!! હરિ ૐ !!
હું વિશાલસિંહ બાહેકર, બોરીવલી (પ.) ઉપાસના કેન્દ્રથી છું. હું 'કેપજેમિની ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ'માં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરું છું. ૨૦૦૧ ની સાલથી હું બાપુજી સાથે જોડાયેલો છું. હું બાપુજી સાથે કેવી રીતે જોડાયો, એ અનુભવ આજે ટૂંકમાં બધાને કહેવા માંગુ છું. ૨૦૦૧ માં હું એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં હતો. શરૂઆતથી જ હું પહેલા નંબરે પાસ થતો હતો અને મને ક્યારેય 'કેટી' (કેટી એટલે કે, ફેલ થયા પછી એ જ વિષયની પરીક્ષા ફરીથી આપવી) પણ નહોતી મળી, મારું પરિણામ હંમેશા સારું આવતું હતું. મારી વિલેપાર્લેની પ્રખ્યાત 'ડી.જે. સંઘવી કોલેજ' હોવાથી મેં વિચાર્યું કે કેમ્પસ ઇન્ટરવ્યૂમાં મને સહેલાઇથી નોકરી મળી જશે. પણ હું દર વખતે પરીક્ષા આપતો અને છેલ્લા તબક્કા સુધી પહોંચવા છતાં મારી પસંદગી થતી નહોતી. મારા બધા મિત્રોની પસંદગી થતી ગઈ અને તેમને એલ.એન.ટી. , કે સી., એમ.સી. જેવી જાણીતી કંપનીઓમાં નોકરીઓ પણ મળતી ગઈ. પરંતુ હું દર વખતે છેલ્લા રાઉન્ડમાં નીકળી જતો હતો.
મનમાં ઘણા બધા વિચારો આવવા લાગ્યા કે શરૂઆતથી પહેલા નંબરે પાસ થવા છતાં મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? આના કારણે મારા મનમાં એક પ્રકારની નિરાશા છવાઈ ગઈ હતી, પણ મને એનો કોઈ જવાબ મળતો નહોતો. મારા જે મિત્રોને નોકરીઓ મળી હતી, તેઓ મને ધીરજ બંધાવવા લાગ્યા, પણ હું વધારે ને વધારે નિરાશ થતો જતો હતો. છેવટે, ૨ જૂન ૨૦૦૧ ના દિવસે છેલ્લો ઇન્ટરવ્યૂ પૂરો થયો. તે શનિવારનો દિવસ હતો અને તે દિવસે હું પહેલી વાર બાપુજીના ઉપાસના કેન્દ્રમાં ગયો હતો. ત્યાંનું પવિત્ર અને ભક્તિમય વાતાવરણ સારું લાગ્યું. ધીમે ધીમે રસ વધતો ગયો અને મારી પાસે તે સમયે કોઈ કામ પણ નહોતું, એટલે હું ઉપાસના કેન્દ્રના કાર્યોમાં પણ ભાગ લેવા લાગ્યો. ધીમે ધીમે મને બાપુજી વિશે પૂરી જાણકારી મળી. આ રીતે ઘણા દિવસો વીતી ગયા. ઘણી કંપનીઓમાં ઇન્ટરવ્યૂ પણ આપ્યા, પણ ક્યાંયથી કોઈ જવાબ આવતો નહોતો. બાપુભક્ત પ્રસાદ સિંહ ચૌબલ મારા સહપાઠીઓમાંથી એક હતા. એક દિવસ તેમની માતાએ મને કહ્યું, 'તું તારી સમસ્યા લખીને આપી દે. અમે તેને સુચિત દાદા પાસે મોકલીશું. એનો યોગ્ય જવાબ આવશે.' તે દિવસોમાં અમારા વ્યક્તિગત પ્રશ્નો આ રીતે સ્વીકારાતા હતા. તો મેં પણ મારી નોકરીની સમસ્યા લખીને આપી દીધી.
