અનંત અને અગાધ લીલાઓ મારા બાપુની! - શ્વેતાવીરા કસેકર, મુલુંડ

અનંત અને અગાધ લીલાઓ મારા બાપુની!  - શ્વેતાવીરા કસેકર, મુલુંડ

આ શ્રદ્ધાવાન મહિલાએ પોતાને આવેલા અનેક અનુભવો અહીં રજૂ કર્યા છે. આ બધા અનુભવો વાંચ્યા પછી સદ્‍ગુરુ શ્રીઅનિરુધ્ધની અફાટ શક્તિની અનુભૂતી થયા વગર રહેતી નથી. મુશ્કેલી કે સમસ્યા ગમે તે હોય, ગમે તેની હોય, શ્રદ્ધાવાનોનું આશ્રયસ્થાન ફક્ત એક જ છે - સદ્‍ગુરુ શ્રીઅનિરુધ્ધ!

----------------------------------------------------------------------------------

હરિ ૐ, શ્રીરામ, અંબજ્ઞ. હું શ્વેતાવીરા કાસેકર, મુલુંડ (પૂર્વ) ઉપાસના કેન્દ્ર. હું એક્ઝિમ બેંકમાં મેનેજર તરીકે કામ કરું છું. ૨૦૦૨માં જ્યારે હું બી.કોમ.ના છેલ્લા વર્ષમાં હતી, ત્યારે મેં પહેલીવાર બાપુના દર્શન કર્યા. ડિસિલ્વા સ્કૂલમાં પ્રવચનનો એ છેલ્લો ગુરુવાર હતો. ત્યારપછી દર ગુરુવારે થનારા બાપુના પ્રવચન બાંદ્રાની ‘ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ’માં થવાના હતા. ઘરની મુશ્કેલીઓને કારણે હું ખૂબ જ ચિંતામાં હતી. મારી માસી પહેલેથી જ બાપુ પાસે જતી હતી, પણ મને તે સમયે તેમના વિશે કોઈ ખાસ ખબર ન્હોતી. જ્યારે ખબર પડી ત્યારે મનમાં એટલી બધી ચિંતાઓ હતી કે મેં પણ વિચાર કર્યો કે હું પણ બાપુ પાસે જઈને જોઉં. હું જ્યારે પહેલીવાર ડિસિલ્વા સ્કૂલમાં પ્રવચન માટે ગઈ, ત્યારે મેં મનોમન બાપુને કહ્યું, 'હવે આવતા ગુરુવારથી પ્રવચન બાંદ્રામાં થવાનું છે, મને તો ત્યાં આવવું જરાય નહીં ફાવે.' એ જ રાત્રે બાપુ મારા સપનામાં આવ્યા અને પછી ખબર નહીં કેવી રીતે, પણ હું દર ગુરુવારે પ્રવચનમાં જવા લાગી.

બી.કોમ.માં મને ૭૭% મળ્યા. ત્યારપછી મને બેંકિંગ સેક્ટરમાં કામ કરવાની ઈચ્છા હતી. ભંડારકર કાળે સી.એ. ફર્મમાં મને બેંક ઓડિટનો ઘણો સારો અનુભવ મળ્યો. પણ બેંકિંગ સેક્ટરની ઘણી પરીક્ષાઓ આપવા છતાં મનગમતી નોકરી ન્હોતી મળતી. હું સુચિતદાદા પાસે મારો આ પ્રશ્ન લઈને ગઈ. તેમણે મને કેટલીક ઉપાસનાઓ કરવાનું કહ્યું. દોઢ વર્ષ હું ભંડારકર કાળે ફર્મમાં હતી, જ્યાં મને સારો અનુભવ મળ્યો. સમય જતાં મને એન.કે.જી.એસ.બી. બેંકમાં નોકરી મળી ગઈ. ત્યાં મેં અડધા પગાર પર કામ કર્યું. ત્યારપછી મારી સારસ્વત બેંકમાં ઓફિસરના પદ પર પસંદગી થઈ, પણ મેં મુંબઈ બહાર જવાની ના પાડી દીધી. છેવટે એક્ઝિમ બેંકમાં મારી પસંદગી થઈ અને મને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવી. મેં મનોમન બાપુનો આભાર માન્યો કારણ કે કોઈ જ ઓળખાણ કે એ નોકરી માટે જરૂરી એટલું ભણતર ન હોવા છતાં મારી પસંદગી થઈ હતી; એ પણ વર્ધમાન વ્રતાધિરાજના સમયગાળા દરમિયાન. વ્રત કરીને હું ગુરુવારે ઈન્ટરવ્યુ આપવા ગઈ. લેખિત પરીક્ષા બહુ સરસ ગઈ. બેંકનું ફોર્મ ભરતી વખતે મેં 'અધર એક્ટિવિટીઝ'માં એ.એ.ડી.એમ. વિશે લખ્યું હતું. એ જ સંદર્ભમાં મને પૂછવામાં આવ્યું. આ તકનો લાભ લઈને મેં તેમને આપણી સંસ્થાના કાર્યો, એટલે કે ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ, સ્વચ્છતા અભિયાન અને એ.એ.ડી.એ.મ.ની પૂરી માહિતી આપી. કોલ્હાપુર મેડિકલ કેમ્પ વિશે પણ મેં તેમને ટૂંકમાં જણાવ્યું. તેમણે આ બધી એક્ટિવિટીઝના વખાણ કર્યા અને 'આ તો બધા જ ક્ષેત્રમાં હોશિયાર છે' એવો વિચાર કરીને મારી પસંદગી કરી. મારા વર્ધમાન વ્રતના પહેલા જ વર્ષે બાપુએ મને એક્ઝિમ બેંકમાં નોકરીની ભેટ આપી. મારા વતી જે ઉપાસનાઓ કરાવવામાં આવી, આ એનું જ ફળ હતું એવું હું માનું છું.

