સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધના ભાવવિશ્વમાંથી - પાર્વતીમાતાના નવદુર્ગા સ્વરૂપોનો પરિચય – ભાગ ૯

સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ તુલસીપત્ર - ૧૩૯૬ ના આ અગ્રલેખમાં લખે છે,

બધા ઉપસ્થિતોની સામે જ સાતમી નવદુર્ગા કાલરાત્રિનું રૂપાંતરણ આઠમી નવદુર્ગા મહાગૌરીમાં થઈ રહ્યું હતું.
બિલકુલ ધીમે ધીમે, અત્યંત ધીમે.
અત્યાર સુધી કોઈપણ રૂપાંતરણ (Transformation) ને બિલકુલ સમય લાગ્યો નહોતો.

કૈલાસ પર કાળનું અસ્તિત્વ જ ન હોવાને કારણે, ‘કેટલું ધીમે’ એ કોઈને જ ખબર નહોતી. પરંતુ ત્યાંનો દરેક જણ સતત કોઈ ને કોઈ નિત્યજાપ કરતો હોવાને કારણે, દરેકને પૂરો ખ્યાલ આવી રહ્યો હતો કે એમના જાપના કેટલાય આવર્તનોના આવર્તનો થઈ રહ્યાં છે અને તો પણ આ રૂપાંતરણ ચાલુ જ છે.

બધા ઉપસ્થિતોમાં આ વિશેની ઉત્સુકતા હવે બેચેનીમાં બદલાવા લાગી.
અને ધીમે ધીમે તે બેચેની મનને અસ્થિર કરવા લાગી. - મહર્ષિઓથી શિવગણો સુધી દરેકનું મન ઉત્કંઠાના સર્વોચ્ચ શિખર પર પહોંચીને, પછી ત્યાંથી નીચે પછડાવાને કારણે સંપૂર્ણપણે અશાંત અને અસ્થિર થઈ ગયું હતું.
બધા બ્રહ્મર્ષિગણ તો આ જ ધીમે ધીમે ચાલી રહેલી પ્રક્રિયાના કારણે વધુ ને વધુ શાંત, તન્મય, તલ્લીન અને આનંદિત થઈ રહ્યાં હતા.
અને એ ધ્યાનમાં આવતાં જ બીજા બધાના મનની અશાંતિ અને અસ્થિરતા વધુ ઝડપથી વધવા લાગી.
અને આ પોતાના બાળકોની અવસ્થા આદિમાતા જોઈ શકશે ખરા?
ચોક્કસ જ નહીં.
આદિમાતા શ્રીવિદ્યાએ તે બધાની સામે કૃપાદૃષ્ટિથી જોઈને બોલવાની શરૂઆત કરી, “હે વત્સહો! તમારા બધાનું મન હવે સંપૂર્ણપણે ‘થર્વ’ અવસ્થામાં જઈને પહોંચી ગયું છે.

આદિમાતા 'શ્રીવિદ્યા'

મોટેભાગે માનવ ‘થર્વ’ અવસ્થામાં જાય છે, તે એના ષડ્‌રિપુઓ ટોચ પર જવાથી.
પરંતુ તમે બધા ‘થર્વ’ અવસ્થામાં ગયા છો, તે ફક્ત અને ફક્ત ‘અસતો મા સદ્‌ગમય' આ એક જ કારણ માટે એટલે કે પવિત્ર અસ્તિત્વનું અને પવિત્ર કૃતિનું રહસ્ય અને કારણ જાણવા માટે.
અને તે પણ કોઈપણ પ્રકારના સ્વાર્થ માટે નહીં, પણ ફક્ત અને ફક્ત આઠમી નવદુર્ગા મહાગૌરીને સંપૂર્ણપણે જાણવા માટે - સંપૂર્ણપણે સાત્વિક ઉત્કંઠાને કારણે.
હે શિવ-ઋષિ તુમ્બરુ! આ રૂપાંતરણ પૂરું થાય ત્યાં સુધી તું આ બધાને આ રૂપાંતરણની કથા વિસ્તૃત રીતે કહે.”
આદિમાતા શ્રીવિદ્યાને સાષ્ટાંગ પ્રણામ કરીને શિવ-ઋષિ તુમ્બરુ કથા કહેવા લાગ્યા, “હે આપ્તજનહો! આ પાર્વતીએ એકવાર જ્યારે વસુંધરા પર અને વસુંધરાના આકાશમાંથી તે કાળની બધીએ બધી આસુરી શક્તિઓનો, આસુરી રૂપોનો અને આસુરી ગુણોનો સંપૂર્ણ વિધ્વંસ કરી દેવાનું નક્કી કર્યું, ત્યારે જ પહેલીવાર એમનું આ ‘કાલરાત્રિ’ સ્વરૂપ પ્રકટ થયું હતું.
પાર્વતીએ આ નિર્ધાર ફક્ત એક જ કારણ માટે કર્યો હતો - તે વખતે ભગવાન પરમશિવ ઘનપ્રાણ ગણપતિનો જન્મ થાય તે માટે ઘોર તપશ્ચર્યા કરવા બેઠા હતા.
પરમશિવની આ તપશ્ચર્યા જલદીથી જલદી પૂરી થવી જરૂરી હતી અને આસુરી વૃત્તિ આનો જ વિરોધ કરતી હતી.
તેના કારણે આ વિશ્વના ઘનપ્રાણને જન્મ આપવાની પ્રક્રિયા માટે ફક્ત દસ હજાર વર્ષનો કાળ બાકી રહેલો હોવાથી આ ભક્તમાતાએ આવો કઠોર નિર્ધાર કરીને યુદ્ધનો આરંભ કર્યો અને એમણે એમનો નિર્ધાર માનવીના સો વર્ષમાં જ પાર પાડી દીધો.
અને તેની સાથે પરમશિવની તપશ્ચર્યા ફક્ત માનવીના આઠ વર્ષમાં સફળ અને સંપૂર્ણ થઈ અને તેના કારણે આદિમાતાને જોઈએ તે ક્ષણે શિવગંગાગૌરીપુત્ર વિનાયક બ્રહ્મણસ્પતિ  ‘ગણપતિ’ તરીકે જન્મ લે એ માટેની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ.

