રામરક્ષા પ્રવચન ૮ - પીતં વાસો વસાનં

રામરક્ષા પ્રવચન ૮ - પીતં વાસો વસાનં

પીતં વાસો વસાનં : રામરક્ષા ધ્યાનમંત્રમાંનો સગુણ-નિરાકાર ભાવ

રામરક્ષા ધ્યાનમંત્ર - “પીતં વાસો વસાનં” નો અર્થ

સદ્‍ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ ‘રામરક્ષા સ્તોત્રમંત્ર’ માલિકાના ૮ માં પ્રવચનમાં જણાવે છે કે, રામરક્ષાના ધ્યાનમંત્રમાં ‘પીતં વાસો વસાનં’ આ શબ્દો પીળા વસ્ત્ર ધારણ કરેલાં રામનું વર્ણન કરે છે. પીળો રંગ એ રામના એટલે કે મહાવિષ્ણુના, તે સદ્‍ગુરુતત્ત્વના ગુણધર્મો સાથે અભિન્ન રીતે જોડાયેલો છે.

સંત જનાબાઈના એક અભંગની ‘નાચતા નાચતા હરિચા પીતાંબર સુટલા, સાવર સાવર દેવા ઐસે કબીર બોલલા’ (નાચતા નાચતા હરિનું પીતાંબર છૂટી ગયું, સંભાળ, સંભાળ દેવા એમ કબીર બોલ્યા) આ પંક્તિનો આધ્યાત્મિક અર્થ સ્પષ્ટ કરતાં બાપુ જણાવે છે કે પાંડુરંગનું પીતાંબર છૂટે છે એટલે જ્યારે ભક્ત નામમાં, ભજનમાં, નાચમાં પૂર્ણ તલ્લીન થાય છે, ત્યારે દેવનું સગુણ રૂપ એટલે કે તેનું બાહ્ય આવરણ દૂર થાય છે અને તેનું ખરું મૂળ સ્વરૂપ દેખાવા લાગે છે. પણ ભક્ત તે સહન કરી શકતો નથી. તેથી સંત કબીર બોલે છે “દેવા, સંભાળ!”

સગુણ-સાકાર અને નિર્ગુણ-નિરાકાર આ બંને રૂપો સમાન શ્રેષ્ઠ છે, પણ તેમની વચ્ચેનો એક પ્રાંત છે – સગુણ નિરાકાર. જેમ પવન દેખાતો નથી પણ અનુભવાય છે, તેમ આ સગુણ નિરાકાર પ્રાંત છે. આ સગુણ નિરાકાર પ્રાંત એટલે જ “પીત વસ્ત્ર”, તેથી રામનું પીળું વસ્ત્ર એ ફક્ત કપડાં નથી, પણ દેવનું મૂળ સ્વરૂપ અને તેનું સગુણ રૂપ આના વચ્ચેનું આચ્છાદન છે.


ભક્તિમાંની તલ્લીનતા - અજ્ઞાનના પડદા દૂર કરનાર ક્ષણ

આ મૂળ પરમાત્મા સગુણ સાકાર બનીને આવેલાં હોય છે અને છતાં તેનું મૂળ રૂપ જોવાની ભક્તોની ઇચ્છા હોય જ છે. પરંતુ સંપૂર્ણ અષ્ટભાવોથી, ભક્તનું શરીર, મન, બુદ્ધિ, પંચપ્રાણ, આત્મા, બધું જ ફક્ત આ ભગવાનના નામસ્મરણમાં, ધૂનમાં જ્યારે તલ્લીન થાય છે, તે જ ક્ષણે ભક્તને પરમાત્માનું એક એક સ્વરૂપ દેખાવા લાગે છે. ભક્ત ભક્તિમાં ભાન ભૂલતો નથી, તલ્લીન થતો નથી, ત્યાં સુધી અજ્ઞાનના પડદા દૂર થવું શક્ય નથી.

સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ આગળ જણાવે છે કે, ભગવાનની મૂર્તિપૂજા ફક્ત ફૂલો ચઢાવવા, પાણી અર્પણ કરવા, એટલા સુધી મર્યાદિત નથી. ખરી પૂજા ત્યારે જ તે ભગવાન સુધી પહોંચે છે, જ્યારે મનમાં ભાવ આવે છે કે આ ફક્ત મૂર્તિ નથી પણ મારો ભગવાન જ છે. આ ભાવ એટલે જ સગુણ-નિરાકાર ભાવ અને આ સગુણ નિરાકારતા એટલે જ ‘પીતવસ્ત્ર’. જ્યારે આ ભાવ દૃઢ થાય છે ત્યારે ભક્ત બેભાન બને છે અને પરમાત્માનું એક એક સગુણ સ્વરૂપ ભક્ત સામે આપોઆપ પ્રગટ થવા લાગે છે અને તેનાથી પણ આગળ જઈને, મને તેના નિર્ગુણ નિરાકાર સ્વરૂપની પણ પ્રતીતિ આવે છે. વેદ જણાવે છે – ‘નેતિ નેતિ’ – એટલે કે આવું નથી, તેવું પણ નથી અને એમ કહેતાં કહેતાં ભક્તને ખરો અનુભવ પ્રાપ્ત થાય છે. જેમ એકાદા માણસ વિશે આપણને ખબર પડે કે ખરાબ નથી, પછી આપોઆપ સમજાય છે કે તે સારો જ છે.

તે જ પ્રમાણે પરમેશ્વર વિશે સગુણ-નિરાકાર ભાવ અમારા મનમાં ઉત્પન્ન થાય છે અને સ્થિર થાય છે, અમારા પ્રાણોમાં સ્થિર થાય છે અને આપણને ખબર પડે છે કે આ મૂર્તિ નથી, આ તો પરમાત્મા જ છે, આ મારો દેવ જ છે, આ બધું જ કરી શકે છે. આ મારી દરેક વાત સાંભળે જ છે, જુએ જ છે, આને બધું ખબર પડે જ છે, આ ભાવ જેમ મારો દ્દઢ થતો-થતો એકસો આઠ ટકા થાય છે, તે ક્ષણે પીતાંબર છૂટે છે.


ભક્ત અને ભગવાનની વચ્ચેનો ‘અંતરપાટ’ એટલે પીતવસ્ત્ર

પીતવસ્ત્ર એટલે ભક્ત અને ભગવાન વચ્ચેનો અંતરપાટ. લગ્ન લાગે ત્યાં સુધી પતિ-પત્ની વચ્ચે એક અંતર હોવું જોઈએ એટલે વચ્ચે એક વસ્ત્ર ધરવામાં આવે છે તેને અંતરપાટ કહેવાય છે. લગ્નમાંનો આ અંતરપાટ જેમ ’શુભમંગલ સાવધાન’ બોલ્યા પછી દૂર થાય છે, તેમ જ ભક્ત અને ભગવાનની વચ્ચેનું અંતર ભક્તિ અને ધ્યાનથી દૂર થાય છે. પરમેશ્વર અને હું. એમાં હું જેટલો પરમેશ્વરથી દૂર છું, તે અંતર એટલે માયા અને જેટલો હું પરમેશ્વરની નજીક છું, તે નિકટતા એટલે શુદ્ધવિદ્યા. અમારા બંનેની વચ્ચે જે આ પડદો છે, આ જે અંતર છે, તે મારે તેનું જ એટલે કે તે રામનું જ ધ્યાન કરીને, તેના તે પીતવસ્ત્રનું ધ્યાન કરીને દૂર કરવાનું છે.

આ પછી બાપૂએ વારકરી સંપ્રદાયના સંત જનાબાઈની વાર્તા દ્વારા પીતાંબર પાછળનો ભાવ સમજાવ્યો. બુધકૌશિક ઋષિ આ રામરક્ષામાં જણાવે છે કે આ પીતવસ્ત્રધારી રામનું ધ્યાન સગુણ-નિરાકાર ભાવમાં કરવું. અમારો ભાવ, અમારી ભક્તિ મોટાભાગે કંઈક મેળવવા માટે એટલે કે સાકાર અને કામ્યભક્તિ હોય છે – આટલું મળ્યું તો ભક્તિ, નહીં તો બીજા દેવ. પણ પરમેશ્વર એક જ છે, ‘સબકા માલિક એક’. તેથી ભક્તિ ફળ માટે નહીં પણ પરમેશ્વરને પ્રાપ્ત કરવા માટે હોવી જોઈએ. દેવને આપણે આકારમાં અટકાવવો ન જોઈએ; તે ‘કેશવ’ છે – એટલે કે આકૃતિથી પર છે. ભક્તિ એ નિરાકાર ભાવ તરફ લઈ જનારી હોવી જોઈએ.


