'પોતાનો આત્મવિશ્વાસ અને પોતાના સદ્ગુરુ પર દૃઢ વિશ્વાસ આ બંને બાબતો જીવનમાં આવશ્યક છે'. આ શ્રદ્ધાળુ મહિલાના આ ઉદગારો અત્યંત મહત્વપૂર્ણ છે. મૂળભૂત રીતે, સદ્ ગુરુ પરનો દૃઢ વિશ્વાસ જ આપણો આત્મવિશ્વાસ કેવી રીતે વધારે છે તે આ અનુભવ પરથી પ્રતીત થાય છે.
-------------------------------------------------
હરિ ૐ. સદ્ગુરુ અનિરુધ્ધ બાપુની કૃપાછાયા મારા સંપૂર્ણ પરિવાર પર નિરંતર રહે, એ જ અમારું પરમ ભાગ્ય છે એમ હું માનું છું. મારા પતિ વિરાજસિંહ ત્રાસી, દીકરો ગૌરવસિંહ ત્રાસી અને હું હોંગકોંગમાં રહીએ છીએ. અમને હોંગકોંગમાં સ્થાયી થયે આજે (એટલે કે આ અનુભવ વર્ણવતી વખતે) વીસ વર્ષ થયા છે. બાપુ પાસે આવ્યા પછી તેમના અનેક અનુભવો થયા છે. બાપુની સૌથી મોટી કૃપા એ જ છે કે તેમણે અમારા તરફ કોઈ મોટું સંકટ ક્યારેય આવવા દીધું નથી. તેમના ચરણોમાં અમે નતમસ્તક અને અંબજ્ઞ છીએ. શ્રીરામ.
દરેકના જીવનમાં અનેક સંકટો આવતા હોય છે. મારા જીવનમાં પણ આવા અનેક ઉતાર-ચઢાવ આવ્યા. દરેક વખતે બાપુ સાથે હોવાથી અમે બિન્દાસ રહેતા.
વર્ષ 2007 માં અમે હોંગકોંગમાં જ મારા પતિનો પચાસમો જન્મદિવસ ઉજવ્યો. તે દિવસે અમે પ્રેમથી બાપુની પાદુકાઓનું પૂજન કર્યું. એ પછી તરત જ અમારા ઘરમાં એક ભયંકર અકસ્માત થયો. સાસુમાને એક દિવસ સવારે 11 વાગે ખૂબ ભૂખ લાગી. ઠંડીના દિવસો હોવાથી મેં સાસુમાને કહ્યું, "આપણે ગરમાગરમ સમોસા ખાઈએ". હું તરત રસોડામાં ગઈ અને સમોસાની તૈયારી કરવા માટે ગેસ ચાલુ કર્યો અને એક નાની કડાઈમાં તેલ નાખી તેને ધીમા ગેસ પર મૂકી. અચાનક મને ફોનની રીંગ સંભળાઈ. જઈને જોઉં છું તો તે એક ખોટો ફેક્સ આવેલો હતો. મને ફેક્સ મશીનની માહિતી ન હોવાથી, ભૂલથી મેં એવું એક બટન દબાવ્યું કે એક પછી એક કાગળ ફેક્સ મશીનમાંથી બહાર આવવા લાગ્યા. હું તેના પર નિયંત્રણ કરી શકતી ન હતી. હું મૂળભૂત રીતે ભીરુ હોવાથી હું અતિશય ગભરાઈ ગઈ.
આ ગડબડમાં હું ગેસ ચાલુ છે એ જ ભૂલી ગઈ હતી. અચાનક થોડા સમયમાં જ મને કંઈક પડવાના અવાજ આવવા લાગ્યા. મેં વિચાર્યું કે બારીઓ ખુલ્લી હોવાથી કદાચ કંઈક નીચે પડ્યું હશે. અમે બેડરૂમમાં હતા. જ્યારે હું બેડરૂમમાંથી બારીઓ બંધ કરવા બહાર આવી ત્યારે મને રસોડામાંથી ધુમાડો આવતો દેખાયો. મારા રસોડાનો દરવાજો બંધ હતો. દરવાજો ખોલતા જ અંદરનું ભયાનક દ્રશ્ય જોયા પછી મને કડાઈ ગેસ પર મૂકી હતી એ યાદ આવ્યું. મેં ક્યારેય આવી મોટી આગ આ પહેલા જોઈ નહોતી. મારું આખું રસોડું ધુમાડા અને આગથી ભરાઈ ગયું હતું. જે અવાજ આવી રહ્યો હતો તે સીલિંગ પરની ટ્યુબલાઈટ અને બલ્બના ફૂટવાનો અવાજ હતો. તે ફૂટીને નીચે પડી રહ્યા હતા અને ગેસ રેન્જ પર જે ચિમની હતી તેના ટુકડા પણ બળીને નીચે પડી રહ્યા હતા.
