રામરક્ષા પ્રવચન ૯ - નવકમલદલસ્પર્ધિનેત્રં પ્રસન્નમ્

રામરક્ષા પ્રવચન ૯ - નવકમલદલસ્પર્ધિનેત્રં પ્રસન્નમ્

નવકમલદલસ્પર્ધિનેત્રં પ્રસન્નમ્ - ઘોર કષ્ટોમાંથી પ્રસન્નતા તરફ લઈ જનારું શ્રીરામનું ધ્યાન

નિસર્ગ – પરમેશ્વરનું જ એક સ્વરૂપ

સદગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ આ ‘રામરક્ષા સ્તોત્રમંત્ર’ માલિકાના ૯ માં પ્રવચનમાં કહે છે, ૨૦૦૫ નું નવું વર્ષ શરૂ થાય છે પણ આપણે તો હતા એવાને એવા જ છીએ. રાત્રે શાંત આકાશ તરફ જોતાં રહીએ તો મનને એક શાંતિ મળે છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ પંચમહાભૂતોથી બનેલું આ નિસર્ગ એટલે જ આ સગુણ સાકાર પ્રકૃતિ. તે પરમાત્માને સાદ પાડનારા અમે અને અમારા શબ્દો આ પંચમહાભૂતોથી જ બનેલા છે. નિસર્ગ સાથે અમારો સંબંધ ખૂબ નજીકનો હોય છે. પણ અમે તે ભૂલી જઈએ છીએ. આ નિસર્ગ એટલે અમને તે પરમાત્મા સાથે જોડનારું અને તે પરમાત્માને અમારી સાથે જોડનારું પરમેશ્વરનું જ એક સ્વરૂપ છે, તે પરમેશ્વરનો એક દૂત છે. આપણે તે ભગવાનની પ્રાર્થના હંમેશા સંકટ આવે તો એક ઉદ્દેશથી જ કરીએ છીએ કે ભગવાન મને બચાવ. તે આપણને બચાવવા જ દોડે છે, પણ આપણે જ તેની વિરુદ્ધ દિશામાં દોડીએ છીએ. પછી જ્યારે અમને આ સમજાતું બંધ થાય છે, ત્યારે જ અમારા કષ્ટ શરૂ થાય છે.

ઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્રનો પાઠ એટલે જ ‘અનિરુદ્ધાજ્ ઍકૅડમી ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ’

બાપુ કહે છે, ઘોરકષ્ટ એટલે જ Disaster. આધ્યાત્મિક સ્તર પર જે ઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્રનો પાઠ છે, તે જ અમારા વ્યવહારિક સ્તર પર ‘અનિરુદ્ધાજ્‍ ઍકૅડમી ઑફ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ’ છે. સંકટમાં નિસર્ગનું રૌદ્ર રૂપ સામે આવે કે એક ક્ષણમાં હતું ન હતું થઈ જાય છે. ત્યારે આપણું કોઈ જ મદદ માટે આવતું નથી. ફક્ત પરમેશ્વરનો વરદહસ્ત જ તેમાંથી બચાવી શકે છે. સદગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ પ્રવચનમાં સુનામીનું ઉદાહરણ આપ્યું. સમુદ્રકિનારે આનંદમાં રમતા લાખો લોકો એક ક્ષણમાં ગાયબ થઈ ગયા. બધા હાથમાં હાથ નાખીને ઉભા હતા, પણ અચાનક મોજું આવ્યું અને બધું પૂરું થયું. બચ્યા તે જ, જેમના પર દેવનો વરદહસ્ત હતો.

કોઈપણ જ્યોતિષીએ આ ભવિષ્યવાણી કરી ન હતી. પરંતુ તારનારો ’જે’ છે તેણે બતાવી દીધું કે હું આ સમુદ્ર પર પણ ખૂબ ઊંચો ઉભો છું. હું તમારી આંગળી પકડવા તૈયાર છું, પણ તમે મારી આંગળી પકડવા તૈયાર થવા જોઈએ. જો આપણે તેની આંગળી ન પકડીએ, તો કોઈ પણ ’બોટ’ આપણને તારી શકતી નથી.

