'શ્રીદત્ત કરુણાત્રિપદી'ના પહેલા પદનો અર્થ

'શ્રીદત્ત કરુણાત્રિપદી'ના પહેલા પદનો અર્થ

શાંત હો શ્રીગુરુદત્તા। મમ ચિત્તા શમવી આતા॥ (ધ્રુવપદ)

હે શ્રીગુરુદત્તા, તમે હંમેશા શાંત જ રહો છો. તમને ક્રોધ આવવો શક્ય જ નથી. પરંતુ ભક્તોના હિત માટે તમે જે ક્રોધ ધારણ કર્યો છે, તેનાથી મને ડર લાગે છે. હે શ્રીગુરુરાયા, કૃપા કરીને મારા મનમાંનો ડર શાંત કરો. મારું ચિત્ત જે ભયથી, ભીતીથી, અસ્થિરતા અને અસુરક્ષાથી ગ્રસ્ત છે, તેને શાંત કરો, આ બધાનું શમન કરો.

તૂ કેવળ માતાજનિતા। સર્વથા તૂ હિતકર્તા।

તૂ આપ્તસ્વજન ભ્રાતા। સર્વથા તૂચિ ત્રાતા॥

ભયકર્તા તૂ ભયહર્તા। દંડધર્તા તૂ પરિપાતા।

તુજવાચુનિ ન દુજી વાર્તા। તૂ આર્તા આશ્રય દાતા॥ (૧)

હે શ્રીગુરુરાયા, કેવળ તમે જ મારા માતા-પિતા છો, એટલે કે મને જન્મ આપનારા અને મારું પાલન-પોષણ કરનારા પણ તમે જ છો. તમે જ મારા બધી રીતે હિત કરનારા છો. તમે જ મારા સાચા આપ્ત છો, તમે જ મારા સગા-સંબંધી, મારા ભાઈ પણ છો. તમે જ મારું સર્વસ્વે રક્ષણ કરનારા છો.

અમારા કલ્યાણ માટે પ્રસંગે ભય ઉત્પન્ન કરનારા, અમને ભય દેખાડનારા તમે જ છો અને ભય હરણ કરનારા પણ તમે જ છો અને તે માટે જ તમે હાથમાં દંડ ધારણ કર્યો છે અને શિક્ષામાંથી બચાવનારા, ક્ષમા કરનારા પણ તમે જ છો. તમારા સિવાય બીજું કોઈ જ મારું નથી અને તમારા સિવાય બીજું કંઈ મને ખબર નથી. મારા જેવા દુઃખી-કષ્ટી પીડિતોનાં, સંકટગ્રસ્તોનાં આશ્રયદાતા તમે જ છો. હે શ્રીગુરુદત્તા, તમે જ અમ આર્તજનોનાં એકમાત્ર આશ્રયકર્તા છો.

અપરાધાસ્તવ ગુરુનાથા। જરી દંડા ધરીસી યથાર્થા।

તરી આમ્હી ગાઉનિ ગાથા। તવ ચરણીં નમવૂ માથા॥

તૂ તથાપિ દંડિસી દેવા। કોણાચા મગ કરૂ ધાવા?।

સોડવિતા દુસરા તેંવ્હા। કોણ દત્તા આમ્હાં ત્રાતા?॥ (૨)

હે શ્રીગુરુનાથા! અમારા અપરાધોને, દુર્વર્તનોને, પાપોને શિક્ષા કરવા માટે, એટલે કે અમારું કલ્યાણ કરવાના હેતુથી તમે હાથમાં દંડ ધારણ કર્યો છે. આ ભલે યોગ્ય હોય, છતાં અપરાધી અમે તમારું નામસંકીર્તન કરીને, તમારા ચરિત્રનું, લીલાઓનું ગુણગાન કરીને તમારા ચરણોમાં નતમસ્તક થઈને તમને શરણે આવ્યા છીએ.

તે છતાંય જો દેવ તમે અમને દંડિત કરશો, તો પછી અમે, તમારા બાળકોએ, કોને સાદ આપવી? હે શ્રીગુરુદત્તા! તમારા સિવાય અમને અપરાધોમાંથી, દુઃખ-કષ્ટોમાંથી, યાતનાઓમાંથી છોડાવનાર અને અમારું રક્ષણ કરનાર બીજું કોણ છે? કોઈ જ નહીં.

