![]() |
સંદર્ભ - સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુના દૈનિક ‘પ્રત્યક્ષ’માં ‘તુલસીપત્ર’ આ અગ્રલેખમાળાના અગ્રલેખ ક્રમાંક ૧૩૯૦ અને ૧૩૯૧. |
બ્રહ્મવાદિની લોપામુદ્રાની વાતચીત ચાલી રહી હતી ત્યારે જ બ્રહ્મર્ષિ કાત્યાયનની પત્ની મહામતિ ‘કૃતિ’ (જેમ ‘રાજર્ષિ’ને સમાંતર ‘રાજયોગિની’, તેવી ‘મહર્ષિ’ને સમાંતર ‘મહામતિ’) ત્યાં દોડીને આવી. તે પોતાની તપસ્યામાંથી ઊઠીને આવી હતી.
તેને ફક્ત પોતાની લાડકી દીકરીને જોવી હતી. કારણ કે રોજ તેને જોવું કૃતિને શક્ય નહોતું - કારણ કે તે ‘બ્રહ્મવાદિની’ નહોતી.
કૃતિની આતુરતા જોઈને બ્રહ્મવાદિની લોપામુદ્રા હાસ્ય કરીને બોલ્યા, “જુઓ! કૈલાસ પર અત્યાર સુધી આટલા બધા પ્રસંગો થઈ ગયા. નવદુર્ગાના પાંચ સ્વરૂપો પણ પ્રગટ થયા. પરંતુ તેનાથી પણ આ મહામતિ કૃતિની તપસ્યા ડગી નહીં.
પરંતુ તેની એકમાત્ર લાડકી દીકરી નવદુર્ગા કાત્યાયની અહીં આવી છે, આ ઘટના જ મહામતિ કૃતિને તપસ્યામાંથી જગાડી શકી.
હે મહર્ષિજનો! હું તમને એક પ્રશ્ન પૂછું છું - આવી રીતે પોતાના પ્રપંચ માટે તપસ્યા ભંગ કરીને અહીં આવેલી આ મહામતિ કૃતિ હવે ‘બ્રહ્મવાદિની’ બની શકશે ખરી?
કારણ કે આ તપસ્યાને કારણે જ તે બ્રહ્મવાદિની બની શકવાની હતી અને આ તો સાક્ષાત્ આદિમાતા અને ત્રિવિક્રમની જ યોજના હતી.”
![]() |
મણિદ્વીપનિવાસિની આદિમાતા જગદંબા અને સ્વયંભગવાન શ્રીત્રિવિક્રમ |
ત્યાં ઉપસ્થિત સૌને આ પ્રશ્ન સંપૂર્ણપણે ગૂંચવી ગયો. કોઈને પણ યોગ્ય જવાબ સૂઝતો નહોતો.
અને આ જોઈને બ્રહ્મવાદિની લોપામુદ્રા બોલ્યા, “હે વત્સ! આનો જવાબ આપણને જલદી જ મળશે. આપણે થોડી રાહ જોઈએ.”
મહામતિ કૃતિને તો લોપામુદ્રાનો પ્રશ્ન સંભળાયો જ નહોતો. કૃતિ ફક્ત અનિમેષ નયનોથી ભગવતી કાત્યાયનીને જોઈ રહ્યા હતા.
કૃતિએ હાથ પણ જોડ્યા નહોતા.
કૃતિ કન્યાને ભેટી પડવા માટે આગળ પણ વધતા નહોતા.
કૃતિ પોતાની કન્યા સાથે કંઈ બોલતા પણ નહોતા.
પરંતુ કૃતિના ચહેરા પર અત્યંત સંતોષ છવાયો હતો.
અને તે જ સમયે ભગવતી કાત્યાયનીએ બાળ સ્વરૂપ ધારણ કર્યું અને તે સિંહ પરથી કૂદીને ઉતર્યા અને દોડીને જઈને પોતાની માનવ માતાના - કૃતિના - ખોળામાં સમાઈ ગયા.
