દુઃખ-બંધનોમાંથી મુક્તી આપનાર ‘રામબાણ’
સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ ‘રામરક્ષા સ્તોત્રમંત્ર’ માલિકાના ૭માં પ્રવચનમાં જણાવે છે કે, જેમ આકાશમાંથી પડતું દરેક ટીપું છેવટે સમુદ્રને જ મળે છે, તેવી જ રીતે કોઈપણ ભાષામાં કે પ્રદેશમાંથી આવેલી ભગવાનના વિવિધ પવિત્ર સ્વરૂપોની ભક્તિ તે પરમેશ્વરને જ જઈને પહોંચે છે. ભગવાનની ભક્તિ અને પ્રેમને કોઈ બંધન નથી હોતું, પરંતુ માનવ તો તેના જીવનમાં દુઃખોના અનેક બંધનોથી જકડાયેલો હોય છે. તેમાંથી મુક્ત કરનારો ખરો ઉપાય એટલે 'રામબાણ' અને તેથી જ 'રામબાણ ઉપાય' અથવા 'રામબાણ ઔષધ' આ શબ્દો આપણે વાપરીએ છીએ.
‘ધૃતશરધનુષં - હાથમાંના ધનુષ્ય પર બાણ ચઢાવેલા રામ
રામરક્ષાના ધ્યાનમંત્રમાં રામનું વર્ણન "ધ્યાયેદાજાનુબાહું ધૃતશરધનુષં" એમ છે, એટલે કે જેણે હાથમાં ધનુષ્ય-બાણ ધારણ કરેલું છે એવા રામ. રામ હંમેશા ફક્ત ધનુષ્ય-બાણ ધારણ કરતાં દેખાય છે, અન્ય કોઈ શસ્ત્ર તેઓ ધારણ કરતાં નથી અને તેથી જ બુધકૌશિક એટલે કે વિશ્વામિત્ર ઋષિ, જેણે હાથમાંના ધનુષ્યને બાણ લગાવેલું છે, એવી અવસ્થામાંના રામનું ધ્યાન કરવા જણાવે છે.
રામના બાણના સાત અદ્વિતીય ગુણધર્મો
સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધે આ પ્રવચનમાં રામના બાણના સાત અદ્વિતીય ગુણધર્મો જણાવ્યા છે. તેમાંથી પહેલો એટલે, રામનું બાણ હંમેશા અચૂક હોય છે અને તે બાણની અચૂકતા અને કાર્ય રામની ઇચ્છા અનુસાર હોય છે. રામની ઇચ્છા પ્રમાણે જો બાણ શત્રુની છાતીમાંથી આરપાર જવાનું હોય, પરંતુ તેનો પ્રાણ લેવાનું ન હોય તો તેમ જ થાય છે. આ બાણની ખાસ વિશેષતા એ છે કે તે ફક્ત ખરાબનો નાશ કરે છે અને ક્યારેય ભૂલ કરતું નથી.
શૈતાન એટલે અભાવ - રામબાણ એટલે ભાવનિર્મિતી
પરમેશ્વર ક્યારેય કોઈનું ખરાબ કરતાં નથી. પરમેશ્વર ભાવસ્વરૂપ છે. પરમેશ્વરનો અભાવ મારા મનમાં ઉત્પન્ન થવો એટલે જ શૈતાન. તેથી અભાવને એટલે કે શૈતાનને અલગ અસ્તિત્વ નથી. ત્યારે પરમેશ્વર ફક્ત સાક્ષીરૂપે રહે છે. તેથી તેની ક્રિયાશીલતા જ્યાં નથી હોતી ત્યાં જ શૈતાની વૃત્તિનો ઉદય થાય છે અને રામબાણ જ્યારે આવા શૈતાનની છાતી પરથી, શૈતાની વૃત્તિના માણસની છાતી પરથી જાય છે, ત્યારે તે ભાવ ઉત્પન્ન કરે છે. રામબાણ અચૂક છે; ભૂલો સુધારનારું છે.
સદ્ગુરુ અનિરુદ્ધ બાપુ એક કથા દ્વારા સમજાવે છે કે રામનું બાણ અભાવ દૂર કરવા માટે કોઈ બીજી જગ્યાએથી કંઈ લાવતું નથી, પણ જ્યાં અભાવ છે ત્યાં જ ભાવ નિર્માણ કરે છે. ઉદા. જો રામને એક ચોક્કસ જગ્યાએ બાણ મારીને ગંગા લાવવી હોય તો તે ચોક્કસ જગ્યાથી, જ્યાં ગંગા છે ત્યાં સુધી, તેમના બાણથી જમીન ચીરીને ગંગા લાવવાને બદલે, રામ જ્યાં બાણ મારે છે ત્યાં જ ગંગા ઉત્પન્ન થાય છે. રામે ધનુષ્ય પર બાણ ચઢાવ્યું છે એવા સ્વરૂપનું તેમનું ધ્યાન કરતી વખતે, આ બાણ મારામાં આવીને મારામાંનું બધું ખરાબ દૂર કરશે, મારા પ્રારબ્ધનો નાશ કરશે, આ વિચાર જ્યારે મારા મનમાં વધુ ને વધુ દૃઢ થતો જાય અને તેના લીધે મારા અષ્ટભાવ જાગૃત થઈને મારી આંખોમાંથી જે પાણી વહેવા લાગે ને, તે ગંગા હોય છે. રામના બાણથી ઉત્પન્ન થયેલી ગંગા હોય છે. જે મારા સંપૂર્ણ આયુષ્યને પવિત્રતા આપે છે.
