રામરક્ષા પ્રવચન – ૩ | અનુષ્ટુપ્‌છંદ: – એક વિલક્ષણ ભક્તિ રહસ્ય, વ્યાકરણની પેલે પારનું!

રામરક્ષા પ્રવચન – ૩ | અનુષ્ટુપ્‌છંદ: – એક વિલક્ષણ ભક્તિ રહસ્ય, વ્યાકરણની પેલે પારનું!


‘છંદ’ એટલે શું – અનુષ્ટુપ્ છંદનું સ્વરૂપ અને ઉત્પત્તિ

રામરક્ષા આ સ્તોત્રમંત્ર પરના પ્રવચનમાં સદગુરુ અનિરુદ્ધે ‘અનુષ્ટુપ્ છંદઃ’ આ લીટી પરથી ‘છંદ’ એટલે શું તે પહેલાં જણાવ્યું છે. બાપુ જણાવે છે કે, "છંદ" એટલે કવિતા અથવા સ્તોત્ર તૈયાર કરતી વખતે ઉપયોગમાં લેવાતી વિશિષ્ટ રચના પદ્ધતિ. રામરક્ષા "અનુષ્ટુપ્" છંદમાં રચાયેલી છે. આ છંદ દરેક ચરણમાં ૮ અક્ષરોવાળા ૪ ચરણોથી બને છે — એટલે કે કુલ ૩૨ અક્ષરોનો.

આ છંદનો ઉદ્ભવ વાલ્મીકિ ઋષિએ સંબોધન કરેલ ક્રોંચ પક્ષીની જોડીની કથામાંથી થયો. એક ક્રોંચ પક્ષી અને તેની પત્નીનો વિરહ જોઈને તેમના હૃદયમાંથી આપોઆપ જે શબ્દો નીકળ્યા, તે જ અનુષ્ટુપ છંદમાં હતા અને પછી તેમણે રામાયણ આ જ છંદમાં લખ્યું. તેથી આ છંદ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ છંદ ‘ગાયત્રીપુત્ર’ અને ‘છંદયોનિ’ તરીકે પણ ઓળખાય છે. સદગુરુ અનિરુદ્ધ આગળ જણાવે છે કે રામરક્ષાનું આ છંદરૂપ અને રચનાકથા સમજીએ તો આપણે જે કહીએ છીએ તે શબ્દો પાછળનું સાચું સૌંદર્ય, અર્થ અને શક્તિ વધુ સારી રીતે અનુભવી શકીએ છીએ.


ઉપદેશ અથવા ગ્રંથમાંનું કોઈપણ માર્ગદર્શન સ્વીકારતી વખતે મહત્ત્વની બાબતો

બાપુ આગળ જણાવે છે કે, કોઈપણ ઉપદેશ અથવા ગ્રંથમાંનું કોઈપણ માર્ગદર્શન સ્વીકારતી વખતે આપણે નીચેની બાબતો જોવી પડે છે:

આ ઉપદેશ આપનાર વ્યક્તિ પર અથવા ગ્રંથ પર આપણને વિશ્વાસ છે કે કેમ?

આ ઉપદેશનું આપણા જીવન પર થનાર પરિણામ.

ઉપરની બાબતો એક મૂળભૂત વાત પર આધાર રાખે છે અને તે એટલે કે તે વ્યક્તિનો અથવા ગ્રંથકર્તાનો આપણા પર રહેલો પ્રેમ.

પ્રેમ વિના આપેલી સલાહ અસરકારક હોતી નથી. જ્યારે ઉપદેશ પ્રેમથી આવે છે, ત્યારે તે હૃદયને સ્પર્શે છે અને જીવન બદલે છે.

અનુષ્ટુપ્ છંદ – પ્રેમમાંથી નિર્માણ થયેલો છંદ

રામરક્ષા સ્તોત્રમાંનો "અનુષ્ટુપ્ છંદ" એ આ જ પ્રેમનું પ્રતીક છે. વાલ્મીકિ ઋષિનો ક્રોંચ પક્ષી સાથે કોઈ જ નાતો ન હોવાછતાં ક્રોંચ પતિ-પત્નીના વિરહથી વ્યથિત થઈને એમણે જે શબ્દોમાં અભિવ્યક્તિ કરી, તેમાંથી જ આ છંદ જન્મ્યો અને આ છંદને કારણે તે મૃત ક્રોંચને પણ ફરી જીવનદાન મળ્યું. તો પછી અનુષ્ટુપ્ છંદમાંના રામરક્ષાના પઠણથી આપણે આપણું દુષ્પ્રારબ્ધમય જીવન બદલી ન શકીએ?