હવે તો કૃતિએ બાળકાયાયનીને પોતાના આલિંગનમાં સજ્જડ પકડી રાખ્યા અને તે કન્યાના ગાલના વારંવાર ચુંબન લેવા લાગ્યા અને તેના વાળમાં પોતાનો હાથ ફેરવવા લાગ્યા.
બાળકાત્યાયની પણ ‘અંબ! અંબ!’ (મારી મા, મારી મા) એમ વારંવાર કહીને માતાના ખોળામાં અત્યંત તૃપ્તિથી વિસામા લેતા હતા.
પરંતુ એક ક્ષણે મહામતિ કૃતિની આંખોમાંથી ફક્ત બે જ આંસુ ટપક્યા અને તે તરત જ બાળકાત્યાયનીએ પોતાના મસ્તક પર લઈ લીધા.
ત્યાર પછીના જ ક્ષણમાં, રાજર્ષિ શશિભૂષણના જીવનમાં થોડા સમય પહેલાં જેવું બન્યું હતું અને તે ‘બ્રહ્મર્ષિ’ બન્યા હતા, લગભગ તેવું જ થઈ રહ્યું હતું.
ઉપસ્થિત બ્રહ્મર્ષિઓ અને બ્રહ્મવાદિનીઓએ તાળીઓના ગડગડાટથી, આ અજોડ માતા-કન્યાની જોડી પર પુષ્પવર્ષા શરૂ કરી.
અને ભગવાન ત્રિવિક્રમે ઘોષણા કરી, “હે કૃતિ! તું જે તપસ્યા કરતી હતી, તે અત્યારના આ આચરણ સામે ખૂબ જ તુચ્છ છે.
અને એટલા માટે તું સ્વ-અધિકારથી અને આદિમાતાની કૃપાથી ‘બ્રહ્મવાદિની’ બની છે.” તે જ ક્ષણે નવબ્રહ્મવાદિની કૃતિના મસ્તકનું કન્યા કાત્યાયનીએ ચુંબન લીધું. તે જ ક્ષણે બાળ સ્વરૂપમાં રહેલી કાત્યાયની એટલે કે કન્યાકાત્યાયની પોતાના ‘ભગવતી’ સ્વરૂપમાં સિંહ પર આરૂઢ દેખાવા લાગ્યા. અને નવબ્રહ્મવાદિની કૃતિ ભાનમાં આવીને બંને હાથ જોડીને છઠ્ઠી નવદુર્ગા કાત્યાયનીનું સ્તોત્ર ગાવા લાગ્યા.
આ સર્વાંગસુંદર મહોત્સવ જોનારા બધા ઉપસ્થિતોને બ્રહ્મવાદિની લોપામુદ્રાએ ભાનમાં લાવ્યા અને તે બોલવા લાગ્યા, “શાંભવીવિદ્યાના અગિયારમા અને બારમા પગથિયા (કક્ષા) પર નવમા અને દસમા પગથિયે અસુરમુક્ત કરેલા આપણા મનનાં વાત્સલ્ય, પ્રેમ, અનુકંપા, સહાનુભૂતિ, દયા, કરુણા અને નિઃસ્વાર્થપણે બીજા માટે મદદ કરવાની કૃતિ આ ગુણોને પ્રેરણા આપવાની હોય છે, તેમનું વર્ધન કરવાનું હોય છે અને આ બધા તત્ત્વો આપણા જીવનનો સહજ ભાગ બને તે માટે તપાચરણ કરવાનું હોય છે.
બીજાના મનને વિના કારણ દુઃખવવું, બીજા વિશે સહાનુભૂતિ ન હોવી, દયા અને કરુણાથી યુક્ત કૃતિ કરવી શક્ય હોવા છતાં તેવું ન કરવું આ વસ્તુઓનો હંમેશ માટે ત્યાગ કરવો પડે છે. અને આ બધું કરનારી આદિમાતાની શક્તિ એટલે છઠ્ઠી નવદુર્ગા કાત્યાયની. અને એટલા માટે જ તેણે એક પવિત્ર; પરંતુ સામાન્ય સ્ત્રીના ઉદરમાં જન્મ લીધો - જેનું નામ જ ખરેખર કૃતિ છે. આ છઠ્ઠી નવદુર્ગા કાત્યાયની બ્રહ્મવાદિની કૃતિની કન્યા છે. હા! કાત્યાયનીના જન્મના સમયે પણ કૃતિ બ્રહ્મવાદિની જ હતા.