ઘા ભરીને પાછું આવતું રામબાણ
રામના બાણની બીજી વિશેષતા એટલે રામ તેના બાણને જે દિશામાં મોકલે છે તે જ દિશામાંથી તે પાછું આવે છે. આ બાણને કારણે જે ઘા નિર્માણ થયો હોય, તે જ ઘા ભરીને તે બાણ પાછું આવે છે. ઘા થયો એટલે શરીરમાંના કોષોનો અભાવ નિર્માણ થયો. તે અભાવનું રૂપાંતર ભાવમાં કરવા માટે, તે બાણ ફરી તે જ દિશામાં પાછું આવે છે, એટલે કે તેના અક્ષય ભાથામાં પાછું આવે છે.
વેદનારહિત અને રક્તરહિત રામબાણ
ત્રીજી વિશેષતા એટલે રામના બાણને ક્યારેય લોહી લાગતું નથી અને રામબાણ ક્યારેય વેદના આપતું નથી. રામનું બાણ જ્યારે કોઈપણ સજીવના શરીરમાં પ્રવેશે છે, પછી તે સજીવ ગમે તેટલો પાપી હોય કે પુણ્યવાન હોય, તેનું શરીર રામના બાણનું સ્વાગત જ કરે છે. તે બાણને સજીવના શરીરનો પ્રત્યેક ભાગ માર્ગ કરી આપે છે.
૧૦૮ શક્તિકેન્દ્રોને જાગૃત કરનાર રામબાણ
ચોથી વિશેષતા એટલે રામનું બાણ શરીરના કોઈપણ ભાગમાંથી ગયું તો પણ તે સંપૂર્ણ શરીરમાંના બધા ૧૦૮ શક્તિકેન્દ્રોને જાગૃત કરે છે.
આહ્વાન સિવાય/પડકાર વગર ન છૂટતું રામબાણ
રામના બાણની પાંચમી વિશેષતા એટલે સામે રહેલ વ્યક્તિએ આહ્વાન કર્યા વિના અથવા પડકાર્યા વિના રામ પોતાનું બાણ ક્યારેય છોડતાં નથી. બાણ ફક્ત આહ્વાન અથવા પડકાર થયા પછી જ છૂટે છે. રામ સંપૂર્ણ સત્વગુણી હોવાથી તે અચલ (Masterly Inactive) છે. આપણે જ્યાં સુધી તેમનું આહ્વાન કરતાં નથી ત્યાં સુધી તે ચલ થતાં નથી અને બાણ છોડતાં નથી. રામનો પ્લાન હંમેશા સામેની વ્યક્તિ પરથી જ નક્કી થાય છે. તેથી તેમને ચલિત કરવા માટે રાવણ કરતાં હનુમાનજી જેવા ભક્ત હોવું જ હંમેશા સારું છે.
પ્રેમ અને દ્વેષ મુજબ લાગતી રામબાણની સંખ્યા
છઠ્ઠી વિશેષતા એટલે આપણો રામ પર જેટલો પ્રેમ અને ભક્તિ જેટલી ગાઢ, તેટલા ઓછા બાણોની જરૂર પડે છે; આનાથી વિપરીત દ્વેષ જેટલો વધુ, તેટલાં વધુ બાણ લાગે છે. આ વિશે સદ્ગુરુ અનિરુદ્ધ બાપુ જણાવે છે કે રામે રાવણ માટે અસંખ્ય બાણ વાપર્યા પરંતુ આપણે પહેલાંના પ્રવચનની કથામાં સાંભળ્યા પ્રમાણે હનુમાનજીને મારેલા એક જ બાણથી રામ પોતે પણ ઘાયલ થયા.
ધ્યાસ લાગ્યા પછી જ છૂટતું રામબાણ
રામના બાણની સાતમી વિશેષતા એટલે રામનું બાણ ફક્ત ત્યારે જ છૂટે. જ્યાં સુધી સામેવાળી વ્યક્તિ શત્રુતાથી કે મિત્રતાથી રામનો ધ્યાસ કરતી નથી. અને આપણને એકવાર જો રામનો ધ્યાસ લાગી જાય તો રામનું બાણ છૂટે છે અને રામને પણ અમારો ધ્યાસ લાગી જાય છે. સંત કબીરદાસ કહે છે – “રામ હમારા જપ કરે, હમ બૈઠે આરામ!" એટલે કે જ્યારે ભક્ત રામનો ધ્યાસ ધરે છે, ત્યારે રામને પણ ભક્તનો ધ્યાસ લાગે છે. પ્રાપંચિક જીવનમાં કોઈપણ ધ્યાસ ધરવો, પણ રામનો ધ્યાસ માત્ર કાયમ રાખવો; પછી રામનું કોઈપણ રૂપ હોય, કૃષ્ણ હોય, મહાવિષ્ણુ હોય કે અન્ય હોય, તે એક જ છે. આવી ૭ વિશેષતાઓ ધરાવતું બાણ રામે પોતાના ધનુષ્ય પર લગાવેલું છે. રામનું ધનુષ્ય પણ વિશેષ છે. રામના ધનુષ્યના ત્રણ ગુણધર્મો છેઃ
રામનું નિરાકાર ધનુષ્ય
રામનું ધનુષ્ય નિરાકાર છે, એટલે કે તેને કોઈ ચોક્કસ આકાર નથી. તે રામની ઈચ્છા અનુસાર જ જોઈએ તે આકાર, જોઈએ ત્યારે ધારણ કરી શકે છે.
