બાપુ જ છે મારા જીવનનો સાચો સહારો… – સ્મિતાવીરા કાળે, બોરીવલી (પ)

બાપુ જ છે મારા જીવનનો સાચો સહારો…  – સ્મિતાવીરા કાળે, બોરીવલી (પ)

એક સાથે અનેક રોગોથી પીડિત એવી આ શ્રધ્ધાવાન મહિલા પોતાના સદ્‌ગુરુ પ્રત્યે અડગ વિશ્વાસ રાખે છે. એ જ વિશ્વાસ તેને શારીરિક અને માનસિક બળ આપે છે અને આ મહિલામાં આવેલા અદ્ભુત સુધારાથી ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત બની જાય છે.

----------------------------------------------------------------

હું સ્મિતાવીરા વિનાયકસિંહ કાળે, બોરીવલી (પ) ઉપાસના કેન્દ્ર. હું ઇન્ડિયન બૅંકમાં નોકરી કરું છું. વર્ષ 1998ની રામનવમીના દિવસે મેં પહેલીવાર બાપુના દર્શન કર્યા અને તે દિવસથી હું અને મારો આખો પરિવાર બાપુમય બની ગયો. ત્યારથી અમને બાપુના અનેક અનુભવો આવ્યા છે. આ સદ્‌ગુરુકૃપાનો અખંડ સ્ત્રોત અમને અનુભવવા મળ્યો છે.

નીચે વર્ણવેલો અનુભવ હું આજે પણ ક્ષણે-ક્ષણે અનુભવી રહી છું. 

દોઢ વર્ષ પહેલાં મને થાઈરોઇડ થયો. મારું વજન ઘણું ઓછું થતું જતું હતું, પરંતુ એ થાઈરોઇડના કારણે ઘટી રહ્યું છે એ મને ઘણું મોડું સમજાયું. મારા ફેમિલી ડૉક્ટરને પણ થાઈરોઇડની જરાય શંકા આવી નહીં, કારણ કે એ સમયે મને વાયરલ તાવ આવ્યો હતો. ડૉક્ટરને લાગ્યું કે વાયરલ તાવમાં ઘણી દવાઓ લીધી હોવાથી મને કમજોરી આવી ગઈ હશે. પરંતુ મને ચાલતી વખતે અને બોલતી વખતે પણ શ્વાસ ચઢવા લાગ્યો. ત્યારે અમે તરત સુચિતદાદા પાસે દોડી ગયાં. તેમણે મને તરત થાઈરોઇડની તપાસ કરાવવાનું કહ્યું. તેમાં મારું TSH ફેક્ટર બહું ઓછું થઈ ગયું હોવાની જાણ થઈ. દાદાએ મને તેમની દવા આપી અને અમને કોકિલાબેન હોસ્પિટલના ઍન્ડોક્રાયનોલોજિસ્ટ ડૉ. ધીરજ કપૂર પાસે મોકલ્યા. તરત જ તેમની સારવાર શરૂ થઈ ગઈ. ત્યારબાદ અચાનક મારી આંખો બહુ જ સૂજી ગઈ અને લાલ થઈ ગઈ. હું તરત આંખના ડૉક્ટર પાસે ગઈ. તેમણે મને આંખોનો સીટીસ્કેન કરાવવાનું કહ્યું. રિપોર્ટમાં જાણવા મળ્યું કે મારા એન્ટીબોડી સેલ્સ મારા થાઈરોઇડની સાથે લડી રહ્યા છે. અને આ તેની જ અસર હતી. એની પર પણ સારવાર શરૂ થઈ.

એક દિવસ અચાનક મને બંને આંખોમાંથી બે પ્રતિબિંબ દેખાવા લાગ્યાં. મને ડિપ્લોટિયા થયો હોવાની જાણ થઈ. અરે બાપ રે! આંખ તો આપણું મુખ્ય ઇન્દ્રિય છે. હું અંદરથી ઘણી ગભરાઈ ગઈ હતી. અનેક પ્રશ્નો મને ઘેરી વળ્યા હતા. પરંતુ હું સતત મારા સદ્‌ગુરુ બાપૂને જ પોકારતી હતી. જ્યારે મેં ડૉક્ટરોને પૂછ્યું, ત્યારે તેમણે તેમના વર્ષોના તબીબી અનુભવ પરથી સ્પષ્ટ કહ્યું કે આ રોગ સારો થતો નથી. ત્યારે મેં તેમને કહ્યું,“ડૉક્ટર, મને મારા સદ્‌ગુરુ પર ૧૦૮% વિશ્વાસ છે. તેઓ મને ચોક્કસ સાજી કરશે, કારણ કે ‘તું અને હું મળીને શક્ય નથી એવું આ જગમાં કંઈ જ નથી.’ આ તેમણે પોતાના શ્રધ્ધાવાનોને આપેલી ગવાહી છે. એટલે મારી સારવારના પ્રયાસો અને મારા સદ્‌ગુરુની કૃપાથી હું એક દિવસ ચોક્કસ સાજી થઈ જઈશ.”

