પારકો દેશ, પારકા લોકો અને પારકી ભાષા. આવી પરિસ્થિતિમાં આ શ્રધ્ધાવાન પરિવાર પર એક એવો પ્રસંગ આવી પડ્યો છે કે જ્યાં એમ લાગ્યું કે હવે બધાં રસ્તા બંધ થઈ ગયા છે. પોણા બે વર્ષની દીકરી લગભગ મૃત્યુના દરવાજે ઊભી હોય એવી પરિસ્થિતી સર્જાઈ. પરંતુ આવા સમયે પણ સદગુરુકૃપા ક્યાં વિલંબ કરે છે? ત્યારબાદ જે બન્યું તે સર્વે અઘટિત જ હતું…
---------------------------------------------------------------------------------------
હરિ ૐ. ૧૯૯૮ માં અમે બાપુ પરિવાર સાથે જોડાયા. મારા પતિ નેસ્લે કંપનીમાં કામ કરે છે અને લગ્ન થયા પછીથી અમે મસ્કતમાં જ રહીએ છીએ. અહીં હું મારી પોણા બે વર્ષની દીકરી મૃણમયીનો અનુભવ તમને સૌને કહેવાની છું. સાઈબાબાએ દેહમાં હોવા સમયે આપેલી ગવાહી મને અહીં યાદ આવે છે, જે અમે સક્ષાત અનુભવેલી છે.
મજ ન લાગે ગાડી ઘોડી ।
વિમાન અથવા અગ્નિગાડી ।
હાક મારે જો મજ અવલંબી ।
પ્રગટું હું તે ઘડી, કરું ન વિલંબ ॥
ડિસેમ્બર ૨૦૧૧ માં મારા મમ્મી-પપ્પા પહેલીવાર મસ્કત આવ્યા હતા. મમ્મી નોકરી કરે છે અને પપ્પા નિવૃત્ત છે. મમ્મીને ફક્ત એક મહિનાની જ રજા મળી હોવાથી, બંને એક મહિને પાછા ભારત જવાના હતા. ૨૦ જાન્યુઆરીની રાતના દોઢ વાગ્યાની તેમની ફ્લાઇટ હતી. અમે તેમને એરપોર્ટ પર મૂકવા જવાના હતા. એ દિવસે શુક્રવાર હતો અને દર શુક્રવારે અમે ત્યાંના ઉપાસના કેન્દ્રમાં અશુભનાશિની સ્તવનમ્ અને શુભંકરા સ્તવનમ્ નો ૨૭ વાર પાઠ કરતાં હતા.
અમે મસ્કતથી ૧૩૪ કિ.મી. દૂર સુવૈટ નામના ગામમાં રહેતાં હતાં. મસ્કતથી સુવૈટનો પ્રવાસ લગભગ દોઢ કલાકનો છે. મમ્મી-પપ્પાની થોડી ખરીદી બાકી હોવાથી અમે બધાએ ગાડીમાં જ સાથે મળીને ઉપાસના કરી અને કાર્યપ્રમુખના ઘરે ફક્ત બાપુના દર્શન લેવા જવાનું નક્કી કર્યું. પરંતુ અમને તેમના ઘરે પહોંચવામાં મોડું થઈ ગયું અને શુક્રવારની ઉપાસના કર્યા પછી તેઓ ઘર બંધ કરીને બહાર જતાં રહ્યા હતાં. બાપુના દર્શન ન મળવાથી હું થોડી નિરાશ થઈ ગઈ.
