રામરક્ષાનો સાચો વિનિયોગ - ફક્ત મારા રામ માટે જ કરેલી સાધના.
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ ‘રામરક્ષા સ્તોત્રમંત્ર’ ક્ષેણીના છઠ્ઠા પ્રવચનમાં જણાવે છે કે, આપણે રામરક્ષાના આ સ્તોત્રમંત્રનો પાઠ શા માટે કરવો જોઈએ, તે જણાવતો શ્લોક એટલે 'શ્રીરામચન્દ્રપ્રીત્યર્થે જપે વિનિયોગ:।' મારા પાઠનો વિનિયોગ એટલે કે ઉપયોગ આ મારા રામચંદ્ર માટે જ થવો જોઈએ, આ રામચંદ્રની પ્રીતિ (પ્રેમ) પ્રાપ્ત કરવા માટે જ થવો જોઈએ એવી પ્રાર્થના કરતો આ શ્લોક છે. રામરક્ષાનો પાઠ, એ પોતાના ફાયદા માટે નહીં, પણ રામ માટે અને રામના પ્રેમ માટે કરેલી સાધના છે. ભગવાન માટે કરેલું કાર્ય અનંત ગણું ફળ આપે છે.
બાપુએ ઉદાહરણો આપીને કહ્યું કે, જેમ બીજ વાવવાથી અનેક ગણો પાક મળે છે, તેમ પોતાના ફાયદાનો ત્યાગ કરીને દેવ માટે કરેલું કાર્ય અનંત ગણું ફળ આપનારું ઠરે છે. ફક્ત મળેલું બધું ધાન્ય તરત જ વાપરવાને બદલે તેમાંથી બે મુઠ્ઠી 'ધાન્ય' બાજુ પર રાખીને, તેને યોગ્ય રીતે વાવવાથી જ ભરપૂરની પ્રાપ્તિ થાય છે. એટલા માટે જ જ્યારે હું રામરક્ષા ‘રામ’ માટે કહું છું, ત્યારે જ રામચંદ્ર મને શું આપવાનું, કેવી રીતે આપવાનું અને ક્યારે આપવાનું તથા શું નથી આપવાનું તે નક્કી કરે છે. કારણ કે તે બધું જ જાણે છે.
રામકૃપાની બૅંક અને જીવનની ખરી સંપત્તી -
જો મારી પાસે અનેક બૅન્ક્સના ડેબીટ કાર્ડ્સ હશે, પણ બૅન્કમાં પૈસા જ નહીં હોય તો તે કાર્ડ્સ મારા કામના નથી. મને સારું આરોગ્ય મળ્યું છે, શિક્ષણ મળ્યું છે, સારું ઘર છે, તો આ બધી વસ્તુઓ એટલે આ કાર્ડ્સ અને બૅન્કમાંનો સંગ્રહ એટલે મારા પર રહેલી પરમેશ્વરની કૃપા. આ પરમેશ્વરની કૃપા એ 'અક્ષય સંગ્રહ' છે અને તે હોય તો જ હું મારા કાર્ડ્સ વાપરી શકું છું. આ પરમેશ્વરની કૃપા એટલે તે રામનો મારા પરનો પ્રેમ. રામનો પ્રેમ એ જ જીવનની સાચી સંપત્તિ છે.