મેં તેમાં ફક્ત ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા.
શું હું એમ.ઈ. કરું? (કારણ કે જાન્યુઆરીમાં 'ગેટ'ની પરીક્ષા હતી.)
ગેટની પરીક્ષા આપીને એમ.ઈ. કરું કે એમ.બી.એ. કરું?
કે હજુ પણ નોકરીની શોધ ચાલુ રાખું?
૨૨ ફેબ્રુઆરી ૨૦૦૨ ના રોજ મને જવાબ મળ્યો, 'નોકરી શોધતા રહો.' મને એવું લાગ્યું હતું કે જવાબ હશે 'આગળ ભણતા રહો.' પણ જેમ મને કહેવામાં આવ્યું, તે પ્રમાણે મેં નોકરીની શોધ ચાલુ રાખી. મને સુચિત દાદા પાસેથી આ જવાબ મળ્યાના થોડા જ દિવસો પછી, ૧૫ માર્ચે મને નોકરી પણ મળી ગઈ. મેં 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'માં છપાયેલી એક જાહેરાત વાંચીને નોકરી માટે અરજી મોકલી હતી અને મારી પસંદગી થઈ ગઈ. એટલું જ નહીં, પણ થોડા જ દિવસોમાં બાપુજીની કૃપાથી મને એ પણ ખબર પડી કે મને 'નોકરી શોધતા રહો' એવો જવાબ કેમ મળ્યો હતો. મારાથી પહેલા, કેમ્પસ ઇન્ટરવ્યૂમાં નોકરી માટે પસંદ થયેલા મારા બધા મિત્રોની પોસ્ટિંગ મુંબઈની બહાર થઈ હતી. હું એકલો જ હતો, જેને મુંબઈ સ્થિત કંપનીમાં નોકરી મળી હતી! સદ્દગુરુ આપણને અમુક વસ્તુઓ ભલે મોડી આપે છે, પણ ખરેખર તે મોડી આપવા પાછળ પણ કોઈ કારણ છુપાયેલું હોય છે અને તે તેમનું અકારણ કારુણ્ય હોય છે, જેને સમજવામાં મને આઠ મહિના લાગ્યા હતા. મને આઠ મહિના પછી પહેલી નોકરી મળી અને તે પછી મેં ક્યારેય પાછળ ફરીને જોયું નથી. પછી ઘણી નોકરીઓ મળતી ગઈ. બાપુજી દરેક માટે હંમેશા કંઈક ને કંઈક કરતા જ રહે છે, પણ ઘણી વાર તે આપણી સમજની બહાર હોય છે. આપણે જે વાતો ક્યારેય વિચારી પણ ન હોય, તે બધી સારી વાતો પણ સામે આવી જાય છે. આ દરેક ભક્ત પર તેમના દ્વારા કરવામાં આવેલી કૃપા છે. આ અનુભવ પછી, બાપુજી પ્રત્યે મારો વિશ્વાસ વધુ દૃઢ થતો ગયો અને મેં બાપુજીના કાર્યોમાં વધુ સક્રિયતાથી ભાગ લેવાનું શરૂ કર્યું. આ ૨૦૦૧નો મારો પહેલો અનુભવ હતો, જ્યાંથી ઘણી વાતો મારી સમજમાં આવવા લાગી.
