈ રહ્યો. કારણ કે આખા જાપાનની સિસ્ટમ જ ખોરવાઈ ગઈ હતી. મેં ફક્ત બાપુને પ્રાર્થના કરી - વિકાસ જ્યાં હોય ત્યાં તેમને હેમખેમ રાખજો!
બાપુને સાદ આપતી વખતે અચાનક યાદ આવ્યું કે આવા ભૂકંપના સમયે ઘરમાં ન રહેતાં ખુલ્લી જગ્યામાં કે મેદાનમાં જવું જોઈએ. બાપુના ‘અનિરુદ્ધાઝ એકેડેમી ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ’ (AADM) ના કોર્સના કારણે આ ફાયદો થયો. મેં ફટાફટ દીકરીને ઊંચકી લીધી. બાપુનો ફોટો લીધો. પર્સ લીધું. ગેસનો મેન સપ્લાય બંધ કર્યો અને ઘરની બહાર નીકળી ગઈ. બહાર ઘણા જાપાની લોકો ઊભા હતા. તેમણે દૂરથી જ મને પોતાની પાસે આવવાનો ઈશારો કર્યો. હું દોડતી જ ગઈ. તેમની સાથે દીકરીને લઈને ઊભી રહી ગઈ. બહાર કડકડતી ઠંડી હતી. મારી દીકરી બીક અને ઠંડીથી ધ્રૂજી રહી હતી. તેના માટે સ્વેટર લાવવાનું પણ મને ભાન ન રહ્યું. બિચારી રડી જ રહી હતી.
આ ભૂકંપ ૯ ડિગ્રી જેટલી તીવ્રતાનો હતો. થોડીવાર પછી બધું શાંત થઈ ગયું. મેં મોબાઈલ પર પતિ સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો. પણ સંપર્ક થઈ જ ન શક્યો. ભારતમાં મમ્મી-પપ્પા સાથે સંપર્ક સાધવાનો પણ પ્રયત્ન કર્યો. પણ શક્ય જ ન બન્યું. મોબાઈલ નેટવર્ક જામ થઈ ગયું હોવાથી કમ્યુનિકેશન ઠપ્પ થઈ ગયું હતું.
થોડીવાર પછી જરા શાંત થવા પર હું માંડ માંડ હિંમત કરીને દીકરી માટે સ્વેટર લેવા ઘરમાં ગઈ....અને એટલામાં જ બીજો ભૂકંપ આવ્યો! હું જેમતેમ કરીને જે ચાદર મળી તે લઈને ઘરની બહાર દોડી. જમીન પૂરી રીતે હલી રહી હતી અને જીવ બચાવવા માટે હું દીકરીને લઈને દોડી રહી હતી. દીકરી મને મજબૂતીથી વળગેલી હતી. બિચારી ધ્રૂજી રહી હતી. હવે પગમાં દોડવાની શક્તિ પણ ન્હોતી બચી. રસ્તા પર હલતા વીજળીના થાંભલાઓ અમારી પર પડશે અને અમે મરી જઈશું એવું જ લાગવા માંડ્યું, પણ જોરજોરથી મારા બાપુનો જપ ચાલુ જ હતો. તે જ મને હિંમત આપી રહ્યા હતા અને હું માંડ માંડ ફરીથી તે ખુલ્લી જગ્યામાં આવી ગઈ.
ભૂકંપની હારમાળા ચાલુ જ હતી. ૭, ૭.૪, ૭.૨ એવી તીવ્રતાના ભૂકંપ ચાલુ જ હતા. શું કરવું તે કંઈ જ સૂઝતું ન્હોતું. દીકરી રડી રડીને થાકી ગઈ હતી, તે ભૂખી હતી; બિચારી એમ જ મારા ખભા પર માથું નાખીને સૂઈ ગઈ.
તે જગ્યાએ એક ઉંમરલાયક દંપતી પોતાના દીકરા સાથે રહેતું હતું. તેઓ પણ બંગલાની બહાર ઊભા હતા. તે દાદાએ ક્યાંકથી એક ખુરશી લાવીને મને આપી.
થોડીવાર પછી મારા પતિ ઓફિસથી તાત્કાલિક ઘરે આવ્યા. સ્વાભાવિક છે ચાલીને જ આવ્યા હતા. વાહનવ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી. ઘરની હાલત જોઈને તેઓ ગભરાઈ ગયા. તેઓ ઘરમાં જઈને મને બૂમો પાડવા લાગ્યા. પણ ઘરમાંથી કોઈ જવાબ ન મળ્યો. તેથી તેઓ વધારે ગભરાઈ ગયા અને આમતેમ ફરતા ફરતા ઘરની પાછળની બાજુએ આવ્યા. મને અને દીકરીને જીવતા જોઈને તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. દોડતા દોડતા જ તેઓ અમારી પાસે આવ્યા. દીકરીને ભેટી પડ્યા. તેને બચ્ચીઓ કરીને વ્હાલ કરવા લાગ્યા. મોઢામાંથી શબ્દો ન્હોતા નીકળતા. હું રૂમાલમાં મોઢું છુપાવીને આનંદથી રડી રહી હતી. બાપુએ જ અમારા ત્રણેયનો મેળાપ કરાવ્યો. ઘણી ધીરજ બંધાઈ.
