સદ્દગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ તેમના ‘તુલસીપત્ર’ સંપાદકીય શ્રેણીમાં, ૧૩૮૨ અને ૧૩૮૩ નંબરના લેખોમાં લખે છે:
સદ્દગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ તેમના સંપાદકીય, તુલસીપત્ર-૧૩૮૨ માં લખે છે,
લોપામુદ્રાએ અત્યંત સ્નેહથી ઋષિ ગૌતમને પોતાની પાસે બોલાવ્યા અને તેમના કપાળ પર વાત્સલ્યપૂર્વક ચુંબન કરીને કહ્યું, “પ્રિય ગૌતમ! હમણાં જ બ્રહ્મર્ષિ કશ્યપે કહ્યું તેમ, તમે ‘સૂર્યકિરણ’ વિજ્ઞાનના એક મહાન વૈજ્ઞાનિક છો. પણ શું હું તમને એક પ્રશ્ન પૂછી શકું?”
ઋષિ ગૌતમે તરત જ વિનયપૂર્વક માથું હલાવીને હા પાડી અને લોપામુદ્રાએ તેમને પ્રશ્ન કર્યો, “જે અર્થે તમે સૂર્યકિરણ વિજ્ઞાનના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક છો, તેથી તમે તમામ પ્રકારના સૂર્યકિરણોના ઘટકોનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હશે. તો તમે ચંદ્રકિરણોનો પણ અભ્યાસ ચોક્કસ કર્યો હશે ને?”
ઋષિ ગૌતમે ઉત્તર આપ્યો, “હા, માતા.”
લોપામુદ્રાએ તરત જ તેમને આગળનો પ્રશ્ન કર્યો, “હે ગૌતમ! સૂર્યના જ કિરણો ચંદ્ર દ્વારા માત્ર પરાવર્તિત કરવામાં આવે છે; પરંતુ તેમની દાહકતા સંપૂર્ણપણે નાશ પામેલી હોય છે. આ કાર્ય ચંદ્રનું છે. તો શું તમે આ પાછળનું કારણતત્વ અને મૂળતત્વ શોધ્યું છે?”
ઋષિ ગૌતમે ઉત્તર આપ્યો, “માતા! હું આ વિભાગનો હજુ પણ વિદ્યાર્થી જ છું. મારો ‘સૂર્યકિરણથી ચંદ્રકિરણ’ સુધીના આ શાસ્ત્રનો હજી વ્યવસ્થિત અભ્યાસ થયો નથી.”
તે જ ક્ષણે પાર્વતીએ ગૌતમને કહ્યું, “હે વત્સ ગૌતમ! તમે અત્યંત બુદ્ધિમાન, મહેનતુ અને પ્રામાણિક વિદ્યાર્થી છો, અધ્યાપક છો અને વૈજ્ઞાનિક પણ છો. તમારે ‘સૂર્યના જ કિરણો ચંદ્ર દ્વારા પરાવર્તિત થતાં શીતળ, સૌમ્ય અને આહ્લાદક કેવી રીતે બને છે’ તે શોધવું અત્યંત જરૂરી છે. આ અભ્યાસ પૂર્ણ થતાં જ તમારા સ્વભાવની ઉગ્રતા નાશ પામશે અને તમારામાં રહેલો એકમાત્ર તામસી ગુણ એટલે કે ‘અનિયંત્રિત ક્રોધ’ નાશ પામેલો હશે. અને આ તમારે જાતે જ શોધવું પડશે. કારણ કે ‘શોધ’ એ જ માનવને પરિપૂર્ણતા તરફ લઈ જનારી અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે.”
હવે લોપામુદ્રાએ ફરી બોલવાનું શરૂ કર્યું, “હે ઉપસ્થિત શ્રેષ્ઠ શ્રદ્ધાવાનો! શાંભવીવિદ્યાના બીજા પગથિયાં પર - ‘મારે આદિમાતાને પ્રસન્ન કરી લેવાં છે અને સદૈવ પ્રસન્ન રાખવાં છે, તેમજ મારે ત્રિવિક્રમના સત્શિષ્ય અને સુપુત્ર થવું છે અને સદૈવ તેમની જ સેવા કરવી છે’ આ જંખના એ જ એકમાત્ર સાધન છે.
