સંદર્ભ - સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધબાપુના દૈનિક ‘પ્રત્યક્ષ’ માંના ‘તુલસીપત્ર’ આ અગ્રલેખ માલિકામાંનો અગ્રલેખ ક્રમાંક ૧૪૦૦ અને ૧૪૦૧
સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધ બાપુ તુલસીપત્ર - ૧૪૦૦ ના આ અગ્રલેખમાં લખે છે,
બ્રહ્મવાદિની લોપામુદ્રાએ બધા બ્રહ્મર્ષિ અને બ્રહ્મવાદિનીઓની સાથે આદિમાતાના ‘શ્રીવિદ્યા’ રૂપને પ્રણામ કર્યા અને તે બધા લોપામુદ્રાના નેતૃત્વ હેઠળ આદિમાતા શ્રીવિદ્યા સામે ‘ધ્યાન’ માટે બેઠાં.
આ બધાની સામે બીજા બધા ઉપસ્થિતો બિલકુલ એકીટશે જોઈ રહ્યાં હતાં.
તે બધા બ્રહ્મર્ષિ અને બ્રહ્મવાદિનીઓના ચહેરા પર ધીમે ધીમે એક અત્યંત આહ્લાદદાયક, શાંતિરસપૂર્ણ અને પ્રસન્ન ભાવ શોભવા લાગ્યો અને આ ભાવ વધતો જ જતો હતો.
પણ ફક્ત એક લોપામુદ્રાનો ચહેરો સંપૂર્ણપણે સ્થિર અને શાંત હતો. એમના ચહેરા પર એવો કોઈ પ્રસન્ન ભાવ પણ ન્હોતો અને અપ્રસન્નતા પણ ન્હોતી અને આ જોઈને બધા ઉપસ્થિતો વધુ જિજ્ઞાસુ બની રહ્યાં હતાં.
![]() |
| આદિમાતા 'શ્રીવિદ્યા' |
ભગવાન ત્રિવિક્રમે હવે ‘ૐ નમશ્ચણ્ડિકાયૈ’ આ મંત્રનો જાપ શરૂ કર્યો અને બ્રહ્મવાદિની લોપામુદ્રાના મસ્તક પર પોતાનો વરદહસ્ત મૂક્યો.
તેની સાથે જ લોપામુદ્રાના ચહેરા પર પણ તેવો જ આહ્લાદદાયક, શાંતિરસપૂર્ણ અને પ્રસન્ન ભાવ ફેલાવા લાગ્યો.
અને બ્રહ્મવાદિની લોપામુદ્રાના હોઠ એકબીજાથી વિલગ બન્યા અને તેઓ પોતે પણ ‘ૐ નમશ્ચણ્ડિકાયૈ’ આ જાપ કરવા લાગ્યા.
અને આ સાથે જ બીજા બધા બ્રહ્મર્ષિ અને બ્રહ્મવાદિનીઓએ પોતપોતાની આંખો ખોલી, પણ બ્રહ્મવાદિની લોપામુદ્રાની આંખો તો હજીપણ બંધ જ હતી અને તેઓ મોટા અવાજે મંત્રોચ્ચાર કરતાં હોવાછતાં પણ તેઓ હજી ‘ધ્યાનમાં જ’ છે, એ દરેકને સ્પષ્ટપણે સમજાઈ રહ્યું હતું.
લોપામુદ્રાના મસ્તક પરનો, ભગવાન ત્રિવિક્રમનો વરદહસ્ત, એમના વાળથી અલગ થતાં જ બ્રહ્મવાદિની લોપામુદ્રા પદ્માસનમાંથી ઊઠીને ઊભા થઈ ગયા અને એમણે પોતાના બંને હાથ જોડ્યા ; આ છતાં તેઓ હજી સંપૂર્ણપણે ‘ધ્યાનમાં જ’ હતાં.