નવદુર્ગા
નવદુર્ગા
પરમશિવ તપશ્ચર્યા પૂરી કરીને આંખો ખોલતાં જ એમને પાર્વતીનું આ ભયંકર રૂપ દેખાયું અને ‘ફક્ત પોતાની માટે જ પોતાની પ્રિય સહધર્મચારિણીએ પોતાનું સૌંદર્ય છોડીને આ ભયજનક સ્વરૂપ ધારણ કર્યું છે’ એ જાણીને પરમશિવે એમની સામે અત્યંત પ્રેમથી સ્નેહાર્દ્ર નજરથી જોયું.
અને તેની સાથે  ભર્ગલોકમાં વહેતી ગંગા (સાતમી ગંગા)  ભગવાન પરમશિવની બંને આંખોમાંથી પ્રવાહિત થઈ અને પરમશિવે પોતાના પ્રિય પત્નીને આ સાતમી ગંગાના જળથી અભિષેક કરવાની શરૂઆત કરી.
પોતે પરમશિવ આ સાતમી ગંગાના જળમાંથી ટીપું ટીપું જળ લઈને    પાર્વતીના શરીર પર લેપન કરતા હતા.
અને આવું વિલક્ષણ અભિષેકસ્નાન અને લેપન માનવીના ૧૦૮ વર્ષ સુધી ચાલ્યું.
અને તે ક્ષણે પાર્વતીનું આ આઠમું નવદુર્ગા સ્વરૂપ  ‘મહાગૌરી' શોભવા લાગ્યું.”
શિવ-ઋષિ તુમ્બરુની કથા પૂરી થઈ અને તે જ ક્ષણે આઠમી નવદુર્ગા ‘મહાગૌરી’ એમના સંપૂર્ણ વૈભવ સાથે દૃશ્યમાન થઈ.
એ ચતુર્હસ્તા હતા. એમનો જમણો ઉપરનો હાથ અભયમુદ્રામાં હતો, જમણો નીચેનો હાથ ત્રિશૂળ ધારણ કરેલો હતો, એમના ડાબા ઉપરના હાથમાં સૌમ્ય અને પ્રશાંત ધ્વનિ ઉત્પન્ન કરનારું ડમરુ હતું અને એમનો ડાબો નીચેનો હાથ વરદમુદ્રામાં હતો.

આદિમાતા 'મહાગૌરી'
આદિમાતા 'મહાગૌરી'

આ મહાગૌરી વિલક્ષણ ગૌરવર્ણના હતા.

એમનાં બધાં વસ્ત્રો પણ ચંદ્રવર્ણના હતા.

એમના સમગ્ર અંગ પર મોતીના અલંકારો હતા અને ગળામાં શ્વેત સુગંધિત પુષ્પોની માળાઓ હતી.

એમની નજર પૂર્ણ વાત્સલ્યથી ભરેલી, સૌમ્ય, પ્રશાંત અને તૃપ્તિદાયક હતી.
એ વૃષભારૂઢ હતા.

આ વૃષભ પણ પૂર્ણ ગૌરવર્ણનો અને અત્યંત શાંત સ્વભાવનો હતો.