ત્રિવિક્રમ પોતાના સદ્દગુરુ બને એ માટે, સર્વશ્રેષ્ઠ ‘મણિદ્વીપમંત્ર’ અર્થાત ‘શ્રીગુરુક્ષેત્રમ્મંત્ર’નો ઉચ્ચાર કરવો અને ‘અંબજ્ઞ રહેવું’ આ બે જ વસ્તુઓ જરૂરી છે.
આ જ બીજા પગથિયાં પર ઘણા વર્ષો સુધી મહેનત કરવી પડે છે અને ત્યારે જ શાંભવીવિદ્યાનું ત્રીજું પગથિયું અર્થાત કક્ષા આપણા માટે ખુલે છે.
શાંભવીવિદ્યાની આ પ્રથમ બે કક્ષાઓની (પગથિયાંની) અધિષ્ઠાત્રી આ શૈલપુત્રી પાર્વતી છે.
પાર્વતીના આ નવ ‘નવદુર્ગા’ સ્વરૂપો જ ક્રમ પ્રમાણે શાંભવીવિદ્યાની અઢાર કક્ષાઓના અધિષ્ઠાત્રી દેવતાઓ છે અને તેની પાછળ પણ એક કારણ પરંપરા અને સિદ્ધાંત છે.
શાંભવીવિદ્યા એ માનવના જીવનને પરિપૂર્ણતા તરફ લઈ જનાર ઉત્ક્રાંતિ છે. તે ક્રાંતિ માર્ગે ક્યારેય પ્રવાસ કરતી નથી અને ભક્તમાતા પાર્વતીનું સંપૂર્ણ ચરિત્ર જ શાંભવી વિદ્યાનું મૂર્તિમંત ઉદાહરણ છે.”
શિવ-ઋષિ તુંબરૂએ અને દેવર્ષિ નારદે અત્યંત વિનયપૂર્વક પ્રણામ કરીને બ્રહ્મવાદિની લોપામુદ્રાને પ્રશ્ન કર્યો, “હે લોપામુદ્રે! તમે કૃપા કરીને વધુ વિસ્તારપૂર્વક, પાર્વતીનું ચરિત્ર અને આ નવદુર્ગાઓના સ્વરૂપો અને શાંભવીવિદ્યાની અઢાર કક્ષાઓ સાથે તેમનો સંબંધ સ્પષ્ટ કરીને કહેશો?”
લોપામુદ્રાએ પ્રસન્ન ચહેરે ઉત્તર આપ્યો, “હા, ચોક્કસ. કારણ કે તે શીખ્યા વગર શાંભવીવિદ્યાનો પ્રાથમિક પરિચય પણ અધૂરો જ રહેશે.
હે શ્રેષ્ઠ શ્રદ્ધાવાનો!
૧) ‘સતી’રૂપના આત્મદહન પછી આ શિવપ્રિયા ‘પાર્વતી’ તરીકે હિમાલયના ઘરમાં જન્મ્યા અને તેથી જ આ (B)શૈલપુત્રી.(B) આ શૈલપુત્રી અત્યંત આદર્શ કન્યા હતી. ‘કન્યા’ તરીકે તેમણે પિતા હિમવાનને અને માતા મેનાને જે પરિપૂર્ણ આનંદ આપ્યો, તે ખરેખર વિશ્વના દરેક સંતાન માટે અત્યંત આદર્શ છે અને શાંભવી વિદ્યાના ઉપાસકે તો બીજા પગથિયાં પર પોતાના પિતા ત્રિવિક્રમને આનંદિત જ કરવાના હોય છે અને આ કારણે જ શાંભવી વિદ્યાની પ્રથમ બે કક્ષાઓના અધિષ્ઠાત્રી શૈલપુત્રી પાર્વતી છે. અર્થાત નવરાત્રીની પ્રતિપદાની - પ્રથમ દિવસ-રાત્રિની નાયિકા.
૨) આ જ આદર્શ કન્યા શૈલપુત્રી આગળ સર્વગુણસંપન્ન અને સર્વશ્રેષ્ઠ પતિ મેળવવા માટે અર્થાત પરમશિવ તેમનો સ્વીકાર કરે તે માટે શુદ્ધ માનવીય પ્રયાસોથી જ તપશ્ચર્યા કરવા બેઠા. તે જ તેમના સ્વરૂપને ‘નવદુર્ગા બ્રહ્મચારિણી’ કહેવાય છે અને આ શાંભવી વિદ્યાના ત્રીજી અને ચોથી કક્ષાઓના અધિષ્ઠાત્રી છે. અર્થાત નવરાત્રીની દ્વિતિયા તિથિના દિવસ-રાત્રિના નાયિકા છે.