હવે હું તમને મારો બીજો એક અનુભવ જણાવું છું. નાગપુરમાં અમારું એક 'રો હાઉસ' છે. મારા પિતાજી, અને ભાઈનો પરિવાર ત્યાં રહે છે. મારા પિતાજી બેંકના કામના કારણે, વર્ષમાં એક કે બે વાર મુંબઈ આવતા જ રહે છે. એ જ રીતે તેઓ ગયા મહિને મારા ભાઈ સાથે મુંબઈ આવ્યા હતા. મારી ભાભી તેમના પિયર ગઈ હતી. એટલે અમારું નાગપુરનું ઘર બંધ હતું. રવિવાર, ૧૪ જુલાઈએ નાગપુરમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. આ દરમિયાન, તે ઘરમાં ચોર ઘૂસ્યા અને તેમણે ઘરનો મુખ્ય દરવાજો અને પાછળનો દરવાજો તોડી નાખ્યો. રો હાઉસ બે માળનું છે. ચોરોએ બંને માળના બધા મુખ્ય દરવાજા તોડી નાખ્યા. કબાટો, સોફા, અહીં સુધી કે ચોરોએ દરેક વસ્તુ ખોલી અને બધો કીંમતી સામાન અને પૈસા એક થેલીમાં ભરી લીધા... પણ...! જો કોઈ બિલ્ડીંગના ફ્લેટમાં ચોરી થશે, તો તરત આજુબાજુવાળાને ખબર પડી શકે છે, પણ રો હાઉસમાં થયેલી ચોરી વિશે તરત જ કોઈને ખબર પડવી શક્ય નથી. અહીં પણ બાપુજીએ જ અમારી મદદ કરી. રસ્તાની સામેના ઘરની છત પરથી ત્યાંના લોકોએ જોયું કે અમારું ઘર ખુલ્લું છે. તેમને જ્યારે કોઈ શંકાસ્પદ ગતિવિધિ લાગી, ત્યારે તેમણે મારા ભાઈને ફોન કર્યો. જ્યારે તેમને ખબર પડી કે મારો ભાઈ પિતાજી સાથે મુંબઈમાં છે અને ભાભી પણ પિયર ગઈ છે, તો તેમણે શંકા વ્યક્ત કરી કે તમારા ઘરમાં કદાચ ચોરી થઈ છે. ભાઈએ ફોન કરતા મારી ભાભી તરત ઘરે પહોંચી. જુએ છે તો શું! ઘરનો બધો સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. પણ... પણ ચોરો દ્વારા ચોરાયેલો બધો કીંમતી સામાન એટલે કે પૈસા, ઘરેણાં અને અન્ય કીંમતી વસ્તુઓ હોલમાં સોફા પર જ રાખેલી મળી ! અરે... આવું કેમ થયું? ખરેખર થયું એમ હતું કે, મારા ભાઈની દીકરીના બધા રમકડાં એ જ સોફા પર એક થેલીમાં રાખેલા હતા. ચોરોએ ચોરાયેલો બધો કીંમતી સામાન એક થેલીમાં ભરીને તે સોફા પર જ રાખ્યો હતો. પણ ઘરથી ભાગતા સમયે તેમણે ઉતાવળમાં, ચોરાયેલી કીંમતી વસ્તુઓની થેલી સોફા પર જ છોડી દીધી અને તેના બદલે, ભૂલથી પેલી રમકડાંની થેલી ઉઠાવીને તેઓ ભાગી નીકળ્યા. મને વિશ્વાસ છે કે આ બધી બાપુજીની જ લીલા હતી. આ બાપુજીનું જ અકારણ કારુણ્ય છે કે ઘરમાં ચોર ઘૂસવા છતાં તેમણે અમારું કોઈ નુકસાન થવા દીધું નહીં. અમે એ જ માનીએ છીએ કે બાપુજીએ જ અમારા ઘરની રક્ષા કરી.
હવે મુંબઈ ક્યાં અને નાગપુર ક્યાં, બંને સેંકડો માઈલના અંતર પર છે. પણ સદ્દગુરુતત્વને કોઈ પણ અંતર નડતું નથી. આ જ કારણે અમારું, મુંબઈથી માઈલો દૂર હોવાવાળું ઘર બચી ગયું. આ જ છે બાપુજીની કરુણા, જે દરેક શ્રદ્ધાળુ ભક્ત પર નિરંતર વરસતી રહે છે. હું બાપુજીનો ઋણી છું અને હંમેશા રહીશ.
!! હરિ ૐ !! શ્રીરામ !! અંબજ્ઞ !!
Comments
Post a Comment