મને ૧ ગ્રામના ૨૧ સ્ટિરોઇડના ઇન્જેક્શન્સ અને ત્યારબાદ ચાર મહિના માટે સ્ટિરોઇડની ગોળીઓ આપવામાં આવી. આય.વી. ડ્રીપ દ્વારા મને આ ઇન્જેક્શન આપવામાં આવતું. ઇન્જેક્શન પછી કોઈ આડઅસર તો થતી નથી ને, તે જોવા માટે મને હોસ્પિટલમાં જ રાખવામાં આવતી. સ્ટિરોઇડ લેવાથી કેટલાંક દર્દીઓના શરીર પર ફોલ્લીઓ આવી જતી, ચક્કર આવતાં અથવા અન્ય આડઅસર થતી હતી. પણ મને અહીં અભિમાન સાથે કહેવું છે કે મને આવી કંઈ જ તકલીફ થઈ નહીં. હૉસ્પિટલના કર્મચારીઓ પણ હંમેશા આશ્ચર્યથી મને કહેતાં,“સ્મિતા, ૨૧ ઈંજેક્શન્સ લીધા પછી પણ તને કોઇ જ તકલીફ નથી થતી?’’ ત્યારે હું બધાને કહેતી,"આ બધી ફક્ત મારા અનિરુધ્ધ બાપુની જ કૃપા છે.” મને અઠવાડિયામાં સતત ત્રણ દિવસ સ્ટિરોઇડ આપવામાં આવતું. તેથી તે સોય હાથમાં લગાવેલી રાખીને જ હું બેંકમાં જતી. આટલો પ્રચંડ આત્મવિશ્વાસ મને પ્રાપ્ત થયો હતો, ફક્ત અને ફક્ત બાપુને લીધે જ. ધન્ય છે આ સદ્‌ગુરુતત્વ, જે પોતાના બાળકોની સમયાંતરે કાળજી લઈ તેમનું મનોબળ વધારે છે. આંખોમાં આટલી બધી તકલીફ હોવા છતાં બોરીવલીથી સાંતાક્રુઝ સુધીનો મારો પ્રવાસ ઘણો સુખરૂપ થતો. આંખોના આ પ્રોબ્લેમના કારણે બેંકના કામમાં પણ મેં ક્યારેય કોઈ ભૂલ કરી નથી.બાપુનું ગુણસંકીર્તન કરતી વખતે હું સૌને અભિમાનથી કહું છું કે આવા છે મારા બાપુ,જે મને સમયાંતરે સંભાળે છે અને દરેક સંકટમાં મારી સાથે રહે છે. સામાન્ય રીતે સ્ટિરોઇડ લેવાથી કિડની અને લિવર પર પણ તેની અસર થાય છે અને ડાયાબિટીસ પણ થઈ શકે. એટલે મને દર છ અઠવાડિયે ડૉક્ટર ટેસ્ટ કરાવવાનું કહેતાં. પરંતુ મારા બધા જ ટેસ્ટ નોર્મલ આવતાં.

“મજ સવે જો પ્રેમે યેઈલ, ત્યાચે અશક્ય શક્ય મી કરીન”(મારી સાથે જે પ્રેમથી આવશે તેમનું અશક્ય શક્ય હું કરીશ.) બાપુના વચનની આ પંક્તિ અહીં મને યાદ આવે છે. એક નામી ડૉક્ટરે મને કહ્યું હતું,“તારા આ રોગ માટે શસ્ત્રક્રિયા જ એકમાત્ર ઉપાય છે અને તે પણ થાઈરોઇડ નિયંત્રણમાં આવ્યા પછી જ શક્ય છે.” પરંતુ સુચિતદાદાએ મને આશ્વાસન આપ્યું હતું,“જરાય ડરવાની જરૂર નથી, કદાચ શસ્ત્રક્રિયા કરવાની પણ જરૂર જ નહીં પડે.”

અહીં મને અભિમાન સાથે કહેવું છે કે સતત છ મહિના સુધી વધતું જતું થાઈરોઇડ, ‘શ્રીશ્વાસમ‌‌’માં કરેલ મોટી માઁના પૂજન બાદ નિયંત્રણમાં આવ્યું. આ રીતે બાપુની કૃપાથી થાઈરોઇડ પર કાબુ આવી ગયો. આંખોની તકલીફ હોવા છતાં, મારા આ ‘ડૅડ’ દ્વારા મળેલા સામર્થ્યના કારણે મેં શ્રીસાઈ સચ્ચરિત્રની પરીક્ષાઓ આપી અને તેમાં મને વિશેષ પ્રાવિણ્ય પણ મળ્યું.આજે મને પૂરો વિશ્વાસ છે કે મારા પ્રારબ્ધ સાથે લડવા માટે તાકાત આપનાર મારા સદ્‌ગુરુ સમર્થપણે મારી સાથે છે…૧૦૮%. અહીં મને આદ્યપિપાના અભંગની કેટલીક પંક્તિઓ યાદ આવે છે -

પ્રારબ્ધનું બીજ બાપુના ચરણોમાં

અર્પણ કરી ધન્ય બનવું॥

બાપુ જેવા સદ્‌ગુરુ મને મળ્યા અને હું ખરેખર ધન્ય બની.

અંબજ્ઞ બાપુરાયા

નાથસંવિધ્


Comments