અકારણ કરૂણા, ભક્તિની ગંગાજળી અને પ્રારબ્ધનું દેવું -
સદ્ગુરુ બાપુએ કહ્યું કે પરમેશ્વરની અકારણ કરૂણા (બિનશરતી કરુણા) દરેકના જીવનમાં જન્મથી જ હોય છે, પણ તે આપણે કેટલી ઉડાડીએ છીએ અથવા તેની કેટલી બચત કરીએ છીએ અને નવી સંપત્તિ કેટલી મેળવીએ છીએ, તે આપણા પર નિર્ભર છે. ધનસંપત્તિ દેવે નિર્માણ કરી, પણ તેનો ઉપયોગ, ચલણવ્યવસ્થા અને નિયમ માનવે નક્કી કર્યા. આપણે મળેલી સંપત્તિ ઉડાડી દઈએ છીએ અને નવી કમાતા નથી, તેથી ભક્તિની બૅન્ક ખાલી થઈ જાય છે અને ઉલ્ટું આપણા પર પ્રારબ્ધનું દેવું ચઢે છે. સંકટ આવતાં આપણે દેવની ભક્તિ કરવાનું શરૂ કરીએ છીએ અને તરત જ ફળ મળે એવી અપેક્ષા રાખીએ છીએ, પરંતુ દેવાને કારણે પહેલાં થયેલું 'ડેફિસિટ' એટલે કે ખોટ ભરપાઈ કરવી જરૂરી છે. જ્યારે હું મારા ફાયદા માટે કામ્યભક્તિ કરું છું, ત્યારે તેનું ફળ મર્યાદિત હોય છે અને 'ડેફિસિટ' ભરતાં સમય લાગે છે. પણ જ્યારે હું ભક્તિથી દૂર થઈ ગયો છું, એવી જાણ મનમાં ઉત્પન્ન થાય અને તેની કૃપા પ્રાપ્ત કરવા માટે હું ભક્તિ કરું છું, ત્યારે મારી બૅન્કમાં આવેલી ગંગાજળી (મૂડી) ઝડપથી ભરાવા લાગે છે.
ખરી ભક્તિ - દેવ સાથે અખંડ સંબંધ જોડવાનું સાધન -
ખરી ભક્તિ એ ફક્ત લાભ માટે ન હોવી જોઈએ, પણ પોતાની ભૂલો સ્વીકારીને, દેવ સાથે અખંડ સંબંધ જોડવા માટે હોવી જોઈએ. બુધકૌશિક ઋષિએ રામરક્ષાનો ઉદ્દેશ ફક્ત શ્રીરામચંદ્રની પ્રીતિ માટે કહ્યો છે. રામરક્ષાના આરંભે "અથ ધ્યાનમ્" એટલે રામચંદ્રના સગુણ, સાકાર રૂપને નજર સામે રાખીને, આ મારા પિતા છે અને આ વિશ્વના એકમાત્ર ત્રાતા (રક્ષક) છે, તે ભાવથી, પ્રેમથી અને એકાગ્રતાથી ધ્યાન કરવું જરૂરી છે.
‘આજાનુબાહુ’ રામ અને માનવની શરીરરચના -
બુધકૌશિક ઋષિએ રામરક્ષામાં 'આજાનુબાહું' એટલે જેના હાથ ઘૂંટણ સુધી લાંબા છે એવા શ્રીરામનું વર્ણન કર્યું છે. બાપુ કહે છે કે માનવ એ અન્ય પ્રાણીઓ કરતાં અલગ છે. પહેલાં માનવ ચાર પગ પર ઘસડાતો હોય એવી પરિસ્થિતિમાં અન્ય પ્રાણીઓ જેવો હતો. પરંતુ માનવે જ્યારે ઊભા રહેવાનું પસંદ કર્યું અને તે તેને વધુ અનુકૂળ લાગ્યું, ત્યારે હાથના કાર્ય અને હાથના કાર્યની દિશા બદલાવવાને કારણે હાથની લંબાઈ, પગની લંબાઈ કરતાં ઓછી થઈ ગઈ. માનવ બે હાથ અને બે પગવાળું તથા સીધું ઊભું રહેનારું (ઇરેક્ટ) પ્રાણી છે. એટલે કે તેના પગ અને હાથના કાર્ય સંપૂર્ણપણે અલગ થઈ ગયા છે. બે હાથનું કામ બે પગ કરી શકતાં નથી, બે પગનું કામ બે હાથ કરી શકશે નહીં. શરીર રચનાની આ વિશેષતાઓ માનવને ખાસ બનાવે છે.