બાપુ આગળ કહે છે કે આપણે ’ઘોરાત્કષ્ટાદુદ્ધરાસ્માન્નમસ્તે’ કહીએ છીએ પણ તેવી પ્રત્યક્ષ કૃતિ પણ મારાથી થવી જોઈએ. બેસિક ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કોર્સ (Aniruddha's Academy of Disaster Management) મારે કરવો જોઈએ. આપત્તિના સમયે વિચાર કરવાનો પણ સમય નથી હોતો; તૈયારી પહેલેથી જ કરી રાખવી પડે છે. અનેકવાર સંકટ આવ્યે, દેવને દોષ આપવો એ માનવની સૌથી મોટી ભૂલ હોય છે; દેવે અન્યાય નથી કર્યો. સંકટમાં પણ તે મારી સાથે ઉભો છે, તે મને પોતાની આંગળી પકડવા કહે છે. એટલે તેને દોષ આપવાનું બંધ કરીને તેની આંગળી પકડવી જોઈએ.


નામસ્મરણની સાથે કૃતિ પણ આવશ્યક

નામસ્મરણ મહત્વનું છે, પણ તે પ્રત્યક્ષ જીવનમાં કેવી રીતે ઉતારવું તે મહત્વનું છે. જીવનની મૂળભૂત જરૂરિયાતો (અન્ન, વસ્ત્ર) ભૂલીને નામસ્મરણ કરવું એટલે કે ભૂખ લાગે ત્યારે અન્નને બદલે ફક્ત ભગવાનનું નામ લેવું સામાન્ય માનવ માટે શક્ય નથી. પરંતુ સંકટમાં સપડાયા હોઈએ ત્યારે તે પરમેશ્વરને આપોઆપ સાદ પડે જ છે.

૨૦૦૭ પછી બનનારી અનેક ખરાબ ઘટનાઓ વિશે સદગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ અનેકવાર સાવધ કર્યા છે; આવી મોટી ઘટનાઓ માટે પોતાની તૈયારી, જાગરૂકતા અને પ્રયાસ આવશ્યક છે. બાપુ કહે છે કે હું અહીં તમને ગમે એવું બોલવા નથી આવતો, તમારા મનોરંજન માટે નથી આવતો પણ મારે જે બોલવું છે અને તમને સતર્ક અને સુસજ્જ બનાવવા છે, તેના માટે આવું છું. રામરક્ષા, ઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્ર, તેના કરેલા પાઠ ગુરુપૂર્ણિમાના દિવસે બાપુની ‘બેંક’માં જમા કરવા. એટલે સમય આવે ત્યારે તેના પર વ્યાજ આપવાનું બાપુ બરાબર જાણે છે. ‘અનિરુદ્ધાજ્‍ ઍકૅડમી ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ’માં દરેક જણ પોતાને તૈયાર કરો, એટલે આપત્તિ આવશે, તો તે દિવસે આપણે સુસજ્જ હોઈશું. જે મનથી ભક્તિ અને સેવા કરશે, તે જ આવા કઠીણ કાળમાં ટકી શકશે.


નવકમલદલસ્પર્ધિનેત્રં પ્રસન્નમ્ – રામના નયનોમાંની પ્રસન્નતા

પછી બાપુએ ધ્યાનમંત્રમાંના ’નવકમલદલસ્પર્ધિનેત્રં પ્રસન્નમ્’ આ શ્લોકનો અર્થ સમજાવ્યો. આ રાજીવલોચન રામના નયન એ હમણાં જ ખીલેલા કમળની પાંખડીઓ જેવા પ્રસન્નતા અને નવી ઊર્જા આપનારા છે. માણસની આંખો ક્યારેય ખોટું બોલતી નથી, તેમાંની ભાવનાઓ સાચી હોય છે અને ભક્ત માટે રામની આંખોમાં ક્યારેય ક્રોધ દેખાશે નહીં અથવા તે આંખો ભક્તને અશાંતિ આપશે નહીં. જો ક્યારેય ક્રોધ નીકળ્યો તો પણ તે ભક્તોને પ્રસન્ન કરનારો જ હશે. માનવની આંખો એ જ્ઞાનેન્દ્રિય છે, દૃશ્ય સૃષ્ટિ જોઈને તેમાંથી જ્ઞાન અંદર લેનારી છે; તો એકમેવ એવા આ રામની આંખો માત્ર આપનારી છે. પ્રસન્નતા, શાંતિ આપનારી છે. લૌકિક દ્રષ્ટિએ રામની પાંખડીઓ બિડાતી હશે પરંતુ તેની આંખો માત્ર ક્યારેય બંધ થતી નથી અને આવા રામનું અમારે ધ્યાન કરવાનું છે. ખીલતું કમળ એ ભારતીય સંસ્કૃતિમાં પવિત્રતાનું, પ્રસન્નતાનું પ્રતીક માનવામાં આવેલું છે. મારું જીવન આવું ખીલવું જોઈએ અને તેના માટે જ વિશ્વામિત્ર ઋષિ એટલે કે બુધકૌશિક ઋષિ મને રામનું ધ્યાન કરવા કહી રહ્યા છે.