એ વખતે લોપામુદ્રાના મુખ પર ફક્ત આનંદ દેખાઈ રહ્યો હતો, જાણે આનંદના વિવિધ રંગો, વિવિધ
સ્રોત, વિવિધ પ્રવાહ, વિવિધ મહાસાગર, એમનાં એકના જ મુખ પર આનંદથી વિલસી રહ્યાં હતાં.
ભગવાન ત્રિવિક્રમના શબ્દો દરેકના કાન પર આવ્યા, “આ બ્રહ્માનંદ સ્થિતિ. આ જ ખરી પૂર્ણ સ્થિતિ અને પૂર્ણ ગતિ.
આવો આ બ્રહ્માનંદ શ્રીશાંભવીવિદ્યાની સત્તરમી અને અઢારમી કક્ષા (પગથિયાં) પાર કર્યા પછી જ પ્રાપ્ત થાય છે.
આ બીજા બધા બ્રહ્મર્ષિ અને બ્રહ્મવાદિનીઓને પણ આ બ્રહ્માનંદ પ્રાપ્ત થયેલો જ છે. પરંતુ વરિષ્ઠ બ્રહ્મવાદિની લોપામુદ્રા પાસે તો બીજી એક અલગ જ બાબત છે -
- લોપામુદ્રાએ કરેલા આદિમાતાના ભક્તિના પ્રસારના કારણે અર્થાત્ અબજો ગુણસંકીર્તનોના કારણે અને તે પણ ‘હું ગુણસંકીર્તન કરું છું’ આ ભાવ જરાપણ ન હોવાના કારણે, આ લોપામુદ્રા સહેલાઈથી પોતાનો બ્રહ્માનંદ પણ આદિમાતાના ચરણે એક ક્ષણમાં અર્પણ કરવા લાગ્યા.
અને લોપામુદ્રાએ અર્પણ કરેલો તે બ્રહ્માનંદ, આદિમાતા જ્યાંથી પ્રગટ થયા, તે મૂળ સ્થાન પર અર્થાત્ શ્રીદત્તગુરુના ચરણે પહોંચ્યો.
અને આવી રીતે લોપામુદ્રાના બ્રહ્માનંદને આ સચ્ચિદાનંદની જોડ મળી અને એટલે જ આ બ્રહ્મવાદિની લોપામુદ્રા, પોતાનું દરેક કાર્ય કરતા હોવાછતાં પણ સદાય બ્રહ્માનંદમાં જ નિમગ્ન હોય છે.
શ્રીશાંભવીવિદ્યાની અઢારેઅઢાર કક્ષાઓ પાર કર્યા પછી જ આ સચ્ચિદાનંદની પ્રાપ્તિ થાય છે.
અને આવી પ્રાપ્તિ ફક્ત લોપામુદ્રા પાસે જ છે અને તેથી જ તેઓ ‘શ્રીવિદ્યાસંહિતા’ના, શ્રીશાંભવીવિદ્યાના, શ્રીશાંભવીમુદ્રાના, શ્રીશાંભવીધ્યાનના અને સચ્ચિદાનંદ ઉપાસનાના સર્વોચ્ચ માર્ગદર્શક ગુરુ છે.”
ભગવાન ત્રિવિક્રમે ‘અવધૂતચિંતન...’ એમ કહેતાં જ, બ્રહ્મવાદિની લોપામુદ્રાની આંખો ખુલી ગઈ અને તે પણ ‘...શ્રીગુરુદેવદત્ત’ આ શબ્દો ઉચ્ચારતાં જ.
![]() |
| સ્વયંભગવાન ત્રિવિક્રમ |
ભગવાન ત્રિવિક્રમે લોપામુદ્રાને બોલવાની અનુજ્ઞા આપતાં જ તે વરિષ્ઠ બ્રહ્મવાદિની બોલવા લાગ્યા, “હે પ્રિય આપ્તજનો ! શ્રીશાંભવીવિદ્યાની સત્તરમી અને અઢારમી કક્ષા (પગથિયાં) ના અધિષ્ઠાત્રી છે, તે નવમી નવદુર્ગા ‘સિદ્ધિદાત્રી’.