કારણ કે શાંભવીવિદ્યાના ત્રીજા અને ચોથા પગથિયાં પર (૧) એકાંત (૨) આરાધ્યદેવતાનું ચિંતન (૩) તેમના જ ચરણોમાં સમર્પણની પૂર્ણ ભાવના (૪) તે માટે કોઈપણ ત્યાગ કરવાની સિદ્ધતા આ ચાર સાધનોની જ આવશ્યકતા હોય છે અને આ ચારેય ગુણ બ્રહ્મચારિણીના ચિંતન અને પૂજનથી માનવને પ્રાપ્ત થાય છે.”
શિવ-ઋષિ તુંબરૂએ આદરપૂર્વક પ્રશ્ન કર્યો, “પરંતુ કયા આરાધ્યદેવતાને પસંદ કરવા?”
હવે બ્રહ્મર્ષિ યાજ્ઞવલ્ક્ય ઊભા થયા અને બોલ્યા, “શ્રીચંડિકાકુળના કોઈ પણ એકને પોતાના આરાધ્યદેવતા તરીકે પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આદિમાતાએ દરેક શ્રદ્ધાવાનને બહાલ કરેલી છે. તેથી જેને જે દેવતા પસંદ હોય, ભાવે, નજીક લાગે તેને પસંદ કરવાનો દરેક શ્રદ્ધાવાનને પૂર્ણ અધિકાર જ છે. ‘અમુક જ દેવતા પસંદ કરવા જોઈએ’ એવો કોઈ નિયમ નથી.”
દેવર્ષિ નારદે પોતાના નટખટ સ્વભાવથી બ્રહ્મર્ષિ યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કર્યો, “શ્રદ્ધાવાનના સંપૂર્ણ જીવનયજ્ઞના માર્ગદર્શક અને સ્વયં ત્રિવિક્રમે ‘નિત્યગુરુ’ તરીકે સ્વીકાર કરેલા બ્રહ્મર્ષિ યાજ્ઞવલ્ક્યે શાંભવીવિદ્યાની સાધના કરતી વખતે પોતાના આરાધ્યદેવતા તરીકે કોને પસંદ કર્યા હતા?”
બ્રહ્મર્ષિ યાજ્ઞવલ્ક્યે નારદની રમત જાણીને અત્યંત આદરપૂર્વક, છતાં પણ અસ્પષ્ટ જ ઉત્તર આપ્યો, “મારા આરાધ્યદેવતાનું ચરિત્ર હજુ તમે જોયું પણ નથી અને તે તમને જલદી જ ખબર પડી જશે. કારણ કે તમને અને મને બંનેને ખબર છે કે ભંડાસુરનો જન્મ થયો છે.”
સદ્દગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ તેમના સંપાદકીય, તુલસીપત્ર-૧૩૮૩ માં લખે છે,
ભક્તમાતા પાર્વતી અને ઋષિ ગૌતમ અને પછી દેવર્ષિ નારદ અને બ્રહ્મર્ષિ યાજ્ઞવલ્ક્ય વચ્ચેનું સંભાષણ ત્યાં ઉપસ્થિત ઋષિકુમારોને અને શિવગણોને સ્પષ્ટપણે સંભળાયું હતું; પણ તેટલું સ્પષ્ટ રીતે સમજાયું નહોતું. ‘ભંડાસુરનો જન્મ થયો છે’ આ બ્રહ્મર્ષિ યાજ્ઞવલ્ક્યના ઉદગારો થી તો સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
તે સૌની અસ્વસ્થતા જોઈને ભક્તમાતા પાર્વતીએ પોતે જ ફરીથી બોલવાનું શરૂ કર્યું, “હે શ્રદ્ધાવાનો! ભંડાસુર વિશેના વિચારો અને કુતૂહલ મનમાંથી કાઢી નાખો. કારણ કે ભંડાસુર ભલે જનમ્યો હોય, પણ તેણે હજુ સુધી કોઈપણ હિલચાલ શરૂ કરી નથી અને એટલું જ કહું છું કે ભંડાસુર સાથે યુદ્ધ તો થવાનું જ છે. પણ તે શરૂ થાય તે પહેલાં તમારે સૌએ શાંભવીવિદ્યા સમજવી અત્યંત જરૂરી છે અને આપણી પાસે ઘણો સમય પણ છે.