ભગવાન મારો અને હું ભગવાનનો – ‘સ્પર્ધિનેત્રં પ્રસન્નમ્’

આ શ્લોકનો આગળનો શબ્દ એટલે ’સ્પર્ધિનેત્રં પ્રસન્નમ્’. બાપુ કહે છે કે આ સ્પર્ધા શબ્દ માત્ર રામ માટે નથી પણ માનવ માટે છે. આ ભગવાન જેમ મારા માટે છે તેમ હું પણ આ ભગવાન માટે જ છું. ભગવાન મારો છે, તો પહેલાં મારે ભગવાનનું થવું જોઈએ, આ તે સ્પર્ધા છે. મારા મનમાં રહેલા રામ માટેનો ભાવ અને પ્રત્યક્ષ રામ એમના વચ્ચેની આ સ્પર્ધા છે. પ્રત્યક્ષ રામ અનંત છે, વિશાળ છે. મારા મનમાંનો રામ હું કેવી રીતે બનાવું છું તેના પર બધું નિર્ભર છે. મારા મનમાં મારા પરમેશ્વર વિશે જે મારી ભક્તિ છે, ભાવ છે, મારા મનમાં જે પરમેશ્વરની મૂર્તિ મેં તૈયાર કરી છે તે મારે બદલવી જોઈએ. એટલે શું? કે પરમેશ્વર મારું ભલું કરશે કે નહીં એવો વિચાર ન કરતાં, આ મારો પરમેશ્વર છે, આ મારો અને હું તેનો છું, આ મારું કલ્યાણ કરવા માટે જ છે અને હું મારું કલ્યાણ કરાવીને જ રહીશ. હું મારા જીવનમાં અનેક સંકટોનો સામનો કરીશ પણ મને ખાતરી હશે કે સંકટોમાં મારી પાછળ, મારી આજુબાજુ, મારી આગળ મારો આ રામ ઉભો જ હશે, એકસો આઠ ટકા હશે જ અને આ પ્રેમાળ છે. આ જેટલો પ્રેમ કરે છે તેટલો મને એના પર પ્રેમ કરતાં નથી આવડતું. પહેલાં આપણે આ માન્ય કરીએ અને આપણો પ્રેમ વધુ ને વધુ વધારવાનો પ્રયત્ન કરીએ. સર્વ માનવો પર પરમાત્મા સમાન પ્રેમ કરે છે. આ પ્રેમ આપતી વખતે આપણી જાત, ધર્મ, અમીરી કે હું કેટલો પાપી છું તેનો તેને કોઈ જ ફરક પડતો નથી. તે દરેકને તક આપવા તૈયાર છે. પરંતુ આ તેની કૃપા લેવા માટે, આ તક સ્વીકારવા માટે મારે મારા મનમાં જે ભગવાનની પ્રતિમા છે તે બરાબર સાકાર કરવી જોઈએ; સ્પર્ધિનેત્રંપ્રસન્નમ્ માં જે સ્પર્ધા છે તે સ્પર્ધા એટલે સસલા અને કાચબાની વાત.


