![]() |
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનો દૈનિક પ્રત્યક્ષમાંનો અગ્રલેખ (૧૫-૧૨-૨૦૦૬) |
"પાર્વતીમાતા એટલે પર્વત ધારણ કરનારી પૃથ્વીનું તરલ સ્વરૂપ અર્થાત ચૈતન્યને પ્રકટ કરવા માટે આધારભૂત એવી દ્રવ્યશક્તિ (દ્રવ્ય એટલે ભૌતિક પદાર્થ). આ દ્રવ્યશક્તિની મદદ વિના ચૈતન્યના આવિષ્કાર પ્રકટ થઈ શકતા નથી, અને ચૈતન્ય વિના દ્રવ્યશક્તિને અસ્તિત્વ જ નથી, આનો જ અર્થ દ્રવ્યશક્તિ એ મુળ ચૈતન્યમાંથી જ નિર્માણ થનારી અને સ્થૂળતા તરફ પ્રવાસ કરનારી શક્તિ છે અને તેથી જ આ શક્તિનું તરલ સ્વરૂપ જગન્માતા પાર્વતી છે તો પૂર્ણ સ્થૂળ સ્વરૂપ પૃથ્વી છે. તેથી જ એવી આ પાર્વતીમાતાનો પુત્ર તરલ સ્વરુપમાં સંપૂર્ણ વિશ્વનો ઘનપ્રાણ છે, સૂક્ષ્મ સ્વરૂપમાં નાદ છે અને સ્થૂળ સ્વરૂપમાં પરમાત્મા મહાગણપતિ છે.
![]() |
માઘી ગણેશોત્સવમાં બિરાજમાન શ્રીબ્રહ્મણસ્પતિ. |
સમગ્ર વિશ્વ જ મુળ તો પ્રકટ થયું પ્રણવના (ૐ) નાદમાંથી જ. પ્રણવનો નાદ ગુંજવા લાગ્યો અને નિર્ગુણ નિરાકાર બ્રહ્મમાંથી સગુણ સાકાર વિશ્વરૂપની ઉત્પત્તિ થવા લાગી. આ 'ઓમકાર'નો, એટલે કે મૂળ ધ્વનિનો, હાલમાં વિશ્વમાં ઉત્પન્ન થઈ રહેલા દરેક ધ્વનિ સાથે જે સંબંધ છે, તે જ શ્રીમહાગણપતિ છે. માનવે તેને મળેલી બુદ્ધિમત્તા અને વિશેષ ધ્વનિયુક્ત સંપર્કશક્તિ, એટલે કે ભાષા, એમના સહાયથી જ સર્વ ચોર્યાસી લાખ યોનિઓમાંથી પોતાનું શ્રેષ્ઠત્વ વિકસિત કર્યું. માનવના દરેક વિકાસના પ્રવાસનાં આરંભસ્થાને આ સંપર્કકુશળતા, એટલે કે ભાષાવિજ્ઞાન છે, અને આ ભાષાવિજ્ઞાનના સર્વ સ્ત્રોત આ મહાગણપતિના જ ગુણોમાંથી પ્રકટ, સિદ્ધ અને સાધ્ય થઈ શકે છે.