આ પછી નોકરી સંભાળતા સંભાળતા જ મેં મેનેજમેન્ટની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. પણ પેપર કંઈ ખાસ સારું ગયું નહીં. મારું માત્ર 30 માર્કસનું જ પેપર સાચું લખાયું હતું. એ જ દિવસોમાં એક ગુરુવારે ૧૦મા અને ૧૨મા ધોરણની પરીક્ષા આપનારા બાળકો બાપુના દર્શને આવ્યા હતા. તે સમયે મેં પણ દર્શન કર્યા. બાપુએ તે દિવસના પ્રવચનમાં બધા વિદ્યાર્થીઓ માટે આશ્વાસન આપતા શબ્દો કહ્યા. તે સાંભળીને હું પણ નિશ્ચિંત થઈ ગઈ. જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે તો હું ચોંકી જ ગઈ! 30% પેપર જ સાચું લખ્યું હોવા છતાં મને ૫૦% મળ્યા હતા.

મારી પરીક્ષા ચાલી રહી હતી તે દરમિયાન જ એક ગુરુવારે માતૃવાત્સલ્ય ઉપનિષદના પ્રકાશનનો આનંદોત્સવ હતો. બાપુએ ઉપનિષદ વિશે જે માહિતી આપી, તે સાંભળીને હું પણ આ સુવર્ણ અવસરની સાક્ષી છું એનો મને ખૂબ ગર્વ થયો. તે દિવસે રાત્રે પણ ફક્ત ૫૦% જ અભ્યાસ થઈ શક્યો હતો. બીજા દિવસે મેં જે વાંચ્યું હતું એ જ પ્રશ્નો પૂછાયા અને હું પરીક્ષામાં પાસ થઈ ગઈ. આ જ છે મારા બાપુનો કીમિયો! અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં બાપુએ જ મારી પાસે નોકરી અને ભણતર બંને પૂરું કરાવ્યું. બાપુએ જ મારા આખા પરિવારનો ભાર ઉપાડ્યો હતો. મારી મમ્મીની પણ યોગ્ય જગ્યાએ બદલી થઈ ગઈ અને મારા ભાઈને પણ નોકરી મળી ગઈ. બાપુએ અમને સમયે સમયે ખૂબ જ સારી રીતે સંભાળ્યા છે.

મને મારા નાનાનો એક અનુભવ પણ તમને બધાને ખાસ જણાવવો છે. તેઓ મારી માસીના ઘરે રહેતા હતા. જ્યારે તેઓ ૮૫ વર્ષના હતા ત્યારે તેમને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું. તેઓ સંપૂર્ણપણે પથારીવશ જ હતા. એક શનિવારે મારી માસીએ મને ફોન કરીને કહ્યું કે નાના દર્દથી કણસી રહ્યા છે. હું તરત જ સુચિતદાદા પાસે ગઈ. ડો. શિવાનંદસિંહે ફાઈલ જોતાં જ કહ્યું, "આ ચોથા સ્ટેજનું કેન્સર છે અને આમાંથી સાજા થવું મુશ્કેલ છે." પછી મેં સુચિતદાદાને મારી એક જ ઈચ્છા જણાવી કે બસ અંતિમ સમયે તેમને કોઈ તકલીફ કે દર્દ ન થાય. દાદાએ અમને તેમના માટે રામરક્ષાના પાઠ કરવા કહ્યું. બાપુએ અહીં પણ મારા નાનાનું ખૂબજ ધ્યાન રાખ્યું અને બીજા જ દિવસે માસીનો ફોન આવ્યો કે દાદાને હવે કોઈ પીડા નથી થતી. તેઓ ભલે પથારીમાં જ હતા, પણ એકદમ શાંત અને સ્વસ્થ હતા. આશરે બે વર્ષ પછી તેમનું કોઈ જાતની વેદના વગર અવસાન થયું. ત્યારપછી એકવાર બાપુ મારા સપનામાં આવ્યા અને મેં જોયું તો તેમના આખા મોઢા પર જખમ હતા. તેમના બધા જ કર્મોના ભોગ બાપુએ પોતાના પર લઈ લીધા હતા એવું હું માનું છું. કેટલો ત્રાસ સહન કરવો પડે છે બાપુને આપણા માટે! તેમના અંતિમ સમયે બાપુએ તેમને એક નાના બાળકની જેમ સંભાળ્યા.

