|
મંગલમૂર્તિ મોરયા! - સદ્ગુરુ શ્રી અનિરુધ્ધબાપૂનો દૈનિક પ્રત્યક્ષમાંનો અગ્રલેખ (૧૫-૦૯-૨૦૦૭) |
નાનપણથી અમારા ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે શુધ્ધ વૈદિક સંસ્કારોનું હતું, પરંતુ તેમ છતાં જરાયે આભડછેટ, જાત-પાત, કર્મઠ કર્મકાંડનો લેશ પણ નહોતો. માઈ અને નાનીનું સંસ્કૃત સાહિત્યના અભ્યાસ પર પ્રભુત્વ અને સર્વ સંહિતાઓ મુખાગ્ર હોવાને કારણે વેદમંત્રોના શુધ્ધ અને લયબદ્ધ ઉચ્ચારો હંમેશા કાને પડતા રહેતા. આજે પણ તે બંનેના અવાજમાં વૈદિક મંત્રો અને સૂક્તોના મધુર સ્વર અંતઃકરણમાં ઉમટતા રહે છે. ગણપતિની આરતી પછી ગવાતી મંત્રપુષ્પાંજલિ, જે આજના સમયના ‘શોર્ટકટ’ની જેમ ‘ॐ યજ્ઞેન યજ્ઞમયજન્ત….થી શરૂ ના થતાં ‘ॐ ગણાનામ્ ત્વા ગણપતિમ્ હવામહે....’ થી શરૂ થતી અને લગભગ અડધો થી પોણો કલાક ચાલતી. તેમાં આરોહ, અવરોહ, આઘાત, ઉદ્ધાર વગેરે સર્વ નિયમોનું પાલન કરીને પણ તે મંત્રપુષ્પાંજલિમાં માધુર્ય, કોમળતા અને સરળતા તેવી જ જીવંત રહેતી કારણ કે તે મંત્રોચ્ચારમાં શ્રેષ્ઠતાનાં પ્રદર્શન ની લાલસા નહોતી પરંતુ પૂર્ણ ભક્તિરસથી ભરેલું પ્રફુલ્લિત અંતઃકરણ હતું.
આગળ ત્યારબાદ, મારી ઉંમરનાં પાંચમાં વર્ષે મારા મોસાળના ઘેર એટલે કે પંડિત કુટુંબના ઘરનાં ગણપતિ સામે તે બંનેએ મને મંત્રપુષ્પાંજલિની શાસ્ત્રીય પદ્ધતિ પહેલીવાર શીખવી. તે સમયે મારી માતાની ત્રણેય કાકીઓ, માઈ અને નાની, એમ પાંચ જણીઓએ મારી આરતી ઉતારીને મને ઘણા મોદક ખવડાવ્યા. તે સમય સુધી મારા મોસાળમાં હું એકમાત્ર પૌત્ર હતો અને તેથી જ સંપૂર્ણ પાધ્યે અને પંડિત કુટુંબોને અતિશય લાડકો હતો. તે જ દિવસે માઈએ પાધ્યે કુટુંબની પરંપરા અનુસાર બાલગણેશની પ્રતિષ્ઠાપના કરવાની પધ્ધતિ પણ મને સમજાવી અને તેથી જ આજે પણ અમારા ઘરમાં ગણેશચતુર્થીએ પ્રતિષ્ઠાપના થતી મૂર્તિ બાલગણેશની જ હોય છે.
મેં એકવાર માઈને પૂછ્યું કે “દર વર્ષે બાલગણેશ જ કેમ?” માઈએ મારા ગાલ પર હાથ ફેરવીને જવાબ આપ્યો, “અરે બાપુરાયા, બાળક ઘરે આવ્યું અને તેના આપણે લાડકોડ કરીએ ઍટલે પછી તેના કારણે તે બાળકની પાછળ તેના માતા અને પિતા આવે જ છે અને તેઓ હરખ પામે છે. આ બાલગણેશના ભક્તો દ્વારા કરાયેલા લાડકોડ અને ગુણગાન ને કારણે પાર્વતીમાતા અને પરમશિવનું પણ આપમેળેજ સ્વાગત અને પૂજન થતું હોય છે અને બીજું એટલે અજાણ્યા સામાન્ય માનવના સોહામણા નાના બાળક સાથે વર્તતા પણ આપણા મનમાં આપમેળે જ એક નિષ્કામ પ્રેમ પ્રગટ થતો હોય છે. તો પછી આ અત્યંત દેખાવડા મંગલમૂર્તિના બાલરૂપના સહવાસમાં ભક્તોના મનમાં જે ભક્તિપ્રેમ હશે તે તેવું જ નિષ્કામ અને પવિત્ર હશે નહીં કે?”