એમના કપાળ પર ત્રીજું નેત્ર ન હતું.
મહાગૌરીના પાંપણોના વાળની હલચલમાંથી અત્યંત સુગંધિત અને શાંતિદાયક ઊર્જાપ્રવાહ ચારે તરફ ફેલાઈ રહ્યો હતો.
અને એમનો સ્પર્શ થતાં જ ત્યાં હાજર દરેક ઉપસ્થિતનું  ‘થર્વ’ થયેલું મન સંપૂર્ણપણે ‘અથર્વ’  બની રહ્યું હતું.
બાપુ આગળ તુલસીપત્ર - ૧૩૯૭ ના આ અગ્રલેખમાં લખે છે,

આદિમાતા શ્રીવિદ્યાએ બ્રહ્મવાદિની લોપામુદ્રાને મહાગૌરીનું પૂજન કરવાની આજ્ઞા કરી અને તે પ્રમાણે લોપામુદ્રાએ બીજા બધા બ્રહ્મવાદિનીઓ સાથે સુગંધિત શ્વેતપુષ્પોથી મહાગૌરીનું પૂજન કર્યું.
મહાગૌરીએ, એમને અર્પણ કરવામાં આવેલા બધા સુગંધિત શ્વેતપુષ્પો પોતાની અંજલિમાં લઈને બધા ઉપસ્થિતો પર વર્ષાવ કર્યો.
આશ્ચર્ય એટલે દરેકને ફક્ત એક જ શ્વેતપુષ્પ મળ્યું અને દરેકના હાથમાંનું તે શ્વેતપુષ્પ આઠ દળોનું (પાંખડીઓનું) હતું.
ત્યાર પછી આઠમી નવદુર્ગા મહાગૌરીએ વિવિધ રંગોના સુગંધિત પુષ્પોથી આદિમાતા શ્રીવિદ્યાનું અને અનસૂયાનું પૂજન કર્યું.
અને મહાગૌરીએ એમના હાથમાંના પુષ્પો આદિમાતાના ચરણે વહાવતા જ, દરેક ઉપસ્થિતના હાથમાંનું ‘તે’ શ્વેતપુષ્પ હવે વધુ તેજ:પુંજ અને આહ્લાદદાયક દેખાવા લાગ્યું.
અને તે અષ્ટદલપુષ્પ દરેકના  ત્રિવિધ દેહમાં શાંતિ, પ્રસન્નતા, સ્થિરતા, ધૈર્ય અને આહ્લાદ આ ગુણો ફેલાવી રહ્યું હતું.
દરેક ઉપસ્થિતને જાણ થઈ રહી હતી કે ‘તે’ અષ્ટદલપુષ્પ એમના હાથને કાયમ માટે ચોંટેલું છે અને ‘તે’ પુષ્પ એમનું સંપૂર્ણ મન જ વધુ ને વધુ સુંદર અને સબળ કરી રહ્યું છે.

બ્રહ્મવાદિની લોપામુદ્રા મહાગૌરીની આજ્ઞા પ્રમાણે ઉપસ્થિતો સામે જોઈને બોલવા લાગ્યા, “હે ઉપસ્થિત આપ્તગણહો! આ આઠમી નવદુર્ગા મહાગૌરી શાંભવીવિદ્યાના પંદરમા અને સોળમા પગથિયાંની (કક્ષાની) અધિષ્ઠાત્રી છે.
અને નવરાત્રિની અષ્ટમી તિથિના દિવસ અને રાત્રિની નાયિકા છે.

પરમશિવે ભર્ગલોકની સાતમી ગંગાના જળનું લેપન અને અભિષેક કરીને આ ‘મહાગૌર’ રૂપનું નિર્માણ કર્યું, આ વાત આપણે સાંભળી જ.