આ અનુષ્ટુપ્ છંદ રામરક્ષાની દરેક લીટીમાં છે; અને એટલા માટે જ આ છંદ આપણી મૃત થઈ ગયેલી ભાવના, પ્રેમ અને શ્રધ્ધા ફરી સજીવ કરવાની તાકાત આપે છે. પરંતુ તે માટે આપણા મનમાં રામ પર પ્રેમ હોવો જરૂરી છે.


ભક્ત અને ભગવાન વચ્ચેનું દ્વૈત દૂર કરનારી સંત ચોખામેળા અને સંત બંકા મહારની કથા

ત્યારબાદ સદગુરુ અનિરુદ્ધે વારકરી સંપ્રદાયના શ્રેષ્ઠ સંત ચોખામેળા અને સંત બંકા મહારની કથા કહી. સંત ચોખામેળા અને સંત બંકા મહાર એ એકબીજાને જ પોતાના ગુરુ માને છે અને આ પ્રેમમાં, અહંકારરહિત અવસ્થામાં તેઓ ખોવાઈ જાય છે. મુક્તાબાઈ તેમને જણાવે છે કે “ગુરુ બનવા કરતાં શિષ્ય રહેવામાં વધુ આનંદ છે”. છેવટે રખુમાઈ હસ્તક્ષેપ કરે છે અને બંનેને અદ્વૈતની સ્થિતિમાં લાવે છે –

બંને એકબીજા સાથે સંપૂર્ણપણે એકરૂપ થઈ જાય છે. આ અદ્વૈત પાંડુરંગની કૃપાથી અને અનુષ્ટુપ્ છંદના માધ્યમથી થાય છે. આ કથામાંથી સદગુરુ અનિરુદ્ધ સાબિત કરે છે કે આ છંદ માત્ર રચના નથી, પરંતુ ભક્તિ દ્રઢ કરીને ભક્ત અને ભગવાન વચ્ચેનું દ્વૈત દૂર કરનારો પ્રેમનો સેતુ છે.


અનુષ્ટુપ્ છંદ અને ભગવાનની જવાબદારી

અનુષ્ટુપ્ છંદનું મહત્ત્વ જણાવતાં સદગુરુ અનિરુદ્ધે સ્પષ્ટ કર્યું કે, જે કોઈ ભક્ત આ છંદ સાચા મનથી બોલે છે, ત્યારે ભગવાન સાથે એકરૂપ થવાની જવાબદારી તે ભક્ત પર રહેતી નથી, પરંતુ ભક્તને પોતા સાથે એકરૂપ કરી લેવાની જવાબદારી સ્વયં પરમેશ્વર લે છે. તેથી જ અનુષ્ટુપ છંદમાંનું આ રામરક્ષા સ્તોત્ર અત્યંત પ્રભાવી છે.


સુંદરકાંડ – હનુમાનની ભક્તિનું શિખર

રામાયણમાંનું ‘સુંદરકાંડ’ એ રામાયણનું સૌથી સુંદર કાંડ માનવામાં આવે છે. આ ભાગમાં હનુમાનની અદ્વિતીય ભક્તિ અને સેવાભાવનું વર્ણન છે. સીતાના શોકને દૂર કરનારા તેઓ “સીતાશોકવિનાશક” કહેવાયા. સીતાએ રામને કરેલી પ્રાર્થના એટલે કે, "દીનદયાળ બિરુદુ સંભારી, હરહુ નાથ મમ સંકટભારી" આ એક શ્રેષ્ઠ પ્રાર્થના છે કારણ કે આ ભક્તિરૂપીણી સીતાએ રામની નાથ તરીકે, દેવ તરીકે કરેલી પ્રાર્થના છે અને તે પ્રાર્થના રામ સુધી પહોંચાડનારા સાક્ષાત્ રામદૂત હનુમાન છે.