‘શિવ-ત્રિપુરાસુર યુદ્ધ’ એ જેવું શાંભવીવિદ્યાનું કથાસ્વરૂપ છે, તે જ રીતે ‘ભંડાસુર સાથે યુદ્ધ અને તેનો વધ’ એ શાંભવીવિદ્યાના માનવીય જીવનમાં પ્રત્યક્ષ પ્રભાવનું અને કાર્યનું કથાસ્વરૂપ છે.”
ભક્તમાતા પાર્વતીના આ ઉદગારો સાથે જ ત્યાં હાજર સૌના મન ફરી એકવાર શાંત થયા અને તેઓ ફરી લોપામુદ્રા તરફ વળીને, તેઓ હવે આગળ શું કહે છે તેના પર ધ્યાન આપીને બેઠા.
બ્રહ્મવાદિની લોપામુદ્રાએ ઋષિ ગૌતમ તરફ જોઈને સ્મિતહાસ્ય કરીને કહ્યું, “પ્રિય વત્સ ગૌતમ! તમે ‘સૂર્યકિરણથી ચંદ્રકિરણ’ સુધીના પ્રવાસનો જે અભ્યાસ કરવાના છો, તેનો મૂળ સ્ત્રોત ત્રીજી નવદુર્ગા ‘ચંદ્રઘંટા’ જ છે.
આ ‘ચંદ્રઘંટા પાર્વતી’ નવરાત્રીની તૃતિયાના દિવસ-રાત્રિના નાયિકા છે. તેઓ દસ હાથવાળા અને મસ્તક પર અર્ધચંદ્રને જ અર્થાત શુદ્ધ અષ્ટમીના ચંદ્રને જ, કેશકલાપમાં નાજુક ઘંટડી તરીકે ઉપયોગ કરનારા છે.
તેમની આ ચંદ્રરૂપી ઘંટડીમાંથી નીકળતો પ્રકાશ નાદસ્વરૂપ પણ હોય છે અને આ ઘંટડીનો થતો ધ્વનિ પ્રકાશલહેરોથી બનેલો હોય છે.
આવી આ ત્રીજી નવદુર્ગા ચંદ્રઘંટા, ધ્વનિ અને પ્રકાશ આ બે મૂળ અભિવ્યક્તિઓની એકરૂપતા કરનારી અને દેખાડનારી છે.
પ્રકાશકિરણોનો વેગ ધ્વનિલહેરોના વેગ કરતાં અનેકગણો વધારે છે. પરંતુ આ નવદુર્ગાની આ ચંદ્રરૂપી ઘંટડી જ એકમાત્ર એવું સાધન છે કે જે પ્રકાશલહેરો અને ધ્વનિલહેરોનું એકબીજામાં રૂપાંતરણ (Transformation) સરળતાથી કરાવે છે.
અને આ વાત તમામ શ્રદ્ધાવાનો માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને કાયમી ધોરણે યાદ રાખવા જેવી છે. કારણ કે જે પ્રમાણમાં માનવની ચંડિકાકુળ પર શ્રદ્ધા અને વિશ્વાસ, તે જ પ્રમાણમાં આ ચંદ્રઘંટા નવદુર્ગા તેના જીવનમાં કાર્યશીલ થાય છે અને પછી આના કારણે જ તે શ્રદ્ધાવાનની પ્રાર્થનાનો ધ્વનિ પ્રકાશલહેરોના વેગથી પ્રવાસ કરે છે અને તેની પ્રાર્થનાનું ફળ પણ અર્થાત ચંડિકાકુળનું વરદાન પણ તે જ શીઘ્ર ગતિથી તેની પાસે આવે છે.
જો કે ‘મને તમારા પર પૂર્ણ વિશ્વાસ છે’ એ ફક્ત મોઢેથી બોલવાથી ચાલતું નથી, પણ તે તમારા કૃત્યમાં પણ ઉતારવું પડે છે અને શાંભવીવિદ્યાની પાંચમી અને છઠ્ઠી કક્ષા અર્થાત પગથિયું શ્રદ્ધા અને વિશ્વાસ પોતાના કૃત્યથી અને આજ્ઞાપાલનથી સિદ્ધ કરવાનું જ પગથિયું હોય છે.