આ સિદ્ધિદાત્રી જ નવરાત્રીની નવમી તિથિની રાત્રિની અને દિવસની નાયિકા છે.
શ્રીશાંભવીવિદ્યાની સત્તરમી કક્ષામાં આવનારા સાધકને ભગવાન ત્રિવિક્રમ પોતે ‘શ્રીશાંભવીધ્યાનમ્’ શીખવે છે અને તેમની પાસેથી તેનો અભ્યાસ પણ તેઓ પોતે જ કરાવી લે છે.
હમણાં આપણે બધા જે ધ્યાનમાં બેસવાના કારણે બ્રહ્માનંદથી ભરાઈ ગયા હતા, તે ધ્યાન એટલે જ ‘શ્રીશાંભવીધ્યાનમ્’.
આ સત્તરમાં પગથિયાં પર ભગવાન ત્રિવિક્રમ, તે સાધકનો હાથ નવદુર્ગા સિદ્ધિદાત્રીના હાથમાં સોંપે છે.
અને આ માતા સિદ્ધિદાત્રી, તે સાધકને પોતાના સંતાનની જેમ માનવી ૧૦૦૮ વર્ષ સુધી પોતાની સાથે રાખે છે અને તે પછી જ ‘શ્રીશાંભવીધ્યાનમ્’ પૂર્ણ સ્વરૂપમાં પહોંચે છે.
અઢારમાં પગથિયાં પર તો આ જ સિદ્ધિદાત્રી, ભગવાન ત્રિવિક્રમની સંમતિથી, તે સાધકનો હાથ ફરીથી ભગવાન ત્રિવિક્રમના હાથમાં જ સોંપે છે.
ભગવાન ત્રિવિક્રમ જરાપણ વિલંબ ન કરતાં, તે સાધકને પોતાના બંને હાથથી એક બાળકની જેમ ઊંચકી લે છે.
અને તે સાધકને આઠ વર્ષનો બાળક બનાવીને, આદિમાતાના ‘મણિદ્વીપનિવાસિની’ રૂપ પાસે અર્થાત્ ‘સિંહાસનસ્થ અષ્ટાદશભુજા મહિષાસુરમર્દિની’ રૂપ પાસે અર્થાત્ ‘લલિતાઅંબિકા’ રૂપ પાસે અર્થાત્ મૂળ ‘શ્રીવિદ્યા’ રૂપ પાસે લઈ જઈને પહોંચાડી દે છે.
આ મણિદ્વીપમાં પછી તે બાળક સદૈવ બાળલીલા કરતો જ રહે છે - અર્થાત્ બ્રહ્મર્ષિ કે બ્રહ્મવાદિની બનીને જ.
મણિદ્વીપમાં બાળક તરીકે રહેતાં હોવાછતાં, આ બધા સાધકો આ પછી પણ, વસુંધરા પર કે માનવી વસ્તીવાળા બીજા કોઈપણ ગ્રહ પર પોતાના મૂળ રૂપમાં પણ રહે છે, કાર્ય પણ કરે છે અને કેટલીક વાર તો જન્મ પણ લે છે અને ત્યાંની સ્થિતિ પ્રમાણે મૃત્યુ પણ સ્વીકારે છે. પરંતુ એમના જન્મ અને મૃત્યુનો કોઈ જ અર્થ નથી હોતો. તેઓ સદાય ‘બ્રહ્માનંદી’ જ હોય છે."
બ્રહ્મવાદિની લોપામુદ્રાએ આટલું બોલી લીધા પછી, આદિમાતા શ્રીવિદ્યાના ચરણો પર જુદા જુદા રંગના સુગંધિત પુષ્પો અર્પણ કર્યા અને તે સાથે જ આદિમાતાનું સિંહાસનસ્થ મણિદ્વીપ-સ્વરૂપ ત્યાં શોભવા લાગ્યું.
અને આદિમાતાની ડાબી બાજુએ ચાર અને જમણી બાજુએ ચાર, એમ પ્રતિપદા થી અષ્ટમી સુધીની નવદુર્ગાઓ ઊભા હતાં.