અમે સાંજે ૬.૩૦ સુધી બહાર જ રોકાયા. ભૂકંપ ચાલુ જ હતા. પણ તેની તીવ્રતા ઓછી થઈ ગઈ હતી. પછી ધીમે ધીમે અમે ઘરમાં પ્રવેશ કર્યો. ઘર પૂરી રીતે અસ્તવ્યસ્ત બની ગયું હતું. વીજળી જતી રહી હતી. પાણીનો સપ્લાય બંધ કરી દેવાયો હતો. ઘરમાં અન્નનો એક દાણો ન્હોતો કે પીવા માટે પાણી ન્હોતું. કારણ કે ત્યાં ૨૪ કલાક પાણી આવતું હોવાથી મેં ક્યારેય પાણીનો સંગ્રહ કર્યો જ ન્હોતો; અને સાંજે પતિની ઓફિસમાં પાર્ટી હતી એટલે ત્યાં જવાનું હતું. એટલે સાંજનું જમવાનું પણ બનાવ્યું ન્હોતું અને નાના નાના ભૂકંપ હજી ચાલુ જ હોવાથી હું ગેસ પણ ચાલુ કરી શકતી ન્હોતી.
જિંદગીમાં પહેલીવાર આવી દયનીય હાલત થઈ હતી. ઘરમાં અનાજ હોવા છતાં હું જમવાનું બનાવી શકતી ન્હોતી. પૈસા હોવા છતાં ખાવાની કોઈ ચીજવસ્તુ લાવી શકતી ન્હોતી. કારણ કે બધી દુકાનો બંધ હતી. અમને અમારી દીકરીનું ટેન્શન આવી રહ્યું હતું. હવે આવી પરિસ્થિતિમાં તેને કઈ રીતે સાચવવી?
કડકડતી ઠંડી હતી. ઘરમાં ચારેબાજુ અંધારું હતું. ટોર્ચ પણ ન્હોતી. અને રાત્રે સૂતી વખતે પણ નાઈટલેમ્પની આદત હોવાથી, અંધારામાં બીકની મારી દીકરી ગભરાઈને ફરીથી રડવા લાગી. મેં હિંમત કરીને બાપુના ફોટા સામે દીવો પ્રગટાવ્યો. ભૂકંપ આવે કે દીવો ઓલવી નાખવાનો અને ભૂકંપ જાય કે ફરીથી દીવો પ્રગટાવવાનો એવું અમારું અડધો પોણો કલાક ચાલુ રહ્યું.
આમ અમે લાચારી અનુભવી રહ્યા હતા, ત્યારે અચાનક મારા પતિની ઓફિસમાંથી એમનો એક જાપાની મિત્ર અમારા ઘરે આવ્યો. તે અમારા માટે પાણીની બોટલ, કેળાં અને કેટલીક ખાવાની વસ્તુઓ લાવ્યો હતો. તે જોઈને અમારા આનંદનો પાર ન રહ્યો. બાપુના ફોટા સામે કૃતજ્ઞતાથી જોતાં અમે આંસુ સારી રહ્યા હતા. કેટલા કરુણામય છે મારા ભગવાન! આટલા અનિશ્ચિત અને અશાંત વાતાવરણમાં પણ અમારા આ પરમેશ્વરે અમારા માટે ખાવાપીવાની વ્યવસ્થા કરી આપી. એ રાત્રે કેળાં અને દૂધ એ જ અમારો ખોરાક હતો. રાત્રે મીણબત્તી સળગાવતા-ઓલવતા, મેં અને મારા પતિએ વારાફરતી આખી રાત જાગીને કાઢી. ભૂકંપ આવે તો મીણબત્તી ઓલવી નાખવાની અને જતો રહે તો ફરી સળગાવવાની.
અમારા આડોશપાડોશમાં જે લોકો રહેતા હતા તેમને જાપાની ભાષા સિવાય બીજી કોઈ પણ ભાષા આવડતી ન્હોતી. તેના કારણે કોઈની પણ સાથે વાતચીત કરી શકતા ન્હોતા. ભારતમાં પણ અમે કોઈ સાથે સંપર્ક ન્હોતા સાધી શકતા. છાપાં, ટી.વી. દ્વારા આ ભૂકંપના સમાચાર અમારા મમ્મી-પપ્પા સુધી પહોંચી ગયા હતા. પણ અમારો સંપર્ક થઈ શકતો ન્હોતો. તેમની આંખોમાંથી પણ આંસુઓ વહી રહ્યા હતા કારણ કે અમે જે વિસ્તારમાં રહેતા હતા તે ભાગ પણ ભૂકંપની લપેટમાં આવી ગયો છે તે તેઓ ખુલ્લી આંખે ટી.વી. પર જોઈ રહ્યા હતા. પ્રચંડ ત્સુનામીએ જાપાનને ઘેરી લીધું છે, તેની કલ્પના અમને ન્હોતી, પણ તેમને લાઈવ જોવા મળ્યું.