સસલા-કાચબાની વાત – પ્રયાસ અને પ્રારબ્ધ વચ્ચેની સ્પર્ધા

આ પછી બાપુએ આપણા ઉપનિષદોમાંથી જ આવેલી વાર્તા, સસલા અને કાચબાની વાર્તા કહી. સસલું એટલે અમારા પરમેશ્વર પ્રાપ્ત કરવાના પ્રયાસ અને કાચબો એટલે અમારું પ્રારબ્ધ. પ્રયાસ અને પ્રારબ્ધ એમની સ્પર્ધા છે. પ્રયાસ એ પરમેશ્વરને સાક્ષી રાખીને જ હોઈ શકે અને કાચબો ચાલવાનું (એટલે કે પ્રારબ્ધ) પોતાનું કામ કરતું જ રહે છે. અમારે પરમેશ્વરને સાક્ષી રાખીને દોડવું જ જોઈએ, માત્ર તેના માટે આવશ્યક શું છે? તો જાગરુક રહેવું. આ સ્પર્ધા નિર્ણય કરે છે કે જીવનમાં મને પ્રસન્નતા મળશે કે નહીં? જે અર્થમાં હું સંકટમાં છું તે અર્થમાં મારું સસલું ઊંઘી ગયું છે અને મારો કાચબો આગળ જઈ રહ્યો છે, કારણ કે તે જતો જ રહે છે. અમે ‘કૂર્મગતિ’ શબ્દ કાચબાની ગતિ માટે એટલે કે પ્રારબ્ધના કૂર્મની ગતિ માટે વાપરીએ છીએ. આ જ કૂર્મની પીઠ પર અમૃતમંથન થાય છે, જેમાંથી વિષ પણ નીકળે છે અને અમૃત પણ નીકળે છે. પણ આ વિષ પીવા માટે શિવ પ્રસન્ન હોવા જોઈએ અને અમૃત વહેંચવા માટે તે વિષ્ણુ પ્રસન્ન હોવા જોઈએ. તો વિષ્ણુ અને શિવનું એકરૂપ સ્વરૂપ એવો જે હરિહર છે, ત્રિવિક્રમ છે; તે જ એ સદગુરુ મારા આયુષ્યમાં જો મક્કમ ઉભો હશે, તો મને વિષનો ડર નથી અને અમૃત માટે લાચાર બનવાની આવશ્યકતા નથી. તે મને બધું આપવા સમર્થ છે. ખરી દોડવાની તાકાત તો સસલાની જ વધારે છે. એટલે શું? તો માનવી પ્રયાસ, માનવી પરિશ્રમ એ પ્રારબ્ધ કરતાં વધારે તાકાતવાન છે. પરંતુ, ગતિ વધારીને કોઈ એક તબક્કે પહોંચ્યા પછી આપણે ઊંઘો કાઢીએ છીએ એટલે તે પ્રારબ્ધનો કાચબો અમારા કરતાં આગળ નીકળી જાય છે અને અમારા આખા જીવનને વ્યાપી લે છે આ મારે સમજવું જોઈએ.


સસલાને (પ્રયાસને) સદૈવ જાગરુક અને પ્રસન્ન રાખનારો - રામ

આ સસલાને સદૈવ જાગરુક રાખનારો, અમને તાજામાજા રાખનારો આ રામ જ છે અને જ્યારે અમે પ્રસન્ન હોઈએ છીએ ત્યારે જ તાજામાજા રહી શકીએ છીએ. પ્રસન્નતાને કારણે જ અમારા શોકનો નાશ થાય છે, અમારા ખેદનો નાશ થાય છે, અમારી ચિંતાનો નાશ થાય છે. અમને પરમેશ્વરે માનવજન્મ આપ્યો છે એટલે અમારા પરિશ્રમ, પ્રયાસ એ સસલાના છે. મનુષ્ય છોડીને બાકીના બધા પ્રાણીઓ માત્ર ભોગયોની છે. પોતાનું પ્રારબ્ધ બદલવા માટે તેમને કોઈ પ્રયાસ કરતાં નથી આવડતા. પણ અમે પ્રાણી જેવું વર્તીએ છીએ, અમે જનાવર જેવું વર્તીએ છીએ એટલે અમારી બાબતમાં પણ ઉલ્ટું થાય છે. અમારા પરિશ્રમ કાચબા જેવા રહે છે અને અમારું પ્રારબ્ધ સસલાની ગતિથી આગળ જાય છે. આ સ્પર્ધા ઉલ્ટી થવી જોઈએ. કાચબાને જેમ ચાલવું છે તેમ તેની ગતિથી ચાલવા દો પણ સસલું માત્ર હજારો માઈલ આગળ જ નીકળી ગયું હોવું જોઈએ. જ્યાં તુલના જ નથી એવી આ સ્પર્ધા છે. પણ ક્યારે? જ્યારે હું રામનું ધ્યાન કરીશ ત્યારે જ.

બાપુ પ્રવચનના છેલ્લે કહે છે, "આગળનો શબ્દ સૌથી સુંદર છે, ’વામાગ્ઙારુઢસીતામુખકમલમિલલ્લોચનં’ અહીં પણ આંખોનો સંબંધ છે અને ‘મુખકમલ’ પણ છે. પણ કોનું, તો સીતાનું. કારણ કે રામની પ્રસન્નતા એટલે જ સીતા જે આખા જગતની ક્રિયાશક્તિ છે." આગળના પ્રવચનમાં તેઓ આ શ્લોકનું સવિસ્તર વિવેચન કરવાના જ છે.

Comments