અને આદિમાતાના મસ્તક પર સુવર્ણકમળછત્ર પકડીને નવમી નવદુર્ગા સિદ્ધિદાત્રી ઊભા હતાં.
એમના મુખમાં અને આદિમાતાના મુખમાં અંશમાત્ર પણ ફરક નહોતો.
આ પછી બાપુ આગળ તુલસીપત્ર - ૧૪૦૧ ના આ અગ્રલેખમાં લખે છે,
નવમી નવદુર્ગા સિદ્ધિદાત્રી સર્વ ઉપસ્થિતોની સામે આવીને કૈલાસની ભૂમિને પદસ્પર્શ પણ ન કરતાં ઊભા રહ્યાં.
માતા સિદ્ધિદાત્રીનો વર્ણ તાજા ગુલાબપુષ્પની પાંખડીઓ જેવો હતો.
એમની આંખો અત્યંત વિશાળ હોવાછતાં ભેદક હતી, જાણે કે એમની નજર કોઈપણ વસ્તુની આરપાર જઈ શકતી હતી.
તેઓ ચતુર્હસ્તા હતા અને એમના ભાલપ્રદેશ પર ત્રીજા નેત્રને બદલે કુંમકુંમતિલક જ દેખાઈ રહ્યું હતું.
એમના ચાર હાથોમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ આ આયુધો હતા.
એમના વસ્ત્ર લાલ રંગના અને સોનેરી કિનારીવાળા હતાં.
અને મુખ્યત્વે એમનું દરેક હલનચલન અતિશય નાજુક, કોમળ અને ખૂબ જ મંદ હતું.
માતા સિદ્ધિદાત્રીના મુખ પર એક જ ભાવ પ્રસન્નતાથી શોભી રહ્યો હતો અને તે એટલે ‘સમાધાન’.
અને તે સમાધાન માતાના ચહેરા પરથી નીકળીને દરેક શ્રદ્ધાવાન પાસે આપોઆપ એમના સ્વબળથી પહોંચી રહ્યું હતું.
ભગવાન ત્રિવિક્રમે ઈશારો કરતાં જ બ્રહ્મવાદિની લોપામુદ્રાએ નવદુર્ગા સિદ્ધિદાત્રીના ગળામાં સુગંધિત મોગરાના પુષ્પોની માળા અર્પણ કરી અને એમના ચરણો પર ચંપા અને ગુલાબના પુષ્પો અર્પણ કર્યા.
આ પછી જે બન્યું તે જોઈને તો દરેક જણ અત્યંત આશ્ચર્યચકિત બન્યા ; કારણ કે સિદ્ધિદાત્રીના ચરણો પર ચઢાવેલું દરેક પુષ્પ બ્રહ્મવાદિની લોપામુદ્રાના ગળામાં આવી જઈને, એની એક સુંદર પુષ્પમાળા તૈયાર થઈ ગઈ.
પોતાની પાસેના બધા પુષ્પો ચઢાવી દીધા પછી લોપામુદ્રાએ આદિમાતાની અને સિદ્ધિદાત્રીની અનુજ્ઞા લઈને બધા ઉપસ્થિતો સાથે બોલવાની શરૂઆત કરી, “હે ભાગ્યશાળી આપ્તજનો ! તમે બધા ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો કારણ કે તમને બધાને એકદમ બરોબર ક્રમથી નવેનવ નવદુર્ગાઓના દર્શન પણ થયા અને એમનું મહાત્મ્યશ્રવણ પણ થયું.
આ વિશ્વમાં અણિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, મહિમા, ઈશિત્વ અને વશિત્વ, સર્વકામાવસાહિતા, સર્વજ્ઞત્વ એવી અનંત સિદ્ધિઓ છે.
તેમાંની અણિમા, લઘિમા, મહિમા વગેરે આઠ મુખ્ય સિદ્ધિઓ માનવામાં આવે છે.
વસુંધરા પર જ નહીં, પણ બીજી પૃથ્વીઓ પર પણ અનેક લોકો જે તપશ્ચર્યાઓ કરી રહ્યાં હોય છે, તે મોટા ભાગે કોઈ ને કોઈ સિદ્ધિની પ્રાપ્તિ માટે જ હોય છે.