પીતવર્ણ - પરમેશ્વરી શક્તિના ઉદયનો રંગ

રામ અને કૃષ્ણ આ બંને પીળું પીતાંબર ધારણ કરે છે. આ પીળો રંગ એટલે પરમેશ્વરી શક્તિના ઉદયનો રંગ છે. જેમ સૂર્ય ઊગતી વખતે સોનેરી પીળો રંગ પ્રગટ થાય છે, તેમ આ પીતવર્ણ એટલે પરમેશ્વરી શક્તિનું પ્રગટીકરણ. રામ સૂર્યવંશી જ છે, સાક્ષાત્ સૂર્ય જ છે. આ આકાશમાં દેખાતો સૂર્ય એટલે રામ નથી, પણ આવા અનંત સૂર્યોનો જે સૂર્ય છે, જે સવિતૃ છે તે રામ છે. રામનું ધ્યાન કરતી વખતે, મારી આંખો સામે અથવા મનમાં આ પીતવસ્ત્ર જ્યારે દેખાવા લાગશે ત્યારે મારા મનમાં આ જ પ્રાર્થના કરવી જોઈએ કે ‘પીતવસ્ત્ર એટલે રામનો ઉદય’. હું ‘પીતં વાસો વસાનં’ કહું છું, ત્યારે મારા મનમાં રામનો ઉદય થતો હોય છે. તેથી જ રામરક્ષાના ધ્યાનમંત્રમાં ‘પીતં વાસો વસાનં’ આવ્યું છે.

પરમેશ્વર અને પરમેશ્વરની કૃપા આ અલગ વસ્તુઓ નથી. તેથી જ મારા મનમાં રામનો ઉદય થયો એટલે તેમની કૃપા થઈ જ. આ માટે મારે ‘સગુણ નિરાકાર’ ભાવનું પીતાંબર ધારણ કરવું જોઈએ. હું જે ક્ષણે તે પીતાંબર ધારણ કરીશ તે જ ક્ષણે હું તે રામનું ધ્યાન બરોબર રીતે કરી શકીશ. રામનું પીતાંબર ધારણ કરવું એટલે રામનો જે ભાવ ભક્ત વિશેનો છે, તેવો મારો ભાવ પરમેશ્વર વિશે હોવો જોઇએ.


પીતવર્ણ - દરેક માનવનો ખરો કૈવારી (સહાયક)

આ પીતવર્ણ આપણો સાથ ક્યારેય છોડતો નથી. જ્યારે દેહમાંથી પ્રાણ નીકળી જાય છે, ત્યારે પંચપ્રાણ સાથે તે માણસનું અંતઃકરણ અને લિંગદેહ લઈને જાય છે. આ લિંગદેહનો વર્ણ પણ પીળો જ હોય છે. નવા જન્મમાં પણ લિંગદેહ સાથે આ જ રંગ હોય છે. તેથી જ પીળું પીતાંબર એટલે આપણો ખરો કૈવારી. મારા લિંગદેહને પણ સુરક્ષિત રીતે દેહની બહાર લઈ જનારો, ત્યાંથી પાછો નવા જન્મમાં મને લાવનારો આ પીતવર્ણ, આ પરમેશ્વરના અંગ પરના વસ્ત્રનો રંગ બનેલો આ પીળો રંગ, આ સંપૂર્ણ પૃથ્વીને શક્તિ પૂરી પાડનારા આ સૂર્યના ઉદયનો રંગ ધરાવતો આ પીતવર્ણ અને તેથી જ મારા રામનું ધ્યાન કરતી વખતે ‘પીતં વાસો વસાનં’ એટલે પીળું વસ્ત્ર ધારણ કરનારો રામ મારી આંખો સામે આવવો જોઈએ.

Comments