મને હજી એક અનુભવ તમને કહેવો છે અને તે છે શ્રીગુરુક્ષેત્રમનો. શ્રીઅનિરુદ્ધ ગુરુક્ષેત્રમમાં મોટી માઁને કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. મારી મમ્મીને સ્પોન્ડિલાઈટીસની તકલીફ શરૂ થઈ ગઈ હતી. તેને મુલુંડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને ટ્રેક્શન શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ એક મહિનો સંપૂર્ણ આરામ કરવાનું કહેવામાં આવ્યું. હું ખૂબ જ ડરી ગઈ હતી અને મને લાગ્યું કે મારી મમ્મી હવે ક્યારેય સાજી નહીં થાય. મેં ગુરુક્ષેત્રમમાં જઈને મોટી માઁ અને ત્રિવિક્રમને પ્રાર્થના કરી.

આ પછી ઘરે આવ્યા પછી મેં જે દ્રશ્ય જોયું, તે જોઈને તો હું આશ્ચર્યચકિત જ થઈ ગઈ! ઘરના દરવાજા પર હાર લટકાવેલો હતો. મમ્મીને આ વિશે પૂછ્યું તો તેણે કહ્યું, "તારી માસીના જન્મદિવસ નિમિત્તે તેણે પુષ્પસેવા લીધી હોવાથી હું તેની સાથે શ્રીગુરુક્ષેત્રમ જઈ આવી અને પ્રસાદ રૂપે મળેલો હાર મેં આપણા દરવાજા પર લગાવ્યો છે." મારી મમ્મીની તબિયતમાં આટલો બધો સુધારો જોઈને હું તો અવાક જ થઈ ગઈ. હું મોટી માઁ પાસે હઠ પૂર્વક પ્રાર્થના કરું છું શું! અને મમ્મી ચાલીને ગુરુક્ષેત્રમ જઈને પણ આવે છે શું! આ બધું મારી સમજ શક્તિની બહાર હતું. કેટલો પ્રેમ અને દયા છે મોટી માઁ અને બાપુને આપણા પ્રત્યે! અજાણતા જ મોટી માઁએ મને બહુ મોટી ભેટ આપી દીધી હતી.

મારી એક ફ્રેન્ડ સંતાન ન હોવાને કારણે ખૂબ જ નિરાશ રહેતી હતી. એકવાર તેણે મારા ડેસ્ક પર બાપુનો ફોટો જોયો. ત્યારે તેણે એમના વિશે મને પૂછપરછ કરી. મેં તેને બાપુ વિશે માહિતી આપી અને તરત જ ગણેશ ઉત્સવ આવતો હોવાથી બાપુના ઘરના ગણપતિની તેમજ બાપુએ જણાવેલી સંકલ્પ સોપારી વિશે વાત કરી. તેણે ઘણા 'દેવ-દેવતા' અને માનતાઓ કરી હતી. ત્યારે મેં તેને કહ્યું, "જો તને યોગ્ય લાગે તો તું બાપુના દર્શને આવ અને સંકલ્પ સોપારી લઈને સંકલ્પ કર. બાપુ ચોક્કસ તારી મદદ કરશે." તેણે એવું જ કર્યું અને એ જ વર્ષે તેને ત્યાં એક સુંદર બાળકનો જન્મ થયો. પહેલી જ વાર ગણેશ ઉત્સવમાં આવનારી મારી ફ્રેન્ડની મનોકામના પણ બાપુની કૃપાથી પૂરી થઈ ગઈ.

દરેકના જીવનમાં સંકટો તો આવે જ છે. પણ આપણા 'ડેડ' યોગ્ય માર્ગદર્શન આપીને દરેક ભક્તને તેમાંથી સહેલાઈથી બહાર કાઢે જ છે, આ હું અને મારો પરિવાર પૂરા વિશ્વાસ સાથે બધાને કહી રહ્યા છીએ.

હું અંબજ્ઞ છું. 

હરિ ૐ. નાથસંવિધ્


Comments

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