![]() |
| શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્ ખાતે શ્રીચંડિકાકુળની પ્રતિમા સામે શ્રીસ્વસ્તિક્ષેમ તપશ્ચર્યા દરમિયાન હવન કરતા સદ્દગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ |
જે જે તપસ્વી જે જે ચણ્ડિકાકુલના સભ્યને પોતાના આરાધ્યદૈવત માનીને તપશ્ચર્યા કરે છે કે સાધના કરે છે, તેને તે તે દૈવત પાસેથી વરદાન મળે છે અને આ વરદાનો સિદ્ધિઓના હોવાથી આ નવમી નવદુર્ગા સિદ્ધિદાત્રી તે સાધકને મળનારી સિદ્ધિ પર પણ પોતાની નજર રાખતી હોય છે.
કારણ કે નવદુર્ગા સિદ્ધિદાત્રીના પ્રભામંડળમાંથી જ બધા પ્રકારની સિદ્ધિઓનું નિર્માણ થાય છે અને ત્યાંથી જ આ બધી સિદ્ધિઓનું ખરું કાર્ય સંપૂર્ણ બ્રહ્માંડમાં ચાલુ હોય છે.
ખરું જોતાં તો સિદ્ધિઓની અપેક્ષા રાખવી એ ખોટું જ છે કારણ કે સિદ્ધિ પ્રાપ્ત થવાના કારણે જે સત્તા પ્રાપ્ત થાય છે, તે વાપરનારી બુદ્ધિ જો ન્યાયી ન હોય અને પવિત્ર ન હોય, તો તે સાધકને અસુર બનવામાં સમય લાગતો નથી.
અને મુખ્યત્વે તો સાચા શ્રદ્ધાવાનને કોઈપણ સિદ્ધિ પ્રાપ્ત કરી લેવાની જરૂર જ નથી હોતી.
કારણ કે જ્યારે સાચો શ્રદ્ધાવાન બંને નવરાત્રીઓમાં આદિમાતાનું/નવદુર્ગાઓનું શ્રદ્ધાપૂર્વક અંત:કરણથી નિયમિત પૂજન કરે છે, આદિમાતાના ચરિત્રનો વારંવાર પાઠ કરતો રહે છે અને એમના ગુણસંકીર્તનમાં તલ્લીન બની જાય છે ત્યારે એના જીવનમાં આવશ્યક એવી બધી સિદ્ધિઓનું કાર્ય આ માતા સિદ્ધિદાત્રી, પ્રાર્થના ન કરવા છતાંપણ શ્રદ્ધાવાનને પૂરી પાડતી જ રહે છે.
![]() |
| અંબજ્ઞ ઇષ્ટિકા |
એટલું જ નહીં, પણ આદિમાતાના આ ચણ્ડિકાકુલમાંના બધા પુત્રો અને કન્યાઓની પૂર્ણ ભક્તિ કરનારને પણ આ નવદુર્ગા સિદ્ધિદાત્રી યોગ્ય સમયે, યોગ્ય સિદ્ધિઓનું કાર્ય હંમેશા પૂરું પાડતાં જ રહે છે.
એમના મુખ પર સતત શોભતું સમાધાન જ બધા શ્રદ્ધાવાનોને દિલાસો આપીને જાય છે કે તમારી શ્રદ્ધાપૂર્વક કરેલી દરેક બાબત એ સંતોષ સાથે સ્વીકારે જ છે અને તમારી અલ્પસેવાથી પણ એ પ્રસન્ન થઈ જાય છે - પણ તમારે માત્ર સિદ્ધિઓ જોઈતી હશે તો પછી એમના મુખ પરનું સમાધાન તમને દેખાઈ શકશે નહીં.
પ્રત્યેક બ્રહ્મર્ષિ અને બ્રહ્મવાદિની પાસે વિવિધ પ્રકારની સિદ્ધિઓ છે અને એમને જોઈએ તે સિદ્ધિઓ એમને ક્યારે પણ મળી શકે છે.”