હું અતિશય ગભરાઈ ગઈ હતી અને બાપુને કહ્યું, 'બાપુ તમે જ બધું ઠીક કરો'. ત્યાર પછી પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ મારામાં એવી રીતે આવી કે હું આગળ પાછળનો વિચાર કર્યા વિના રસોડામાં પ્રવેશી અને ગેસ બંધ કરીને બહાર આવી. ઇલેક્ટ્રિકલ બોક્સ અમારા રસોડામાં જ હોય છે. તે બંધ કરવાની મારી હિંમત ન થઈ કારણ કે આગ એટલી ફેલાઈ હતી કે મારી સામે રસોડાનો દરવાજો બંધ કરીને બહાર આવવા સિવાય કોઈ બીજો વિકલ્પ બચ્યો નહતો. સાસુમા મને સતત ધીરજ આપતા કહેતા હતા, "બાપુ આપણી સાથે છે, તેથી જરાય ગભરાઈશ નહીં ." તેથી હું પણ દ્રઢતાથી પ્રસંગને સંભાળી રહી હતી. મેં 999 નંબર ડાયલ કર્યો અને છઠ્ઠા માળેથી નીચે મેનેજમેન્ટ ઓફિસમાં દોડી ગઈ. માત્ર પાંચ જ મિનિટમાં અમારા ઘરે પોલીસ, હોસ્પિટલના કર્મચારી, ડોક્ટર અને એમ્બ્યુલન્સ હાજર હતા. વિદેશમાં પાડોશી કોણ રહે છે તે પણ ખબર હોતી નથી. તે દિવસે આશ્ચર્ય એવું કે અમારા પાડોશીઓએ પણ અમને મદદ કરી. આટલો મોટો અકસ્માત થયો છતાં અમારા બધાના ચહેરા પર એક વિશ્વાસનો ભાવ હતો અને અમને કંઈ જ વાગ્યું નહોતું. આ જોતા જ બધાને આશ્ચર્ય થયું.
મારા પતિએ ઘરમાલિકને ફોન કર્યો અને તેમને અકસ્માતની ગંભીરતા જણાવી. હોંગકોંગમાં નિયમો અતિશય કડક છે અને અમારા ઘરમાલિકનો સ્વભાવ પણ ખૂબ આકરો હતો. આટલું હોવાછતાં, શું નુકસાન થયું છે તે જોવા અથવા પૈસા લેવા પણ તેઓ ઘરે આવ્યા નહીં. ઉપરથી તેઓ કહેવા લાગ્યા, "જે કંઈ નુકશાન થયું હશે તે બધું સમારકામ તમે જ કરાવી લો". મોટા પ્રમાણમાં નુકશાન થયું હોવાછતાં કોઈને કંઈ જ વાગ્યું નહોતું. બાપુએ અમારી બધાની કાળજી લીધી હતી. નુકશાન મોટા પ્રમાણમાં હોવાછતાં અમે બધા સુરક્ષિત હતા. બાપુની અકારણ કરુણા જેને પ્રાપ્ત થાય છે તેના જીવનમાં સુખ, સમાધાન અને આનંદનો ઝરો ભરપૂર વહેતો રહે છે.
હવે મારો બીજો અનુભવ કહું છું. પોતાનો આત્મવિશ્વાસ અને પોતાના સદ્ ગુરુ પર દૃઢ વિશ્વાસ આ બંને વસ્તુઓ જીવનમાં આવશ્યક છે. આત્મવિશ્વાસ હોય તો આપણા જીવનના બધા જ કાર્યો સરળતાથી પાર પડે છે. સદ્ ગુરુ પરના વિશ્વાસથી ભક્તની શક્તિ અને આત્મવિશ્વાસ વધતો જાય છે. મારો આત્મવિશ્વાસ શરૂઆતમાં ઓછો હોવાથી મને હંમેશા અતિશય ભય લાગતો હતો.