માનવશરીરના શક્તિકેન્દ્રોની અદ્ભૂત રચના -
માનવ શરીરમાં મુખ્ય સાત ચક્રો સાથે ૧૦૮ શક્તિકેન્દ્રો છે, તેમાંથી ૨૭ નાભિની નીચે છે, જ્યારે ૮૧ નાભિની ઉપર છે. કોઈ પણ શક્તિકેન્દ્ર જેમ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, તેમ અન્ય લોકોની સાથે પણ કાર્ય કરે છે અને જ્યારે એકનું કાર્ય શરૂ હોય અને બીજાનું પણ કાર્ય શરૂ હોય, ત્યારે આ બંને શક્તિકેન્દ્રો એકબીજાના કાર્યને ક્યાંય પણ વિરોધ ન કરે એવી અનોખી રીતે એમની રચના કરવામાં આવી હોય છે. બંને હાથમાં મળીને ચૌદ અને બંને પગમાં મળીને ચૌદ એવા ગણ્યાગાંઠ્યા શક્તિકેન્દ્રો છે. પગમાં રહેલા જે ચૌદ શક્તિ કેન્દ્રો છે, તે ઘૂંટણથી નીચે છે. ઘૂંટણથી સાથળના ભાગ સુધી એકપણ શક્તિ કેન્દ્ર નથી અને હાથમાં રહેલા શક્તિ કેન્દ્રો તો દંડથી લઈને આંગળીઓ સુધી બધે છે. હાથની લંબાઈ હંમેશા ઘૂંટણ સુધી જ જશે, તેનાથી આગળ નહીં જાય તેની કાળજી લેવામાં આવી અને તેથી ચાલતી વખતે થતાં હલનચલનમાં આ શક્તિકેન્દ્રોનું એકબીજા સાથે થતું ઘર્ષણ, તે વાઇબ્રેશન્સનું થતું ઘર્ષણ ટાળવામાં આવ્યું.
વિચાર, ભક્તિ અને શક્તિકેન્દ્રોનું કાર્ય -
સારો વિચાર કરવાથી અથવા ભક્તિ કરવાથી અલગ પ્રકારનાં શક્તિકેન્દ્રો જાગૃત થાય છે અને ખરાબ અથવા ખોટો વિચાર કરવાથી અલગ પ્રકારનાં શક્તિકેન્દ્રો જાગૃત થાય છે. સામાન્ય માનવને તે બરોબર રીતે ક્યાં છે, કેવી રીતે કાર્ય કરે છે તે ખબર પડતી નથી. પણ પરમાત્માની અકારણ કરૂણાને કારણે આ બધી રચના સંઘર્ષરહિત હોય છે.
પરમાત્મા જ્યારે સગુણ સાકાર રૂપ લે છે, ત્યારે તેમનામાં પણ તેવાં જ શક્તિ કેન્દ્રો હોય છે, તેમની રચના કંઈ અલગ હોતી નથી. પરંતુ તેમના શરીરમાંના બધાં શક્તિકેન્દ્રો એક જ સમયે પૂર્ણ જાગૃત અને સમતોલ અવસ્થામાં હોય છે અને તેમની ઇચ્છા અનુસાર આ શક્તિકેન્દ્રો વર્તે છે. એટલા માટે જ આ રામને આપણી પાસેથી કશું લેવાનું હોતું નથી, ફક્ત આપવાનું જ હોય છે અને ગમે તેટલું આપે તો પણ તે રામની પાસેથી ક્યારેય ખૂટતું નથી.
સગુણ-સાકાર અને નિર્ગુણ-નિરાકાર : સમાન શ્રેષ્ઠતા
સદ્ગુરુ અનિરુદ્ધ બાપુ આગળ જણાવે છે કે પરમાત્મા સગુણ-સાકાર દેહ ધારણ કરે છે કારણ કે સામાન્ય માનવને નિર્ગુણ-નિરાકાર રૂપનું ધ્યાન અને ભક્તિ કરવી શક્ય નથી. સગુણ-સાકાર અને નિર્ગુણ-નિરાકાર, પરમાત્માના આ બંને રૂપ સમાન રીતે શ્રેષ્ઠ છે.
જ્ઞાનેશ્વરે અને રામદાસે પોતાના ગ્રંથોમાં તેને 'અદ્વૈત' જણાવ્યું હોવા છતાં, તેમણે સગુણ સાકાર સ્વરૂપની જ ભક્તિ કરી.