માનવના વિકાસશીલ પ્રવાસમાં તેની બુદ્ધિને અને મનને પોતાની આ ભાષાવિદ્યા અને ધ્વનિશાસ્ત્રનું અપાર મહત્વ જણાવા લાગ્યું અને તેમાંથી જ ઋષિઓનું અર્થગર્ભ ચિંતન શરૂ થયું. નવનવોન્મેષશાલિની પ્રજ્ઞા ધરાવનારા આ ઋષિઓએ પોતાની નિરીક્ષણ શક્તિની મદદથી કરેલા ચિંતનમાંથી તેમને ધ્વનિના સ્થૂળ, સૂક્ષ્મ અને તરલ અસ્તિત્વની જાણ થવા લાગી અને છેવટે તેઓ ઓમકાર સુધી જઈ પહોંચ્યા. ઓમકારનું 'દર્શન' થતા જ ઋષિઓને પરમેશ્વરના સત્-ચિત્-આનંદ સ્વરૂપની સમજણ થઈ અને ત્યારબાદ અધ્યાત્મશાસ્ત્ર વિકસવા લાગ્યું. આ જ આધ્યાત્મિક પ્રવાસમાં મૂળ ચૈતન્યનો અને દ્રવ્યશક્તિનો માનવ સાથેનો અનિવાર્ય સંબંધ ઉજાગર થયો. માનવને પ્રાપ્ત થયેલ શરીર, મન અને બુદ્ધિ આ ત્રણેય જીવનસ્તંભ દ્રવ્યશક્તિના ઉચિત ઉપયોગ વિના યોગ્ય વિકાસ સાધી શકશે નહીં એની ઋષિઓને ખાતરી થઈ અને તે જ સમયે મૂળ ચૈતન્યનાં અધિષ્ઠાન વિના દ્રવ્યશક્તિનો ઉચિત ઉપયોગ કરી શકાશે નહીં એની પણ ખાતરી થઈ અને તેથી જ પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ભૌતિક જીવન વિષયક શાસ્ત્રો અને અધ્યાત્મ વિષયક શાસ્ત્રો એકબીજાથી ક્યારેય ભિન્ન રહ્યા નથી.
આ પ્રતિભાવંત ઋષિઓને પૂરેપૂરું સમજાઈ ગયું હતું કે ભૌતિક વિદ્યાઓને અધ્યાત્મનું અધિષ્ઠાન ન હોય તો તેમનો રચનાત્મક અને સકારાત્મક ઉપયોગ કરવો શક્ય બનશે નહીં. અધ્યાત્મનું અધિષ્ઠાન ન હોય તેવી માત્ર ભૌતિક શાસ્ત્રોની પ્રગતિમાંથી અનેક વિનાશક, નુકસાનકારક અને અપવિત્ર શક્તિઓ તથા કાર્યો ઉત્પન્ન થઈ શકે છે. તે સાથે જ ઋષિઓએ એ પણ પૂરેપૂરું જ્ઞાન થયું હતું કે જો કેવળ આધ્યાત્મિક ચિંતન, મનન અને અભ્યાસ કરવાથી ભૌતિક વિદ્યાઓ નબળી અને અવિકસિત રહે તો દેહધારી માનવના
શરીર, મન અને બુદ્ધિનો યોગ્ય વિકાસ અશક્ય છે.
આ બંને તત્ત્વોનો સમતોલ એ જ માનવજીવનના વિકાસનું અને સુખનું સૂત્ર છે, આ નિર્ણય નિશ્ચિત થયો અને આ સૂત્રને જ 'ગણેશવિદ્યા' એમ સંબોધવામાં આવ્યું અને આ 'સમતોલ'ને જ શિવ-પાર્વતીનો પુત્ર એટલે કે ગણપતિ, એ નામ પ્રાપ્ત થયું.
![]() |
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધના ઘરે શ્રી ગણેશનું આગમન |
સગુણ સાકાર વિશ્વમાં દરેક ગુણનો સમતોલ જાળવનારી શક્તિ એટલે જ મહાગણપતિ, અને તેથી જ તે ગુણેશ પણ છે અને જુદા જુદા ગુણસમૂહોનો અધિપતિ હોવાથી ગણેશ.
અધ્યાત્મશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર એટલે કે જ્ઞાન અને વિજ્ઞાનના મૂળ સમતોલને મહાગણપતિ રૂપે જાણ્યા પછી, આ મહાગણપતિના વિવિધ સૂક્ષ્મ આવિષ્કારોની શોધ શરૂ થઈ. આ શોધની પ્રક્રિયામાં જ, પ્રાણમય દેહમાંના મૂલાધાર ચક્ર પર પ્રભુત્વ આ ગણપતિ જ ધરાવે છે, તે ધ્યાનમાં આવ્યું અને ગણપતિ ભારતીય શાસ્ત્રમાં મૂલાધાર ચક્રના સ્વામી તરીકે સ્થાપિત થયા. ભાષાવિજ્ઞાન અને સંપર્કશાસ્ત્રનો અભ્યાસ કરતી વખતે ગણપતિના વધુ એક સૂક્ષ્મ સ્વરૂપની જાણ થવા લાગી અને તે એટલે વાક એટલે કે વાણી અને બુદ્ધિનું સંચાલકત્વ. તેથી જ શ્રીગણપતિ, સર્વ વિદ્યાઓનું આશ્રયસ્થાન અને બુદ્ધિદાતા તરીકે સમાજમાનસમાં દ્દૃઢ થતા ગયા.