એટલે મને સાંત્વના આપીને મારા પતિએ કહ્યું, “બાપુ બધે જ હોય છે. તું બહારથી પગે લાગીશ તો પણ તારા એ નમસ્કાર બાપુ સુધી પહોંચશે જ. તેઓ તો આપણી સાથે અત્યારે પણ છે જ.” બહારથી જ બાપુને પ્રણામ કરીને અમે મૉલમાં ખરીદી કરવા ગયા અને ત્યાંથી પછી એરપોર્ટ પહોંચ્યા. અમે બંને અમારી દીકરી સાથે તેમને અંદર સુધી મૂકવા ગયા. મારી દીકરીને તેના નાના-નાની સાથે ઘણી માયા બંધાઈ ગઈ હતી. એટલે થોડો વધુ સમય સાથે રહે તે માટે અમે વાતો કરતા ત્યાં જ થોભ્યા. અંતે મારી મમ્મીના કહેવા પર રાત્રે એક વાગ્યે અમે પાછા ઘરે જવા નીકળ્યા. એ સમયે મૃણમયી ખૂબ રડવા લાગી, તે તેમને છોડવા તૈયાર જ ન્હોતી. તેને શાંત કરવા માટે મેં ત્યાંના સિક્યુરિટીનો ડર બતાવ્યો. જો અહીં પોલીસ ઊભા છે, આમ કહેતાં જ તે બિચારી ડરીને શાંત થઈ ગઈ.
પાછા ફરતી વખતે ગાડીમાં મૃણમયી તેનું ખાવાનું ખાતી હતી અને ગાડીમાં આમતેમ કૂદકા મારતી હતી. અમને લાગ્યું કે તે બધું ભૂલી ગઈ હશે. તે પોણા બે વર્ષની હોવાથી તેણે દૂધ જોઈએ છે તેવો ઇશારો કર્યો; દૂધ પીધા પછી તે તરત સૂઈ ગઈ.
એરપોર્ટથી અમે હજી ફક્ત ૮ કિ.મી. દૂર ગયા હોઈશું ત્યાં અચાનક સૂઈ ગયેલી મૃણમયી ગભરાઈને જાગી ગઈ. મને લાગ્યું કે તેણે કોઈ સપનું જોયું હશે, એટલે તે ગભરાઈને ઊઠી ગઈ હશે. એટલે મેં તેને થોડી થપથપાવીને કહ્યું “બેટા, સૂઈ જા”. ત્યારબાદ તેણે ડરીને મારી તરફ મોટી આંખો કરીને જોયું. મારા હૃદયમાં તો ધ્રાસકો જ પડ્યો અને મને મનમાં થયું “અરે બાપરે, આ આવી રીતે મોટી આંખો કરીને કેમ જુએ છે, કોણ જાણે!” હજી હું કંઈ બોલું એટલામાં તેની આંખો ઉપર ચઢી ગઈ અને તેનું શરીર સ્ટીફ બનવા લાગ્યું. તે ભારે તાવથી તપતી હતી. આ બધું જોઇને હું ખૂબ ગભરાઈ ગઈ અને મેં મારા પતિને કહ્યું કે મૃણમયીના આંખો ચઢી ગઈ છે. તેમને લાગ્યું કે તે ઊંઘમાં હશે, પરંતુ મેં કહ્યું કે આ કંઈક અલગ છે. તે સૂતી નથી. તે કોઈ પ્રતિસાદ પણ આપતી ન હોવાથી હું અત્યંત વ્યાકુળ બની ગઈ. મસ્કતમાં ગાડી તરત રોકવી મુશ્કેલ હોય છે, છતાં મારા પતિએ ગાડી રસ્તાની સાઈડમાં લીધી અને ગાડી ઊભી રાખી. લાંબા પ્રવાસમાં બાળક સાથે હોવાથી અમે ગરમ-ઠંડા પાણીની બોટલો તેમ જ ખાવાનું હંમેશાં સાથે રાખતાં હતા.
તેને આંચકી આવી રહી છે એમ સમજીને પતિએ તેના પર ઠંડા પાણીની દોઢ લિટરની બોટલ ઢોળી. અગાઉ ડૉક્ટરે કહ્યું હતું કે આને તાવ આવે તો ઠંડા પાણીનો મારો કરો. મેં તેની પીઠ અને છાતી ચોળી પણ તેના તરફથી કોઈ પ્રતિસાદ નહોતો. મૃણમયીની હાલચાલ સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી. મને લાગ્યું કે મારી દીકરી હવે નથી રહી. હું ત્યાં જ જોરજોરથી રડવા લાગી.