બ્રહ્મર્ષિ કાત્યાયનની તપસ્યાને સાથ મળે તે માટે - એટલે કે પોતાના ઉદરમાં ભગવતી ‘કન્યા’ તરીકે આવે તે માટે તેમણે પોતાનું ‘બ્રહ્મવાદિની’ પદ વિસર્જિત કર્યું હતું. હે સર્વ જનો! ‘પવિત્ર, શ્રેષ્ઠ અને ઉચિત માતૃત્વ’ જ સૌથી મોટી તપસ્યા છે.”
![]() |
શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્ ખાતે નવરાત્રિ દરમિયાન આદિમાતા અનસૂયાનું પૂજન કરતા સદ્દગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ |
બાપુ આગળ તુલસીપત્ર - ૧૩૯૧ આ અગ્રલેખમાં લખે છે,
બ્રહ્મવાદિની લોપામુદ્રા માતૃવાત્સલ્યનું ગુણગાન કરી રહ્યા હતા તે દરમિયાન જ અગસ્ત્યપુત્ર બ્રહ્મર્ષિ કત પોતાની પુત્રવધૂ, કૃતિની પાસે આવીને ઊભા રહ્યા અને બીજી બાજુથી કતની પત્ની બ્રહ્મવાદિની કાંતિ પણ ત્યાં આવી.
બ્રહ્મર્ષિ કત અને બ્રહ્મવાદિની કાંતિ બંનેએ ભાવવિભોર અવસ્થામાં રહેલી પોતાની પુત્રવધૂને અત્યંત પ્રેમથી પાસે લઈ લીધી. બ્રહ્મવાદિની કાંતિ બ્રહ્મર્ષિ કશ્યપની કન્યા.
કાંતિએ કૃતિનો હાથ પોતાના હાથમાં લઈને તેને કહ્યું, “હે કન્યા! મને ફક્ત આઠ પુત્રો થયા પરંતુ એક પણ કન્યા ન થઈ. તેથી કન્યાસુખની અભિલાષા મારા મનમાં હંમેશા જાગૃત રહી અને આ લાલસાને કારણે જ હું ‘મહામતિ’ની ‘બ્રહ્મવાદિની’ બની શકતી નહોતી અને આ મને તાત કશ્યપ અને અગસ્ત્ય બંનેએ કહીને પણ, મારું મન તો કન્યાસુખનો ત્યાગ કરવા માટે બિલકુલ તૈયાર નહોતું.
પરંતુ જે ક્ષણે તારા લગ્ન મારા જ્યેષ્ઠ પુત્ર કાત્યાયન સાથે થયા અને તું અમારા આશ્રમમાં રહેવા લાગી, ત્યારથી તેં મને તારા પ્રેમભાવથી અત્યંત કન્યાસુખ આપ્યું અને આવા કન્યાસુખથી તૃપ્ત થયેલી હું પછી ‘બ્રહ્મવાદિની’ બની.”
હવે બ્રહ્મર્ષિ કત બોલવા લાગ્યા, “હે પુત્રવધૂ કૃતિ! તું ખરેખર ધન્ય છે અને અમારા કુળને પણ ધન્ય કરી દીધું.
હે પુત્ર કાત્યાયન! તારી અને તારી પત્નીની વાત્સલ્યભક્તિ અપાર છે; કિમ્બહુના એકમાત્ર અદ્વિતીય છે. જે તારું આરાધ્યદૈવત છે, તેને જ તમે ‘કન્યા’ સ્વરૂપે પ્રાપ્ત કરી લીધું અને તેને સંતાનની જેમ જ ઉછેરતા તમે બંને તેની જ ઉપાસના પણ દૃઢતાપૂર્વક કરતા હતા અને હજી પણ કરી રહ્યા છો.