હનુમાનનો ત્યાગ, શુદ્ધ ભક્તિ, નમ્રતા અને તેમનો રામ અને સીતામાતા પરનો પ્રેમ તેને શ્રેષ્ઠ ભક્ત બનાવે છે. તેઓ ફક્ત મુખેથી રામનામ લેતા નથી, પરંતુ તેમના રોમેરોમમાં રામ ઠાંસી ઠાંસીને ભરેલા છે. તેથી જ તેમને 'સીતાશોકવિનાશક' અને આદર્શ ભક્ત માનવામાં આવે છે.


યયાતિ અને રામની વિલક્ષણ કથા

પ્રવચનના અંતમાં બાપુએ જણાવેલી રામભક્ત યયાતિની કથા તેની રામ પરની ભક્તિનું સૌંદર્ય દર્શાવે છે. યયાતિ નામનો એક રાજા, જે રામનો ગાઢ મિત્ર અને ભક્ત હોય છે, દુર્વાસા ઋષિ ક્રોધિત થઈને રામ પાસેથી યયાતિના વધનું વચન લે છે. સીતા, યયાતિની પત્નીને સંદેશ મોકલીને સાવધ કરે છે, પણ પોતાની અવતારધર્મની સીમા તે ઓળંગતા નથી. તે જ સમયે અંજની માતા પાસેથી તેમના પુત્રને – એટલે કે હનુમાનને યયાતિનું રક્ષણ કરવા માટે વચન લેવામાં આવે છે. તેથી રામ અને હનુમાન વચ્ચે યુદ્ધનો સમય આવે છે. રામનું બાણ હનુમાનની છાતીમાંથી આરપાર નીકળી જાય છે અને તે જ ક્ષણે રામ મૃત્યુ પામે છે. કારણ કે હનુમાનના હૃદયમાં રામ જ છે. છેવટે સીતાના કહેવાથી રામ ફરી સજીવ થાય છે. આ કથા બતાવે છે કે જે રીતે હનુમાનના હૃદયમાં રામ, લક્ષ્મણ, સીતા છે તે જ રીતે રામના હૃદયમાં પણ હનુમાન છે. આ હનુમાનની ભક્તિનું સૌંદર્ય છે, તેથી જ આ સુંદરકાંડ ખૂબ સુંદર છે.


સુંદરકાંડ – સ્વયંભૂ અનુષ્ટુપ્ છંદ અને પરાવાણીનો ધ્વનિ

સુંદરકાંડ સ્વયંભૂ અનુષ્ટુપ્ છંદમાં રચાયેલું છે. સદગુરુ અનિરુદ્ધે ‘અનુષ્ટુપ્’ શબ્દનો એક મહત્ત્વનો અર્થ જણાવ્યો છે કે, અનુષ્ટુપ્ એટલે એવો ધ્વનિ કે જે કશાનો પણ સ્ફોટ કરતો નથી, જે કંઈ પણ ફોડતો નથી, જે ફોડીને બહાર આવતો નથી એવો. અવાજ ઉત્પન્ન કરવા માટે આપણે સ્ફોટ કરવો પડે છે અથવા આપણે એક ધાતુ પર બીજી ધાતુ અથવા ધાતુ પર લાકડાની પટ્ટી મારવી જ પડે છે. અનુષ્ટુપ્ એવો ધ્વનિ છે જે કોઈ પણ આઘાત વિના ઉત્પન્ન થાય છે એટલે કે પરાવાણીનો શબ્દ. તુલસીદાસે સુંદરકાંડ ઉચ્ચાર્યું નથી પરંતુ તેમને તે હનુમાને પ્રત્યક્ષ થતાં બતાવ્યું અને તે પોતે હનુમાને લખ્યું. તુલસીદાસના હનુમાન પરના પ્રેમથી અને તેમના મનના ભાવ જાણીને હનુમાને કરેલી રચના એટલે સુંદરકાંડ, તેથી આ સુંદરકાંડ જ સંપૂર્ણપણે અનુષ્ટુપ્ છે. આ રામરક્ષા અનુષ્ટુપ્ છે, આ સંપૂર્ણ રામાયણ અનુષ્ટુપ્ છે. કારણ કે રામ જ અનુષ્ટુપ્ છે. ગાયત્રીનો પુત્ર તે જ અનુષ્ટુપ્, તે જ શ્રીરામ.

Comments