મસ્કતમાં ઓમાની લોકો રહે છે અને તેઓ અરબી ભાષા જ બોલે છે; તેમને મરાઠી સમજાતી નથી. હું જોરથી ચીસો પાડી રહી હતી -“કોઈ મદદ કરો, મારી દીકરી હવે રહી નથી” પણ રાત્રે દોઢ વાગ્યે હાઈવે પર કોણ આવવાનું? એમાં પણ પારકો દેશ, પારકા લોકો! મારા પતિએ કહ્યું કે આપણે તેને હૉસ્પિટલ લઈ જઈએ. અમે ફરી પાછા ઝડપથી ગાડીમાં બેઠાં અને ઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્ર બોલવાનું શરૂ કરી દીધું.
અમે કેટલીવાર સ્તોત્ર બોલ્યા તે તો બાપુ જ જાણે. પણ આ સ્તોત્ર બોલતાં બોલતાં અમે ગાડી સ્ટાર્ટ કરવા જતાં હતાં ત્યાં જ અમારી સામે એક સફેદ રંગની ગાડી રિવર્સમાં પાછળ આવી અને એ ગાડી ક્યારે અમારી બાજુમાં આવીને ઊભી રહી એ અમને સમજાયું જ નહીં. તે ક્યાંથી આવી એની પણ અમને ખબર જ ન પડી. કારણ કે મેં તમને પહેલાં જ કહ્યું હતું કે રસ્તા પર એક પણ ગાડી ન્હોતી. મસ્કતમાં લેફ્ટ હેન્ડ ડ્રાઈવ છે. ગાડી અમારી બાજુમાં આવીને ઊભી રહેતાં જ તેમાંથી કંદુરા પહેરેલો (ઓમાની પરંપરાગત વસ્ત્ર) એક માણસ ઉતર્યો. કોઈ જૂની ઓળખાણ હોય એમ અમે સામસામે ઊભા હતા. તેણે મારી પાસેથી મૃણમયીને માંગી અને મેં પણ જાણે હું તેને ઓળખતી હોઉં એટલા સહજ ભાવ સાથે તેને આપી દીધી. એ માણસ મને કહેતો હતો, “હું દત્ત છું, હું દત્ત છું.” મેં આ બે વાર સાંભળ્યું. જે બની રહ્યું હતું તે મારી સમજશક્તિથી પર હતું. મારી દીકરી ચેતનાવિહિન હતી, નિષ્પ્રાણની જેમ પડી હતી અને આ માણસ ક્યાંથી આવ્યો, કેમ આવ્યો—કશું સમજાતું નહોતું. હું સંપૂર્ણરીતે આઘાતજનક પરિસ્થિતીમાં હતી. મને વારંવાર એક જ વિચાર આવતો કે આ ઓમાની માણસ મરાઠીમાં “હું દત્ત છું” કેવી રીતે બોલી શકે?
મને કંઈ જ સમજાતું ન હતું. કંઈ સૂઝતું પણ ન હતું. આ પછી અચાનક એવું બન્યું કે મારા હાથમાં નિષ્પ્રાણ બનેલી મારી દીકરી તેના હાથમાં જતાં જ હલનચલન કરવા લાગી અને આંખો ખોલીને આસપાસ જોવા લાગી. મેં તરત તેમને કહ્યું, “મારી દીકરી તમારા હાથમાં જતાં જ જીવંત થઈ ગઈ.” ત્યારે તેણે મને કહ્યું,(આ મેં બરોબર સાંભળ્યું હતું) “હું ડૉક્ટર છું. આય ઍમ અ ડૉક્ટર." પછી તેણે કહ્યું,“યોર બેબી ઇઝ ફાઇન, ડોન્ટ ટેક ટેન્શન. શી ઈઝ ફાઈન.”(તમારી દીકરીને હવે સારું છે, એટલે હવે તમે જરાપણ ચિંતા નહીં કરતાં.” તેણે મને મૃણમયીને હૉસ્પિટલ લઈ જવા કહ્યું. મારા પતિ તેની પાસે આવીને ઊભા રહ્યા. એ માણસે તેમની તરફ ફરીને ફક્ત નજર કરી અને જે વાક્ય તેણે મને અંગ્રેજીમાં કહ્યું હતું, એ જ પતિને મરાઠીમાં સંભળાયું. આ જે કંઈ બન્યું તે બધું અઘટિત હતું. સમજથી પર હતું. અમે બંને સુન્ન બની ગયા હતા.