હે પિતા અગસ્ત્ય અને કશ્યપ! તમે શ્રેષ્ઠ છો. તમે જ્યેષ્ઠ છો. તમે બંને સારી રીતે જાણો છો કે વાત્સલ્યભક્તિ એ જ ખરી મધુરભક્તિ છે અને આવી આ ખરી મધુરભક્તિનો જ પ્રસાર સર્વત્ર થવો, તે તો દ્વાપરયુગ અને કલિયુગની અનિવાર્ય જરૂરિયાત હોય છે.
તેના માટે હું અને મારી પત્ની કંઈક કરવા ઈચ્છીએ છીએ. અમને કંઈ ઉપદેશ અને આજ્ઞા આપો.”
હવે બ્રહ્મર્ષિ અગસ્ત્ય અને બ્રહ્મર્ષિ કશ્યપ પોતપોતાની ધર્મપત્નીઓ સાથે પોતપોતાના સંતાનોની બાજુમાં આવીને ઊભા રહ્યા અને તે ચોગ્ગાએ આદિમાતા શ્રીવિદ્યા અને ત્રિવિક્રમને આ જ પ્રશ્ન પૂછ્યો.
ભગવાન ત્રિવિક્રમે હવે એકમુખી સ્વરૂપ ધારણ કરીને તે ચોગ્ગાને અત્યંત વિનયપૂર્વક અને પ્રેમથી કહ્યું,
“તમારા ચારનું જ્ઞાન પણ અપાર છે અને ભક્તિ પણ.
તમે મને આ પ્રશ્ન કેમ પૂછી રહ્યા છો?”
તે ચારએ પણ એક અવાજે, એક મોંએ જવાબ આપ્યો, “કારણ કે તું જ એકમાત્ર શ્રેષ્ઠ માતૃભક્ત છે એટલે.”
ત્રિવિક્રમ: “હા, હશે પણ ખરું! પરંતુ આનો અર્થ એક જ.
મારી પાસે માતૃભક્તિ ક્યાંથી અને કયા કારણે આવી?
કારણ કે ખરી શ્રેષ્ઠ અને સર્વોચ્ચ વાત્સલ્યભક્તિ એ મારી માતા પાસે જ છે.
તેનો મારા પર જેટલો અકૃત્રિમ પ્રેમ છે, તેટલો જ તે દરેક સાચા શ્રદ્ધાવાન પર છે અને એટલા માટે જ મારી આદિમાતા ચંડિકા જ વાત્સલ્યભક્તિનો એટલે કે ખરી મધુરભક્તિનો એકમાત્ર અને મૂળ સ્ત્રોત છે અને તે સ્ત્રોત જ્યારે શિવપત્ની પાર્વતીએ સંપૂર્ણપણે ‘સ્કંદમાતા’ સ્વરૂપમાં પીધો, ત્યારે જ સ્કંદમાતામાંથી ‘કાત્યાયની’ આ છઠ્ઠી નવદુર્ગા પ્રગટ થયા.
હે આદિમાતા! હે મહિષાસુરમર્દિની! હે મહાદુર્ગા! હે શ્રીવિદ્યા! હે અનસૂયા! તું જ હવે આ ચારના પ્રશ્નનો જવાબ આપ, એવી મારી તારા ચરણોમાં વિનમ્ર પ્રાર્થના છે.”
ભગવાન ત્રિવિક્રમના આ ઉદ્ગારોની સાથે જ આદિમાતાના ‘અનસૂયા’ અને ‘શ્રીવિદ્યા’ આ બંને સ્વરૂપો એકત્રિત થઈને, પહેલાં બધાં શસ્ત્રોથી સજ્જ થઈને ઊભેલા અષ્ટાદશભુજા મહિષાસુરમર્દિની પોતાના તેજથી શોભવા લાગ્યા અને જે ક્ષણે ભગવાન ત્રિવિક્રમે બાળભાવથી દોડીને જઈને તેમનો પાલવ પકડ્યો, તે ક્ષણે મણિદ્વીપમાં સિંહાસન પર બિરાજમાન અષ્ટાદશભુજા ચંડિકા ‘પ્રસન્ન અને શાંત હાસ્ય કરતા બેઠેલા અને વાત્સલ્યપ્રેમ તેમના નયનોમાંથી ઝરી રહ્યો છે’ તેવા દેખાવા લાગ્યા.