અનેક વિઘ્નો, અડચણો અને સંકટોનો દૈનિક જીવનમાં ક્ષણ-પ્રતિ-ક્ષણ સામનો કરનારા માનવ મનનું 'ધૈર્ય' એટલે કે સબુરી પણ આ 'સમતોલ'નું જ સૂક્ષ્મ સ્વરૂપ છે અને આ જ સ્વરૂપ માનવને સંકટમાંથી માર્ગ કાઢવાનું શીખવે છે, આ જ્ઞાન ઋષિઓને થયું અને શ્રીમહાગણપતિનું 'વિઘ્નહર્તા' આ સ્વરૂપ જાણપણાના ક્ષેત્રમાં આવ્યું. રામદાસ સ્વામીએ એકદમ સાદા, સરળ અને સહેલા શબ્દોમાં એટલે જ તેનું વર્ણન સુખકર્તા, દુખહર્તા અને વિઘ્નોની વાત પણ ન રહેવા દેનારા તરીકે કર્યું.
મૂલાધાર ચક્રના સ્વામી એકદંત ગણપતિ છે, આ વિશે સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ વિવેચન કરી રહ્યા છે.
શ્રીમહાગણપતિના આ લીલા-સ્વભાવની ઓળખ થયા પછી સ્વાભાવિક રીતે જ તેનો ઉપયોગ કરવા માટે અનુસંધાનરૂપ સેતુ બાંધવાની ઈચ્છા ઋષિઓની વિજીગીષુ પ્રજ્ઞામાં ઉત્પન્ન થઈ અને તેમાંથી જ આ મહાગણપતિના મંત્રો અને અથર્વશીર્ષની રચના થઈ.
'ગં' આ ધ્વનિશાસ્ત્રમાંનું બીજાક્ષર ઘન (સ્થૂળ) અને તરલ વચ્ચે સમતોલ સાધનારું છે, એ અનુભવાંતે જાણીને 'ગં' એ ગણેશબીજ મંત્રરૂપે સિદ્ધ કરાયું અને 'ગં'માંથી જ ગણપતિ એ નામ આગળ આવ્યું. તે પહેલાં આ જ સ્વરૂપને 'બ્રહ્મણસ્પતિ' આ સર્વસમાવેશક નામથી સંબોધવામાં આવતું હતું.
'બ્રહ્મણસ્પતિ'થી 'ગણપતિ' સુધીનો આ દેવતાનો પ્રવાસ નથી, પરંતુ માનવના જાણપણાનો પ્રવાસ છે, અને તેથી જ આ બંને જુદા કે એક જ છે, એ વિષે વાદ જ ઉત્પન્ન થઈ શકતો નથી. નામ અને નામાંતર એ માનવ પ્રજ્ઞાનાં વિકાસનો તે તે અવસ્થાનો સહજ પરિપાક હોય છે પરંતુ તે નામી માત્ર એક જ હોય છે અને રહે છે."
અગ્રલેખના અંતે સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ લખે છે -
"મિત્રો, 'સમતોલ' અને 'સંતુલન' આ ગુણો વિના માનવનું જ શું, પરંતુ સંપૂર્ણ વિશ્વનું પણ અસ્તિત્વ ટકી શકશે નહીં. માનવીય જીવનમાં આ સંતુલન જાળવવું એટલે જ વિઘ્નનો નાશ. આ વિઘ્નનો નાશ કરવાનું
સામર્થ્ય, માનવ વિશ્વની મૂળ 'સમતોલ' શક્તિમાંથી જ મેળવી શકે છે અને તેથી જ ગણપતિ સદૈવ સર્વ શુભકાર્યોમાં અગ્રસ્થાને રહેવાના જ છે."
![]() |
માઘી ગણેશોત્સવમાં અષ્ટવિનાયક સાથે બિરાજમાન શ્રીબ્રહ્મણસ્પતિને સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ પૂજન કરી રહ્યા છે. |
मराठी >> हिंदी >> English >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>>
No comments:
Post a Comment