બુદ્ધિસ્ફુરણદાતા અનિરુદ્ધ!

બુદ્ધિસ્ફુરણદાતા અનિરુદ્ધ!

કોના પર કયો સમય ક્યારે આવશે તે નક્કી નથી હોતું. પરંતુ સદગુરુ અનિરુદ્ધના શ્રદ્ધાવાનો પર આવો સમય આવે ત્યારે, તેઓ સમય પહેલા જ કેવી રીતે દોડી આવે છે અને 'બુદ્ધિસ્ફુરણદાતા' બને છે, તે આ અનુભવ કહે છે.

------------------------

હરિ‌ ૐ. મારા પતિને આવેલો સદગુરુ અનિરુદ્ધ બાપુનો આ અનુભવ કોરોના મહામારીના લોકડાઉન સમયનો છે.

૪ જૂન ૨૦૨૦, રાત્રે ૯:૪૫ વાગ્યાની આસપાસ જમ્યા પછી મારા પતિ હોલમાં ટી.વી. જોતા બેઠા હતા. અમારા ઘરે રાત્રે પાણી આવતું હોવાથી અમે વહેલા જમી લઈએ છીએ. તે દિવસે પણ હંમેશની જેમ રાત્રે પાણી આવ્યા પછી હું પાણી ભરવાનું કામ અને રસોડાના બીજા કામ કરતી હતી. મારી ભત્રીજી પૂજા અમારી પાડોશમાં જ રહે છે. તેથી રોજ તેનું અમારા ઘરે આવવા-જવાનું હોય છે. મારી ભત્રીજી બહાર મારા પતિ સાથે વાતો કરતી બેઠી હતી. વાતો કરતા કરતા અચાનક તેની નજર તેમના ચહેરા પર ગઈ. ભત્રીજીએ તેમને પૂછ્યું, “કાકા, તમે તમારા મોંમાં કંઈ ભરી રાખ્યું છે કે શું? કારણ કે તમારો ચહેરો મને વાંકો લાગે છે”. તે તરત જ મારી પાસે પણ આવી અને મને પણ કહ્યું, ""કાકી, મને કાકાનો ચહેરો જરા વાંકો થયેલો લાગે છે”.

તેની વાત સાંભળીને હું તરત જ કામ પડતું મૂકીને બહારના રૂમમાં ગઈ. તેમની તરફ જોયું તો મને પણ તેમનો ચહેરો વાંકો થયેલો લાગ્યો. મારા મનમાં કંઇક અલગ જ શંકા આવવા લાગી. બીજા કોઈની સલાહ લીધા વગર મેં તરત જ બાપુના ફોટા સામે જોયું અને પ્રાર્થના કરીને તેમને પૂછ્યું, “બાપુ, હું હવે શું કરું”? તે જ ક્ષણે મારા મનમાં એક વિચાર આવ્યો. મારો વિશ્વાસ છે કે બાપુએ જ મને સંકટ આવતા પહેલા જ સચેત કરી દીધી હતી. મારા મનમાં વિચાર આવ્યો કે તેમને તરત જ એક પણ ક્ષણ બગાડ્યા વગર હોસ્પિટલમાં લઈ જવા. અત્યારે એ અત્યંત જરૂરી છે. મને જરા પણ ડર લાગતો નહોતો અને મારામાં એટલી હિંમત આવી કે મેં તેમને કહ્યું, “હું તમને તરત જ હોસ્પિટલમાં લઈ જવાની છું”. મને સતત એવું જ લાગતું હતું કે એક ક્ષણનો વિલંબ કદાચ તેમને મુશ્કેલીમાં મૂકી શકે છે. મેં તરત મારા ભાઈને ફોન કર્યો અને તેને કહ્યું કે તેમને હોસ્પિટલમાં લઈ જવા જરૂરી છે. જોકે એની આવાની રાહ જોયા વગર મેં તેમને તરત જ મારા ટુ-વ્હીલર પર બેસાડ્યા અને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ. મારું આ સાહસિક રૂપ જોઈને મારા પતિ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હોસ્પિટલમાં ગયા પછી ફક્ત ૮ થી ૧૦ મિનિટમાં જ તેમને અતિદક્ષતા વિભાગ (ICU) માં લઈ જવામાં આવ્યા. અતિદક્ષતા વિભાગમાં દાખલ કરવા જેટલી તેમની તબિયત બગડી ગઈ હતી. પણ બાપુએ તેમને તેની જરા પણ જાણ થવા દીધી નહિ. હોસ્પિટલના ડોક્ટરોએ પણ મને કહ્યું, “એક ક્ષણનો વિલંબ પણ ઘાતક સાબિત થઈ શક્યો હોત. તમે યોગ્ય સમયે પહોંચ્યા તેથી દર્દીને બચાવી શકાયો”. પતિને પેરાલિસિસનો હુમલો આવ્યો હતો.

મારા સાસરી પક્ષના લોકો દિલ્હીમાં સ્થાયી થયેલા છે. મેં તેમને ફોન કરીને પરિસ્થિતિની જાણ કરી. તેમને પણ સાંભળીને રાહત થઈ કે ખરાબ સમય ટળી ગયો હતો. મારા દિયર પણ મારા ઘરની બાજુમાં જ રહે છે. તેમની પાસે ગાડી હોવાથી તેમણે પણ મને કહ્યું, “મને જણાવ્યું હોત તો હું તરત જ તેમને લેવા આવ્યો હોત”. પછી મેં તેમને સમજાવ્યું કે આપણી પાસે તમે આવો ત્યાં સુધીનો પણ સમય નહોતો. એવું મને સતત અંદરથી લાગી રહ્યું હતું”. દિયરને તેમની ગાડી કાઢવામાં, તે પાર્કિંગમાંથી વાળવામાં તેમજ કપડાં અને બૂટ વગેરે પહેરવામાં સમય તો લાગ્યો જ હોત. તે પહેલા જ મારા પતિ હોસ્પિટલના અતિદક્ષતા વિભાગમાં સુરક્ષિત ટ્રીટમેન્ટ લઈ રહ્યાં હતા.

મારા મનમાં બાપુના ફોટા સામે જોયા પછી આવેલા પહેલા જ વિચારે તેમનું સંપૂર્ણ જીવન જ બદલી નાખ્યું. આગળ આવનાર સંકટ બાપુની કૃપાથી રોકી શકાયું હતું. હું ખૂબ જ આભારી છું.

હરિ ૐ શ્રીરામ અંબજ્ઞ

નાથસંવિધ

Comments