હવે તેમણે ભગવાન એકમુખી ત્રિવિક્રમના મસ્તકને હાથથી સ્પર્શ કરતા જ તે આઠ વર્ષના બાળ સ્વરૂપમાં દેખાવા લાગ્યા અને દોડીને જઈને તે તેમના ખોળામાં બેઠા.
અને તેને વાત્સલ્યપૂર્વક પંપાળતા આ ચિદગ્નિકુંડસંભૂતા આદિમાતા બોલવા લાગ્યા, “હા! મારા લાડકવાયા પુત્રો અને કન્યાઓ! ત્રેતાયુગમાં હવે જલદી જ ‘પરશુરામ’ અને ‘શ્રીરામ’ જન્મ લેશે અને આ બંનેના બાળ સ્વરૂપની ઉપાસના એટલે કે ખરી મધુરભક્તિ શ્રદ્ધાવાનોને આકર્ષિત કરશે.
![]() |
આદિમાતા 'અષ્ટભુજા' |
પરશુરામનો અને શ્રીરામનો જન્મદિવસ તે બંનેની બાળમૂર્તિને વાત્સલ્ય ઉપચાર કરીને એટલે કે નામકરણ, પારણું, ખોળામાં ઝુલાવવું, સ્ત્રી અને પુરુષ બંનેએ મળીને પારણું ગાવું અને તેમની બાળમૂર્તિઓનું અભિષેકાદિ ઉપચારોથી પૂજન કરવું, શ્રદ્ધાવાનોને અનેક પાપોમાંથી મુક્ત કરશે.
તેવી જ રીતે જ્યારે પરશુરામ પરની બાળભક્તિને દુષ્ટબુદ્ધિજન ધીમે ધીમે ઓછી કરવાનો પ્રયત્ન કરશે, ત્યારે તે દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ જન્મ લેશે અને બાળ સ્વરૂપમાં અસંખ્ય લીલા, ક્રીડા અને મધુર કાર્યો કરશે અને પોતે જ પ્રેમામૃત બની રહેશે.
આવા આ મધુરાધિપતિ, ગોકુલનિવાસી બાળકૃષ્ણના જન્મદિવસનું માહાત્મ્ય હું પોતે તેમની બહેન તરીકે અને ‘વિંધ્યવાસિની’ બનીને વધારીશ.
કલિયુગમાં શ્રીરામનો જન્મોત્સવ શ્રદ્ધાવાનોને ભક્તિ દૃઢ કરવા માટે મદદ કરશે અને દરેક શ્રદ્ધાવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ અત્યંત પ્રેમથી અને ઉત્સાહથી ઉજવીને ‘પવિત્રતા જ પ્રમાણ’નું રહસ્ય કહેનારી શ્રીકૃષ્ણની રાસલીલા તેમના જન્મદિવસે ઉજવીને ખરી મધુરભક્તિ સીધી મારા તરફથી જ પ્રાપ્ત કરશે.
હે અગસ્ત્ય અને કશ્યપ! બ્રહ્મર્ષિ કાત્યાયન અને બ્રહ્મવાદિની કૃતિ આ બંને જ ‘દશરથ’ અને ‘કૌસલ્યા’ બનીને શ્રીરામના માતા અને પિતા થશે અને આ બંને જ ‘વસુદેવ-દેવકી’ બનીને શ્રીકૃષ્ણના માતા-પિતા થશે અને બ્રહ્મર્ષિ કત અને બ્રહ્મવાદિની કાંતિ ‘નંદ-યશોદા’ બનીને મને જ જન્મ આપશે અને શ્રીકૃષ્ણની બાળલીલાઓનો આનંદ ઉપભોગ કરશે.”
Comments
Post a Comment