આ કારણે જ શાંભવીવિદ્યાના ૫માં અને ૬ઠ્ઠા પગથિયાં શ્રદ્ધાચરણ અને વિશ્વાસાચરણ છે અને આ બંને કક્ષાઓના સ્વામિની આ ‘નવદુર્ગા ચંદ્રઘંટા’ છે. આ બે પગથિયાં શ્રદ્ધાવાનને સૌથી મહત્વની વસ્તુ બહાલ કરે છે - ધૈર્ય (સબૂરી). આ ધૈર્ય વગર મનુષ્યનું જીવન પોકળ જ રહે છે. ધૈર્યના અભાવને કારણે જ મનુષ્ય ખોટા માર્ગે જતો રહે છે, પોતાનો અહંકાર વધારતો રહે છે, મોહમાં પડતો રહે છે અને યોગ્ય દિશાને ખોટી દિશા માની બેસે છે.
જે શ્રદ્ધાવાન પોતાના આરાધ્યદેવતાનું ચિંતન, ભજન, પૂજન, નામસ્મરણ અને ગુણસંકીર્તન કરતો પોતાના વિશ્વાસને કૃત્યથી પ્રગટ કરતો રહે છે, તેને આ નવદુર્ગા ચંદ્રઘંટા પાસેથી વખતો વખત ધૈર્યનો પુરવઠો થતો રહે છે અને તે પણ ચંદ્રકિરણોની જેમ - સૌમ્ય અને શાંતિથી.
પાર્વતીનું આ જ રૂપ, શિવ સાથે તેમના લગ્ન થતાં વ્યક્ત થયું અને તેથી જ ‘ચંદ્રઘંટા’ એ જ શિવપત્ની પાર્વતીનું નિત્યસ્વરૂપ છે. આ ‘ચંદ્રઘંટા’ રૂપમાં આ પાર્વતી પરમશિવની નિત્ય સહધર્મચારિણી થઈ અને શિવે તેમનો હાથ પોતાના હાથમાં લેતાં જ, તેમણે એક સૌમ્ય, શાંત, સુંદર અને સાત્વિક હાસ્ય કર્યું.
આ હાસ્યને જ ‘ઈષત્ હાસ્ય’ કહે છે અને આ હાસ્યમાંથી જ અનંત બ્રહ્માંડોમાં નવા નવા તારાઓનો જન્મ થતો રહે છે અને તે દરેક તારો પ્રથમ ઇંડાના આકારનો હોય છે અને તેથી જ ચોથી નવદુર્ગાનું નામ ‘કૂષ્માંડા’ છે કારણ કે દરેક વિશ્વ પ્રથમ ‘કૂષ્માંડ’ રૂપમાં જ હોય છે.
શાંભવીવિદ્યાની ૭મી અને ૮મી કક્ષાઓની અર્થાત પગથિયાંની અધિષ્ઠાત્રી આ ‘નવદુર્ગા કૂષ્માંડા’ જ છે. કારણ કે શાંભવીવિદ્યાના ૭મા અને ૮મા પગથિયાં પર શ્રદ્ધાવાનને કર્મતપશ્ચર્યા કરવી પડે છે - અર્થાત નવી શોધ કરીને માનવીય સ્તર પર નવનિર્મિતિ કરવી પડે છે અને કોઈ પણ નવનિર્મિતિ નવદુર્ગા કૂષ્માંડાના શક્તિપુરવઠા વગર શક્ય જ નથી.
નવરાત્રીની ચતુર્થીના દિવસ-રાત્રિની આ ‘કૂષ્માંડા નવદુર્ગા’ નાયિકા છે અને આ કારણે જ જો માનવ કોઈ નવા શુભ કાર્યની શરૂઆત નવરાત્રી-ચતુર્થીના દિવસે કરે, તો તેનું કાર્ય સરળ બને છે.
જીવનમાં કંઈક શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ કરીને બતાવવાની જે શ્રદ્ધાવાનની ઈચ્છા હોય છે, તેણે નવરાત્રીની ચતુર્થીની રાત્રે અવશ્ય જાગરણ કરીને આદિમાતાના ગ્રંથોનું વાચન કરવું જોઈએ અને દિવસે તેમનું પૂજન કરવું જોઈએ.”
Comments
Post a Comment