એટલું બોલીને વરિષ્ઠ બ્રહ્મવાદિની લોપામુદ્રા એકાએક અટક્યા અને ભગવાન ત્રિવિક્રમે બોલવાની શરૂઆત કરી, “હે મારા બાળકો ! આ બધા બ્રહ્મર્ષિઓને અને બ્રહ્મવાદિનીઓને શ્રીશાંભવીવિદ્યાના અઢારમાં પગથિયાં પર જ (કક્ષા પર જ) પ્રથમ ૧૦૮ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને એમની એમની ઈચ્છા પ્રમાણે એમના માટે બધી જ સિદ્ધિઓ ઉપલબ્ધ પણ થાય છે.
પરંતુ ખરું રહસ્ય તો અહીં જ છે. જે કોઈ આ પ્રાપ્ત થયેલી બધી સિદ્ધિઓ તરત જ આદિમાતાના ચરણોમાં અર્પણ નથી કરતો અને તેનાથી મુક્ત થવાની ઈચ્છા નથી રાખતો, તે ‘બ્રહ્મર્ષિ’ નથી જ બની શકતો.
અઢારમાં પગથિયાં પર પ્રાપ્ત થયેલી બધી સિદ્ધિઓ જ્યારે આદિમાતાના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે, ત્યારે એમનો આ નિષ્કામ ભાવ જોઈને આદિમાતા તે તે બ્રહ્મર્ષિ અને બ્રહ્મવાદિનીની બધી સિદ્ધિઓ, આ સિદ્ધિદાત્રીને સોંપી દે છે.
અને આ સિદ્ધિદાત્રી પ્રત્યેકની સિદ્ધિ પોતાના પ્રભામંડળમાં જેના તેના નામે જ સાચવીને રાખે છે.
અને પછી જ આદિમાતા, શ્રીદત્તાત્રેય અને સિદ્ધિદાત્રી તે તે બ્રહ્મર્ષિ અને બ્રહ્મવાદિનીને એમની પાસે નથી એવી સિદ્ધિઓ ફક્ત સિદ્ધિદાત્રીના સ્મરણથી વાપરવાનું વરદાન આપે છે.”
બ્રહ્મવાદિની લોપામુદ્રાએ ભગવાન ત્રિવિક્રમને મનોમન પ્રણામ કર્યા અને કહ્યું, “હે આપ્તજનો ! સાંસારિકો માટે આ નવમી નવદુર્ગા સિદ્ધિદાત્રી એમનો સર્વપ્રકારે અભ્યોદય કરવા માટે તત્પર હોય છે.
બીજાને અન્યાય કે દુ:ખ ન પહોંચાડતાં, જેટલું સુખ શ્રદ્ધાવાનને જોઈતું હોય છે, તેટલું બધું જ આ નવદુર્ગા સિદ્ધિદાત્રી શ્રદ્ધાવાનને પૂરું પાડતી જ રહે છે.
મુખ્યત્વે તો આ નવદુર્ગા સિદ્ધિદાત્રી અને આદિમાતાનું, બધી વિદ્યાઓ પર સામ્રાજ્ય ધરાવતું આ સિદ્ધેશ્વરી રૂપ એકબીજા સાથે અનન્ય સંબંધથી બંધાયેલ છે.
પાર્વતી પોતાના જીવનના આ નવમા તબક્કા પછી જ અન્નપૂર્ણા, સદાપૂર્ણા, ભાવપૂર્ણા, પ્રેમપૂર્ણા અને શક્તિપૂર્ણા આ પંચવિધ કાર્યોથી આદિમાતાની ‘ક્ષમા’ આ સહજભાવના દરેક શ્રદ્ધાવાનને પ્રાપ્ત થાય તે માટે અખંડ કાર્યરત છે.
અને તે કાયમ તેવી જ રહેશે.”
मराठी >> हिंदी >> English >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>> മലയാളം>>





Comments
Post a Comment