અમને બંનેને સમજાઈ ગયું કે આ બધી બાપુની જ લીલા છે. આ આનંદમાં અમે એ માણસ કોણ છે, ક્યાં રહે છે, ક્યાં જઈ રહ્યો છે, આવું કશું જ તેને પૂછ્યું નહીં. આ પછી તેણે પોલીસની એક ગાડીને ઊભી રખાવી. અને તેમને કહ્યું, “આ લોકો બહુ ગભરાયેલા છે અને તેઓ ખૂબ જ ટેન્શનમાં છે. એટલે તમે તેમને હૉસ્પિટલનું સરનામું આપો.” અમે સરનામું લીધું ખરું પણ વરસાદને લીધે રસ્તા ખરાબ થઈ ગયા હતા અને ઘણા ડાયવર્ઝનને કારણે અમને તે હૉસ્પિટલ સુધી પહોંચવાનો માર્ગ જ ન્હોતો મળી રહ્યો.
દીકરી ભાનમાં આવી ગઈ એટલે અમે ઘણા ખુશ હતાં. પણ અમારા મનમાં એક જ વિચાર આવતો હતો કે જે રીતે તે માણસે “દીકરીને હૉસ્પિટલ લઈ જાઓ” એમ કહ્યું છે, તો અમારે ચોક્કસ તેને હૉસ્પિટલ લઈ જ જવી જોઈએ. આગળના પ્રવાસ દરમ્યાન થોડીવાર માટે અમને તે માણસની ગાડી દેખાતી હતી, પણ પછી પાછળ વળીને જોયું તો તે ગાડી અમને ક્યાંય દેખાઈ નહીં. જેમ તે ગાડી ક્યાંથી આવી તે અમને ન સમજાયું તેમ તે પાછી ક્યાં જતી રહી તે પણ અમને ન સમજાયું. અમે આગળ ગયા તો એક હૉસ્પિટલ દેખાઈ પણ તે બંધ હતી. મૃણમયી હજી થોડી તંદ્રામાં જ હતી. તેની આંખો વારંવાર બંધ થઈ જતી હતી.
પણ મારા પતિએ તે જ દિવસે સવારે એક મૉલની બાજુમાં એક નવી હૉસ્પિટલ જોઈ હતી. એનો ફાયદો અમને રાતના થયો. અચાનક તેમને તે હૉસ્પિટલ યાદ આવી અને અમે ત્યાં પહોંચ્યા. સંકટ તો બાપુએ પહેલાં જ ટાળી દીધું હતું. પોણા બે-બે વાગ્યાની આસપાસ અમે હૉસ્પિટલ પહોંચ્યા. મૃણમયીને ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી અને તાત્કાલિક તેના બધા રીપોર્ટ્સ કરવામાં આવ્યા. બી.પી., પલ્સ વગૈરે. કોઇને વિશ્વાસ નહીં આવે, પરંતુ તેના બધા રિપોર્ટ્સ એકદમ નોર્મલ આવ્યા અને તેનો તાવ પણ ઉતરી ગયો હતો.
આ ત્રિવાર સત્ય છે અને હું પૂરેપૂરા વિશ્વાસ સાથે કહું છું કે બાપુએ પોતાના ભક્તને મૃત્યુના મુખમાંથી બચાવવા સાત સમુદ્ર પાર પણ આ તમામ વ્યવસ્થા ઊભી કરી હતી.
|| હરિ ૐ || શ્રીરામ || અંબજ્ઞ ||
|| નાથસંવિધ્ ||
Comments
Post a Comment