આખરે શનિવારે સાંજે અમે ભારતમાં રહેતા અમારા પરિવારજનો સાથે સંપર્ક કરવામાં સફળ થયા. અમે હેમખેમ છીએ તે જાણ્યા પછી તેમની આંખોના દુઃખના આંસુઓની જગ્યા ખુશીના આંસુઓએ લઈ લીધી.
રવિવારે સવારે વીજળી ફરી રાબેતા મુજબ ચાલુ થઈ. ત્યારે અમે ઈન્ટરનેટ પર જોયું કે આ જાપાનનો સૌથી મોટો એટલે કે ૯ મેગ્નિટ્યુડનો ભૂકંપ હતો. તેનું સેન્ટર પેસિફિક સમુદ્ર હતો. તેથી ત્સુનામી આવી અને સેન્દઈ નામનું તે શહેર પૂરી રીતે બરબાદ કરી નાખ્યું.
ભૂકંપ તો આવીને ગયો, પણ ખતરો હજી ટળ્યો ન્હોતો. ત્સુનામીનો ફટકો પડવાથી ફુકુશિમાની અણુભટ્ટીઓ નકામી થઈ જવાથી રેડિયેશન પણ ફેલાવા લાગ્યું હતું. આ રેડિયેશન શરીરમાં જાય તો કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થઈ શકે છે. આ ભૂકંપ અને ત્સુનામીના કારણે કેટલાય હજારો માણસો મૃત્યુ પામ્યા. કેટલાય લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ, આ બધું બધાએ ટી.વી. પર જોયેલું જ છે.
પણ આ પ્રકૃતિના સમગ્ર તાંડવમાં, પરમપૂજ્ય બાપુમાઉલીના કારણે જ અમે બધા હેમખેમ હતા. આ ભૂકંપમાંથી અમને માત્ર ને માત્ર અમારા આ સદ્ગુરુ બાપુએ જ બચાવ્યા.
ઘરમાં તિરાડો પડી. પણ ઘર તૂટી ન પડ્યું. જીવ બચાવવા માટે એ પરિસ્થિતિમાં પણ બાપુએ ખાવાપીવાની સગવડ કરી આપી. ત્સુનામીનાં મોજાં અમારા સુધી પહોંચ્યા જ નહીં. સ્વભાવે ડરપોક એવી મને એ સમયે હિંમતની, સામર્થ્યની જરૂર હતી. બાપુના ‘ૐ મનઃસામર્થ્યદાતા શ્રી અનિરુદ્ધાય નમઃ’ આ તારકમંત્રએ મને સામર્થ્ય આપ્યું....એકદમ ૧૦૮ ટકા આપ્યું! ફક્ત બાપુના કારણે જ અમારા જીવ બચ્યા, આ વાત હું દુનિયાને બૂમો પાડીને કહી શકું છું.
આખું જાપાન શહેર જ્યાં આ આપત્તિની ભયંકર થપાટથી અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, ત્યાં કયા જાપાનીને પોતાના એક ભારતીય સહકર્મી માટે ખાવાનું લઈને જવાનો સમય હોય? પણ એ પરમકૃપાળુ સદ્ગુરુમાઉલીએ જ જાણે બધું ચક્ર ફેરવ્યું કારણ કે અમારી સાથે અમારી દોઢ વર્ષના એ નાનકડા જીવની પણ તેમને ચિંતા હતી. ખરેખર, અમને એ સમયે રાત્રે કેળાં, પાણી, દૂધ તે જાપાનીના હાથે લાવી આપનાર તે કોણ હતું? ચારેબાજુ મૃત્યુએ તાંડવ મચાવ્યું હતું ત્યારે અમને મૃત્યુના જડબામાંથી ખેંચી લાવનાર બીજું કોણ હોઈ શકે? ફક્ત બાપુ, બાપુ અને બાપુ જ! મોઢામાંથી બસ એક જ વાક્ય નીકળે છે,
'અમારા બાપુ ધીમે ધીમે અમારા માટે સર્વ કંઈ ઠીક કરી રહ્યા છે'.
'તેમનુ' નામ મુખમાં હોય ત્યારે અતિપ્રચંડ ત્સુનામીની તાકાત પણ કંઈ જ કરી શકતી નથી. કારણ કે તે સદ્ગુરુની કૃપા પાસે કોઈનું કંઈ ચાલતું નથી.
આનાથી મોટું ‘સુ-નામ’ બીજું કયું હોઈ શકે?

Comments
Post a Comment