ભક્તોને સહજતાથી સ્પંદનો (વાઇબ્રેશન્સ) મળતાં રહે, એટલાં માટે જ પરમાત્મા અવતાર લેતાં રહે છે. તેમના શરીરમાંના બધાં શક્તિકેન્દ્રો જાગૃત હોય છે, એટલે તેમને જે પ્રમાણમાં સ્પંદનો આપવાના હોય, તે પ્રમાણમાં તે ભક્તોને પ્રતિત થાય છે. સ્વામી સમર્થ જેવા મહાપુરુષોના રૂપ વિશે લોકો ભૌતિક મોજમાપ કરે છે કે તેમના હાથ ઘૂંટણ સુધી લાંબા હતાં કે તેનાથી વધારે લાંબા હતાં. પણ તેમનું મોજમાપ કરનાર આપણે કોણ? તેમને જ્યારે જરૂર હોય, ત્યારે તેઓ પોતાનું અજાનુબાહુ, સહસ્રબાહુ કે વિશ્વરૂપ જેવાં વિવિધ સ્વરૂપો બતાવી શકે છે.
‘બદ્ધપદ્માસનસ્થં’- શબ્દાર્થ અને આધ્યાત્મિક અર્થ -
બુધકૌશિક ઋષિએ 'ધ્યાયેદાજાનુબાહું બદ્ધપદ્માસનસ્થં' એમ કહ્યું છે. અજાનુબાહુ એટલે ઘૂંટણ સુધી પહોંચતાં હાથ અને બદ્ધપદ્માસન નો અર્થ ફક્ત યોગમુદ્રા નથી પણ તે અજાનુબાહુ રૂપ સાથે જોડાયેલો છે. સંસ્કૃતમાં 'બદ્ધપદ્માસનસ્થં' આ શબ્દનો અર્થ ખૂબ જ અલગ છે. ઘણીવાર ઢોંગી માણસો સંસ્કૃતના શબ્દોનો પોતાની સગવડ મુજબ અર્થ કાઢે છે. આ સમજાવવા માટે બાપુએ ગુણાધ્યાય નામના રાજાની એક વાર્તા કહી. આ વાર્તા દ્વારા તેમણે સમજાવ્યું કે સંસ્કૃતના શબ્દોનો વિકૃત અથવા ખોટો અર્થ લગાવવાથી કેવી રીતે ગેરસમજ અને અંધશ્રદ્ધા ઉત્પન્ન થાય છે. એટલા માટે જ શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથ લખતી વખતે સંસ્કૃત વાક્યરચના અત્યંત સુસ્પષ્ટ રાખવામાં આવી, જેથી કોઈ વિકૃત અર્થ ન લગાવે.
'બદ્ધપદ્માસનસ્થં' આ શબ્દ ફક્ત યોગનું આસન નથી, પણ કમળ પર બેઠેલા રામના રૂપ સાથે જોડાયેલો છે. આ અજાનુબાહુ હોવાને કારણે તેના શરીરનો કોઈ પણ ભાગ હોય, પગનો હોય કે હાથનો હોય, તેમાં કોઈ પણ ફરક નથી. તેનો આધ્યાત્મિક અર્થ એવો છે કે રામના શરીરનું દરેક શક્તિકેન્દ્ર અન્ય બધાં શક્તિકેન્દ્રોનું કાર્ય કરી શકે છે.
કમળ - જીવનવિકાસનું પ્રતિક
સામાન્ય માનવમાં પ્રત્યેક શક્તિકેન્દ્ર ફક્ત પોતાનું કામ કરે છે. પણ રામનું પ્રત્યેક શક્તિકેન્દ્ર બધાં શક્તિકેન્દ્રોનું કામ કરી શકે છે. એટલા માટે જ તે 'અજાનુબાહુ' છે. રામને તેમની કૃપા જો કોઇ ભક્તને પ્રદાન કરવી હોય, તો તેને તે ભક્ત તરફ જોવાની પણ જરૂર નથી. રામ ક્યાંય પણ હોય, ગમે તે અવસ્થામાં બેઠેલા હોય કે ઊભા હોય, તો પણ તેમની કૃપા ભક્તને તેમની ઈચ્છા અનુસાર પ્રાપ્ત થાય જ છે.