તૂ નટસા હોઉનિ કોપી। દંડિતાંહિ આમ્હી પાપી।

પુનરપિહી ચુકત તથાપિ। આમ્હાંવરી નચ સંતાપી॥

ગચ્છત: સ્ખલનં ક્વાપિ। અસે માનુનિ નચ હો કોપી।

નિજ કૃપાલેશા ઓપી। આમ્હાંવરી તૂ ભગવંતા॥ (૩)

ખરેખર તો તમે ક્યારેય તમારા બાળકો પર કોપ કરતા નથી. કોઈ નટની જેમ અમારા કલ્યાણ માટે તમે ગુસ્સે થયાનો અભિનય કરી રહ્યા છો. તે નટની જેમ જ ક્રોધ ધારણ કરીને તમે અમને પાપી જીવોને શિક્ષા કરો છો. તેમ છતાં, ન સુધરેલા અમે અજ્ઞાનીઓ ફરી ફરી તે જ ભૂલો કરતા રહીએ છીએ. એટલા માટે જ, હે શ્રીગુરુદત્તા, અમે તમારી પ્રાર્થના કરીએ છીએ કે તમે અમારા પર ક્રોધિત ન થશો.

'ગચ્છત: સ્ખલનં ક્વાપિ' એટલે કે રસ્તા પર ચાલનારો માણસ જ જે રીતે ચાલતા ચાલતા ક્યારેક લપસી પડે છે, તે જ રીતે અમારાથી કર્મો કરતા સમયે ભૂલો થઈ શકે છે અને થાય પણ છે, આ જાણીને તમે અમારા પર ક્રોધિત ન થશો. હે ભગવન્! તમારી કૃપા અમારા પર વરસાવો, કારણ કે તમારી કૃપાનો લવલેશ પણ અમારો ઉદ્ધાર કરવા માટે સમર્થ છે.

તવ પદરી અસતા તાતા। આડમાર્ગી પાઉલ પડતાં।

સાંભાળુનિ માર્ગાવરતા। આણિતા ન દુજા ત્રાતા॥

નિજ બિરુદા આણુનિ ચિત્તા। તૂ પતીતપાવન દત્તા।

વળે આતા આમ્હાંવરતા। કરુણાઘન તૂ ગુરુદત્તા॥ (૪)

હે ભક્તપિતા શ્રીગુરુ દત્તાત્રેય! તમારા ચરણકમળોનો આશ્રય લીધા બાદ જો અમારું પગલું આડેમાર્ગે પડે એટલે કે અમે ખોટું વર્તન કરીએ તે છતાંય તમે અમને સંભાળીને સુખેથી ફરી યોગ્ય માર્ગ પર લાવો છો. એવો અમારો બીજો કોઈ પણ તારણહાર નથી.


હે પતિતપાવન શ્રીગુરુદત્તા, કરુણાઘન, તમારા આ બ્રીદને ચિત્તમાં ધારણ કરીને અમારા પર તમારી કૃપા અખંડ વરસાવતા રહો.

સહકુટુંબ સહપરિવાર। દાસ આમ્હી હે ઘરદાર।

તવ પદીં અર્પૂ અસાર। સંસારાહિત હા ભાર।

પરિહારિસી કરુણાસિંધો। તૂ દીનાનાથ સુબંધો।

આમ્હા અઘલેશ ન બાધો। વાસુદેવપ્રાર્થિત દત્તા॥ (૫)

શ્રીગુરુ દત્તાત્રેય, અમે સહકુટુંબ, સહપરિવાર તમારા જ દાસ છીએ. આ નશ્વર અને ક્ષણભંગુર સંસારની, ઘર-પરિવારની આસક્તિ, અમારા કર્મ એટલે કે અમારા સમગ્ર વિકાસમાં આડે આવનારો ભાર છે, જે અમારું અહિત કરનાર છે. અમારો આ સમગ્ર ભાર અમે તમારા ચરણોમાં અર્પણ કરીએ છીએ.

હે ગુરુરાયા! હે કરુણાના સાગર! તમે અમ દીનોના નાથ છો, અમારા હિતચિંતક છો. તમે અમારા સર્વ દુઃખ-ક્લેશોનો, દુષ્પ્રારબ્ધનો, અનુચિતનો સંપૂર્ણ પરિહાર કરો છો. હે દત્તાત્રેય! તમારી સેવામાં અમારા પા્પોને અંશમાત્ર પણ બાધા બનવા ન દેશો, એવી હું વાસુદેવ (પરમપૂજ્ય પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી) તમને પ્રાર્થના કરું છું.

Comments