તેમાં પાણીનો ભય તો સાવ નાનપણથી જ હતો. હું પાણીમાં ડૂબી રહી છું એવા પ્રકારના અનેક સપના મને કાયમ આવતા.
અમારા હોંગકોંગના ઉપાસના કેન્દ્રના એક પરિવારે બાપુની પાદુકાઓના પૂજનનું બોટ પર આયોજન કર્યું હતું. આ આનંદનો પ્રસંગ હતો, પણ મને માત્ર ભય લાગતો હતો. તેનું કારણ એ હતું કે આ માટે બોટ પર જવું પડે એમ હતું. એટલું જ નહીં, ૧૦૦ ફૂટ ઊંચે અમને ચાલતા જવાનું હતું. મારા પતિ જહાજ પર જ નોકરી કરતા હોવાથી તેમને કોઈ ફરક પડ્યો નહીં અને દીકરો તો બોટ પર, અને તે પણ એટલી ઊંચાઈ પર જવાનું હોવાથી ખૂબ જ ઉત્સાહમાં હતો. મારો તો ગભરાટ વધી ગયો હતો. મારા મનમાં વિચાર પણ આવી ગયો કે આમને પૂજન માટે બીજી જગ્યા ન મળી? મેં મનોમન બાપુને કહ્યું પણ ખરું, 'બાપુ, આટલી ઊંચાઈ પર તે પણ પાણીમાં જઈને પૂજન શા માટે કરવું છે આમને?' મારો દીકરો મને ધીરજ આપતો વારંવાર કહેતો હતો, "મમ્મી, જરાય ગભરાવાનું નથી. તું અમારા બંનેની વચ્ચે ચાલ". તેમજ પતિએ કહ્યું, "ઉપર ચડતી વખતે જરાય પાછળ ફરીને જોવાનું નથી". હું બાપુનું નામ લેતી ઉપર ચડી રહી હતી. એવામાં મુસળધાર વરસાદ પણ વરસવા લાગ્યો હતો. આ બધાને કારણે હું અતિશય ડરી ગઈ હતી.
અમે સુખરૂપ ૧૦૦ ફૂટ પર પહોંચ્યા અને ત્યાં મને એક ૭૦ વર્ષની વયના અમારા શ્રદ્ધાવાન મિત્રના માતા મળ્યા. તેઓ પણ અમારી જેમ જ ઉપર ચડીને આવ્યા હતા અને આનંદથી અમારા સ્વાગત માટે ઊભા હતા. તેમને મળતા જ મને પોતાની શરમ આવવા લાગી. હું પાણીથી ડરતી હતી પણ બાપુ મારી સાથે છે આ દૃઢ વિશ્વાસ જો મારામાં હોત, તો મારો આત્મવિશ્વાસ ચોક્કસ વધ્યો હોત. પણ હું માત્ર મારા જ ડરમાં ગૂંચવાયેલી હતી. બાપુની કૃપાથી આ ભૂલ મારા ધ્યાનમાં આવી. આ સિત્તેર વર્ષની સ્ત્રી જો આટલી ઊંચાઈ પર આવી શકે તો મારે ઊંચાઈ અને પાણીથી ડરવાનું કારણ શું? આ વિચાર આવતા જ હું પાદુકા પૂજનના ઉત્સવમાં આનંદથી સામેલ થઈ, કારણ કે મનના ભયનું રૂપાંતર બાપુ પરના વિશ્વાસમાં થઈ ગયું હતું.
તે દિવસથી મારી પાણીની ભીતિ જતી રહી અને સપના પણ બંધ થઈ ગયા. આત્મવિશ્વાસ વધવાથી હવે મારામાં ખૂબ સારો બદલાવ આવ્યો છે. ભીતિ અને ન્યૂનગંડને કારણે મારામાંથી અનેક સકારાત્મક વસ્તુઓ મેં ગુમાવી દીધી હતી. મારું લેખન અને આવા અનેક શોખ હું હવે શરૂ કરી શકી. બાપુ ભક્તિથી અનેક સમસ્યાઓ સરળતાથી હલ થાય છે. બાપુ પાસે એક જ માંગણી છે. 'બાપુ, તમારા પરનો મારો વિશ્વાસ આમ જ સદાય વધતો રહે એ જ તમારા ચરણોમાં પ્રાર્થના છે.'
ಕನ್ನಡ >> বাংলা >>
No comments:
Post a Comment