માઈની આ ભાવનાઓ એટલે એક અત્યંત શુધ્ધ અને પવિત્ર ભક્તિમય અંતઃકરણની રસદાર સહજવૃત્તિઓ હતી. અમે સર્વે પણ અક્ષરશઃ કરોડો લોકો ગણપતિ ઘરે બેસાડતા હોઈએ છીએ, ક્યાંક દોઢ દિવસ તો ક્યાંક દસ દિવસ. ભલેને વિવિધ પ્રકારની ગણેશમૂર્તિઓ હોય, પરંતુ આ વિઘ્નહર્તા ગણેશ સાથે અમે અમારા આત્મિયતાભર્યા, ભાવભર્યા અને પરિવાર જેવા સંબંધ બનાવીએ છીએ ખરા?
ઘરે આવેલા ગણપતિને ફક્ત ઘરની પરંપરા ન તૂટે, તૂટે તો વિઘ્નો આવશે, આ ભાવનાથી જ અમુક જગ્યાએ લાવવામાં આવે છે. અમુક જગ્યાએ માનતા પૂરી કરવા માટે લાવવામાં આવે છે તો અમુક જગ્યાએ ફક્ત ઉત્સવ અને મોજમજા માટે લાવવામાં આવે છે. આવી ગણપતિસ્થાપનામાં મંત્ર હોય છે, મંત્રપુષ્પાંજલિ હોય છે, આરતી હોય છે, મહાનૈવેદ્ય હોય છે અને રીતરિવાજ અને શાસ્ત્રનું પૂરેપૂરૂં પાલન કરવાના ભય હેઠળનાં પ્રયાસ પણ હોય. પરંતુ આ બધી ધમાલ માં ખોવાઈ જાય છે, તે આ આરાધનાનો મૂળ ગર્ભ અર્થાત પ્રેમળ ભક્તિભાવ.
મંગલમૂર્તિ મોરયા અને સુખકર્તા દુખહર્તા, આ શ્રીગણપતિના બિરુદો ની દરેકને ખબર હોય જ છે. બલ્કે આ ‘સુખકર્તા દુખહર્તા’ બિરુદાવલીને કારણે જ તો અમે ગણપતિને ઘરે લાવવા તૈયાર હોઈએ છીએ, પણ ‘મંગલમૂર્તિ’ આ બિરુદનું શું? તે સિદ્ધિવિનાયક સર્વ કંઈ મંગલ કરવાનો જ છે પણ તેને ઘરે લાવ્યા પછી અમે તેને કેટલા મંગલ વાતાવરણમાં રાખીએ છીએ? આ જ મહત્વનો પ્રશ્ન છે.
ફક્ત દુર્વાઓના મોટામોટા હાર ચઢાવીને, એકવીસ મોદક સવાર-સાંજ તેની સામે રાખીને, લાલ ફૂલો ચઢાવીને અને આરતીઓમાં મંજીરા કુટીને અમે અમારા તરફથી અને અમારી ક્ષમતા અનુસાર માંગલ્ય નિર્માણ કરતા હોઈએ છીએ ખરા? ઉત્તર મોટાભાગે ‘ના’ એમ જ મળશે.
તો પછી તે મંગલમૂર્તિને અમારી પાસેથી અપેક્ષિત ‘માંગલ્ય’ અમે કેવી રીતે અર્પણ કરી શકીશું? ઉત્તર એકદમ સાદો અને સરળ છે. તે મૂર્તિનું સ્વાગત કરતી વખતે જાણે એક વર્ષ પછી પોતાનો જીગરજાન સ્વજન ઘરે પાછો આવી રહ્યો છે, આ ભાવના રાખો; એકવીસ મોદકો સહિત નૈવેદ્યથી ભરેલી થાળી તેની સામે રાખીને તેને લાડપૂર્વક આગ્રહ કરો, આવેલા મહેમાનોના આતિથ્ય સત્કારના દબદબા કરતાં તે ગણેશની આરાધના તરફ વધુ ધ્યાન આપો, આરતી ગાતી વખતે કોઈની સાથે સ્પર્ધા ન કરો અને મુખ્ય એટલે આ મહાવિનાયક પાછો તેના સ્થાને જવા નીકળે, ત્યારે અંતઃકરણ ગદગદિત થઈ ભરાઈ આવવા દો અને હકની પ્રેમળ વિનવણી થવા દો, ‘મંગલમૂર્તિ મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા.’(આવતાં વરસે વહેલા આવજો)
અગ્રલેખના અંતે સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધ બાપૂ લખે છે -
‘મારા શ્રધ્ધાવાન મિત્રો, ‘પુઢચ્યા વર્ષી લવકર યા’, આ વાક્યનો અર્થ બરાબર સમજી લો. આવવાની તિથિ તો નક્કી થયેલી જ હોય છે, તો પછી ફક્ત મોંઢેથી ‘જલદી આવો’ કહેવા પાછળ શું અર્થ હોઈ શકે? આમાં એક જ અર્થ છે અને તે એટલે, આવતા વર્ષની રાહ ન જુઓ, હે મોરયા, હે મારા દેવ, તમે રોજ જ આવતા રહો અને તે પણ બને એટલું જલદીમાં જલદી’
मराठी >>
हिंदी >>
ಕನ್ನಡ>>
বাংলা>>
English>>