રામનું સ્થૈર્ય આપનારું ધનુષ્ય
રામનું ધનુષ્ય હંમેશા અધઃ અને ઊર્ધ્વ, આ બે દિશાઓમાં સ્થિર હોય છે એટલે કે તે સીધું છે, ત્રાંસું જતું નથી. આ ધનુષ્ય બાણને યોગ્ય ગતિ અને સ્થિરતા આપે છે. રામના ધનુષ્યનો અધઃ છેડો એટલે કે નીચેનો છેડો તે બાણ સાથે જોડાયેલ હોવા છતાં પણ જમીનને અડેલો હોય છે, પૃથ્વી સાથેનો સંબંધ જણાવનારો હોય છે તેથી તે સ્થિર હોય છે. રામ પોતાના ભક્તને તેમની ઉપાસનાનું કયું ફળ તે ઝીલી શકશે, તે જાણે છે અને તેટલું જ ફળ આપે છે.
રામનું સદૈવ કાર્યરત રહેતું ધનુષ્ય
રામના અવતાર પહેલાં અને પછી પણ આ ધનુષ્ય સક્રિય છે. પ્રત્યક્ષમાં રામનું ધનુષ્ય એટલે હનુમાન છે. હનુમાન એટલે રામનું ધનુષ્ય અને તેમની ગદા એટલે રામનામ. તેથી જ્યાં રામનામ છે ત્યાં હનુમાન હોય જ છે. રામ-હનુમાનનો નાતો અતૂટ છે.
રામના આયુધો અને લક્ષ્મણ, સીતા અને હનુમાન
સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધ આગળ જણાવે છે કે રામનું ધનુષ્ય, રામનું બાણ અને રામનું ભાથું આ ત્રણેય આયુધોની માલિકી પ્રત્યક્ષમાં રામ પાસે નથી, પરંતુ તેમની સંભાળ અને નિયંત્રણ મહાશેષ લક્ષ્મણ કરે છે એટલે કે રામનું બાણ, રામનું ધનુષ્ય અને રામનું ભાથું રામના શરીર પરથી કાઢીને રાખવું અને પાછું રામના શરીર પર નાખવું, આ કાર્ય ફક્ત તે એકમાત્ર મહાશેષ લક્ષ્મણ જ કરી શકે છે. રામનું ધનુષ્ય એટલે હનુમાન અને આ ધનુષ્ય વાપરવાની ઈચ્છાશક્તિ એટલે સીતામાઈ.
રામના બાણનું કાર્ય એટલે આપણા જીવનમાં જે પુરુષાર્થ નીકળી ગયો છે અથવા ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ભક્તિ કે મર્યાદા આ પુરુષાર્થનો જે અભાવ ઉત્પન્ન થયો છે તે પુરુષાર્થ ફરી સિદ્ધ કરવો. આ માટે આપણે રામરક્ષાનો પાઠ કરતી વખતે રામનું ધ્યાન કરતી વખતે 'ધૃતશરધનુષં' રામ એટલે કે તેના ભાથા સહિત, બાણ સહિત અને ધનુષ્ય સહિત રામને આપણી આંખો સામે લાવવા જોઈએ.
ભગવાનના શરણે જવાનું ઘેલું લગાડનારો ધ્યાનમંત્ર
છેવટે સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ જણાવે છે કે ધ્યાનમંત્ર બોલતી વખતે જેટલું શક્ય હોય તેટલું ધ્યાન કરવાનો પ્રયત્ન કરવો. આ માટે રામરક્ષા બોલતી વખતે, ધ્યાન કરતી વખતે એક એક શબ્દ પર ધ્યાન આપીએ તો પણ પૂરતું છે. ધ્યાનમંત્રનું કાર્ય શું? તો આ ધ્યાનમંત્રના કારણે જ મને ભગવાનના નામનું ઘેલું લાગે છે, મને ભગવાનની સ્તુતિનું ઘેલું લાગે છે, મને ભગવાનના રૂપનું ઘેલું લાગે છે. મને ભગવાનને શરણ જવાનું ઘેલું લાગે છે. આ બધું કરવાનું કામ જે કરે છે તે ધ્યાનમંત્ર.
.png)
Comments
Post a Comment