પરંતુ જો સાતમી ગંગા છે, તો બાકીની છ ગંગાઓનું શું? આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે.
પરંતુ હાલમાં ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું કે ભૂલોક પર અવતરેલી તે પ્રથમ ગંગા અને પછી દરેક લોકમાં એક એક ગંગા.
બાકીનું આ ગંગાજ્ઞાન શાંભવી વિદ્યાની પંદરમી અને સોળમી કક્ષા પાર કર્યા પછી જ થતું હોય છે.
આ સાતમી અર્થાત્ ભર્ગલોકીય ગંગા ક્ષીરસાગરના જળની જ બનેલી છે અને આ જ ‘અમૃતવાહિની’, ‘અમૃતવર્ષિણી’ અને ‘ચંદ્રમધુપ્રસવિણી’ આ નામોથી પ્રસિદ્ધ છે.
મહાગૌરી અને ભર્ગલોકીય સાતમી ગંગા આ બંને એકબીજાની જોડિયા બહેનો માનવામાં આવે છે - કારણકે તે બંનેનું કાર્ય જ ખરેખર જોડિયું છે.
શાંભવી વિદ્યાના પંદરમા અને સોળમા પગથિયાં ઉપર ઉપાસકોને, પોતાના ગુરુસમક્ષ બેસીને, ગુરુના માર્ગદર્શન હેઠળ ‘શ્રીશાંભવીમુદ્રા’ શીખવાની હોય છે, તેનો દરરોજ ત્રિકાળ અભ્યાસ કરવાનો હોય છે.
તેનો અભ્યાસ કરીને તેના વિષે જ્ઞાન પ્રાપ્ત કરી લેવાનું હોય છે.
અને આ બધું કરાવી આપે છે, તે આઠમી નવદુર્ગા મહાગૌરી.
જુઓ! આપણે પહેલાંથી જ જોઈ રહ્યાં છીએ કે મહાગૌરીને ભાલપ્રદેશ પર ત્રીજું નેત્ર નથી. ત્યાં કુમકુમતિલક છે.
પરંતુ આ સત્ય નથી.
મહાગૌરીને પણ ત્રીજું નેત્ર છે જ.
પરંતુ આપણે કોઈપણ તે જોઈ શકતા નથી.
બ્રહ્મર્ષિ અને બ્રહ્મવાદિની સુધ્ધાં નહીં.
આનું કારણ શું?
આ જ તો શ્રીશાંભવીમુદ્રાનું રહસ્ય છે. આ મુદ્રા કરતી વખતે ઉપાસકે પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે સુખાસનમાં બેસવાનું હોય છે. બંને આંખો સંપૂર્ણ બંધ કરીને, પછી તે બંધ પાંપણો પાછળની આંખો  પોતાના આજ્ઞાચક્રના સ્થાન પર અર્થાત્ ત્રીજા નેત્ર સ્થાન પર હળવેથી કેન્દ્રિત કરવાની હોય છે.
આ ક્રિયા કેટલો સમય કરવી, કેવી રીતે કરવી, તે વખતે મંત્ર કહેવા, કયા મંત્ર કહેવા, ક્યારે મન શાંત રાખવું અને ક્યારે મન તે આજ્ઞાચક્ર સાથે બાંધી રાખવું અને કેવી રીતે, આ બધું સદ્‌ગુરુ દરેક ઉપાસકને બ્રહ્મમુહૂર્તના સમયે પવિત્ર નદીના કિનારા પર શીખવે છે.”
બ્રહ્મવાદિની લોપામુદ્રાએ કરેલું આ શ્રીશાંભવી મુદ્રાનું વર્ણન સાંભળીને મહર્ષિઓથી શિવગણો સુધી બધા જ અત્યંત આનંદિત થયા અને દરેકના મનમાં ‘આપણને પણ આ મળવું જોઈએ’ એવી ઈચ્છા ઉત્પન્ન થઈ.

અને આવી ઈચ્છા એમના મનમાં ઉદ્ભભવતાં જ બ્રહ્મવાદિની લોપામુદ્રાએ કહ્યું, “નકામા સાહસો કરતા નહીં. મારું કે કોઈનું પણ વર્ણન સાંભળીને એકદમ પ્રયાસ કરતા નહીં.
કારણકે આ શ્રીશાંભવીમુદ્રા શ્રીશાંભવીવિદ્યાના પંદરમા અને સોળમા પગથિયાં પર જ પ્રાપ્ત થાય છે અને કરી પણ શકાય છે.
આ શ્રીશાંભવીમુદ્રા શિવ-શક્તિનું એકત્વ, એકરૂપત્વ અને નિરંતર સહચર્ય અને ‘ભેદ હોવાછતાં પણ અભેદ’ એવા વિલક્ષણ સ્વરૂપ અને તેની પાછળનું રહસ્ય પ્રકટ કરનારી છે.
‘આદિમાતાને અને એમના જ ‘આદિપિતા’ રૂપને જાણવું અને એમના થઈને રહેવું’ આ જ એકમાત્ર
ઉદ્દેશ્ય અને આ જ એકમાત્ર ધ્યેય આ કક્ષાઓ પર રહેવાનું હોય છે.
અને ઉપસ્થિત આપ્તગણહો! આટલું મોટું જ્ઞાન પ્રદાન કરનારી આ મહાગૌરી સાવ સાદાસીધા શ્રદ્ધાવાનોને, એમના એમના સ્તર પર વધુ મન:શાંતિ, સબળતા, ચિત્તસ્થિરતા અને આધ્યાત્મિક પ્રગતિ આપતા જ રહે છે.”

Comments