બુધકૌશિક ઋષિએ આપણને રામનું ધ્યાન કરવા બાબત કહેતી વખતે, બધા બંધનો તોડી નાખ્યા છે. તેઓ કહે છે કે ધ્યાન કરતી વખતે જો મને આખો રામ દેખાતો ન હોય, ફક્ત તેનો કાન કે નખ કે વાળ દેખાતાં હોય, તો તેનું પણ ધ્યાન કરી શકાય છે. રામના એક અવયવના ધ્યાનથી પણ અખંડ રામનો અનુભવ થઈ શકે છે. તેથી રામનું ધ્યાન જેમ કરી શકો તેમ કરો. કારણ કે રામનું પ્રત્યેક શક્તિકેન્દ્ર અન્ય બધાં શક્તિકેન્દ્રોનું કાર્ય કરી શકે છે.
રામ 'બદ્ધપદ્માસનસ્થં' છે, એટલે કે કમળ પર બેઠેલા છે. કમળ એ જીવનના વિકાસનું પ્રતીક છે, કાદવમાંથી ઊગીને, લાંબી દાંડી ઉપર લઈને સીધું આકાશ તરફ ખીલનારું. માનવે પોતાનું જીવન પણ આ કમળ જેવું બનાવવું જોઈએ. ગમે તેટલા પાપ થયા હોય, ભૂલો થઈ હોય તો પણ કાદવમાંથી ઉપર આવતાં રહેવાનું અને સતત પોતાનો વિકાસ કરતાં રહેવાનો અને એકવાર જો આપણું જીવન આ કમળ જેવું બની ગયું, તો આ રામ મારા આ કમળ પર બેસવા માટે બદ્ધ છે. રામને ન બોલાવ્યા હોવા છતાં તે પોતે, આ કમળ પર આવીને સ્થિર થવાના જ છે.
ધ્યાનની ફળશ્રુતી - દુર્ગુણોનો નાશ
બુધકૌશિક ઋષિ કહે છે કે ધ્યાન કરતી વખતે ફોટામાં ભલે રામ સિંહાસન પર બેઠાં હોય, તો પણ એવું માનો કે તે મારા જીવન પર બેઠાં છે. ‘બદ્ધપદ્માસનસ્થં’ એટલે રામનું આસન બીજું કંઈ નહીં, પણ આપણું પોતાનું જીવન છે. તેમજ મારું હૃદય પણ કમળનું જ પ્રતીક છે અને તે હૃદયમાં પણ તે જ બેઠેલાં છે. આ જ ખરું રામનું ધ્યાન થશે.
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ પ્રવચનના અંતે કહે છે કે ધ્યાનથી આપણા દોષો, દુર્ગુણોનો નાશ થાય છે અને જીવન મધુર, સુંદર બને છે. જેમ દહીંને બારીક કપડાંથી ગાળી લીધા પછી તેમાંથી દુર્ગંધ દૂર થઈને તેમાંથી મધુર અને સુગંધી શ્રીખંડ તૈયાર થાય છે, તેમ જ ભક્તિ અને ધ્યાનથી આપણા દુર્ગુણો દૂર થાય છે. કપિલમુનિએ તેમના કપિલ સ્તોત્રમાં કહ્યું છે કે માનવના આત્મામાં જે કંઈ ખરાબ છે, તે પુરુષ (એટલે કે પરમેશ્વર) અને પ્રકૃતિ (એટલે કે તે પરમેશ્વરની ભક્તિ)ના સંયોગથી નાશ પામે છે. અંતઃકરણ શુદ્ધ થાય છે. આ પુરુષ અને પ્રકૃતિના સંયોગ માટે ધ્યાનની આવશ્યકતા છે અને આ રામરક્ષા સ્તોત્રમંત્રમાં જ ધ્યાન કેવી રીતે કરવું તે કહેવામાં આવ્યું છે.
.png)
Comments
Post a Comment